લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

લગ્નેતર સંબંધો ન જન્મે અને એ માટેની પૂર્વશરતરૂપે સંબંધેતર લગ્નો ન સર્જાય તેવી પરિસ્થિતિ ક્યારે શક્ય બને? સંબંધેતર લગ્ન ન સર્જાય એની તકેદારી લેવા માટે સાત મુદ્દા છે. ચાહો તો એને સપ્તપદી કહી શકો, ચાહો તો એને કુન્દનિકાબહેન કાપડિઆને યાદ કરીને સાત પગલાં આકાશમાં કહી શકો. હકીકતમાં, આ સાત મુદ્દાઓ એ સાત રંગ છે જે પ્રસન્ન દાંપત્યનું, પ્રસન્ન સહજીવનનું વાસ્તવિક ઇન્દ્રધનુષ રચે છે. આવાં મેઘધનુષોનું સર્જન ઈશ્વરની ઈજારાશાહી નથી.

પતિ-પત્નીને એકબીજાના ગળાડૂબ  પ્રેમમાં જોઈને લોકોને આશ્ચર્ય થતું હોય છે, ક્યારેક એ ખરેખર દેખાડો જ હોય છે. પણ સમાજમાં એવાંય પ્રસન્ન દંપતીઓ છે જેઓ લગ્ન થયાંનાં વર્ષો પછી પણ એકબીજાનાં સાનિધ્યમાં રહેવાની ઉત્કટ ઝંખના ધરાવતાં હોય, જેઓ કોઈ સામાજીક જવાબદારી કે કૌટુંબિક બંધનના કારણે નહીં પરંતુ એકબીજા માટેના સો ટચના પ્રેમને કારણે લગ્નજીવન કે સહજીવન ગાળતાં હોય. આવા જીવનની એમણે  અગાઉથી આશા રાખી હોય છે અને એ આશાના પરિણામને ઉછેરવામાં એમણે સભાનતાપૂર્વક કાળજી દેખાડી હોય છે.

વર્ષો વીતતાં સભાનતાનું સ્થાન સાહજિકતા લઈ લે છે. ખરાબ વર્તણૂક, ખરાબ વિચારો કે ખરાબ માનસિકતા વારંવારના પુનરાવર્તનના અંતે ગંદી કુટેવોમાં પરિણમે એ જ રીતે સારું વર્તન,સારા વિચારો અને ખુલ્લી મનોદશા રાખવાની પ્રક્રિયાનું પુનરવર્તન થતું રહે ત્યારે એ સુંદર આદતમાં પરિણમે. સંસ્કારો આ જ રીતે જન્મતા હોય છે, પાંગરતા હોય છે.

એક વાત સ્પષ્ટ છે કે લગ્નની પ્રથા, તેની મર્યાદાઓ છતાં, મોટાભાગનાં સ્ત્રીપુરુષો માટે સહજીવન ગાળવા માટેની એક ઉત્તમ વ્યવસ્થા છે. લગ્નજીવનમાં પડતી તિરાડો માટેનું મુખ્ય કારણ લગ્નપ્રથા નહીં, એ લગ્ન સાથે સંકળાયેલી બે વ્યક્તિઓ હોય છે. અને બીજું કારણ લગ્નનું અંગતપણું નામશેષ કરી નાખનારી આપણી સમાજવ્યવસ્થા છે.

સંબંધેતર લગ્ન ટાળવા શું કરવું અથવા તો લગ્નજીવન જીવંત રહે, હર્યુંભર્યું રહે એ માટે કેવી તકેદારી લેવી? આ પ્રશ્નનો જવાબ મેળવતાં પહેલાં સમજવું પડે કે લગ્ન જ નહીં, કોઈ પણ સંબંધ સાચવવા માટે આટલી તકેદારી લેવી પડે, લગ્નેતર સંબંધ સાચવવો હોય તો પણ. અન્યથા એની પણ જીવંતતા ઓછી થઈ જાય અને વખત જતાં એ પણ મૃતઃપ્રાય બની જાય:

પહેલી વાત: કોઈ પણ નવા સંબંધના પ્રાથમિક તબક્કે વ્યક્તિએ પોતાની અને સામેની વ્યક્તિ સાથે ચાર બાબતોની સ્પષ્ટતા કરીને ચાર યાદી તૈયાર કરી લેવી જોઈએ. પછી એ યાદીને સમયાંતરે જોતાં રહી તપાસવું જોઈએ કે નક્કી કરેલામાંથી શું બની રહ્યું છે, કેવું બની રહ્યું છે અને શું નથી બની રહ્યું, શા માટે નથી બની રહ્યું. આ ચાર પેટામુદ્દઓમાંનો પહેલો એ કે આ સંબંધમાં આપણે ભૌતિક સ્તરે શુંશું કરવું છે. યાદીની શરૂઆત ફરવા જવાના સ્થળથી થઈ શકે અને તેનો વ્યાપ અનેક ક્ષેત્રો સુધી પહોંચી શકે. બીજો પેટામુદ્દો: ભૌતિક સ્તરે શું શું નથી કરવું એની પણ યાદી તૈયાર કરવાની. પત્નીની માસીની નણંદની પડોશીને ત્યાં લગ્ન હોય તો રૂબરૂ આવીને કંકોતરી આપી હોવા છતાં નથી જવું. ત્રીજો પેટામુદ્દો: અભૌતિક સ્તરે શું શું નથી કરવું. ચોરીના માલની કે કોઈને છેતરીને કરેલી કમાણીમાંથી ઘર નથી ચલાવવું. આ વિષયની યાદી પણ એટલી જ વ્યાપક બની શકે. ચોથો પેટામુદ્દો અભૌતિક સ્તરે શું શું કરવું છે તેનો, જેમાં જીવનના ક્યા વિચારોને વ્યવસ્થિત ઉછેરવા છે એ અંગેની યાદી તૈયાર થાય. આ ચાર મુદ્દા સંબંધોને મળનારા આકારનો નક્શો છે.

બીજી વાત: બેઉ વ્યક્તિએ એકબીજાની નિકટ રહેવા એકબીજાની વચ્ચે ભરપૂર અવકાશયુક્ત જગ્યા રાખવી પડે. બંધિયાર વાતાવરણમાં ન વ્યક્તિ ખીલી શકે, ન સંબંધ વિકસી શકે. દરેક વ્યક્તિએ સામેની વ્યક્તિને બંધનમાં રાખ્યા વિના એના વ્યક્તિત્વને વિકસવા માટે બને એટલી વધુ મોકળાશ કરી આપવી જોઈએ અને પહેલેથી જ એવું થઈ ગયું હોય તો લખનારનાં અભિનંદન સ્વીકારીને એક વિનંતી માન્ય રાખશો કે ભવિષ્યમાં કંઈ પણ થાય, સામેની વ્યક્તિની પાંખો કાપી લેવાની કુચેષ્ટા નહિં કરતા. સામેની વ્યક્તિ જેટલી ખીલશે એટલો આનંદ તમારો વધશે.

ત્રીજી વાત: સંબંધમાં કે લગ્નજીવનમાં બેઉ વ્યક્તિઓ પાસે ખૂબ બધા રસના વિષયો હોવા જોઈએ. મીરાંના ભજનથી માંડીને ઍન્ટિક્વિટીના ચાર કડક પેગ સુધીના આનંદો ભરપૂર પ્રામાણિકતાથી માણી શકાય એવી રેન્જ માણસમાં જોઈએ. આમાંથી બે-ચાર વધુ ગમતા વિષયો હોય અને એકાદ એવો વિષય હોય જેમાં કાયમ રચ્યાપચ્યા રહેવાનું મન થાય. મુગ્ધાવસ્થાથી માંડીને પ્રૌઢ અવસ્થા સુધીની વિચારશ્રેણીઓ એક જ વ્યક્તિમાં હોઈ શકે. આવી વ્યક્તિઓ એકબીજાની સાથે રહેતી થાય ત્યારે ખરેખર સ્વર્ગ રચાય.

ચોથી વાત: ઉત્તમ સંબંધ એ છે જે તમારામાં રહેલી ઉત્તમ બાબતોને બહાર લાવે, માણસમાં રહેલી નકામી વસ્તુઓનો ધીમે ધીમે નાશ કરી નાખે. જેની હાજરીમાં તમે તમારા પોતાના પ્રેમમાં પડી શકો એવી વ્યક્તિ તમારા માટે ઉત્તમ. ક્યારેક લાગે કે તમારામાં રહેલાં આ જ બધાં સુલક્ષણો પ્રત્યે હજુ તમારું પોતાનું જ ધ્યાન કેમ નહોતું ગયું.

પાંચમી વાત: દોષ દરેકમાં હોય. એ પોતાના હોય ત્યારે એને સુધારવાના હોય અને બીજાના હોય ત્યારે એને સમજવાના હોય. દરેક સંબંધ એક પૅકેજ ડીલ છે. બધું જ એક સાથે તમને મળે છે.  કશુંક ન જોઈતું હોય તો બદલી શકાતું નથી. માટે બદલવાની કોશિશ કરવાને બદલે એને સામેથી બદલવાની પ્રેરણા થાય એવું પ્રસન્ન વતાવરણ સર્જી આપવું. શક્ય છે કે એણે પોતે પણ અમુક બાબતે બદલાવાનું ઇચ્છ્યું હોય પણ અત્યાર સુધી એવી તક ન મળી હોય. દબાણ કરવાને બદલે કે ફરજ પાડવાને બદલે માત્ર આવી તક પૂરી પાડવાથી ધાર્યું કામ થઈ જતું હોય છે.

પોતાની અને સામેની વ્યક્તિની સારી બાજુઓ માટે મનોમન ગૌરવ લેવાથી અને દોષો પ્રત્યે સભાનતા કેળવવાથી માણસ આત્મનિંદા કે આત્મદયાની મનોદશામાંથી બહાર નીકળી જાય છે. એકબીજાની સાથે નાનીમોટી વાતે સમાધાન કરવાની ક્ષણો આવે ત્યારે બીજા ઉપર ઉપકાર કરતા હોઈએ એવી ભાવના જતાવવાને બદલે એને કશાકની ભેટ આપી રહ્યા છીએ એવી ભવાના રાખવાથી સંબંધમાં કેટલો મોટો અને સુંદર તફાવત પડી શકે એનો અનુભવ કરવો જોઈએ.

છઠ્ઠી વાત: સંબંધમાં જ્યારે તક મળે ત્યારે એ સંબંધની દરેક ક્ષણ માણી લેવી. આવા સમયે ભૂતકાળને વાગોળવો નહીં કે ભવિષ્યનાં સપનાં કે પછી કાલ્પનિક ભય જોવા નહીં. એ જ ક્ષણને, વર્તમાનની એ જ પળને, માણીને એમાંથી ભરપૂર આનંદ મેળવી લેવો. સંબંધો વર્તમાનમાં થતાં વ્યવહાર-વર્તણૂકને કારણે જ ઊછરે છે. ભવિષ્યમાં શું બનશે ને શું નહીં તેનો ખ્યાલ જરૂર હોય પરંતુ વાદળો વરસતાં નથી ત્યાં સુધી નક્કી થઈ શકતું નથી કે એમાંથી જળાશય કેટલું છલકાશે. ભૂતકાળના રોમાંચો કે જખમો યાદ કરીને નૉસ્ટેલ્જિક બની જવાની મઝા છે. પણ એ મઝા લંબાતી રહે તો આજની ઘડી ચૂકી જવાય, વર્તમાનની મઝા લેવાનું રહી જાય. આવું થાય તો ભવિષ્યમાં તમને હંમેશાં વાસી ભૂતકાળ જ મળે, ઝાકળતાજા ભૂતકાળની મઝા લેવા વર્તમાનને જ હર્યોભર્યો બનાવવો પડે.

સાતમી અને છેલ્લી વાત: બધું જ વિચાર્યા પછી, જો અંતે એવી પ્રતીતિ થવા માંડે કે  હ્યુ પ્રેથર નામના અમેરીકન લેખકે સાચું કહ્યું હતું કે ‘કેટલાક સંબંધનું મુલ્ય એને જાળવવા માટે કરવા પડતાં સમાધાનો જેટલું નથી’ તો એના વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરવો. અંગત સંબંધ માણસ પોતાના માટે બાંધે છે, માબાપ-કુટુંબીઓ કે સમાજનું ભલું કરવા નહીં. આવા અંગત સંબંધને માણસે છોડવો હોય તો તેમાં પોતાનો જ વિચાર કરવાનો હોય. માબાપ શું કહેશે, પડોશીઓ શું બોલશે કે મિત્રો કેવી કૂથલી કરશે કે સમાજમાં કેવું દેખાશે તે વિશે વિચારવાનું ન હોય. જે મૃત હોય તેના અંતિમસંસ્કાર વહેલામાં વહેલી તકે કરી નાખવા પડે.

આવતી કાલે અંતિમ લેખ

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

1 comment for “લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૮

  1. April 21, 2013 at 11:21 PM

    ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *