સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો

Jagjit-Singh_03જગજિત સિંહને તમે પૂછો કે તમને પહેલવહેલીવાર ક્યારે લાગ્યું કે આ ક્ષેત્રમાં હવે જબરદસ્ત સફળતા મળી રહી છે, ત્યારે તમને એ કહેશે ‘સફળતા? સફળતા હજુ પણ ક્યાં મળી છે? મારા માટે દરેક નવું આલ્બમ, દરેક નવી કૉન્સર્ટ એક સ્ટ્રગલ છે. હા, જ્યાં સુધી પૈસાનો સવાલ છે ત્યાં સુધી એ બાબતની નિશ્ર્ચિંતતા છે કે જિંદગીમાં ભૂખે મરવાનો સવાલ નહીં આવે. જોકે, એવો સવાલ ક્યારેય ઊભો નથી થયો. કૉલેજકાળથી જ સંગીત દ્વારા મેં મારા ખપ પૂરતું કમાઈ લીધું છે.’

કૉલેજના જમાનામાં અને ગાયક તરીકેના આરંભના કાળમાં જગજિત જાહેર સ્ટેજ પરથી તલત મહેમૂદ અને હેમંતકુમારનાં ગીતો-ગઝલો ગાતા… આજે હવે શું એવું લાગે છે કે જે પૈસો મળ્યો છે તે પૂરતો છે, હવે વધારે કમાવું નથી?

‘શું વાત કરો છો? કમાવું તો પડે જ ને! નહીં તો આ બધા ખર્ચા ક્યાંથી નીકળે? માણસ વધારે કમાય એમ એના ખર્ચા વધતા જાય. અને ખર્ચા વધે એટલે એણે ઔર કમાવું પડે. પૂરતા પૈસા થઈ ગયા છે એવું ક્યારેય કોઈને લાગ્યું છે!’

જગજિત સિંહે ૧૯૬૭માં જિંદગીની સૌથી પહેલી ગાડી ખરીદી. સેક્ધડ હૅન્ડ સ્ટાન્ડર્ડ હૅરલ્ડ. પછી એ કાઢીને એક ટેક્સી કૅન્સલ્ડ ફિયાટ લીધી. એને રંગરોગાન કરીને વાપરી. પછી બજારમાં આવતી દરેક ગાડી એમની પાસે આવતી ગઈ. આજે (૧૯૯૬માં) ઝેન છે, એક વાન છે અને લેફ્ટ હૅન્ડ ડ્રાઈવ પીજો છે. કુટુંબ વિશાળ છે. માબાપ, ભાઈઓ-એમનું કુટુંબ… બધા જુદા રહે છે પણ વારતહેવારે તથા સારાંમાઠાં પ્રસંગોએ ખર્ચ ઉપાડી લેવામાં જગજિત આગળ હોય છે. પોતાના સ્ટાફમાં છેલ્લા ત્રણ દાયકાથી સાથે હોય એવા તબલચી નારાયણ અને હરીશ છે. એક તબલાંવાળો ગુજરી ગયો એ પછી એના કુટુંબની દેખભાળ જગજિત રાખે છે. આ તમામ ખર્ચાઓનો સરવાળો ઘણો મોટો થાય. ભારતમાં જગજિત સિંહની કૉન્સર્ટ યોજવાનો ખર્ચ પણ નાનો નથી થતો. પર શૉ પોણા બે લાખ રૂપિયા જેટલી એમની ફી હશે. કદાચ વધારે. (યાદ રાખો, ૧૯૯૬ની આ વાત છે, જ્યારે સોનું દસ ગ્રામના ત્રીસ હજારના ભાવે નહીં, ચાર હજારના ભાવે હતું). જગજિત સિંહે સત્કાર્ય માટે ફંડ ઉઘરાવવાના ચેરિટી શૉ અનેક વખત વિનામૂલ્યે પણ કર્યા છે. મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં પુત્ર વિવેકના નામે ચાલતી સખાવત માટે અને વિવેકની સ્કૂલમાં લાઈબ્રેરી ફંડ માટે રૂપિયા એક કરોડ સુધી પહોંચે એટલું ભંડોળ એકઠું કરી આપવામાં જગજિતની કૉર્ન્સ્ટસે ઘણો મોટો ફાળો આપ્યો છે.

અને આમ છતાં, યે તો પબ્લિક હૈ, લોકો તો કંઈ પણ આડુંતેડું બોલતા રહેવાના. જગજિત સિંહે દિલ્હીથી આવેલા એક પત્ર સાથે જોડેલું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’નું કટિંગ વંચાવ્યું. જગજિતની બે શિષ્યાઓના જાહેર કાર્યક્રમમાં જગજિતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી ચાલુ ફંકશને આયોજકો તરફથી જગજિતને વિનંતી કરવામાં આવી કે તેઓશ્રી શ્રોતાઓને કશુંક ગાઈ સંભળાવે. જગજિતે ના પાડી. કહ્યું કે: ચીફ ગેસ્ટે ગાવાનું ન હોય, કાર્યક્રમ જેનો છે એમને તમે સાંભળો, અમારી તો કૅસેટો બજારમાં મળે છે, કૉન્સર્ટો થાય છે, પૈસા ખર્ચીને અમને સાંભળી શકો છો…

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના મ્યુઝિક ક્રિટિકે આકરો રિવ્યૂ લખ્યો. છાપ એવી ઊભી કરી કે જાણે જગજિત પૈસાના ભૂખ્યા છે. આવી ટીકાઓ વાંચીને-સાંભળીને કેવું લાગે?

‘કોઈ અસર થતી નથી હવે. તમે જેટલા ઊંચે જાઓ એટલી વધુ ટીકા તમારી થવાની જ. મારા માટે હવે હાથી ચલે અપની ચાલ જેવું થઈ ગયું છે. જેને શ્ર્વાન બનવું હોય તે ભલે બને. વીસ-પચીસ વર્ષ પહેલાં કોઈ મારી ટીકા કરતું નહોતું. બધા સારું સારું કહેતા-લખતા કે પ્રોમિસિંગ આર્ટિસ્ટ છે. હવે તો જેલસીને કારણે લોકો બહુ બોલે. શું કરીએ આપણે?

(૧૯૯૬માં સ્વ. બાલુભાઈ પટેલનો આ શેર કદાચ સાંભળ્યો નહોતો. ખબર હોત તો જગજિતજીને જરૂર સંભળાવ્યો હોત: પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી/કાપે છે અહીં લોક સૌ ઊડતા પતંગને)

જગજિત સિંહની આ ઍટિટયૂડ એમણે જ ગાયેલી રાહત ઈંદોરીની એક ગઝલના આ શૅરમાંથી પ્રગટે છે:

 લોગ હર મોડ પર રુક રુક કે સંભલતે ક્યોં હૈ

ઈતના ડરતે હૈ તો ફિર ઘર સે નિકલતે ક્યોં હૈ

ઘરેથી નીકળવું જરૂરી હોય છે જ્યાં જવું હોય ત્યાં પહોંચવા માટે જ્યાં હોઈએ એ જગ્યા છોડી દેવી જરૂરી છે. જગજિત સિંહે ૮ ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ જન્મ્યા પછી પંચાવન વર્ષ સુધી ખૂબ સફર કરી. આ સફર દરમિયાન પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ધૂપછાંવ જોઈ. મેં પૂછ્યું, ‘તમે માનો છો કે તમે નસીબદાર છો અને જિંદગીથી એકદમ ખુશ છો?’

એમણે તરત જવાબ આપ્યો, ‘નસીબદાર-હા. પણ ખુશ? ખુશ ન કહી શકો. ખુશ કોઈ નથી હોતું. જે પાગલ હોય એ જ ખુશ રહી શકે, કાં તો પછી એ બાળક હોય…’

જગજિતના આ જવાબમાં એમણે કાપેલા માઈલો લાંબા વાંકાચૂંકા રસ્તાઓનો નકશો છે. નિદા ફાઝલી (મૂળ છપાયેલા લેખમાં પ્રૂફ રીડર મહાશયે અહીં નિદા ફાઝલીની જગ્યાએ નિંદા ફાઝલી કરી નાખ્યું છે!)ની એક મશહૂર ગઝલ જગજિતના કમ્પોઝિશનમાં ચિત્રાજીએ ગાઈ છે:

કિસી કે વાસતે રાહેં કહાં બદલતી હૈ

તુમ અપને આપ કો, ખુદ હી બદલ સકો તો ચલો

યહી હૈ ઝિન્દગી: કુછ ખ્વાબ, ચંદ ઉમ્મીંદેં

ઈન્હીં ખિલૌનોં સે તુમ ભી બહલ સકો તો ચલો

સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો

સભી હૈ ભીડ મેં તુમ હી નિકલ સકો તો ચલો.

જીવનમાં ખુશી નથી તો ગમ ક્યા છે? ક્યાં ક્યાં છે? કળાકારના હૃદયમાં વિષાદ હોય તો એની સર્જનશિલતા ખીલી ઉઠતી હોય છે?

જગજિત સિંહ મારો આ સવાલ સાંભળતા રહે છે. સવાલ પૂરો થયા પછી મૌન રહે છે. છેવટે સાઝ વિના ગઝલ ગાતા હોય એટલી કુમાશથી એક એક શબ્દને લાડ લડાવતાં કહે છે: ‘યાર, ઝ્યાદા ડિટેલ મેં મત જાઈએ…’

વિગતોમાં ઉતરી પડવું એટલે શું એની આ લખનારને ખબર છે. કિનારે પાછા આવી ગયા પછી હોઠ સીવી લેવાના હોય. મઝધારે શું બની ગયું એનો દોષ કોઈના પર ઢોળી દેવાનો કે પોતાના માથે લઈ લેવાનો પણ અર્થ નથી હોતો. દુનિયા જીદ કરતી હોય છે. ખુલાસાઓ અને સ્પષ્ટતા માગતી હોય છે. વાસ્તવમાં લોકોને ફરિયાદ સાંભળવાની આશા હોય છે, નિંદા સાંભળવાની લાલચ હોય છે:

બાત નિકલેગી તો ફિર દૂ…ર તલક જાયેગી

લોગ બેવજહ ઉદાસી કા સબબ પૂછેંગે

યે ભી પૂછેંગે કિ તુમ ઈતની પરેશાં ક્યું હો

ઉંગલિયાં ઉઠેગી સુખે રુખે બાલોં કી તરફ

એક નઝર દેખેંગે ગુઝરે હુએ સાલોં કી તરફ

લોગ ઝાલિમ હૈ, હરેક બાત કા તાના દેંગે

બાતોં બાતોં મેં મેરા ઝિક્ર ભીલે આયેંગે

ઉન કી બાતોં કા ઝરા સા ભી અસર મત લેના

વર્ના ચહેરે કે નાસૂર સે સમઝ જાયેંગે

ચાહે કુછ ભી હો સવાલાત ન કરના ઉન સે

મેરે બારે મેં કોઈ બાત ન કરના ઉન સે

બાત નિકલેગી તો ફિર દૂ…ર તલક જાયેગી…

કાલે સમાપ્ત.

1 comment for “સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો

  1. DINESH PATEL
    February 13, 2013 at 7:53 AM

    simply excellent details
    enjoy its !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *