લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

૨. સંબંધેતરલગ્નના બીજા કારણના બે પેટાવિભાગ. એક તો, જેની સાથે પ્રેમ થયો એને પરણવું જ જોઈએ એવી માન્યતાઅને બે, રોમાન્સની-પ્રેમની પરાકાષ્ઠારૂપે લગ્ન જ હોઈ શકે એવી માન્યતા. આ બેઉ માન્યતા એકબીજા સાથે જોડાયેલી છે. લગ્નજીવન એટલે શું– એની અધકચરી સમજને કારણે આ બેઉ માન્યતાનો જન્મ થાય છે. ખરેખર તો બીજી માન્યતા પહેલાં જન્મે છે જેને કારણે પહેલી પણ એની પાછળ પાછળ આવે છે. પ્રેમ અને રોમાન્સ એટલે શું અને એનું પૃથક્કરણ કરીએ તો એમાં કયાંકયાં તત્વો-સંયોજનો મળી આવે એની જ જ્યારે પૂરી સમજ ન હોય એ ઉંમરે લગ્ન વિશેની સમજ ક્યાંથી હોવાની? આવી સમજ પુખ્ત સંતાનોને એમની મુગ્ધાવસ્થામાં જ આપવાની જવાબદારી કોની? કદાચ માબાપની.નિષ્ફળ જતા પ્રેમની તેમ જ નિષ્ફળ જતા લગ્નજીવનની સીધી જવાબદારીનો મોટો હિસ્સો બે સંબંધિત વ્યક્તિઓનો હોવા છતાં આ બેઉ માટેનાં આડકતરાં અથવા અપ્રગટ કારણોમાં માબાપનો-ઉછેરનો હિસ્સો પણ હોય છે. લગ્નની કંકોતરીમાં પરદાદા, દાદાથી માંડીને માતાપિતાનાં નામ હોંશે હોંશે લખવામાં આવે છે એમ જો છૂટાછેડાની કંકોતરી મોકલવાનો રિવાજ શરૂ થાય તો આ તમામ નામ એમાં ફરી લખાવાં જોઈએ.

લગ્નની કંકોતરીમાં પરદાદા, દાદાથી માંડીને માતાપિતાનાં નામ હોંશે હોંશે લખવામાં આવે છે એમ જો છૂટાછેડાની કંકોતરી મોકલવાનો રિવાજ શરૂ થાય તો આ તમામ નામ એમાં ફરી લખાવાં જોઈએ.

જે વ્યક્તિ તમારા માટે લવેબલ હોય તે વ્યક્તિ તમારા માટે મૅરેજેબલ હોઈ શકે, ન પણ હોય. હોય જ એ જરૂરી નથી. પણ પ્રેમમાં પડ્યા પછી આવો વિચાર નથી આવતો. આવે છે ત્યારે, માત્ર સ્થૂળ કારણોસર સામેની વ્યક્તિમાં લગ્નની પાત્રતા નથી એવું માની લેવામાં આવે છે. આ સ્થૂળ કારણો એટલે કુટુંબની પૈસાપાત્રતા, સંયુક્ત કુટુંબ છે કે વિભક્ત, પરાધર્મી છે કે સ્વધર્મી કે પછી નાતના છે કે પરનાતના ઇત્યાદિ.

પ્રેમી કે પ્રિયતમા તરીકે સોમાંથી સો ગુણ આપી શકો એવી વ્યક્તિને પતિ કે પત્ની તરીકે પાંત્રીસ માર્ક્‌સ પણ ન મળે એવું બને. અને શક્ય છે કે આ જ બે યુવાન-યુવતી એકબીજાની સાથે પરણવાને બદલે પોતપોતાની રીતે અલગ વ્યક્તિ શોધીને પરણી જાય તો એમને પતિ કે પત્ની તરીકેના રોલ માટે એટલા જ ઉત્તમ ગુણ મળી શકે જેટલા તેઓ સાથે હતાં ત્યારે એકબીજાના પ્રેમી તરીકે મેળવતાં હતાં.

પ્રેમી કે પ્રિયતમા તરીકે સોમાંથી સો ગુણ આપી શકો એવી વ્યક્તિને પતિ કે પત્ની તરીકે પાંત્રીસ માર્ક્‌સ પણ ન મળે એવું બને.

જેને પ્રેમ કરતા હોઈએ એની જ સાથે પરણવું જોઈએ (અથવા તો, એની સાથે પરણવું જ જોઈએ) એવી માન્યતાના પાયામાં વિચાર એ છે કે રોમાન્સની કે પ્રેમની પરાકાષ્ઠા હંમેશાં લગ્ન જ હોય, લગ્ન સુધી ન પહોંચી શકેલો પ્રણય નિષ્ફળ જ હોય અને પ્રેમની સંપૂર્ણતા એના લગ્નીકરણમાં જ છે. આ બધી માન્યતાઓ વ્યક્તિને દુઃખી કરનારી છે.

આવી માન્યતાઓ અનાયાસે સર્જાતી ગઈ અને પુસ્તકો, ફિલ્મટીવી, આસપાસની વ્યક્તિઓ તથા વાતાવરણ દ્વારા બાળક કે કિશોરનાં મનમાંઘર કરતી ગઈ. આને તોડવાનું કામ માબાપ, વડીલો કે મિત્રો કરી શકે અને કિશોરમાંથી યુવાન બનીને મિડલ એજ તરફ આગળ વધતી વ્યક્તિ પોતે કરી શકે– ભવિષ્યમાં પોતાનાં બાળકોને આ વિશે સમજણ આપીને.

લગ્ન પછી બે વ્યક્તિઓ સંબંધનાં આ બદલાયેલા સ્વરૂપને ઓળખી શકતી નથી. ઓળખી નથી શકતી એટલે આ બદલાયેલા સ્વરૂપને સ્વીકારી પણ નથી શકતી.

૩. સંબંધેતર લગ્નોનું ત્રીજું કારણ. લગ્ન પછી બે વ્યક્તિઓ સંબંધનાં આ બદલાયેલા સ્વરૂપને ઓળખી શકતી નથી. ઓળખી નથી શકતી એટલે આ બદલાયેલા સ્વરૂપને સ્વીકારી પણ નથી શકતી.

લગ્ન પહેલાંનો પ્રેમ કે લગ્ન પહેલાંનો રોમાન્સ, લગ્ન પછી ગાયબ નથી થઈ જતો, પણ એ પ્રેમ કે રોમાન્સનું રૂપાંતર થઈ જતું હોય છે, એને કોઈક બીજું સ્વરૂપ મળી જતું હોય છે. આ રૂપાંતરણ બીજમાંથી ઉગેલા છોડ જેવું કે બરફ ઓગળી ગયા પછીના જળ જેવું હોય છે એ કોઈ પારખી શકતું નથી. જે પારખી શકે છે તેને વૃક્ષ કે જળ મળી ગયા પછી પણ પેલા મૂળ સ્વરૂપનો, બીજ અને બરફનો, અભાવ ખટકતો રહે છે.

લગ્ન પછી પ્રેમનું કે રોમાન્સનું રૂપાંતર થઈ જતું હોય છે, આ રૂપાંતરણ બીજમાંથી ઉગેલા છોડ જેવું કે બરફ ઓગળી ગયા પછીના જળ જેવું છે એ કોઈ પારખી શકતું નથી.

લગ્ન પછી થતી રૂપાંતરણની પ્રક્રિયા અટકાવવી અશક્ય છે, અસ્વાભાવિક અને અનનૅચરલ પણ છે. સંબંધના બદલાયેલા આ સ્વરૂપને પારખીને એને સ્વીકારવા માટે સજાગતા જોઈએ. એ સજાગતા ત્યારે આવે જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે કે લગ્ન પહેલાં ગુલાબનું ફૂલ આપીને થતી રોમાન્સની લાગણીને જાળવી રાખવા લગ્ન પછી પણ ગુલાબનાં ફૂલ આપ્યા કરવાની જરૂર નથી. બીજી અનેક રીતોએ એવી લાગણી સર્જી શકાય, એવું માનસિક વાતાવરણ સર્જી શકાય. આવી રીતો વિશે માત્ર ભૌતિક દ્રષ્ટિએ વિચાર કર્યા કરવાથી અટવાઈ જઈશું. ફુલને બદલે ચૉકલેટ કે કોઈ સ્થૂળ ભેટ જેવા વિકલ્પો વિશે વિચારવાને બદલે વિકલ્પરૂપે બીજું શું હોઈ શકે એવા મંથનમાંથી ઘણું બધું નીપજી શકે.

લગ્નદિવસની જ જયંતિઓ ઊજવવાને બદલે બીજા કયા કયા દિવસોની ઍનિવર્સરીઓ ઊજવાઈ શકે? આવી જયંતીઓ ઊજવવા માટે રેસ્ટોરાંમાં જઈને ડિનર લેવાને બદલે કે નવા ડ્રેસની ભેટ આપવાને બદલે બીજું શું શું થઈ શકે? આ બધી શક્યતાઓ વિશે માત્ર બેઉ વ્યક્તિએ એકલા મળીને વિચારવાનું હોય અને એ બેઉ એ જ એનું અમલીકરણ કરવાનું હોય. ખૂબ બધા લોકોને એમાં ભેગા કરવાના ન હોય કે પોતે શું શું કર્યું એ વિશે ઢંઢેરા પણ પીટવાના ન હોય.

ગુલાબનું ફૂલ આપીને થતી રોમાન્સની લાગણીને જાળવી રાખવા લગ્ન પછી પણ ગુલાબનાં ફૂલ આપ્યા કરવાની જરૂર નથી. બીજી અનેક રીતોએ એવી લાગણી સર્જી શકાય, એવું માનસિક વાતાવરણ સર્જી શકાય.

લગ્ન તથા લગ્નજીવન જેવી અંગત બાબતને સામાજિક સ્વરૂપ આપી દેવાથી અનેક પ્રશ્નો સર્જાયા છે. એમાં જેટલું અંગતપણું સચવાઈ શકે એટલું સારું. લગ્નની ઘટનાને સામાજિક સ્વરૂપ અપાયા પછી લગ્નના વિસર્જન જેવી ઘટનાને પણ તમે અંગત રાખી શકતા નથી. છૂટાછેડા વ્યક્તિગત મામલો મટીને બૃહદ્‌ પરિવારનો અને આખા સમાજનો વિષય બની જવાથી ખૂબ બધા પ્રશ્નો ખુદ લગ્નજીવનમાં સર્જાતા રહે છે.

વધુ આવતી કાલે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

4 comments for “લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો: ૬

 1. rcparekh
  August 6, 2011 at 7:49 PM

  sourbh bhai
  nameste.
  tamne nikhalas thi vachu chhu.aapna blog ma ghano aanand aave chhe/pan ek vinntee chhe aap aa blog ma aapna juna lekh ke aapni book na articls na badle jo nava lekh aapso to ame aapna aabharee thasu.

 2. August 6, 2011 at 8:46 PM

  it’s nice article.

 3. himanshu
  August 23, 2011 at 2:20 PM

  girls not thing like that sir.

 4. himanshu
  August 23, 2011 at 2:22 PM

  it’s very nice articale. every couple should read it who have after married problem.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *