લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૩

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

૧. પ્રથમ સ્તર તે માનસિક સ્તર. મનોમન એકબીજાની હાજરીની ઝંખના રહે કે એકબીજાની તસવીર આંખ સામે આવતી રહે  એ પછી આ સ્તર સર્જાય છે. રૂબરૂ મળ્યા વિના તમે જેની નિકટતાનો અહેસાસ કરી શકો એવી વ્યક્તિ સાથે માનસિક સ્તરે ખાસ્સા એવા કમ્ફર્ટેબલ છો એવું પુરવાર થઈ ગયું. સ્વભાવ, રસના વિષય કે શિક્ષણ-સંસ્કાર-ઉછેર ભિન્ન હોય તે છતાં માનસિક એકાત્મતા અનુભવી શકાય.

૨. માનસિક નિકટતા જે વ્યક્તિની સાથે હોય તેના માટે ભાવનાત્મક કે ઇમોશનલ સ્તરે પણ નિકટતા અનુભવાતી હોય છે. પરંતુ જેના માટે ઇમોશનલ એટેચમેન્ટ હોય, જેની સાથે લાગણીના સંબંધો હોય, તેની સાથે માનસિક ઐક્ય પણ મહેસૂસ થાય જ એવું જરૂરી નથી. ક્યારેક માત્ર અમુક સંજોગોમાં સાથ મળી જવાથી ભાવનાત્મક સંબંધો સર્જાઈ જતા હોય છે. ક્યારેક માત્ર મરજીથી કે નામરજીથી વર્ષો સુધી સાથે રહેવાને કારણે પણ લાગણીનું સાયુજ્ય સર્જાતું હોય છે. આવાં કોઈ કારણો વિના સર્જાતા ભાવનાત્મક સંબંધો વધુ ટકોરાબંધ હોય છે.  એમાં ઓછામાં ઓછો ભેગ હોય છે.

૩. સંબંધોમાં બૌદ્ધિક પ્રવાહ કે ઇન્ટલૅકચ્યુઅલ લેવલનો અર્થ એ નથી કે બેઉ વ્યક્તિઓ ભારે બુદ્ધિશાળી હોય. બેઉ વ્યક્તિઓનો બૌદ્ધિક સ્તર એકમેકને અનુરૂપ હોય ત્યારે આદર્શ ઇન્ટલૅકચ્યુઅલ સંબંધ સર્જાય. યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર બનેલી મહિલા ઇંટ ગોઠવતા કડિયા સાથે પરણે ત્યારે ઇન્ટલૅકચ્યુઅલી એ ક્યારેય સુખી ન થાય. કડિયા સાથે શાક વેચવાવાળી કાછિયણ પરણે તો શક્ય છે કે બૌદ્ધિક રીતે બેઉ એકબીજાને સંપૂર્ણ સંતોષ આપી શકે. સંબંધોનો આ એક એવો સ્તર છે જેની ગેરહાજરી કે  ઓછી હાજરીનો ખ્યાલ વર્ષો સુધી ઘણાને નથી આવતો.

૪. ફિઝિકલ લેવલને શરીરિક સ્તરને બદલે સ્પર્ષના સ્તરનું નામ આપવું વધુ યોગ્ય રહેશે કારણ કે શારીરિક સંબંધો એ શબ્દપ્રયોગ સેક્સ્યુઅલ રિલેશન્સના પર્યાયરૂપે બહુધા વપરાય છે. અહીં ફિઝિકલ તથા સેક્સ્યુઅલ વચ્ચે ભેદ કરવાનો છે. જે સ્પર્શ સેક્સ સુધી પહોંચતા નથી, પહોંચવાની ઇચ્છા પણ ધરાવતા નથી, જેને તમે સેક્સ્યુઅલ ફોરપ્લેના ખાનામાં પણ મૂકી શકતા નથી, એવા સ્પર્શોની આ વાત છે. આ પ્રકારના સ્પર્શોમાં માત્ર હાથ પકડવાથી માંડીને ઉષ્માભર્યાં આલિંગનો આવી શકે કે વાળ પર હાથ રમાડવાથી માંડીને હળવાં ચુંબનો આવી શકે . આ બધા એવા સ્પર્શો છે જે શબ્દો વિના એકમેક માટેની નિકટતા વ્યક્ત કરે. કેટલાક કિસ્સામાં બે વ્યક્તિ વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન્સ હોવા છતાં ફિઝિકલ રિલેશન્સની સદંતર ગેરહાજરી હોય એવું પણ બને. ફિઝિકલ રિલેશન્સની ગેરહાજરીવાળા સેક્સના સંબંધોમાં મોટે ભાગે યાંત્રિકતા અથવા જરૂરિયાતપણું પ્રવેશી જતાં હોય છે. ફિઝિકલ રિલેશન્સની સતત હાજરી, સેક્સ વિના પણ વ્યક્તિને શારીરિક  હૂંફ માણી શકવાની સગવડ આપે.

૫. જાતીય સંબંધો, કામ સંબંધો અથવા તો સેક્સ્યુઅલ રિલેશન્સ અંગત સંબંધોમાં ઘણો મોટો ભાગ ભજવે છે. એક તરફ આ સ્તર બે વ્યક્તિ વચ્ચેના આરંભિક આકર્ષણનું ઘણું મોટું કેન્દ્ર બની શકે છે તો બીજી તરફ એ ખોરવાય ત્યારે અન્ય સ્તરોમાં યોગ્ય પ્રમાણ જળવાયું હોવા છતાં સંબંધો તૂટી પડવાની શક્યતા સર્જાય છે.

મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ– આમાંના માત્ર કોઈ એક સ્તરને સંબંધનું કેન્દ્ર માનીને ચાલનારી બે વ્યક્તિઓનું સહજીવન લાંબું ટકતું નથી. આ પાંચેય વહેણને જે બે જણ એકબીજાની તેમ જ પોતપોતાની જરૂર તથા ઇચ્છા મુજબ વત્તાંઓછાં કરી શકે તે બે જણ બીજાઓને ઇર્ષ્યા થાય એવું સુંદર જીવન જીવી શકે.

વધુ આવતી કાલે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *