સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?

સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો અને એ વાતનેય બે દાયકા વીતી ગયા. રાઈટ? રૉન્ગ. ગયા મહિને જ મુંબઈમાં અમારા ઘરથી બે મિનિટના અંતરે એક સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ખુલી: ‘જસ્ટ બુક્‌સ’ નામની. ગઈ કાલે અંદર જઈને નિહાળી અને આજે એની સભ્ય ફી ભરી.

‘જસ્ટ બુક્સ’ હવે મુંબઈમાં અમારા ઘરથી બે જ મિનિટના અંતરે

જૂની, રદ્દી જેવી ચોપડીઓ. ધૂળ ખંખેરીને હાથમાં લેવાની. ક્યારેક છેલ્લાં પાનાં ગાયબ હોય તો ક્યારેક પહેલા જ પાને મોટા અક્ષરે કોઈએ લખી નાખ્યું હોય કે ખૂની કોણ છે. એ જમાનો હતો જ્યારે સ્કૂલ કે કૉલેજની લાયબ્રેરીઓમાં જે ચોપડીઓ નહોતી મળતી તે આવી સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓમાં મળી જતી: રસિક મહેતા અને મહેશ મસ્તફકીરથી માંડીને હરકિસન મહેતા, વિઠ્ઠલ પંડ્યા સારંગ બારોટ જેવા એક પણ લોકપ્રિય લેખકો મુંબઈના તથાકથિત સંસ્કારી પુસ્તકાલયોમાં જોવા ન મળે. એ બધાને વાંચવા સર્ક્યુલેટિંગ લાયબ્રેરીમાં જવું પડે. કેટલીક રદ્દી-પસ્તીની દુકાનો સાઈડ બિઝનેસ તરીકે નાનકડી દુકાનના ખૂણામાં આવી સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ચલાવે. ફેન્ટમ અને મેન્ડ્રેકની ગુજરાતી કૉમિક્‌સ પણ ત્યાં જ મળે. સ્કૂલ લાઈફ પછી અંગ્રેજી પુસ્તકો પર નજર પડી. ઈરવિંગ વૉલેસ, આર્થર હેઇલી, ઍલિસ્ટર મૅક્‌લીન, જેફ્રી આર્ચર… આ બધાની નોવેલો ખરીદી તો બહુ મોડેથી, પહેલાં સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓમાં વાંચી. આર્ચી કૉમિક્‌સ જે નાનપણમાં વાંચી લેવાની હોય તે પાછલી ટીન એજમાં વાંચી. તદ્‌ન શરૂઆતનાં વર્ષોની આર્ચી કૉમિક્‌સ પણ સર્ક્યુલેટિંગ લાયબ્રેરીમાંથી મળી. એ પછી લાયબ્રેરીઓનો જમાનો પૂરો થયો. પુસ્તકોની જગ્યાએ વીડીયો કેસેટ્‌સની લાયબ્રેરીઓ ખુલવા માંડી. આ તરફ કૉલેજનાં વર્ષોમાં   બ્રિટિશ કાઉન્સિલ, અમેરિકન સેન્ટર અને ભારતીય વિદ્યાભવનની સમૃદ્ધ લાયબ્રેરીઓનો પરિચય થયો એટલે સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓની ખોટ સાલતી નહીં. થોડા દાયકા પછી ક્રોસવર્ડ અને લેન્ડમાર્ક જેવા બુકસ્ટોર્સ આવ્યા એટલે નિરાંતે પાનાં ફેરવીને ગમતાં પુસ્તકોને ચકાસીને ખરીદવાનો લહાવો વધ્યો. દરમ્યાન, પ્રિન્સેસ સ્ટ્રીટની દુકાનો, સ્ટ્રેન્ડ, લોટસ હાઉસ બુક્‌સ જેવાં તીર્થસ્થળોની યાત્રાઓને એકથી ચાર દાયકા વીતી ચૂક્યા હતા.

તૌફિક અને દેવીશ્રી: ‘જસ્ટ બુક્સ’નો સ્ટાફ

ગઈ કાલે પવઈની ‘જસ્ટ બુક્‌સ’માં પગ મૂકતાં જ થીજી ગયો. લિટરલી. એક તો બહાર વરસાદ અને અંદર એસી. યસ, ધૂળ ખાતી, અલમોસ્ટ પસ્તીની દુકાન જેવી દેખાતી સર્ક્યુલેટિંગ લાયબ્રેરીને બદલે એકદમ નવી જ બુક શેલ્વ્ઝ, તદ્દન નવાં અને તાજાં  રિલીઝ થયેલાં પુસ્તકો– લગભગ ૧૦,૦૦૦ જેટલાં– દરેકે દરેક પુસ્તક પર પારદર્શક પ્લાસ્ટિક જૅકેટ અને આહ્‌લાદક વાતાવરણ. અગાઉ ક્યારેય કોઈ સર્ક્યુલેટિંગ લાયબ્રેરીના આટલા પ્રેમમાં હું પડ્યો નથી.

‘જસ્ટ બુક્સ’ પાસે ૪ લાખ બુક્સ છે.

‘જસ્ટ બુક્‌સ’ પાસે કુલ ૪ લાખ પુસ્તકો છે. મુંબઈમાં આ ત્રીજી ‘જસ્ટ બુક્‌સ’ છે– પહેલી ડોંબિવલીમાં, બીજી નવી મુંબઈના નેરુલમાં અને હજુ બે મલાડ/કાંદિવલીમાં આવી રહી છે. કૅન યુ બીલિવ? એકલા બૅંગલોરમાં કંઈક ૩૭ જેટલી ‘જસ્ટ બુક્‌સ’ની લાયબ્રેરીઓ છે. એ લોકોની મેઈન ઑફિસ અને ગોડાઉન પણ બૅંન્ગલોરમાં જ છે. તમે જે ‘જસ્ટ બુક્‌સ’માં મેમ્બર હો તેમાં તમારું જોઈતું પુસ્તક ન હોય તો એ લોકોની વેબસાઈટ પર જઈને રિક્વેસ્ટ નાખો તો તમારા માટે કુરિયરથી મગાવી આપે. આખું ઑપરેશન કમ્પ્યુટરાઈઝ્‌ડ છે. અહીં લખવાને બદલે આ લિન્ક તમને એમની આખી સિસ્ટમ સમજાવી દેશે.

મારું મેમ્બરશિપ કાર્ડ: પુસ્તકો પાછાં આપવાનાં હોય ત્યારે આ કાર્ડ સાથે એને કિયોસ્ક પર મૂકી દેવાનાં. દરેક પુસ્તકમાં કાગળની પટ્ટી જેટલાં પાતળાં મૅગ્નેટિક સ્ટીકર છે. ટચ સ્ક્રીન પર ‘રિટર્ન’ સ્પર્શો એટલે આખી પ્રોસેસ પૂરી!

નવાં નકોર પુસ્તકો, જૂનાં ક્લાસિક પુસ્તકોની પણ બ્રાન્ડ ન્યુ કૉપીઝ અને એકદમ કિફાયત મેમ્બરશિપ ફી. કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરીને ચાલુ થયેલા આ ધંધામાંથી પ્રોફિટ ન થવાનો હોય તો કોઈ શું કામ ચાલુ કરે? આજના જમાનામાં પણ લોકો પુસ્તકો વાંચવા જરૂર આવશે એવો કૉન્ફિડન્સ હશે તો જ તો ‘જસ્ટ બુક્‌સ’ શરૂ થઈ હશે.

ચાલો, સદ્‌વાંચનનો પ્રસાર કરીએ અને ગુજરાતી સાહિત્યની સેવા કરીએ અને માતૃભાષાને જીવતી રાખીએ એવા વાયડા અને વેવલાવેડામાંથી આપણે ગુજરાતીઓ, ખાસ કરીને લેખકો, પ્રકાશકો અને ગુજરાત સરકાર– બહાર આવીએ. પ્યોર ઍન્ડ સિમ્પલ. સારાં ગુજરાતી પુસ્તકોનો સરસ મજાનો ધંધો કરીએ. ‘જસ્ટ બુક્‌સ’ જેવી લાયબ્રેરીઓ ખોલીએ. ક્રોસવર્ડ અને લૅન્ડમાર્ક જેવી બુકશૉપ્સ બનાવીએ. ગુજરાતી પુસ્તકો આપોઆપ ઘેર ઘેર પહોંચી જશે. સારાં પુસ્તકોને કોઈની દાનવૃત્તિ, દયાવૃત્તિ કે સેવાવૃત્તિની જરૂર નથી. ‘વાંચે ગુજરાત’ અભિયાન ‘કમાય પ્રકાશકો’માં પરિવર્તન પામે છે ત્યારે એક વાતનો પુરાવો તો જરૂર મળે છે કે આપણામાં બિઝનેસ સેન્સ પાકી છે. આવી અલભ્ય બિઝનેસ સેન્સનો ઉપયોગ રદ્દી જેવાં પુસ્તકોને સરકારી ખર્ચે લોકો સુધી પહોંચાડવાને બદલે છેલ્લાં દોઢસો વર્ષમાં પ્રગટ થયેલાં ઉત્તમોત્તમ ગુજરાતી પુસ્તકોને ‘જસ્ટ બુક્‌સ’ જેવી લાયબ્રેરીઓ ગુજરાતનાં દરેક જીલ્લામાં અને ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં કુલ મળીને  આવી સો લાયબ્રેરીઓ  શરૂ કરીને, પહોંચાડવાં જોઈએ.  તો ખરેખર ‘વાંચે ગુજરાત’ અભિયાન પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા લેખે લાગે.

’જ્સ્ટ બુક્સ’નો એક કોર્નર: પાછળ બૅકગ્રાઉન્ડમાં વોલપેપર નથી, સાચું જંગલ છે.

ઍની વે, હવે ઝાઝો ટાઈમ નથી લખવા માટે. વાંચવાનું છે. અગાથા ક્રિસ્ટીની ફેમસ વાર્તા ‘ફાઈવ લિટલ પિગ્સ’ની ગ્રાફિક એડિશન ‘જસ્ટ બુક્‌સ’માંથી લીધેલી પહેલી ચોપડી છે. અડધો કલાક સુધી તો પાને પાને ચિત્રો જ જોયા કરીએ એવું થાય. કેટલાં સરસ ગ્રાફિક્‌સ. સ્ટીફન કિંગે ઘણી ગ્રાફિક નોવેલ્સ પણ લખી. પાઉલો કોએલોની ‘ધ આલ્કેમિસ્ટ’ની ગ્રાફિક એડિશન પણ હમણાં ક્રોસવર્ડમાં જોઈ. યંગ જનરેશન સુધી ઉત્તમ પુસ્તકો પહોંચાડવા માટે ગ્રાફિક એડિશનો એક ઉત્તમ માધ્યમ છે. ફેન્ટમ કે આર્ચીની બુક્‌સને કૉમિક્‌સ કહેતા અને ટૉમ ઍન્ડ જેરીની ફિલ્મોને કાર્ટૂન ફિલ્મો કહેતા. પણ ‘લાયન કિંગ’ જેવી સિરિયસ એનિમેશન ફિલ્મોને ‘કાર્ટૂન ફિલ્મ’ ન કહેવાય એમ અગાથા ક્રિસ્ટી કે સ્ટીફન કિંગની ગ્રાફિક નૉવેલ્સને ‘કૉમિક્‌સ’ ન કહેવાય.

અગાથા ક્રિસ્ટીની ગ્રાફિક નોવેલનું એક પાનું

ગુજરાતીમાં સારા ગ્રાફિક આર્ટિસ્ટ જરૂર હશે. સૌથી પહેલી ગુજરાતી ગ્રાફિક નૉવેલ બનાવવી હોય તો તમે કઈ પસંદ કરો? ના, ‘સરસ્વતી ચંદ્ર’ નહીં, મહેરબાની કરીને નહીં. ‘મળેલા જીવ’ ચાલે, ‘આશકા માંડલ’ પણ ચાલે, ‘દરિયાલાલ’ તો જબરદસ્ત દોડે.ગુણવંતરાય આચાર્યની બધી જ નવલકથાઓ ચાલે. છે કોઈ તૈયાર?

28 comments for “સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો?

 1. August 12, 2011 at 8:36 AM

  સૌરભ ભાઈ સરસ માહિતી તેમજ ફોટા. આશા રાખીએ કે મલાડ/કાંદિવલી માં આ શ્રુંખલા નો સ્ટોર જલ્દીજ ખુલે એટલે નજીકના પરાના લોકોને પણ તેનો લાભ મળી શકે. સાથે એ પણ જણાવાનું કે બોરીવલી માં પ્રબોધન નાટ્ય ગૃહ માં પણ ખુબ સરસ લાયબ્રેરી ચાલે છે વર્ષ ના ફક્ત ૫૦૦ રૂપિયા જેવી ખુબ નજીવી ફી સાથે ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી ભાષા ના લગભગ ૧૦૦૦૦~૧૨૦૦૦ પુસ્તકોનો લોકોન ને લાભ મળી શકે છે. નવા પ્રકાશિત થતા પુસ્તકો નો સમાવેશ એટલો જલ્દી નથી થતો પણ જુના ને ઘણા જાણીતા પુસ્તકોનો સારો લાભ મળી શકે છે.

 2. August 12, 2011 at 9:24 AM

  સૌરભભાઈ જસ્ટ બુક્સ અને સર્ક્યુલેટિંગ લાયબ્રેરીની સરસ માહિતી આપી છે.

  અમદાવાદમાં પણ આઈ આઈ એમ પાસેના રોડ સાઈડ પરથી જૂનીપુરાણી કેટલીય બુક વાંચવા મળી જાય છે. અમદાવાદમાં કોલ લાયબ્રેરી ડોટ કોમ વાચકો માટે સરસ સગવડ પૂરી પાડે છે. તેઓ ઘર બેઠા પુસ્તકો પહોંચાડે છે, જેનાથી વરસાદ અને સમય બગડવાથી બચી શકાય. તેઓ પાસે અંગ્રેજી અને ગુજરાતીમાં ઘણા બધા પુસ્તકો છે. વાચકે ઓનલાઈન પુસ્તક સિલેક્ટ કરી રીક્વેસ્ટ મૂકી દેવાની એટલે પુસ્તક નિયત સમયમાં ઘરે પહોંચી જાય તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. કોલ લાયબ્રેરીમાં વાચકો પાસે રહેલા પુસ્તકો બીજાને વાંચવા માટે શેર કરવા આપવા માટેની સગવડ પણ છે. આપ બુક શેર કરો તો એક વાચક દીઠ તમને ૧૦ રૂ મળે. આપના વાંચી લીધેલ પુસ્તક અન્યને વાંચવા આપી આપ થોડા પૈસા ભેગા કરી શકો છો, જેનાથી મેમ્બરશીપ ફીમાં બચત થઇ શકે. કાજલ ઓઝા-વૈધ, અશ્વિની ભટ્ટ, સુધા મૂર્તિ, બી. એન. દસ્તૂર, જય વસાવડા, અરિંદમ ચૌધરી, સ્વરુપ રૉય ચૌધરી, બી. એન. દસ્તૂર, ભગવતીકુમાર શર્મા, ચેતન ભગત, મડિયા, ડેલ કાર્નેગી, ડોલોરસ રોડ્રીગેઝ, ડૉ. હેમ જી. ગિનોટ, એ. જી. કૃષ્ણમૂર્તિ, એલિસ્ટર મેકલીન, જીમ સ્ટોવેલ, જિલિયાના રેમન્ડ જેવા કેટલાંય પ્રસિદ્ધ અને વિશ્વપ્રસિદ્ધ લેખકોના પુસ્તકો વાંચવા મળી શકે તેમ છે. http://www.calllibrary.com

 3. August 12, 2011 at 9:37 AM

  સૌરભભાઈ,
  સાચી અને મજાની વાત લખી છે.

 4. Tushar Acharya
  August 12, 2011 at 10:10 AM

  Hope અમદાવાદમાં આવી કોઈ લાયબ્રેરી આવે… એમ.જે.લાયબ્રેરીમાંથી ચોપડીઓ શોધવી એટલે દરિયામાંથી ચોખાના પડી ગયેલા દાણા શોધવા જેવું કામ… કોમ્પ્યુટર તો આપણે ડેકોરેશન માટે જ રાખીએ છીએ એટલે એને તો થોડું વપરાય ?? નહીંતર મેલું થઇ જાય બાપ…! અને બીજી બધી libraries તો લાયબ્રેરીના નામે રીડીંગ રૂમ ચાલુ કરીને બેસી ગયા છે..બ્રિટીશ લાયબ્રેરી માં અમેરિકા પ્રતિબંધિત છે… એટલે રાહ જોવા સિવાય કોઈ છુટકો નથી !

  • August 12, 2011 at 7:33 PM

   તુષારભાઈ ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીની મુલાકાત લેશો તો કદાચ તમારી અમદાવાદમાં લાયબ્રેરી માટેની ફરિયાદ કઇક અંશે દુર થઇ જશે . વિદ્યાપીઠમાં ઘણા બધા ગુજરાતી , હિન્દી અને અંગ્રજીભાષાનાં પુસ્તકો છે .પુસ્તક શોધવા માટે વાચકો માટે બે કોમ્પ્યુટર છે . લાયબ્રેરીનો સમય સવારે ૮ થી સાંજે ૬ સુધીનો ઘણા બધા વાચકોને અનુકુળ આવે તેમ છે .
   તુષારભાઈ ઘરે બેઠા પુસ્તકો વાંચવા મંગાવવા માટે કોલ લાયબ્રેરી ડોટ કોમ ની મુલાકાત લો .http://www.calllibrary.com
   અમદાવાદના વાચકોં સાહિત્ય વાંચવા માટે નસીબદાર છે . આપણી પાસે એમ જે લાયબ્રેરી , વિદ્યાપીઠ લાયબ્રેરી , સાહિત્ય પરિષદની લાયબ્રેરી અને ઘણા બધા વિસ્તારમાં સરકારી નાની નાની લાયબ્રેરી ઉપલબ્ધ છે .

   • Tushar Acharya
    August 12, 2011 at 11:09 PM

    vaah boss… thanks a ton for the info. Will visit for sure 🙂

   • Unnati
    August 31, 2011 at 11:40 AM

    Dear Rupen,

    I have visited that site of calllibrary..i think it is too good..but i am staying at mumbai. so if u know any library similar that one available at mumbai pls inform me..

  • Kadam Mashruwala
   August 17, 2011 at 4:23 PM

   hi you will also refer at American Corner Library it is situated at ATIRA Campus, in Building of AMA.

 5. HEMANT
  August 12, 2011 at 10:28 AM

  આભાર સૌરભભાઇ , આશા રાખુ કે વડોદરા મ પણ આવી લાઇબ્રેરી શરુ થાય .

 6. Mona Kanakia
  August 12, 2011 at 10:33 AM

  superb!

 7. August 12, 2011 at 12:49 PM

  પોસ્ટમાં કહ્યા એવા લોકોની ઊંઘ ઊડે તો અમારા જેવા વાચકોને એમ ન લાગે કે સપનામાં તો નથી ને?

  મીઠી ઇર્ષ્યા કરાવડાવી દીધી સૌરભભાઈ!

 8. August 12, 2011 at 8:14 PM

  Dear Saurabh,

  Thank you very much for this post about JustBooks. Really appreciate this. I would like to talk to you. I have left my email id here. Pls respond.

  Thanks!

  Ravi
  Sr. Mgr – Franchise Development
  JustBooks

  • Nirav Saraiya
   September 14, 2011 at 4:18 AM

   Previously, India was restricted to just 4 Metros. Then in the next wave, cities like Ahmedabad, Bangalore, Pune etc started shining. Now in the next wave many mid to small cities will come up. In short the difference between a Metro and the rest of the large cities is shrinking and rapidly.
   I am sure there is a huge untapped market for all kinds of services in this mid-tier cities.
   So, I am sure very soon Rajkot and Vadodara will have it….

   • September 16, 2011 at 10:50 AM

    yes, i’m sure that these cities which are on the way to become metros will have such facilities soon.

 9. Mitesh Pathak
  August 18, 2011 at 6:14 PM

  સૌરભભાઇ, ખુબ જ સરસ અને માહિતી વાળો લેખ. રાજકોટ્મા તો આવુ કાઇ છે જ નહી. સેવા અને વેપાર બન્ને ઉદ્દેશથી જો કોઇ શરૂ કરે તો ત્યા પણ જબર્દ્સ્ત ચાલે જ.

 10. Nishidh
  August 20, 2011 at 1:38 PM

  Dear Saurabh Bhai

  2 Pleasant surpirse from the above article.

  a. You stay in Powai near our house
  b. New Circulating Library in Powai.

  Definetly i will be visitng B.

 11. Salil Dalal (Toronto)
  August 27, 2011 at 6:31 AM

  વિદ્યાર્થી કાળના લાયબ્રેરીના વળગણની યાદ તાજી કરાવી દીધી. ગુણવંતરાય આચાર્ય, ક.મા. મુન્શી અને ર. વ. દેસાઇનાં પુસ્તકો એક પછી એક જબરજસ્ત ઝનૂનથી પૂરાં કર્યાં હતાં અને પછી લાગી લગની ફિલ્મી સામયિકોની સર્ક્યુલેટીંગ લાયબ્રેરીની…. અહીં કેનેડામાં સરકારી ખર્ચે ચાલતી લાયબ્રેરીમાં એક પાઇ (પેની) પણ ભર્યા વગર દરેક વ્યક્તિ સભ્ય થ ઇ શકે છે અને એક વ્યક્તિ એક સાથે કેટલાં પુસ્તક લઇ જઇ શકે? પચ્ચાસ… યેસ ફિફ્ટી!! “વાંચે કેનેડા” જેવા કોઇ કેમ્પેઇન વગર સૌ વાંચે જ છે. અત્યારે વેકેશન ચાલે છે અને લાયબ્રેરીમાંથી ઇતર વાંચનનાં ઢગલાબંધ પુસ્તકો અને સીડી લઇ જતાં બાળકો એ સુખદ દ્રશ્ય આ કોમ્પ્યુટર્સ અને વિડીયો ગેમ્સના જમાનામાં અમારા જેવા વાચન પ્રેમીને કેટલો આનંદ આપતું હશે!!

  • August 27, 2011 at 12:45 PM

   Thanks, Salilbhai. Can you give some more details of the libraries over there. Do they have
   books of Indian languages?

 12. August 31, 2011 at 7:13 AM

  સૌરભભાઈ,
  સરસ લેખ. મે કિશોરાવસ્થામાં એકાદ હજાર પુસ્તકો સાથે મારા ઘરે એક નાનકડી સરક્યુલેટિંગ લાઈબ્રેરી શરૂ કરી હતી અને તેમાં ૨૫-૩૦ સભ્યો પણ બન્યાં હતાં. તેમાં જે આવક થતી તેનાથી નવા પુસ્તકો જ ખરીદવામાં આવતાં. પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ શરૂ કરતાં એ તો બંધ કરવી પડી હતી પણ પુસ્તકો તો હજી પણ ખરીદતો રહું છું.
  અહીં લંડનમાં લાઈબ્રેરીનું સુખ છે. દરેક કાઉન્સિલ દીઠ ૧૦ થી ૧૫ લાઈબ્રેરી હોય જ. મારા ઘરથી ૧૫ મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં જ ૨ લાઈબ્રેરી છે. એક જ જગ્યાએ વિનામૂલ્યે સભ્ય બની બધે જ તેનો ઉપયોગ થઈ શકે, તમે લેખમાં જણાવ્યું તેવા મશીન વડે જ પુસ્તક ઈસ્યુ, રીટર્ન અને રિન્યુ થાય. ઓનલાઇન અને ફોન દ્વારા પણ થાય. આ ઉપરાંત સી.ડી., ડી.વી.ડી. અને મફત ઇન્ટરનેટ સુવિધા તો ખરી જ પણ સૌથી સુંદર હોય છે બાળકો માટેનો કોર્નર. તેમને વાચતા કરવાના બધા જ પ્રયોગ થાય છે.

 13. Unnati
  August 31, 2011 at 11:34 AM

  Dear Saurabh,

  Thank u very much for this details. I stay in Mumbai but even i was not aware of this..if u have any other library details nearby dadar – sion? pls inform me…

 14. September 19, 2011 at 7:20 PM

  superb article..Thanks..i’ll send u my view vi e-mail..O.K.

 15. September 23, 2011 at 1:06 PM

  very useful info, jus dreaming of such kind indian libraries in UAE.

 16. Narendra
  October 19, 2011 at 7:28 PM

  સૌરભભાઈ, તમે તો વડોદરા ની સેન્ટ્રલ લાઈબ્રેરી નો રોમાંચ સજીવન કરી દીધો.
  અહી કોરિયા બેઠે, રોજ બસ માં મુસાફરી કરતા પુસ્તક વાંચવા ની ટેવ જતી નથી એનો આનંદ છે જ.
  કોરિયન બુક સ્ટોર માં જઈએ એટલે દિલ ને ટાઢક વળે, જોઇને. સબવે સ્ટેશન હોય કે મોલ, બુક સ્ટોલ ના હોય એવું બને !!? ના.
  સૌથી મજાની વાત – દુનિયા અખીના વિષય ના પુસ્તકો કોરિયન માં મળે…અંગ્રેજી નો પ્રભાવ છે પણ કોરિયન પ્રત્યે નો પ્રેમ પણ અઢળક.
  દેશ એમનમ થોડો આગળ આવે છે !!

 17. Tushar
  May 27, 2012 at 9:34 PM

  gujarati koi divas vanche paisa kharachi ne

 18. VINOD G PORIA
  September 23, 2012 at 12:43 AM

  વાનગીઓ ગમે તેટલી હોય દેસી ઘી રાજા છે

 19. કુલદીપ કારિયા
  December 13, 2012 at 2:32 AM

  ડિયર સૌરભભાઈ,
  તમે જે ઉત્તમોત્તમ ગુજરાતી પુસ્તકોનો ધંધો કરવાની વાત કરી તે ખૂબજ ગમી. ગુજરાતી પ્રકાશકો બિઝનેસમેન પૂરેપૂરા છે, પરંતુ તેઓ ટેલેન્ટને બદલે લુચ્ચાઈથી ધંધો કરે છે અને એટલે જ વાંચે ગુજરાત જેવા અભિયાનો થાય છે. હકીકતમાં તો વેચે ગુજરાત જેવી પ્રવૃત્તિ છે. મહેનત બંનેમાં સરખી છે, પણ પ્રેક્ટિકલ બનવાને બદલે પેતરાબાજ બનવાને કારણે ગુજરાતી સાહિત્યને નુકસાન પહોંચી રહ્યું છે.
  તમે જે ઉત્તમોત્તમ પુસ્તક વેચવાનો ધંધો કરવાની વાત કરી એમાં મોટાભાગના પ્રકાશકો તેમની વ્યાપારી સુઝ બાબતે ઠોઠ સાબિત થાય એમ છે. બિઝનેસમેન જે પ્રોડક્ટ વેચતો હોય એ પ્રોડક્ટનું તેને પૂરેપૂરુ નોલેજ હોવું જરૂરી છે. જે કંદોય સારો ટેસ્ટ કોને કહેવાય એ ન સમજતો હોય એ ક્યારેય ટેસ્ટી મીઠાઈ ન બનાવી શકે એમ જે પ્રકાશક વોરેશ્યસ રિડર ન હોય અને ઉત્તમ પુસ્તકો કયાં છે એની પરખ ન કરી શકે એ ઉત્તમોત્તમ પુસ્તકો એકઠા કરીને એનો બિઝનેસ કઈરીતે કરે?
  વાંચનનો કિડો હોય એ માણસ જ જો પ્રકાશનના વ્યવસાયમાં ઝંપલાવે અને માર્કેટમાં ટકી રહે તો ચોક્કસ ગુજરાતી પ્રજા વાંચવા માટે ભૂખી છે.

 20. Anand Rajpara
  February 6, 2013 at 12:09 AM

  સૌરભભાઈ, શારજાહ – દુબઈ માં શ્રી ધર્મેશભાઈ વ્યાસ એ હમણાં ગુજરાતી લાયબ્રેરી ચાલુ કરી છે માત્ર ને માત્ર લોકો વાંચતા થાય તે ઉદેશ થી. પરંતુ આપણાં લોકો ની વાંચન પરત્વે ની ઉદાસીનતા કહો કે બાળપણ થી વાંચન નું મહત્વ ના સમજેલા યુવાનો કે જે ફોન અને મુવી માં રત રહેશે પણ જો તેમને આપણે વાંચન માટે સમજાવી તો કહેશે સમય નો અભાવ છે. ગુજરાત માં વાંચન ને વધારવા માટે જો અત્યારે શરૂઆત કરીશું તો પછીની પેઢી માં તેની અસર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *