કિસ મોડ સે શુરુ કરેં: જગજિત સિંહની જીવનયાત્રા

jagjit google doodleજિંદગીમાં સતત આગળ વધવા માગતો માણસ સ્મૃતિની સાથે શા માટે હંમેશાં પાછળ જવા આતુર રહેતો હશે. કદાચ કલ્પના કરતાં સ્મરણોમાં સલામતી વધારે લાગતી હશે. કલ્પનાઓ તૂટી શકે છે.

આજે એવી વ્યક્તિ સાથે અતીતની યાત્રા કરવી છે જેમનો જાહેર ચહેરો એમના કંઠ દ્વારા તમારા માટે આત્મીય બની ગયો છે પણ એમનું અંગત જીવન અજાણ્યું છે તમારાથી. ખૂબ પરિચિત હોય છતાં અંગતપણે અજાણી એવી વ્યક્તિને મળતી વખતે વાતની શરૂઆત કેવી રીતે કરવી? ઉકેલ આ શબ્દોમાંથી મળશે કદાચ:

ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે ઝિંદગી
હર શય જહાં હસીન થી, હમ તુમ થે અજનબી
રહતે થે હમ હસીન ખયાલોં કી ભીડ મેં
ઉલઝે હુએ હૈં આજ સવાલોં કી ભીડ મેં
આને લગી હૈ યાદ વો ફૂર્સત કી હર ઘડી
ઉસ મોડ સે શુરુ કરેં… … …

મુંબઈના વૉર્ડન રોડ અને પેડર રોડની સાંકળતી એક સાંકડી ગલીના મોડ પર જગજિત સિંહનું મકાન છે – ‘પુષ્પમિલન’. ૧૯૪૧ની આઠમી ફેબ્રુઆરીએ જન્મેલા આ ગઝલગાયકે અહીં પહોંચતા સુધીમાં અનુભવોના અનેક શેડ્સને ઓળખ્યા છે. અગિયાર વર્ષની ઉંમરે જગજિતને પોતાને અને એમનાં માબાપને પણ લાગ્યું કે છોકરો સારું ગાઈ છે. જગજિત સિંહ અમારી તરફ જોઈને કહે છે, ‘દરેક માણસ, દરેક બાળક ગાઈ શકે છે. માત્ર એની પ્રતિભાને શિસ્તમાં ઢાળવાની જરૂર છે. એને તાલીમ આપવાની જરૂર છે. દસ-અગિયાર વર્ષની ઉંમરે મારા પિતાએ મારા માટે એક સંગીતશિક્ષક રોક્યા હતા. પછી મારું રીતસરનું કોચિંગ શરૂ થયું. શાસ્ત્રીય સંગીત શિખતો ગયો. ઉસ્તાદ જમાલખાંસાહેબ પાસે પણ શીખ્યો. અચ્છા અચ્છા કળાકારોને સાંભળવાનું ગાંડપણ રહેતું. અમીરખાંસાહેબ, બડે ગુલામ અલી ખાં. એમને સાંભળીને શીખતો રહ્યો અને શીખવાની વાત હજુ પણ ક્યાં પૂરી થઈ છે. અભ્યાસને કદી અંત નથી હોતો… ડી. એલ. કૉલેજ, જલંધરથી બી.એ. અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું. એ અરસામાં તો કૉલેજિયન તરીકે જ મને ગાવામાંથી ઈન્કમ મળવા લાગી હતી. મારા માટે ભણવાનું, પુસ્તકો તેમ જ કૅન્ટીનનો ખર્ચ-બધું વિનામૂલ્યે હતું. કૉલેજે અને યુનિવર્સિટીએ આ બધો ખર્ચ આપીને મને કળાકાર તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૬૫ની સાલ. મારે હવે નિર્ણય લેવાનો હતો. જિંદગીમાં શું બનવું છે, શું કરવું છે. આજીવિકા માટે કશુંક તો કરવાનું જ હતું. ઈન્ડિયન સિવિલ સર્વિસીઝમાં જોડાવાનો વિકલ્પ પણ ખુલ્લો હતો. જિંદગીના આવા તબક્કે પોતાની શક્તિઓનું માપ કાઢવું બહુ જરૂરી બની જતું હોય છે. કોઈ કદાચ તમારી એકાદ ખાસ બાજુનાં વખાણ કર્યા કરે એને કારણે એવું માની ન લેવાય કે તમારામાં એ શક્તિઓ છે. તમારી ટેલેન્ટને તમારે એ ક્ષેત્રમાંની તે વખતની અન્ય પ્રતિભાઓની સાથે સરખાવવી જોઈએ. મેં નક્કી કર્યું કે હું વ્યવસાયી ગાયક બનીશ, પ્રોફેશનલ. તે વખતે મારા ક્ષેત્રમાં મારે મોહમ્મદ રફી, મન્નાડે, તલત મહેમૂદ, લતા મંગેશકર, આશાજી – આ બધાંની સાથે સ્પર્ધા કરવાની હતી. પ્લેબેક સિંગર અને સંગીતકાર બનવા માટે હું મુંબઈ આવી ગયો. ખૂબ સંઘર્ષ કર્યો પણ ફિલ્મલાઈનમાં મને પ્રવેશ ન મળ્યો. એ વખતે હું બીજા સ્ટ્રગલર્સ સાથે તળ મુંબઈના એક મકાનમાં નાની ખોલી રાખીને રહેતો હતો.’

Jagjit_singhજગજિત સિંહ બોલતા હોય ત્યારે તમે એમને ધ્યાનમગ્ન સાંભળતા જ રહો છો. જગજિત સિંહ પાસે આજે શહેરના વૈભવશાળી વિસ્તારના ‘પુષ્પમિલન’ એપાર્ટમેન્ટ્સમાં ત્રણ વિશાળ ફ્લેટ્સ છે, ગાડીઓ છે, ચિક્કાર પૈસો છે અને વિશ્વભરમાં શોહરત છે. અમે નક્કી કર્યું હતું કે ૧૯૯૦ની ૨૮મી જુલાઈની રાત્રે ૧૮ વર્ષની ઉંમરે એક કરુણ કાર અકસ્માતમાં એમનું એકમાત્ર સંતાન-પુત્ર વિવેક-ભરયુવાન વયે મૃત્યુ પામ્યો એ વિશે અમે પણ પ્રશ્ર્ન એમને નહીં કરીએ. વિવેક એ રાત્રે ઘરેથી નીકળ્યો ત્યારે એનો રૂમ જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં પિતા જગજિતે એને રાખ્યો છે. જાણે ગમે તે ઘડીએ દીકરો પાછો આવશે.

અમે એ પણ નક્કી કર્યું હતું કે વિવેકની હયાતિ સુધી દામ્પત્યજીવન ટકાવી રાખનારાં જગજિત સિંહ અને ચિત્રાજી હવે શા માટે એકબીજાથી દૂર, ખૂબ દૂર નીકળી ગયાં છે એ અંગે પણ કશું નહીં પૂછીએ. એ બધું કામ ફિલ્મ મેગેઝિનોના ગૉસિપ રિપોર્ટરોનું છે. જગજિત સિંહના કહ્યા વિના એમના શબ્દોમાંથી એમનાં જીવનનાં દર્દો ટપકતાં રહ્યાં આ અઢી કલાકની મુલાકાત દરમિયાન.

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો
ભલે છિન લો મુઝ સે મેરી જવાની
મગર મુઝ કો લૌટા દો બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની
ન દુનિયા કા ગમ થા, ન રિશ્તોં કે બંધન
બડી ખૂબસૂરત થી વો ઝિંદગાની

અમે નક્કી કરી નાખ્યું હતું કે આ મુલાકાતને બે સતહ પર વહેવા દેવાની. ઉપરના સ્તર પર જગજિત સિંહ સાથે વાતો થતી રહે અને ઊંડાણના સ્તરે એમની વણકહી લાગણીઓ એમણે જ ગાળેલા શબ્દો દ્વારા વ્યક્ત થઈને વાચકો સુધી પહોંચતી રહે. શક્ય છે કે એમની ન કહેલી વાતોમાં તમારી પોતાની લાગણીઓ પ્રગટ થઈ જાય. અહીં તમારી એટલે તમારી જ, અમારી નહીં. અમારી લાગણીઓને અમે બંધ ડબ્બામાં પૂરી રાખી છે કારણ કે ગાલિબના આ શેર સાથે અમે પૂરી રીતે સહમત છીએ.

કાસિદ કે આતે આતે ખત એક ઔર લિખ રખું
મૈં જાનતા હૂં જો વો લિખેંગે જવાબ મેં

ગુલઝારની સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’નું સંગીત જગજિત સિંહનું હતું. ગાલિબની કેટલીક ઉત્તમોત્તમ ગઝલ જગજિત સિંહે ગાઈ અને એનું ડબલ કૅસેટ આલ્બમ રજૂ થયું. જગજિતના ઘણા ચાહકો પાસે આ બે કૅસેટ નથી કારણ કે જગજિત મહદ્અંશે ‘સમજ પડે એવી’ ઉર્દૂ ગઝલો ગાવા માટે જાણીતા છે, જ્યારે ગાલિબની ગઝલમાં તરત ન સમજાય એવા અનેક ઉર્દૂ લબ્ઝ છે. જગજિતના અને ગાલિબના ચાહકોએ અલી સરદાર જાફરી દ્વારા સંપાદિત ‘દીવાન-એ-ગાલિબ’ (રાજકમલ પ્રકાશન, ૧-બી નેતાજી સુભાષ માર્ગ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૨, ૧૯૯૦ની આવૃત્તિની કિંમત: રૂ. ૨૫/-) સામે રાખીને પણ આ ગઝલો સાંભળવી. (ગયા વર્ષે આની નવી આવૃત્તિ પ્રગટ થઈ. રૂ. ૨૫૦. હવે તો ફ્લિપકાર્ટ ડૉટ કોમ પર પણ ઘેરબેઠાં મળી જશે). ગાલિબની ગઝલના દરેકેદરેક અઘરા શબ્દના સંદર્ભ સહિતના અર્થ એના મૂળ પાઠના પરિશિષ્ટરૂપે વ્યવસ્થિત આપેલા છે.

જગજિત સિંહના કંઠે ગાલિબની ગઝલ સાંભળવી એ આ વિશ્વ બહારથી આવેલો લહાવો છે. ‘આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક’ થી લઈને ‘ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા’ સુધીના બે કલાકના આલ્બમમાં તમે એક આખી ભાવયાત્રા પૂરી કરીને આવી જશો. ગાલિબ સિરિયલના સંગીત વિશે પૂછતાં જગજિત સિંહે કહ્યું, ‘આ તમામ ગઝલો મારે એક ગાયકના નહીં, શાયરના અંદાજમાં રજૂ કરવી એવું મેં નક્કી કર્યું હતું. તમે જોશો કે ઓછામાં ઓછા ઑર્કેસ્ટ્રાઈઝેશન સાથે ગાલિબની તમામ રચનાઓ મેં ગાઈ છે, જાણે ગાલિબ પોતે ગાતા હોય એ રીતે.’

જગજિત સિંહ કારકિર્દીના આરંભે હિંદી ફિલ્મોના પાર્શ્ર્વગાયક ન બની શક્યા એ એક છૂપો આશીર્વાદ છે. એમના પોતાના માટે, ગઝલના ચાહકો માટે.

જગજિત સિંહ સાથેની આ મુલાકાત આવતી કાલે ચાલુ રહેશે. ૧૯૯૬માં લીધેલો આ અમૂલ્ય ઈન્ટરવ્યૂ વર્ષો પહેલાં મારી બેદરકારીથી ક્યાંક ખોવાઈ ગયો હતો. ગયા મહિને જ છેક સોમનાથથી પવઈ આવ્યો. કેવી રીતે? તે પણ કાલે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=80132

11 comments for “કિસ મોડ સે શુરુ કરેં: જગજિત સિંહની જીવનયાત્રા

 1. February 8, 2013 at 3:11 PM

  સાઈટ પર ફરી આપની પોસ્ટ જોઈને ખૂબ આનંદ થયો. જગજિત સિંઘની જીવનયાત્રામાંથી પસાર થવાનું ગમ્યું. ‘મિર્ઝા ગાલિબ’નું અવતરણ આજે સાંજ સુધીમાં મારા ઘરે થશે. જે માટે આપની કલમની આભારી છું.

 2. February 8, 2013 at 3:52 PM

  Welcome back Saurabhbhai !! Keep Blogging.. 🙂

 3. Parth Joshi
  February 8, 2013 at 3:53 PM

  Saras post.
  Fari pachha active thai jav sir .

 4. Ketan J. Shah
  February 8, 2013 at 4:40 PM

  A true gift to readers ahead of Vasant Panchami & Valentine Day!

  A timely & lovely tribute!

 5. Mihir Shah
  February 8, 2013 at 10:13 PM

  Sab kahan kuch lala-o-gul me numaya hongi…. Khak me kya suraten hongi ke pinha ho gai….. There was still a lot to come from Jagjit Singh but unfotunately he decided to call it a day on the eve of his concert with Gulam Ali

 6. Bhavik Hathi
  February 9, 2013 at 5:50 AM

  Welcome back Sir !

 7. rajeshri
  February 9, 2013 at 7:32 AM

  WELCOME BACK.

 8. DINESH PATEL
  February 9, 2013 at 7:34 AM

  wait for your writing word long days !
  wel come sir,
  drpatel
  well wisher

 9. monark rathod
  February 9, 2013 at 8:32 AM

  Sir nice article and after longtime you have shared this so keep sharing for us. we want some more article like this,

 10. Shishir Ramavat
  February 9, 2013 at 9:39 AM

  Jalso padi gayo! 🙂 🙂

  … And Online Bhelpuri too, by definition, go online!

 11. mira trivedi
  February 12, 2013 at 3:47 PM

  Adbhoot kalakar ni ajod mulakat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *