લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

સંબંધોના પાંચ સ્તર (મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ) વિશે ચર્ચા કરતાં પહેલાં કેટલાંક અનુમાનોનો પૂર્વસ્વીકાર થઈ ગયો છે એવું માની લઈએ :

માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે. પોતે ખુશ હશે તો પોતાની નિકટની, ઓછી નિકટની અને દૂરની– દરેક વ્યક્તિને ખુશ કરવાનો એ પ્રયાસ કરી શકશે અને એ પ્રયાસમાં સફળતા મળે એવી આશા પણ રાખી શકશે.

સંબંધોમાં સો ટકા નિખાલસતા જરૂરી નથી. નિખાલસતા અને નફ્ફટાઈ વચ્ચે બારીક ભેદરેખા છે. આ ભેદરેખા નીચી ઉતરી જાય છે ત્યારે દંભ અને છેક ઉપર ચડી જાય છે ત્યારે નફ્ફટાઈ નામની વર્તણૂક સર્જાય છે. નાનીથી માંડીને મોટી કહી શકાય એવી અસંખ્ય બાબતો સંબંધ દરમિયાન એકમેકના જીવનમાં અને વિચારોમાં સર્જાતી રહે છે. આની જાણ એકબીજાને ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ નુક્સાન થતું નથી. આવી બાબતો કઈ તેની કોઈ તૈયાર સરકારી યાદી નથી હોતી. વ્યક્તિએ પોતે એ નક્કી કરી લેવાની.

વફાદારી એટલે શું ? લગ્નજીવન ચાલુ રાખીને અન્ય વ્યક્તિ સાથે ખાનગી સંબંધ જોડવા ? કે પછી નિખાલસતાથી લગ્નજીવનનો અંત આણીને, પોતે જે વ્યક્તિ સાથે આજીવન રહેવાના સોર્ટ ઑફ સોગંદ લીધા હતા તે વ્યક્તિને ત્યજીને, લોકોની ભાષામાં એ વ્યક્તિ સાથે બેવફાઈ કરીને, ત્રીજી વ્યક્તિ સાથે પ્રગટપણે સંબંધ રાખવા ? આ બેમાંની કઈ પરિસ્થિતિમાં તમે તમારાં પતિ-પત્ની પ્રત્યે બેવફાઈ દેખાડો છો તે તમારે નક્કી કરવાનું અને યાદ રાખવાનું કે લોકોને જે પરિસ્થિતિ બેવફાઈની જણાતી હોય તે એવી ન પણ હોય.

કોઈ આવીને એમ કહે કે અમે જિંદગીમાં હંમેશાં નીતિમત્તાથી ચાલ્યા છિએ, ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરી, ક્યારેય ખોટું નથી બોલ્યા તો તમે એમના મોઢા પર કહી શકો કે આપશ્રી જુઠ્ઠા છો. આદર્શો  સાથે સો ટકા મૅચ થાય એવું જીવન મળવું અશક્ય છે. પ્રયત્ન જરૂર કરી શકાય અને બને એટલી વધુ ઊંચાઈ પર પહોંચી શકાય. પરંતુ દરેક વ્યક્તિએ ક્યારેક, ક્યાંક, કેટલુંક સમાધાન કરવું પડે જ પડે. એને તમે કૉમ્પ્રોમાઇઝનું નામ આપો કે ઍડ્‌જેસ્ટમેન્ટનું- કોઈ ફરક નથી પડતો. તમે ક્યાં, ક્યારે, કઈ રીતનું, કઈ હદનું, કોની સાથે અને કેટલું સમાધાન કર્યું છે તેના સરવાળા પરથી તમારી વ્યક્તિમત્તાનું માપ નીકળે. ‘સારાંશ’ ફિલ્મનો દાખલો લઈએ. દીકરાનાં અસ્થિ પરદેશથી આવ્યાં હોય અને કસ્ટમમાં એને છોડાવવા બે હજાર રૂપિયાની લાંચ આપવી પડે એમ હોય અને તમે આપો (‘સારાંશ’માં જોકે, લાંચ નથી અપાતી) તો પણ તમે પાપ નથી કરતા અથવા તો જો ભગવાનની નજરે એ પાપ હશે તો એની સજા તદ્દન મામૂલી હશે. પણ કસ્ટમમાં ડ્યૂટી ભર્યા વિના તમે બસો રૂપિયાની લાંચ આપીને કલર ટીવી છોડાવી લાવો તો એ પાપ છે. એની સજા મોટી હશે.

પાપ કોને કહીશું ને કોને નહીં ? કેળવાયેલો અને વિકસિત અંતરાત્મા જ નક્કી કરી શકે. હું ઈઝ ટુ સે વૉટ ઈઝ અ સિન (એસ આઈ એન, સિન, પાપ) ઇન ગૉડ્‌સ આઈઝ ? : ‘ધ સ્કારલેટ લેટર’ નામની એક અંગ્રેજી ફિલ્મનું આ છેલ્લું વાક્ય છે : કોણ નક્કી કરશે કે ભગવાનની નજરમાં પાપ એટલે શું?

પરંપરાગત સમાજમાં સ્થપાઈ ગયેલા દરેક આદર્શો મુજબ જીવવું જરૂરી નથી. સમાજે સાત સ્ટાન્ડર્ડ રંગોવાળું નીતિમત્તાનું મેઘધનુષ ભલે રચી આપ્યું, આપણે આપણું પોતાનું મેઘધનુષ બનાવી લેવું. એમાં એક-બે રંગ ઓછા હશે તો ભલે. મેઘધનુષ પાંચ-સાડાપાંચ રંગનું હોય તો ચાલશે પણ તે આપણું પોતાનું રચેલું હોવું જોઈએ.

અસલામતી અને ઈર્ષ્યા (ઇન્સિક્યુરિટી અને જેલસી) આ બેઉ કહેવાતા દુર્ગુણની કેટલીક સારી બાજુઓ પણ છે. આ પોઝિટિવ સાઇડ્‌સને પણ પારખી લેવાની. આ વિશેની ચર્ચા આગળ જતાં કરીશું.

આટલાં અનુમાનો સ્વીકાર્યા પછી સ્ત્રીપુરુષ સંબંધોના પાંચ સ્તરની વાત શરૂ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની કે આમાંનો એકેય સ્તર બીજા કરતાં ચડિયાતો કે ઊતરતો નથી. નિસરણી કે પગથીયાં નથી આ. માત્ર પાંચ વહેણ છે જે એક બીજામાં ભળી જાય છે. એક જ સપાટી ધરાવતાં આ પાંચ વહેણના પ્રવાહો વત્તાઓછા થઈ શકે– એનો આધાર બેઉ વ્યક્તિઓ પર અને સમય-સંજોગો પર.

આવતી કાલે  સંબંધોના પાંચ સ્તર વિશે.

આ પહેલાનો મણકો । આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

6 comments for “લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૨

 1. bhavesh jani
  August 2, 2011 at 11:22 PM

  બહુ સરસ. ભુતકાળ તાજો કરી નાખ્યો! બસ આવો જ કૈક ખાલીપો હતો.વાંચન માં જે તમે પુરો કરી નાખ્યો.

 2. August 2, 2011 at 11:53 PM

  good article.

 3. Kruti
  August 3, 2011 at 1:17 AM

  સુંદર મજાનું સંકલન…
  એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું.
  આભાર.
  કૃતિ….

 4. naresh k dodia
  August 3, 2011 at 3:41 PM

  saurabhbhai…mara intrest no subject che mane khoob gamyu….avti kaal na intejaar sathe…..:)

 5. Ashok Purohit
  August 4, 2011 at 9:44 PM

  Shri Saurbhbhai,khub khub dhanywad.khubaj sral bhasha ma saras ,vicharva layak lekh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *