લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૭

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

૪. લગ્નમાં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે. એ સલામતી પૈસા સંબંધી હોય, શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇચ્છા ન રાખવી એટલે લાપરવાહી કે બેજવાબદારીથી વર્તન કરવું એવું નહીં.

પાછલી ઉંમરે પૈસા નહીં હોય તો શું થશે એવા ભયને કારણે અસલામતી અનુભવનારાઓ પૈસા કમાવવા શું શું કરે છે તે તમે જોયું છે. આની સામે, આર્થિક સલામતીના વળગણમાંથી મુક્ત થઈ આર્થિક નિશ્ચિંતતાને લક્ષ્ય બનાવનારાઓની માનસિક નિરાંત પણ જોઈ છે. તેઓ પણ કમાય છે, પાછલી ઉંમરે કામ લાગે તે માટે બચત કરે છે છતાં એમની કમાણી ભયગ્રસ્ત માનસમાંથી નથી આવતી. જેમના માથે જાનનું જોખમ હોય એવા ટોચના રાજકારણીઓથી માંડીને લશ્કર કે પોલીસના ઉચ્ચાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ ઇત્યાદિ પોતાની સલામતી માટે લાપરવાહ બન્યા વિના અંગરક્ષકોનું સુરક્ષાવર્તુળ પોતાની આસપાસ રાખે છે. રાખવું જ જોઈએ. પરંતુ સતત ચોવીસ કલાક તેઓ વિચાર્યા કરે કે માથે મોત ભમે છે તો તેઓ પોતાનું કામ કેવી રીતે કરશે.  પાયાની સુરક્ષાવ્યવસ્થા કર્યા પછી તેઓએ માનસિક નિશ્ચિંતતા કેળવવી જ પડે, અસલામતીનો ખ્યાલ મનમાંથી કાઢી નાખવો પડે.

લાગણીના સંબંધમાં સલામતી પ્રવેશ્યા પછી એની પાછળ પાછળ બેદરકારી ચૂપચાપ આવી જાય છે. લગ્ન દરેક સંબંધ પર સલામતીની મહોર મારી આપે છે. પ્રેમીમાંથી પતિ બની ગયેલો પુરુષ સલામતી અનુભવતો થઈ જાય છે. પત્ની પોતાને છોડીને બીજાની પાસે જવાની નથી એવી સલામતી અનુભવતો થઈ જાય છે. શી લવ્ઝ મી, શી લવ્ઝ મી નોટવાળો ગાળો હવે પૂરો થઈ ગયો એવું એને લાગવા માંડે છે. લગ્ન થઈ ગયાં એટલે ખાતરી થઈ ગઈ કે શી લવ્ઝ મી.

આવું જ પ્રેમિકામાંથી પત્ની બની ગયેલી સ્ત્રીના કિસ્સામાં બને છે. પતિ પોતાનો જ છે, જઈ જઈને હવે એ ક્યાં જશે એવું વિચારતી પત્નીના જીવનમાં બેદરકારીનો પ્રવેશ થાય છે. અંગ્રેજીમાં જેને ટેકન ફૉર ગ્રાન્ટેડ ઍટિટ્યુડ કહે છે એવું વર્તન પતિ-પત્ની એકબીજા માટે કરતાં થઈ જાય છે. એકબીજા માટેની  કાળજી કદાચ ઓછી નથી થતી, પરંતુ પોતાને બીજાની કાળજી છે એવી ભાવના પ્રગટ કરતું વર્તન ઓછું  થતું જાય છે, વખત જતાં બંધ થઈ જાય છે.

સંબંધમાં સલામતી ક્યાં, કઈ રીતે ખતરારૂપ બને છે તે સમજવા માટે આટલી લાંબી પ્રસ્તાવના. સંબંધેતર લગ્નોનું ચોથું કારણ આ જ : લગ્ન પછી પ્રવેશી જતી સલામતીની ભાવના. અથવા તો કહો કે એ સલામતીના પગલે પગલે આવી જતી એકબીજા પ્રત્યેની બેદરકારીભરી વર્તણૂક.

લગ્ન અગાઉના ગાળામાં સામેની વ્યક્તિને પસંદ પડે તે માટે સુઘડ તથા આકર્ષક કપડાં પહેરવાની ભૌતિક કાળજીથી માંડીને એને ખુશ રાખવા માટે થતી પોતાના વિચારો-આગ્રહો સાથેની બાંધછોડ પાછળ અસલામતીની ભાવના હોય છે. સામેની વ્યક્તિને ગમતું વર્તન ન થવાથી પોતે એના મનમાંથી ઉતરી જશે, એનો પ્રેમ મળતો અટકી જશે, એ કોઈક ત્રીજી વ્યક્તિને શોધી લેશે એવી અસલામતીને તમે સાત્વિક કે મધુર અસલામતી કહી શકો. અસલામતીનો આ પ્રકાર લગ્ન પછી પણ જીવનમાં હાજરી પુરાવતો રહેતો લગ્ન જીવંત રહે, એમાંથી સંબંધની બાદબાકી થવાની શક્યતા ઓછી હોય.

આને બદલે લગ્ન પછી બને છે ઊલટું. મારે જે કરવું છે તે કરીશ, આને ગમે કે ના ગમે તે એનો પ્રશ્ન છે : આવી મનોદશા લગ્નને બહુ ઝડપથી મૃતઃપ્રાય બનાવવા ભણી દોરી જાય છે. લગ્નની સલામતી જેને કારણે પ્રાપ્ત થઈ છે તેમાંના જ કેટલાંક કારણો (એકબીજા માટેની સતત કાળજી, સામેની વ્યક્તિને પોતાની વર્તણૂક ગમે તે માટે લેવાતી સંભાળ) ઓસરી જાય ત્યારે લગ્ન ઉષ્માભર્યા સંબંધથી વેગળું બની જાય છે. આવું ન બને તે માટે લગ્નમાં કૃત્રિમ અસલામતી તો ન જ ઊભી કરી શકાય. છૂટા પડવાની ધમકી પણ ન અપાય પરંતુ લગ્ન પહેલાં અસલામતીને દૂર કરવા માટે જે કાળજીઓ લેવાતી હતી તે લઈ શકાય.

૫. સંબંધેતર લગ્નોનાં પાંચ કારણોમાંનું પાચમું કારણ બાળકો. બાળકના જન્મ પછી સ્ત્રીનું જીવન માતૃત્વકેન્દ્રી બની જાય છે. તે પત્ની મટીને ફુલટાઇમ માતા બની જાય છે. એ ભૂલી જાય છે કે સારી પત્ની જ સારી માતા બની શકે છે.

બાળકના જન્મ પછી પતિ પણ લગ્ન કરવા પાછળનું એક ઘણું મોટું લક્ષ્ય સિદ્ધ કરી નાખ્યાનો સંતોષ લઈને, પતિ તરીકેના પોતાના પાત્રને વિદાય આપી કામધંધાને કે અન્ય પ્રવૃત્તિઓને વધુ મહત્તા આપતો થઈ જાય છે. પત્ની ને ફુલટાઇમ માતા બનેલી જોઈ પોતે પણ પિતાના રોલમાં ગોઠવાઈ જવાની કોશિશ કરે છે. બેઉના જીવનનું કેન્દ્ર સંતાનોનો ઉછેર બની જાય છે.

તેઓ સમજતાં નથી કે અત્યાર સુધી બેઉ એકબીજાને પોતાના જીવનનું કેન્દ્ર માનતાં રહ્યાં એ પણ એમની ભૂલ જ હતી. બીજાઓને પોતાના જીવનનું કેન્દ્ર માનતા રહેવાથી જીવનનું ફોકસ સતત બદલાતું રહે છે. બાળકો મોટાં થઈ ગયાં પછી, સ્વતંત્ર બની ગયાં પછી, માબાપનાં જીવનનાં કેન્દ્ર રહેતા નથી, રહેવાં જોઈએ પણ નહીં. સંતાન મોટું થઈને તેની જિંદગી જીવવા લાગે ત્યારે માબાપને પોતાનું અસ્તિત્વ કેન્દ્ર વિનાનું લાગવા માંડે છે.

વ્યક્તિના જીવનનું કેન્દ્ર વ્યક્તિ પોતે જ હોઈ શકે. ગમે તેવી પરિસ્થિતિમાં કેન્દ્રવિહોણા હોવાની લાચારી ન અનુભવવી હોય તો આમ થવું જરૂરી છે. આવું થાય તો જ માણસ પોતે સ્વતંત્રતા અનુભવી શકે અને પોતાની નિકટની વ્યક્તિને– પતિ-પત્ની, પ્રેમી-પ્રિયતમા કે સંતાનને– પરતંત્ર બનાવવાના પાપમાંથી ઊગરી જઈ શકે.

બાળકોને કારણે જ પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ટકી રહેશે અથવા મજબૂત બનશે એવું માનનારાં યુગલો કે એમનાં સ્વજનો એ યુગલના પતિ-પત્ની તરીકેના સંબંધને તેમ જ બાળકોના અસ્તિત્વને– બેઉને ઓછાં આંકે છે. પતિ-પત્નીનો સંબંધ બાળકોને કારણે ટકી રહેતો હોત કે વધુ મજબૂત બનતો હોત તો સમાજમાં આજે જોવા મળે છે એવાં અસંખ્ય નિઃસંતાન પતિ-પત્નીનું આદર્શ લગ્નજીવન જોવા મળતું ન હોત અને સંતાનો ધરાવતા દરેક યુગલનું લગ્નજીવન આદર્શ લગ્નજીવન બની ગયું હોત.

લગ્નજીવનની ગુણવત્તા કે આવરદા વધારવા બાળકોનો પ્યાદાં તરીકે ઉપયોગ કરવો તે બાળકોના અસ્તિત્વના અપમાન બરાબર છે. દરેક વ્યક્તિને પોતાનું એક વર્તુળ છે જેનું કેન્દ્ર તે પોતે જ છે. પતિને એનું અને પત્નીને પણ એનું પોતાનું એક વર્તુળ છે. બાળકોને એમનાં પોતપોતાનાં વર્તુળ છે. કુટુંબજીવનમાં આવાં વર્તુળો એકબીજાની નજીક આવીને જ્યાં જેટલાં એકબીજાને ઢાંકે છે તેટલી જગ્યા એ સૌની સહિયારી જગ્યા બની જાય છે. આ સહિયારી જગ્યામાં રહેવાનો માનસિક-ભૌતિક આનંદ અવર્ણનીય છે અને એ જ રીતે બાકી રહી ગયેલી વ્યક્તિગત જગ્યાની સ્વતંત્ર માલિકી ભોગવવાનો આનંદ પણ અલૌકિક છે.

વધુ આવતી કાલે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *