લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૪

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

સંબંધેતર લગ્નોનાં કારણો તરફ જતાં પહેલાં એક ઝડપી નજર લગ્નેતર સંબંધોનાં કારણો તરફ નાખી લેવી જરૂરી છે. આ બેઉ પરિસ્થિતિઓને એકબીજા સાથે સીધો સંબંધ છે. લગ્નેતર સંબંધોનાં કારણો તપાસતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં મુદ્દો લગ્નેતર સંબંધોનો ચર્ચાઈ રહ્યો છે, કોઈ ઉપરછલ્લા પરિચયનો નહીં. આત્મીયતા જેમાં ભળી જતી હોય એવા લગ્નેતર સંબંધોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. અંગ્રેજીમાં જેને વન નાઈટ સ્ટૅન્ડ, ફ્લિન્ગ તેમ જ  ફ્લર્ટિંગ કહે છે (આ ત્રણેય જુદી જુદી બાબતો છે) તેના વિશે નહીં, એક્‌સ્ટ્રા મરાયટલ રિલેશનશિપ વિશે ચર્ચા થઈ રહી છે.

સ્ત્રીપ્રુરુષ વચ્ચે બંધાતો દરેક સંબંધ, પછી ગમે તે કારણે તે સર્જાયો હોય, આગવી પવિત્રતા સાથે જન્મે છે. એ સંબંધની ગરિમા ભવિષ્યમાં જળવાય છે કે કેમ તેનો આધાર બેઉ વ્યક્તિઓએ પોતપોતાની રીતે એના ઉછેરમાં આપેલા ફાળા પર છે. લગ્નેતર સંબંધોનાં કારણો :

૧.જાતીય ઈચ્છાની, સેક્સની કે કામવેગની પરિતૃપ્તિ લગ્નેતર સંબંધોનું એક કારણ હોઈ શકે.  ક્યારેક  એકમાત્ર કારણ પણ હોઈ શકે. આને કારણે એ સંબંધના જન્મ સાથે જોડાયેલી પવિત્રતાને કોઈ હાનિ પહોંચતી નથી.  હાનિ ત્યારે જ પહોંચે છે જ્યારે વ્યક્તિ આ સંબંધની મૂળ ઊંચાઈ જાળવી રાખવાને બદલે યાંત્રિકતામાં સરી પડીને નીચે પટકાય છે.

અહીં બે વાતની ચોખવટ થઈ જવી જોઈએ. અનેક સાચાંખોટાં પ્રમાણો આપીને કહેવાયું કે મનુષ્ય અને એમાંય ખાસ કરીને પુરુષ, જાતીયતાની બાબતમાં પહેલેથી જ બહુગામી છે અને એકપત્નીત્વ એના પર લાદવામાં આવેલું સમાજીક વ્યવસ્થાનું બંધન છે. અહીં એક વાત ઉમેરવી છે. મનુષ્યને સ્વભાવગત બહુગામી કહેવો અને નૃવંશશાસ્ત્રીય કારણો આપીને એની સેક્સલાઈફને પશુજગતના જાતીય જીવન સાથે જોડવી એ અધકચરી સમજની નિશાની છે.

માણસ એક જ વ્યક્તિ સાથેના જાતીય જીવનથી સંતોષ પામી શકે. માણસ એક કરતાં વધુ વ્યક્તિ સાથેના જાતીય જીવનથી પણ અસંતુષ્ટ હોઈ શકે. વ્યક્તિની પોતાની માનસિકતા પર આ વસ્તુ નિર્ભર છે. વ્યક્તિના પૂર્વજો, એના ઉછેરનું વાતાવરણ, એના ઘડતરકાળના વિચારો તેમ જ માણસ તરીકેની એની સમજદારી– આ બધાં તત્વો, એને એક જ વ્યક્તિના જાતીય જીવનથી સંતોષ મળશે કે એક કરતાંવધુ, એ વિશેની માનસિકતા સર્જવામાં ભાગ ભજવતાં હોય છે.

ભરપૂર વ્યક્તિઓ સાથે આ પ્રકારના સંબંધો બાંધી ચૂકેલી વ્યક્તિનું સંતાન આજીવન મોનોગામી પસંદ કરે, એક જ વ્યક્તિ સાથેની સેક્સ લાઈફ પસંદ કરે એ શક્ય છે. આની સામે ગાંધીવાદી આશ્રમોના કડક બ્રહ્મચર્યવાળા વિચારોથી પ્રભાવિત માબાપના સંતાનના સેક્સજીવનમાં અનેક વ્યક્તિનો પ્રવેશ થયો હોય એવું પણ જોવા મળે. બધા જ માણસો આવા કે પછી બધા જ તેવા એવું જનરલાઈઝેશન અહીં શક્ય નથી.

૨. લગ્નેતર સંબંધોનું બીજું એક કારણ રોમાન્સની ઝંખના. આ રોમાન્સ એટલે ગુજરાતીવાળો રોમાંચ નહીં. પ્રેમની મુગ્ધાવસ્થા વખતે જોવા મળતો રોમાન્સ. નથિંગ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ માય લવ ફોર યુ જેવાં પ્રેમગીતોના મંદ મંદ પિયાનો સંગીત સાથે ડાન્સફ્લોર પર હળવેકથી સરકતાં યુગલોના માનસિક વાતાવરણમાં સર્જાતો રોમાન્સ. કેટલીક વ્યક્તિઓના જીવનમાં આવા રોમાન્સનો કૅન્ડલ લાઈટ પ્રકાશ પથરાઈને બુઝાઈ ગયો હોય છે. કેટલાકે ક્યારેય એવો રોમાન્સ અનુભવ્યો નથી હોતો અને હવે એમને એ રોમાન્સની કલ્પનાને વાસ્તવમાં પલટવાની ઇચ્છા જાગી હોય છે. આ બેઉ પ્રકારની વ્યક્તિઓ લગ્નેતર સંબંધોમાં પ્રણયની એ મુગ્ધ અવસ્થાને શોધે છે, ક્યારેક પામે છે અને ક્યારેક ફરી પાછી એ કૅન્ડલ લાઈટ બુઝાઈ જાય છે.

રોમાન્સ જેના પાયામાં હોઈ શકે એવાં પ્રેમલગ્નોમાં લગ્નનાં થોડાંક વર્ષ બાદ રોમાન્સનું રૂપાંતર ઘનિષ્ઠ એવા દાંપત્યજીવનમાં થાય તો પણ રોમાન્સની ખોટ સાલતી જ હોય છે. ક્યારેક પતિપત્ની રોમાન્સને નવજીવન આપવાના કૃત્રિમ પ્રયાસો કરે છે ત્યારે એ પ્રક્રિયા ફૂલદાનીમાં દિવસો સુધી પડ્યાં રહેલાં સુકાઈ ગયેલાં ફૂલને પાણી પિવડાવવા જેવો વ્યર્થ વ્યાયામ લાગે. એ વાતની બહુ ઓછાને જાણ હોય છે કે સંબંધમાં રોમાન્સનો ઉદ્‌ભવ અને એની જાળવણીનો આધાર બેઉ વ્યક્તિના રસના વિષયોના વ્યાપ પર પણ હોય છે.

૩. લગ્નેતર સંબંધોનું વધુ એક કારણ છે આત્મસન્માનની કે સેલ્ફ ઍસ્ટીમની ઘટતી જતી માત્રા.

ખૂબ ભણેલીગણેલી અને ભરપૂર બુદ્ધિમત્તા ધરાવતી સ્ત્રીએ લગ્ન બાદ રસોડું-બાળકો-વ્યવહારોમાં અટવાઈ જવું પડે ત્યારે એને કોઈ એક તબક્કે પોતાના આત્મગૌરવનું તળિયું દેખાવા માડે છે. જિંદગી કેવી બનાવવા ધારી હતી અને કેવી બની ગઈ એવા અભાવનો વિચાર દ્રઢ થતાં એને ફરી એક વાર કલ્પનાની પાંખો ફૂટવા માંડે છે. આવા સમયે કોઈ પુરુષ એના જીવનમાં પ્રવેશે અને કૉલેજના ઍન્યુઅલ ડેમાં જેને ગાવા માટે આગ્રહ થતો એ ગૃહિણીને ફરી એક વાર સંગીતના ક્ષેત્રમાં લઈ જવાનું પ્રોત્સાહન આપે ત્યારે લગ્નેતર સંબંધો સર્જાઈ શકે.

ધંધામાં કે વ્યવસાયમાં ખોટ ખાઈ ચૂકેલા પુરુષને કે નોકરી ગુમાવી બેઠેલા પ્રોફેશનલને પોતે હારીને થાકી ગયાનો, ડાઉન ઍન્ડ આઉટ હોવાનો અફસોસ કોરી ખાતો હોય અને કોઈ સ્ત્રી નવા ભવિષ્યની આશા દેખાડે ત્યારે લગ્નેતર સંબંધો સર્જાવાની શક્યતા વધી જતી હોય છે.

૪. લગ્નેતર સંબંધોનું ચોથું કારણ જરા અટપટું છે. આને આધ્યાત્મિકતા સાથે ન જોડીએ અને માત્ર ભૌતિકતા સાથે જ રહેવા દઈએ તોય વાંધો નથી. જીવનમાં કોઈ એક તબક્કે માણસને પોતાની અસલ ઓળખ શોધવાની ઝંખના થાય છે. સ્વની શોધમાં એ નીકળી પડે છે. એને ખ્યાલ આવે છે કે પોતે અત્યારે જે કંઈ છે તેના કરતાં ઘણો જૂદો બની શકે એવી શક્યતા એનામાં રહેલી છે. આ શક્યતાનાં પારખાં કરવાં માટે એ કોઈક એવી વ્યક્તિ સાથે સંબંધ બાંધવા ઇચ્છે છે જેને ખબર હોય કે આવી શક્યતાઓનું મૂલ્ય શું હોઈ શકે. આ કારણોસર લગ્નેતર સંબંધો સર્જાયા પછી એના પરિણામસ્વરૂપે વ્યક્તિને પોતાની અસલ ઓળખ પ્રાપ્ત થાય કે ન થાય, એ ઓળખ સુધી પહોંચવા માટેનો માર્ગ કયો છે તેની ખબર પડી શકે.

૫. લગ્નેતર સંબંધોનું હજુ એક કારણ છે લગ્ન. અથવા તો કહો કે સાકાર ન થયેલાં સપનાઓવાળું  લગ્નજીવન ત્યજીને સાકાર થઈ શકે એવાં સ્વપ્નોવાળું નવું લગ્નજીવન આરંભ કરવાની ઇચ્છા. લિબરલ સમાજમાં લગ્નવ્યવસ્થાને ખૂબ ગાળો દેવાઈ. લગ્નપ્રથા ખોટી છે એવું કોઈ ન કહી શકે. લગ્નની તમામ મર્યાદા જાળવ્યા પછી માનસિક સ્વતંત્રતા ભોગવતાં યુગલો એકબીજાનાં વ્યક્તિત્વને ખૂબ ખીલવી શકે. લગ્નપ્રથાના દેખીતા દોષ અનેક. એ દરેક દોષને નિવારવા અગાઉથી સાવચેતી લઈ શકાય એવી સમજ લગ્ન પહેલાં મળતી હોત તો એ દોષો નિવારી શકાતા હોત.

વધુ આવતી કાલે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *