લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૫

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

ફૅક્ટરીઓથી માંડીને હૉટેલ-રેસ્ટોરાં શરૂ કરવાનું લાયસન્સ લીધા પછી દર વર્ષે તમારા પ્રિમાઇસીસ પર ફૅક્ટરી ઇન્સ્પેક્ટરો ઇત્યાદિની અવરજવર શરૂ થઈ જાય છે. નિશ્ચિત ધોરણો મુજબનો તમારો કારભાર ચાલે છે કે નહીં તેની તપાસ થાય છે. ગુણવત્તાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી નીચે જતાં રહ્યાં હોય તો લાયસન્સ રિન્યુ નથી થતું. તમે ફરી કાળજી લઈને એ ધોરણો પુનઃ સ્થાપિત કરો તો જ લાયસન્સની મુદ્દત વધારી આપવામાં આવે. આના કારણે ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોનું યોગ્ય નિયમન થાય છે અને પરિણામે સૌની ઉન્નતિ થાય છે.

ફૅક્ટરી ઇન્સ્પેક્ટરોની જેમ લગ્નપ્રથા શરૂ થઈ ત્યારથી મૅરેજ ઇન્સ્પેક્ટરોનો ચાલ શરૂ થયો હોત તો? આજે પણ એવો નિયમ બનાવવામાં આવે તો આજનાં કેટલાં લગ્નો લાયસન્સ રિન્યુ કરી આપવાને લાયક પુરવાર થાય? કેટલાં લગ્નો ગુણવત્તાથી માંડીને સલામતી વ્યવસ્થા સુધીની કસોટી પર ખરાં ઊતરે? કેટલાં લગ્નો, બાય પ્રોડક્ટરૂપે પેદા થતા પ્રદૂષણને ખાળવા માટેના પોલ્યુશન ટેસ્ટમાંથી પાસ થઈ શકે?

લગ્ન એક એવી વિધિ છે જે થઈ ગયા પછી, જેનું લાયસન્સ મળી ગયા પછી, એને મેઇન્ટેઇન કરવાની જવાબદારી સંબંધિત વ્યક્તિઓની છે એવી કોઈ ફરજ લાદવામાં નથી આવતી. આવી ફરજ લાદવામાં ન આવી હોવા છતાં જેઓ સ્વૈચ્છિક રીતે પોતાનાં લગ્નની જાળવણી કરી શકે છે, મૅરેજ ઇન્સ્પેક્ટર આવી જશે તો લાયસન્સ રિન્યુ નહીં થાય એવી કાલ્પનિક ધાકથી જેઓ પોતાનાં લગ્ન સાથે સંકળાયેલી બાબતોનાં મિનિમમ સ્ટાન્ડર્ડ્‌સ જાળવી રાખે છે, એમનાં લગ્નને ઝાઝો ઘસારો પહોંચતો નથી. ઔદ્યોગિક ક્ષેત્રે જાગ્રત એવી આ દુનિયામાં સામાજિક ક્ષેત્રે પણ આટલું ડહાપણ હોત તો બહુ ઓછાં સંબંધેતર લગ્નો જોવા મળત.

લગ્નથી ઇતર એવા સંબંધો એટલે લગ્નેતર સંબંધો. ઇતર એટલે અન્ય અથવા તો બીજા. લગ્નની જેમાં હાજરી નથી એવા સંબંધો, જેની ચર્ચા થઈ ગઈ. સંબંધની જેમાં ગેરહાજરી હોય એવાં, સંબંધથી જે વેગળા કે જુદા હોય એવાં, સંબંધથી ઇતર એવાં લગ્નો એટલે સંબંધેતર લગ્નો. આ એવાં લગ્નો જેમાં સંબંધ ન હોય. આ એવાં લગ્નો જેમાં માત્ર લગ્ન જ બાકી બચ્યાં હોય, સંબંધો ઓસરી ગયા હોય. આ એવાં લગ્નો જેનું એક વખત સર્જન થઈ ગયા પછી કોઈનેય વિચાર નથી આવતો કે આત્માની ગેરહાજરીવાળા દેહનું વિધિસર વિસર્જન થાય એ રીતે સંબંધની ગેરહાજરીવાળા લગ્નનું પણ વેળાસર વિસર્જન થઈ જવું જોઈએ. નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ બોલીને એનું વિસર્જન થઈ જવું જોઈએ. આત્માની જગ્યાએ સંબંધને મૂકીને ધારવું જોઈએ કે લગ્ન નાશવંત છે પણ સંબંધને કોઈ શસ્ત્ર હણી શકતું નથી, કોઈ અગ્નિ એને બાળી શકતો નથી. સંબંધ અમર છે, લગ્ન નહીં.

સમાજમાં વિસર્જનનું મહત્વ દરેક ઠેકાણે સ્વીકારાયું, માત્ર લગ્ન સિવાય. વિસર્જન સાથે સંકળાયેલી ધાર્મિક-આધ્યાત્મિક ભાવનાઓ ઉદ્દાત્ત છે. ગણેશજીના વિસર્જનનો ઉત્સવ મનાવવામાં આવે છે. આવા જ વિસર્જનનો ઉત્સવ ડિવોર્સ પાર્ટીરૂપે મનાવી શકાય.

લગ્નમાંથી સંબંધ ઓસરી જવાનું કારણ એક જ વાક્યમાં આપી દેવું હોય તો તે એ કે વ્યક્તિ લવેબલ રહેતી નથી. ખાદ્ય પદાર્થ જેમ ઇટેબલ હોવો જોઈએ એમ લગ્ન પદાર્થમાં વ્યક્તિ લવેબલ રહેવી જોઈએ. તમે જેને ખાઈ શકો એમ હો અથવા તો જે ખાવાને પાત્ર હોય તે ઇટેબલ અને તમે જેને પ્રેમ કરી શકો એમ હો અથવા તો જે પ્રેમને પાત્ર હોય એ લવેબલ. આમાં બેદરકારી થઈ તો સંબંધેતર લગ્ન સર્જાયા વિના ન રહે.

સંબંધેતર લગ્નોના આ કારણો દરેકને ખબર છે પણ ફોડ પાડીને આ વિશે કોઈ બોલતું નથી, જાત સાથે પણ કબૂલ કરતું નથી :

૧. જિંદગીની તમામ હૅપીનેસ, જીવનનો તમામ આનંદ, લગ્નજીવનમાંથી મળી રહેશે એવી અપેક્ષા લગ્ન પહેલાં જ મનમાં ઊગી ચૂકી હોય છે. લગ્ન એટલે દરેક આનંદનો અખૂટ સ્ટૉક અને તમામ પ્રકારનો આનંદ મેળવવાની પિન ટુ પિયાનો  વેચતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી જગ્યા. આવું માની લેવું એ જ મોટી મૂર્ખાઈ.

તમે નવી ગાડી ખરીદો છો ત્યારે એ ગાડી તમને વૉશિંગ મશીનરૂપે, અવનરૂપે કે નહાવાની જગ્યારૂપે કામ લાગશે એવું ક્યારેય નથી વિચારતા. લગ્ન માટે તમામ સુખની અપેક્ષાઓ સર્જાય છે. (અહીં આનંદ અને સુખ વચ્ચેના આદ્યાત્મિક ભેદની ચર્ચા નથી લાવવાની, બેઉ એકબીજાના પર્યાયરૂપે વપરાયા છે.) એટલું જ નહીં, જીવનમાં બધાં જ  દુઃખદર્દને લગ્ન મિટાવી દેશે એવી પણ આશા રાખવામાં આવે છે. એક બિચારાં લગ્ન પર આટલી બધી જવાબદારીઓ. લગ્નની કમર ભાંગી ન પડે તો જ નવાઈ.

લગ્નજીવન ઉપરાંત જીવનનાં અનેક ક્ષેત્રોમાંથી આનંદ મળવો જોઈએ.મળતો હોય છે. લગ્નથી જોડાયેલી વ્યક્તિઓ પાસે પોતપોતાના તેમ જ પરસ્પરને સાંકળી શકે એવા રસના વિષયનો વ્યાપ જેટલો વધુ એટલી એ બેઉ વચ્ચેની નિકટતાની સંભાવના વધુ.

પતિને પત્નીની હાજરીને કારણે જેટલી મઝા આવી શકે એટલી જ મઝા પુસ્તક વાંચવાથી, ટેનિસ રમવાથી, મિત્રો સાથે જંગલમાં ઊપડી જવાથી, ભજન સાંભળવામાંથી કે હિંદી ફિલ્મ જોવામાંથી આવી શકે. આ દરેક વખતે પત્ની સાથે જ હોય  એ જરૂરી નથી, સાથે ન જ હોય એવું પણ જરૂરી નથી.

પત્ની વિના કે પત્નીની સાથે– કોઈ પણ રીતે લઈ શકાય એવા જીવનના આનંદોની યાદી બનાવવા બેસીએ તો મહાનગરની ટેલિફોન ડિરેક્ટરી જેટલું એનું કદ થાય.

જીવનમાં મેળવી શકાય અથવા તો મેળવવા જોઈએ એ બધા આનંદ લગ્નસંબંધમાંથી જ મળવા જોઈએ એવી અપેક્ષા ક્યારેય પૂરી ન થઈ શકે. એ અપેક્ષા પૂરી નથી થતી માટે લગ્નજીવન નિષ્ફળ છે એવી પ્રતીતિ થવા માંડે છે. આમાં વાંક કોનો : લગ્નજીવનનો કે પછી અપેક્ષા રાખનારનો?

વધુ કાલે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *