લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯

ત્રાજવાનો કાંટો બરાબર મધ્યમાં આવે અને બેઉ પલ્લાં સમતોલ રહે એવું દાંપત્યજીવન અશક્ય છે અને શક્ય હોય તો પણ અનિચ્છનીય છે કારણ કે સમતુલા રાખવાના પ્રયત્નોમાં વહેલીમોડી કૃત્રિમતા ભળી જતી હોય છે.

લગ્નજીવનમાં સતત રોમાન્સ શોધતાં પતિપત્નીને ટૂંક સમયમાં જ ગૃહસ્થી શુષ્ક લાગવા માંડે છે અને લગ્ન પછીનું જીવન એમના માટે એક રૂટિન, એક કંટાળો બની જાય છે. પણ જો એટલી સમજ પહેલેથી જ કેળવી હોય કે લગ્નપૂર્વેનાં વર્ષોના રોમાન્સનું આ ઍક્સટેન્શન નથી તો લગ્નજીવન સાથે સંકળાયેલી ઘણી બધી ગૂંચ આપોઆપ ઊકલી જતી દેખાય. રોમાન્સનો તબક્કો પૂરો થયા પછી કૌટુંબિક જીવનની હૂંફનો, ગૃહસ્થીનો તબક્કો શરૂ થાય છે જે જીવનનો વધુ એક શુભ અને ખૂબસૂરત વળાંક છે.

પ્રસન્નતા અને સંતોષને બદલે અનેક લોકોના જીવનમાં સતત અભાવ અને અધૂરાપણાનો સૂર સંભળાતો હોય છે. આવા લોકોએ હાઈ-વેના ટ્રક ડ્રાયવરો પાસેથી કંઈક શીખવાનું છે. તેઓ ટ્રકની પાછળ જે સૂત્રો લખે છે એમાંનું એક હોય છે: અપની ઔકાત મત ભૂલો.

લગ્નનો એક બહુ મોટો દોષ છે અંગત જીવનનો લોપ. પતિપત્ની એકબીજાના માનસિક અને અંગત વિશ્વનો આદર કરતાં થાય તો જ બેઉને એકબીજાના સહારે વિકસવાની તક મળે. અન્યથા બેઉનું વ્યક્તિત્વ ગૂંગળામણને કારણે વિકસતું અટકી જાય, અકાળે મૂરઝાઈ જાય. જેનામાં કોઈ નવું મૂળ, કોઈ નવી ડાળ કે નવું ફૂલ ફૂટતાં નથી એવું મરી ગયેલું ઝાડ પણ વર્ષો સુધી એની એ જગ્યાએ ઠૂંઠાની જેમ ઊભું રહે એમ બે વ્યક્તિઓ ઠૂંઠાની જેમ એકબીજાની સાથે વર્ષો સુધી રહેતી હોય તો એમાં વાંક એ બેઉ વ્યક્તિઓનો છે. ગૂંગળામણ અનુભવી રહેલાં વ્યક્તિત્વોએ પોતાનો ઑક્સિજન પોતાની મેળે શોધી લેવાનો હોય, બીજાઓ ઑક્સિજનનો બાટલો સૂંઘાડવા આવે તેવી આશા ન રખાય.

પ્રસન્નતા અને સંતોષને બદલે અનેક લોકોના જીવનમાં સતત અભાવ અને અધૂરાપણાનો સૂર સંભળાતો હોય છે. આવા લોકોએ હાઈ-વેના ટ્રક ડ્રાયવરો પાસેથી કંઈક શીખવાનું છે. તેઓ ટ્રકની પાછળ જે સૂત્રો લખે છે એમાંનું એક હોય છે: અપની ઔકાત મત ભૂલો.

પોતાના પતિમાં કે પોતાની પત્નીમાં જે કંઈ ખામીઓ દેખાઈ રહી છે તે ન હોત તો લગ્નજીવન બહેતર હોત એવા નિસાસાઓ નાખીને બેસી ન રહેવાય. આ એક સંબંધ એવો છે જેમાં બીજાની ખામીનો ખાંચો દેખાય તો પોતાના વ્યક્તિત્વને ઊંચે ઉઠાવી એ ખાંચો પૂરી દેવાનો હોય.

જેઓ પોતાની લાયકાત , પોતાની પાત્રતા, ભૂલી જાય છે તેઓ લગ્નજીવનમાં જ નહીં, જીવનનાં તમામ પાસાઓમાં અભાવગ્રસ્ત મનોદશા અનુભવતા હોય છે. માણસ પોતાની જાતને તટસ્થ બનીને  મૂલવે અને પોતાના જીવનના જમા-ઉધારનો ચોપડો અપડેટ કરતો રહે  તો એને પ્રતીતિ થયા વિના રહે નહીં કે સરવાળે પોતાને જે કંઈ મળ્યું છે તે પાત્રતા કરતાં ઘણું વધારે મળ્યું છે, અને જે નથી મળ્યું એના માટે બીજું કોઈ જવાબદાર નથી.

સારું દાંપત્યજીવન આપમેળે નથી સર્જાતું. એ માટે મહેનત કરવી પડે છે. પોતાના પતિમાં કે પોતાની પત્નીમાં જે કંઈ ખામીઓ દેખાઈ રહી છે તે ન હોત તો લગ્નજીવન બહેતર હોત એવા નિસાસાઓ નાખીને બેસી ન રહેવાય. આ એક સંબંધ એવો છે જેમાં બીજાની ખામીનો ખાંચો દેખાય તો પોતાના વ્યક્તિત્વને ઊંચે ઉઠાવી એ ખાંચો પૂરી દેવાનો હોય.

બીજી વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, એના થકી શું શું જીવનમાં મળી રહ્યું છે અને એ ન હોત તો જીવનમાં શું શું ન હોત એવું સતત વિચાર્યા કરવાથી એ વ્યક્તિ પ્રત્યે ઊંડા અંતરથી આદર વ્યક્ત કરી શકાય.

સાથે રહેવાની આદત થઈ ગયા પછી એકબીજા પ્રત્યેનો આદર વ્યક્ત કરવાનું ભાગ્યે જ સૂઝતું હોય છે. બીજી વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, એના થકી શું શું જીવનમાં મળી રહ્યું છે અને એ ન હોત તો જીવનમાં શું શું ન હોત એવું સતત વિચાર્યા કરવાથી એ વ્યક્તિ પ્રત્યે ઊંડા અંતરથી આદર વ્યક્ત કરી શકાય. એકબીજાને સતત ધૂત્કારતાં અને વારેવારે હડધૂત કરતાં બે જણનાં લગ્નજીવનમાં અપમાનિત થનાર વ્યક્તિ કરતાં વધુ દુઃખી અપમાન કરનાર થાય છે. પોતાના આ વર્તનનો સંતાપ એણે આજીવન ભગવવો પડે છે.

લગ્નને સૌથી વધુ બંધિયાર બનાવે છે એમાં રહેલું ફરજિયાતપણું. આ એક કુદરતી વિચિત્રતા છે કે આર્થિક-સામાજિક તથા લાગણીની સલામતી માટે સર્જાયેલાં લગ્નમાં સંબંધના કાયમીપણામાં રહેલી નિશ્ચિતતા જ બંધિયારપણું અને લાપરવાહી જન્માવે છે.

કોઈકના સંસારમાં આગ લાગે ત્યારે બાલદી પાણી લઈને આવવાને બદલે લોકો શુભેચ્છાને નામે ચમચી ચમચી શુદ્ધ ઘી લાવે છે અને તાપણામાં હાથ શેકીને ઠંડી ઉડાડે છે.

લગ્નને માણસના જીવનનો સૌથી મહત્વનો દિવસ બનાવી દેવામાં આવ્યો હોવાથી પરિણીત જીવન માટેની વ્યક્તિની અપેક્ષા ખૂબ મોટી હોય છે. કલ્પનાની આ દુનિયા અવાસ્તવિક હોય છે. હકીકતની જિંદગી જરાક જ નહીં, ઘણી બધી જુદી છે એની સૌ પ્રથમ પ્રતીતિ ધરતીકંપના મોટા આંચકાથી ઓછી નથી હોતી.

કલ્પનાથી ઘણા અલગ એવા લગ્નજીવન સાથે વ્યક્તિ ગોઠવાઈ શકતી નથી ત્યારે વિસંવાદ સર્જાય છે. આવા વિસંવાદો વખતે કુટુંબીજનો, સગાંવહાલાં ઇત્યાદિને જોણું થાય છે. ગામડાહ્યાઓ સલાહ આપવા આવી જાય છે. કોઈકના સંસારમાં આગ લાગે ત્યારે બાલદી પાણી લઈને આવવાને બદલે લોકો શુભેચ્છાને નામે ચમચી ચમચી શુદ્ધ ઘી લાવે છે અને તાપણામાં હાથ શેકીને ઠંડી ઉડાડે છે.

લગ્નને સૌથી મોટો કૌટુંબિક અને સામાજિક અવસર બનાવી દેવામાં આવ્યો હોવાથી કુટુંબ અને સમાજના દરેક સભ્યને લાગે છે કે જે લગ્નમાં પોતે ચાંલ્લો  આપી આવ્યા છે એ લગ્નમાં દખલગીરી કરવાનો હક પોતાને મળી ગયો છે.

લગ્નને સૌથી મોટો કૌટુંબિક અને સામાજિક અવસર બનાવી દેવામાં આવ્યો હોવાથી કુટુંબ અને સમાજના દરેક સભ્યને લાગે છે કે જે લગ્નમાં પોતે ચાંલ્લો  આપી આવ્યા છે એ લગ્નમાં દખલગીરી કરવાનો હક પોતાને મળી ગયો છે. લગ્નની ઘટનાને બે વ્યક્તિની પરસ્પર જરૂરિયાતને બદલે સામાજવ્યવસ્થાનો એક ભાગ બનાવી દીધી હોવાથી એ તૂટે છે ત્યારે પણ સમાજમાં એની કરચો વેરાય છે. લગ્ન તૂટવાની ઘટના વખતે સામાજિક શોરબકોર એટલો થાય છે કે બે વ્યક્તિનાં ડૂસકાં  ભાગ્યે જ કોઈ સાંભળી શકે છે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

1 comment for “લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૯

  1. વિરલ
    February 25, 2012 at 11:19 PM

    કરુણ – શાંત રસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *