લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧

Image cortsey: http://bhownkneywalakutta.blogspot.com

સમાજ લગ્નેતર સંબંધો વિશે જેટલી ફિકર કરે છે એટલી ચિંતા એને સંબંધેતર લગ્નો વિશે નથી હોતી.

એક્સ્ટ્રા મરાયટલ રિલેશન્સ અથવા તો લગ્નબાહ્ય સંબંધો વિશે ચિંતાપૂર્વક વાત કરતા લોકોને ક્યારેય એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ અથવા તો સંબંધબાહ્ય લગ્નો વિશે વિચારવાની જરૂર જણાતી નથી.

લગ્નના બંધનની બહાર સર્જાતા સંબંધો વિશે જેમ ચર્ચા થતી હોય છે એ રીતે સંબંધોની હાજરી વિના ચાલ્યા કરતાં લગ્નો વિશે પણ ચર્ચા થવી જોઈએ.

‘એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ’ અર્થાત‍ ‘સંબંધેતર લગ્નો’- આ બંને  શબ્દપ્રયોગ પહેલવહેલીવાર થઈ રહ્યા છે. ધીમે ધીમે લોકજીભે ચઢી જશે.

લગ્નેતર સંબંધો હંમેશાં માત્ર અનૈતિક જ નહીં, ગેરકાનૂની પણ ગણાયા છે. કેટલાક કિસ્સામાં, કેટલાક નહીં ઘણાબધા કિસ્સામાં, એ ઇચ્છનીય હોવા છતાં સમાજે એને અનૈતિક ગણવાનું ચાલુ રાખ્યું છે. સમાજ માટે આવી માન્યતા રાખવી જરૂરી હશે. આવા સંબંધોને આડા સંબંધો કે લફરાંબાજી જેવી ડેરોગેટરી અભિવ્યક્તિથી ઉતારી પાડવા પાછળ પણ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એવો આશય હશે. લગ્નેતર સંબંધો હંમેશાં છુપાવવા યોગ્ય જ ગણાયા.

પણ સંબંધેતર લગ્નોને લોકોએ ક્યારેય અનૈતિક નથી ગણ્યાં. લગ્નમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નામશેષ થઈ ગયો હશે છતાં એ લગ્ન સો ટકા કાનૂની ગણાશે. એટલું જ નહીં, સંબંધેતર લગ્નોને બીજાઓ આગળ, વટથી પહેરાયેલા મંગળસૂત્ર દ્વારા કે પછી ‘આ મારાં મિસિસ…’ કહીને રજૂ કરવામાં કોઈનેય સંકોચ નહીં નડે. સંબંધેતર લગ્નોની રજત જયંતિઓ ધામધૂમથી ઊજવાશે. સંબંધની ગેરહાજરીમાં ચાલ્યા કરતાં લગ્નની આવી ઍનિવર્સરીઓ ઊજવાતી રહેશે. એ દિવસ પૂરતા ખુશખુશાલ હોવાનો દેખવ કરતા યુગલને મિત્રો-સંબંધીઓ મૅની હૅપી રિટર્ન્સ ઑફ ધ ડે કહીને શુભેચ્છા આપતા રહેશે. પતિ-પત્નીના ખરેખરા શુભેચ્છક હોય એવા મિત્રે વારાફરતી એ બેઉના કાનમાં કહેવું જોઈએ: નો મોર અનહૅપી રિટર્ન્સ ઑફ ધ ડે.

પાર્ટીમાં કે ફોન પરની ગૉસિપમાં લોકોના લગ્નેતર સંબંધો વિશે જલસાથી કૂથલી કરનારા માણસો ક્યારેય પોતાના સંબંધેતર લગ્ન વિશે વિચારતા નથી. એમણે ક્યારેય વિચાર્યું જ નથી હોતું કે પોતાના દાંપત્યજીવનમાંથી કેમ અને ક્યારે સંબંધોએ વિદાય લઈ લીધી અને આત્મા વિનાના શરીરની જેમ સંબંધો વિનાનું લગ્નજીવન ધીમે ધીમે હવે કોહવાઈ જવા માંડ્યું છે. મૃતદેહને અમુક કલાકથી વધુ વખત રાખી મૂકવામાં આવે ત્યારે એમાં સડી જવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ફોરેન્સિક સાયન્સની અને મેડિકોલીગલ ભાષામાં એને રિગરમોર્ટિસ કહે છે.

સંબંધોની વિદાય પછી, લગ્નજીવનમાં રિગરમોર્ટિસ શરૂ થઈ ગયા પછી, એના વિશે તાકીદે વિચારવું જોઈએ એવો ખ્યાલ નથી આવતો. કારણકે આપણને ખબર છે કે વિચારવા જઈશું તો ભયભીત થઈ જઈશું, થથરી ઊઠીશું. એક સમયે ચેતનવંતો અને જોમવંતો લાગતો લગ્નજીવનનો ગાળો હવે કેટલો નિષ્પ્રાણ અને બિહામણો બની ગયો છે તેની પ્રતીતિ થશે તો છળી મરીશું. માટે જ વિચારવાનું ટાળીને એક પછી એક લગ્નજયંતિઓ દમામભેર ઊજવવામાં આવે છે.

લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નોનો વિષય જીવનને સ્પર્શતા સૌથી મહત્વના મુદ્દાઓમાંનો એક છે. સ્ત્રીનાં સ્ત્રીત્વ અને પુરુષનાં પુરુષત્વને કારણે જે સંબંધો સર્જાય છે એ સંબંધો વિનાનું જીવન મળવું અશક્ય. આવા સંબંધો લગ્નમાં પણ મળી આવે, લગ્નની બહાર પણ મળી આવે. આવા સંબંધો   વ્યક્તિને ભરપૂર સમૃદ્ધિ આપી શકે, તદ્દન રાંક પણ બનાવી શકે.

સ્ત્રીત્વ અને પુરુષત્વ વચ્ચે એવું તે કેવડું મોટું આકર્ષણ હશે જેને કારણે લગ્ન પછી એક નવી જ દુનિયા, નવો જ સંસાર સર્જવામાં  બેઉ વ્યક્તિઓ પોતાનો સમય, પોતાની શક્તિઓ, પોતાની પ્રતિભાઓ, પોતાનો પૈસો, કહો કે પોતાનું સર્વસ્વ ખર્ચી નાંખવા તૈયાર થઈ જાય છે.

અને આ સ્ત્રીત્વ તથા પુરુષત્વ વચ્ચે એવું તે કેવડું મોટું આકર્ષણ હશે જેને કારણે લગ્ન પછી ઊભા થયેલા પોતાના આ સમગ્ર સંસારને છોડીને વ્યક્તિ પોતાના પતિ કે પોતાની પત્ની સિવાયની વ્યક્તિના પ્રેમમાં પડીને બાકીનું જીવન એની સાથે જીવવાના મનસૂબા સેવતી થઈ જાય.

સ્ત્રીત્વ અને પુરુષત્વ વચ્ચેના આ આકર્ષણનું થોડુંક વિશ્લેષણ થવું જોઈએ અને પછી મુખ્ય વિષય નામે લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો વિશે ચર્ચા થવી જોઈએ.

કોઈ પણ આદર્શ સંબંધ પાંચ સ્તરે બે વ્યક્તિઓને એકમેકની નિકટ લાવે છે. આદર્શ સંબંધ કોને કહીશું. એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં રહેલી ઉત્તમોત્તમ ભાવનાઓને પ્રગટાવી શકે ત્યારે આદર્શ સંબંધની શક્યતાઓ સર્જાય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ દેવ જેવું વ્યક્તિત્વ ખીલવી શકે એવું રૉ મટીરિયલ પણ એનામાં પડેલું હોય છે. સામેની વ્યક્તિ તમારી આ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાને ઉછેરી શકે છે એ જોવાનું છે.

આવો આદર્શ સંબંધ પાંચ સ્તરે બે વ્યક્તિને એકબીજાની નિકટ લાવે. આ પાંચેય સ્તરનું કોઈ નિશ્ચિત ગણિત નથી કે એની હાજરી-ગેરહાજરી માટેની અગાઉથી નક્કી કરેલી કોઈ ફૉર્મ્યુલા મુજબની ટકાવારી પણ નથી. આમાંના ક્યા સ્તર પર વધારે રહેવું છે અને કયા સ્તર પર ઓછું રહેવું છે તેનો નિર્ણય બેઉ વ્યક્તિએ, શબ્દોમાં ફોડ પાડ્યા વિના, એકબીજાને પામી જઈને સમજૂતીપૂર્વક કરી લેવાનો હોય. આમાંના કોઈ એક કે એક કરતાં વધુ સ્તરનું પ્રમાણ ખોરવાઈ જાય કે પછી એ પ્રમાણ ખોરવાતાં ખોરવાતાં એ સ્તરની સદંતર ગેરહાજરીમાં પરિણમે ત્યારે સંબંધોએ બાકી બચેલા એકાદ-બે સ્તરનાં તાંતણે ટકી રહેવું પડે. કેટલાક સંબંધો આ રીતે દાયકાઓ સુધી ટકી જતા હોય છે, કેટલાક માણસો એક જ કિડનીએ આખી જિંદગી કાઢી નાંખે એમ. કેટલાક લોકો ત્રણ ત્રણ હાર્ટ ઍટેક પછીય જીવતા રહે એમ.

સંબંધોના પાંચ સ્તર છે: મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ. આ પાંચેય પ્રથમ અંગ્રેજીમાં સૂઝી એટલે યથાવત્‌ મૂકી દીધી. એનું ગુજરાતીકરણ અને ગૂચવાતાં સંબંધોનું થોડું વધુ સરળીકરણ આવતી કાલે.

આખી લેખમાળા | પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાન

આ લેખ ૬ પુસ્તકોની ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’માંના એક પુસ્તક ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’માં પ્રગટ થયો.

3 comments for “લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો : ૧

 1. Nayan
  August 2, 2011 at 7:18 AM

  Hello ! great article for each and everyone to understand for all ages !

 2. jigna
  August 2, 2011 at 1:42 PM

  Truth….

 3. bharti a desai
  August 4, 2011 at 2:03 PM

  Dear Surabh bhai,

  Excellently written article with very vivid expressions and soul stirring thoughts…enjoyed reading every word contained.. awaiting for more such articles and books..regards..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *