તમે જગજિતને સાંભળ્યા, જગજિત કોને સાંભળતા?

તુમ ઈતના જો મુસ્કુરા રહે હો

ક્યા ગમ હૈ જિસ કો છુપા રહે હો

જિન ઝખ્મોં કો વક્ત ભર ચલા હૈ

તુમ ક્યોં ઉન્હેં છેડે જા રહે હો

arth photo ‘અર્થ’ ફિલ્મમાં જગજિત સિંહે સંગીત આપ્યું અને ગાયું. મહેશ ભટ્ટ, શબાના આઝમી, સ્મિતા પાટિલ, કૈફી આઝમી અને જગજિત સિંહ. ‘અર્થ’નું આ કૉમ્બિનેશન ડેડલી હતું. કુલભૂષણ ખરબંદા લટકામાં. ‘સાથ સાથ’ પછી ‘અર્થ’માં ફરી એક વાર જગજિત સિંહે સાબિત કરી બતાવ્યું કે પ્રાઈવેટ આલ્બમો હોય, કૉન્સર્ટસ હોય કે ફિલ્મ સંગીત – જગજિત સિંહ હંમેશાં પોતાનું શ્રેષ્ઠ આપે છે અને સર્વોચ્ચ સ્થાને રહે છે. જોકે, આ સાબિત કોની પાસે કરવાનું હતું? લોકોએ તો એમને સ્વીકાર્યા જ છે, બલકે ઉમળકાભેર વધાવ્યા છે. ‘અર્થ’ના અર્થસભર ગીતો-ગઝલો જગજિત સિંહ માટે એક ઘણો મોટો માઈલસ્ટોન હતો. અગાઉ ‘ઐ મેરે દિલ’ જેવી ફિલ્મોમાં સંગીત આપીને જગજિત પોતે અને એમના ચાહકો – બેઉ નિરાશ થયા હતા. પણ અર્થનું સંગીત આજે પણ, ક્લિશ વાપરીએ તો, હૃદયના તાર ઝણઝણાવી જાય. ચિત્રાજીએ ગાયેલી ઈફ્તિખાર ઈમામ સિદ્દીકીની આ રચના – તું નહીં તો ઝિંદગી મેં ઔર ક્યા રહ જાયેગા, દૂર તક તન્હાઈઓં કા સિલસિલા રહ જાયેગા – હોય કે પછી જગજિતે ગાયેલી રાજિન્દ નાથ ‘રહેબર’નું માત્ર આટલી જ પંક્તિઓનું ‘ગીત’ – તેરે ખુશ્બો મેં બસે ખત મૈં જલાતા કૈસે, પ્યાર મેં ડૂબે હુએ ખત મૈં જલાતા કૈસે, તેરે હાથોં કે લિખે ખત મૈં જલાતા કૈસે… અને હવે ક્લાઈમેક્સનો ભાવપલટો જુઓ, સાહેબ… તેરે ખત આજ મૈં ગંગા મેં બહા આયા હૂં, આગ પાની મેં લગા આયા હૂં! આ ઉપરાંત જગજિતે ગાયેલી કૈફી આઝમીની આ રચના પણ એટલી જ યાદગાર: કોઇ યે કૈસે બતાયે કિ વો તન્હા ક્યોં હૈ, યહી દુનિયા હૈ તો ફિર ઐસી યે દુનિયા ક્યોં હૈ, યહી હોતા હૈ તો આખિર યહી હોતા ક્યોં હૈ… જોકે, આ બધામાં ‘અર્થ’નો માસ્ટરપીસ શોધવો હોય તો એ ઈલકાબ જગજિતે ગાયેલી કૈફી આઝમીની આ ગઝલને જ આપવો પડે:

ઝૂકી ઝૂકી સી નઝર બેકરાર હૈ કિ નહીં

દબા દબા સા સહી દિલ મેં પ્યાર હૈ કિ નહીં

વો પલ કિ જિસ મેં મોહબ્બત જવાન હોતી હૈ

ઉસ એક પલ કા તુઝે ઈન્તેઝાર હૈ કિ નહીં

તેરી ઉમ્મીદ સે ઠુકરા રહા હૂં દુનિયા કો

તુઝે ભી અપને પે ઐતબાર હૈ કિ નહીં

 આરંભની નિષ્ફળતા છતાં, પોતાની પ્રતિભા પર ઐતબાર હતો એમને. ‘અર્થ’ અને ‘સાથ સાથ’ (અને હા, ‘પ્રેમગીત’ પણ: હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર… કર દો) સાથે મળેલી ફિલ્મ ઉદ્યોગની સફળતાના ઘણા સમય પહેલાં છેક ૧૯૭૩-૭૪માં સંગીતકાર કનુ રૉયે જગજિત-ચિત્રા પાસે બાસુ ભટ્ટાચાર્યની આર્ટ ફિલ્મ આવિષ્કાર (રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર)માં એક પરંપરિત શૈલીનું ગીત ગવડાવ્યું હતું. દાયકાઓ અગાઉ કે. એલ. સાયગલના કંઠમાં લોકપ્રિય બની ચૂકેલી અને અનેક શાસ્ત્રીય સંગીતકારો દ્વારા કમાલની રીતે ગવાઈ ચૂકેલી રચનાને ફરીથી ગાઈને લોકપ્રિયતાની એ જ ઊંચાઈએ પહોંચાડવી એ ઘણો મોટો પડકાર હતો. જગજિત સિંહે એને બરાબર ઝીલ્યો:

બાબુલ મોરા નૈહર છૂટો હી જાય

ચાર કહાર મિલૈ મોરી ડોલિયા સજાય રે

મોરા અપના-બેગાના છૂટો જાય

અંગના તો પરબત ભયો

ડયોઢી ભઈ બિદેસ

લે બાબુલ ઘર આ અપના

મૈં ચલી પિયા કે દેસ

ફિલ્મોમાંની સફળતા છતાં જગજિત સિંહનું પિયર એમનાં પ્રાઈવેટ આલ્બમો જ ગણાય. છેલ્લા બે દાયકામાં (૧૯૯૬ સુધીમાં) લગભગ ત્રણ ડઝન આલ્બમો એમણે આપ્યાં. કેટલાક અપવાદ સિવાય બાકીનાં બધાં જ એચ.એમ.વી. (હવે સારેગામા) માટે બનાવ્યાં. ‘ધ અનફર્ગેટેબલ્સ’ (૧૯૭૬), ‘ધ ઈટર્નિટી’ (૧૯૭૮), ‘અ માઈલસ્ટોન’ (૧૯૮૦), ‘મૈં ઔર મેરી તન્હાઈ’ (૧૯૮૧), ‘ધ લેટેસ્ટ’ (૧૯૮૨), ‘એક્સટસીઝ’ (૧૯૮૪), ‘અ સાઉન્ડ અફેર’ (૧૯૮૫), ‘એકોઝ-૧ અને ૨’ (૧૯૮૬), ‘પેશન્સ’ (૧૯૮૭), ‘બિયોન્ડ ટાઈમ-૧ અને ૨’ (૧૯૮૮), ‘મિર્ઝા ગાલિબ ૧ અને ૨’ (૧૯૮૮), ‘સમવન સમવ્હેર’ (૧૯૯૦), ‘હોપ’ (૧૯૯૧), ‘કહકશાં’ (૧૯૯૧), ‘સજદા-૧ અને ૨’ (૧૯૯૧), ‘ઈન સર્ચ’ (૧૯૯૨), ‘ઈન્સાઈટ’ (૧૯૯૪), ‘ફેવરિટ્સ-૧ અને ૨’ (૧૯૯૫), ‘મિરાજ’ (૧૯૯૬) અને ‘યુનિક’ (૧૯૯૬). આ ઉપરાંત એચ.એમ.વી.ના ગોલ્ડન કલેક્શનમાં ‘ફિલ્મ હિટ્સ ઓફ જગજિત-ચિત્રા’નાં બે વોલ્યુમ, કૃષ્ણ ભજનનું એક આલ્બમ તેમ જ ‘ડિઝાયર્સ’,

‘વિઝન્સ-૧ અને ૨’, ‘ફેસ ટુ ફેસ’, ‘એન્કોર’ અને ‘ઈમોશન્સ’. જગજિત સિંહના લગભગ તમામ આલ્બમની યાદી આમાં આવી જાય છે. કેટલાંક ખૂટતાં હશે. સીડી-કૉમ્પેક્ટ ડિસ્કનાં નામ કૅસેટ કરતાં ક્યારેક જુદાં હોય છે તો ક્યારેક અલગ અલગ કૅસેટમાંથી પસંદ કરીને એક નવું નામ આપીને સીડી બનતી હોય છે. (આ યાદી ૧૯૯૬ની છે. ગૂગલ કે વીકીપીડિયાનો એ જમાનો નહોતો. મારા પોતાના કલેક્શનમાંથી શોધીને યાદી બનાવી હતી).

ghulam-ali-jagjit-singhજગજિતના ચાહકો વારંવાર એમણે ગાયેલી ચીજ સાંભળતા રહે છે. જગજિત પોતે પોતાની ગઝલો સાંભળે છે? ‘હા, સાંભળવી તો પડે જ. મેં કેવું ગાયું છે, ક્યાં ભૂલ કરી છે એ જાણવા માટે પણ હું મેં ગાયેલી ગઝલો સાંભળું છું.’

અમે પૂછયું, ‘ના, ટેક્નિકલ ખામીઓ શોધવા નહીં, શ્રવણના આનંદ માટે તમે તમારી ગઝલો સાંભળો ખરા?’

જગજિત કહે, ‘આનંદ માટે હું બીજાએ ગાયેલી ગઝલો સાંભળતો હોઉં છું. ગુલામ અલી, નુસરત ફતેહ અલી, હરિહરન… આ બધાને સાંભળવા મને ગમે.’

અને અમે લોકો જેમ વિરહમાં હોઈએ ત્યારે તમારી કૅસેટો સાંભળીને ઊંડા વિચારોમાં ખોવાઈ જઈએ એમ તમે એવા મૂડમાં શું સાંભળો?

‘વિરહને હું વિયોગ ગણું છું – વિશિષ્ટ યોગ. આવો યોગ તો દુર્લભ કહેવાય.’ આટલું કહીને જગજિત ચૂપ થઈ જાય છે. જાણે કોઈને યાદ કરી કરીને માણસ થાકી ગયો હોય અને વિચારતો હોય:

 

થક ગયા મૈં કરતે કરતે યાદ તુઝકો

અબ તુઝે મૈં યાદ આના ચાહતા હૂં

અપને હોઠોં પર સજાના ચાહતા હૂં

આ તુઝે મૈં ગુનગુનાના ચાહતા હૂં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *