વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે ?

શું વાચક મરી પરવાર્યો છે ?

અંગ્રેજીવાળાઓ વારંવાર આવી ચર્ચાઓ ઉપાડતા હોય છે. સાહિત્યકારોને, ખાસ કરીને કવિઓને તથા ઉચ્ચભ્રૂના નામે અગડમ્‌બગડમ્‌ લખતા લેખકોને ટેવ હોય છે આવી. પોતાનું કોઈ વાંચતું ન હોય, પોતાના પુસ્તકોની થપ્પીઓ પ્રકાશકના ગોડાઉનમાં ધૂળ ખાતી હોય ત્યારે વાચકોનો વાંક કાઢવાનો રિવાજ માત્ર ગુજરાતીમાં જ નથી. નૃત્ય ન આવડે ત્યારે આંગણાનું અલાઇન્મેન્ટ સ્લાઇટ્‌લી ટેઢું છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન થાય છે.

વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઇન્પુટ્‌સ ઘટી જાય છે. છેવટે આની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી- ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એવો સીધો હિસાબ છે પણ કૂવામાં ક્યારે હોય ? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સુકાઈ ગયા પછી ફરિયાદ કરે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી, એ જ રીતે ઊંચા ઊંચા સાહિત્યકારોએ ચર્ચા ઉપાડી છે: વાચકો ક્યાં ગયા બધા ?

લોકો જે માગે છે તે આપવું અને લોકોને જેની જરૂરિયાત હોઈ શકે છે તે આપવું- આ બેઉમાં ફરક છે. ડેવિડ ધવન અને ગુલઝાર જેવો અથવા તો બપ્પી લાહિરી અને નૌશાદ જેવો. અહીં કોઈની કક્ષા ઊંચી કે નીચી છે એવું ન માનવું- માત્ર જુદી છે એટલું જ માનવું. લેખકોની બાબતમાં પણ આ સાચું છે. કોઈ પણ કળાની બાબતમાં, ફૉર ધૅટ મૅટર. બેગમ અખ્તરે શાયર કૈસર કલન્દરને આકાશવાણી પર આપેલા ઇન્ટરવ્યૂમાં એક વખત કહ્યું હતું કે ભાવકના હ્રદયને સ્પર્શી જાય તે જ ખરી કળા. બેગમ અખ્તરની આ સાદગીભરી બાનીમાં પ્રગટ થતી સચ્ચાઈમાં ઉમેરો એટલો કરવાનો કે જે કળાકાર ભાવકના હ્રદયની પાત્રતા વિસ્તારે, એનો વ્યાપ તથા એ હ્રદયનું ઊંડાણ વધારે એ કળાકારની કળા વધુ ઉપયોગી, વધુ ટકવાની.

ઉત્તમ વિચારોને પોતાનાં લખાણો દ્વારા પ્રકાશમાં લાવતા લેખકને અપ્રચલિત અર્થમાં તમે સારો પ્રકાશક કહી શકો અને પ્રકાશમાં આવેલા આ વિચારોને પોતાનાં લખાણો દ્વારા વધુમાં વધુ  લોકો સુધી પહોંચાડી રહેલા લેખકને તમે એક સારો વિતરક-ડિસ્ટ્રિબ્યુટર પણ કહી શકો. ગુજરાતીમાં સારા લેખકોની ખોટ ક્યારેય નહોતી, આજે પણ નથી અને આવતી કાલેય નહીં હોય.

નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ,નરસિંહરાવ, રમણલાલ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, બ.ક.ઠા., મો. ક. ગાંધી, સ્વામી આનંદ, પંડિત સુખલાલજી, કાલેલકર, મુનશી, રા. વિ. પાઠક, કિ. ઘ. મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, મેઘાણી, વિજયરાય વૈદ્ય, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગગનવિહારી મહેતા, ચં. ચી. મહેતા, જ્યોતીન્દ્ર દવે, કિશનસિંહ ચાવડા, ઉમાશંકર જોશી, સુરેશ જોષી- આ એક નાનકડી યાદી એવા સદ્‌ગત લોકોની છે જેમણે પોતાના વિચારોને વાચકપસંદ શૈલીમાં, રીડરફ્રેન્ડલી સ્ટાઇલમાં, લોકો સુધી પહોંચાડ્યા છે. એમણે પોતાની સર્જનાત્મકતાને કવિતા-નવલકથા-વાર્તાલેખન કે વિવેચન સુધી સીમિત નથી રાખી. આ સૌ લેખકોએ વિચારોત્તેજક લેખો, નિબંધો લખ્યા.  માનવસ્વભાવ અને જીવનની સમસ્યાઓથી માંડીને સમાજનાં વિવિધ પાસાં વિશે ચિંતન કર્યું અને રજૂઆતમાં શૈલીવેડા લાવ્યા વિના તેઓ લોકો સુધી પહોંચ્યા. કવેતાઈ કરવાથી કે વાચકોને આંજી દેનારી સ્યુડો સ્માર્ટ ભાષાથી તેઓ દૂર રહ્યા અને સંસ્કૃતપ્રચુર ભાષા દ્વારા પોતાની પંડિતાઈ બતાવવાના પ્રયત્નોથી પણ આઘા રહ્યા તેઓ. એટલે જ તો ટકી શક્યા છે એમનાં લખાણો અત્યાર સુધી.

ઝૂંપડપટ્ટીઓમાં જાજરૂ બંધાવવા કે બેરોજગારો માટે નોકરીની તકો ઊભી કરી આપવી કે પછાત વિસ્તારમાં ઉદ્યોગોને ખીલવવા માટે માર્ગ-પાણી-વીજળીનું માળખું ઊભું કરી આપવું- સમાજની સેવા માત્ર આ કે આવા જ કામોમાં સમાઈ જતી નથી. નર્મદથી માંડીને આજના લેખકો-પત્રકારો-સાહિત્યકારો દ્વારા સમાજ માટેનું ઘણું મોટું કામ થતું આવ્યું છે. એ કૉન્ટ્રિબ્યુશન કે એનું પરિણામ આંખ સામે ભૌતિક સ્વરૂપે તરત ન દેખાતું હોય એ શક્ય છે. આ બધાંની અસર ખૂબ ધીમે , પણ લાંબા ગાળાની, ક્યારેક તો કાયમી હોવાની. ઝૂંપડપટ્ટીમાં જાજરૂ કોણે બંધાવ્યાં એ વિશે તમે એક વ્યક્તિનું, એક સંસ્થાનું નામ આપી શકો, પણ અમુક માણસોમાં આભડછેટની સૂગ કોણે નાબૂદ કરી તે વિશે તમે ચોક્કસ કોઈ વ્યક્તિનું નામ ન આપી શકો. વિધવા પુનર્વિવાહને સમાજ સ્વીકારતો થાય એવું વાતાવરણ કોણે રચ્યું તે વિશે કોઈ એક જ વ્યક્તિને જશ ન આપી શકાય. અંધશ્રદ્ધા કે ચમત્કારોમાંથી સમાજના મોટા વર્ગને કોણે ઉગાર્યો એ અંગે તમે આંગળી ચીંધીને કોઈ એક જ નામને હાર પહેરાવી ન શકો. લગ્નમાં થતાં ખોટા ખર્ચાથી માંડીને અનૈતિક માર્ગે પણ પૈસો મેળવવાની ઘેલછામાંથી યુવાન પેઢીને બીજે વાળવાના પ્રયત્નો માટે કે એમાં ક્યારેક મળતી સફળતા માટે તમે એક જ વ્યક્તિ જશ ન આપી શકો.

વાચક ક્યાંય જતો રહેતો  નથી. એ રાહ જોઈને ઊભો જ છે. કોઈક આવે એના માટે, મનગમતું વાંચન લાવે. મનને બહેલાવતું વાચન તો એને ગમે જ છે; મનને સમજાવતું, મનની મૂંઝવણોને ઉકેલતું વાંચન પણ એને ગમે છે. પોતાનો અભિપ્રાય ઘડવા માટે ઉપયોગી બની શકે એવા વાંચનની પણ ભૂખ હોય છે વાચકને.

અત્યારે જો લેખન, વાચન, પ્રકાશન ક્ષેત્રે સ્થગિતતા જેવું લાગતું હોય તો તેનું કારણ એ કે સર્જક પોતે પોતાના ભાવકોની સૃષ્ટિની બહાર નીકળી ગયો છે. લેખક જ્યારે વાચકોના ભાવવિશ્વ સાથે ઓતપ્રોત  નથી થઈ શકતો ત્યારે ધીમે ધીમે  એ લેખક ભૂંસાઈ જાય છે. આવું એક કરતાં વધુ લેખકોની બાબત બને , ઉપરાછાપરી  બનતું રહે, જેને કારણે પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં મંદી આવી જાય તો  એમાં વાંક કોનો ? વાચકનો કે લેખકનો ? તો પછી તમે શા માટે એવી ચર્ચા કરો છો કે ઈઝ ધ રીડર ડાઇંગ ?  રીડર તો મરતો જ નથી. એ એવા રાઇટરોની રાહ જુએ છે જેમનું કમિટમેન્ટ સમાજ સાથે હોય, પોતાની જાત સાથે હોય, વાચકો સાથે હોય.

શું વાચક મરી પરવાર્યો છે એવો પ્રશ્ન પૂછવાનું કોઈને મન થાય ત્યારે એણે  પહેલાં તો એ પૂછવું જોઈએ કે વાચકને જીવનનાં સત્યોની પ્રતીતિ કરાવી શકે એવા કેટલા લેખકો અત્યારે  હયાત છે  ? જેઓ હયાત છે તેઓ આવા કોઈ પ્રશ્નો ઉઠાવ્યા વિના ચૂપચાપ પોતાનું કામ કર્યાકરે છે અને વાચકો બડી ચાહનાથી એમને વાંચ્યા કરે છે.

 

 

 

 

 

 

આ નિબંધ ‘કંઈક ખૂટે છે‘માં પ્રગટ થયો.

સૌરભ શાહનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાનની વિગતો

11 comments for “વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે ?

 1. NAYAN
  July 30, 2011 at 12:47 AM

  Once again nice article , there are always great readers available for great books and articles ! Keep it up Saurabhbhai.

 2. July 30, 2011 at 1:43 AM

  Great!

 3. July 30, 2011 at 11:24 AM

  માર્ગદર્શક લેખ …

 4. July 30, 2011 at 12:09 PM

  સાચી વાત છે.વાચક તો ક્યાંય ગયો નથી…

 5. July 31, 2011 at 12:52 PM

  કોઈપણ કવિ-લેખક-રચનાકાર જ્યારે, સાહિત્યના નામે, પોતાનું ગજવું ગરમ કરવાના, જાહેર તમાશાનો એક ભાગ બની જોકરની માફક, શબ્દને રમતની રીંગ સમજીને ઊછાળતો ફરે ત્યારે, તેનું ગજવું તો કદાચ ગરમ થઈ જાય છે, પરંતુ ટૂંક સમયમાંજ, સમજદાર વાચકગણ તેનું ગજવું કાપીને, તેને ક્યાંયનો નથી રહેવા દેતા?

 6. July 31, 2011 at 11:51 PM

  સાવ સાચું કે વાચક ને જીવન ના સત્યો ની પ્રતીતિ કરાવે તેવા કેટલા લેખકો આજે હયાત છે.?

 7. shridevi shah
  August 2, 2011 at 2:45 PM

  VACHAKNA DILTHI”HA” ANE “WAH”KEHVADAVI DE TEVO LEKH….ADBHUT…

 8. November 15, 2011 at 9:01 PM

  ખૂબજ સુંદર સવાલ અને તેનો પ્રત્યુત્તર આપવા કોશિશ કરેલ છે, હકીકતમાં વાંચક વર્ગની ભૂખ્ક્યારેય મટવાની નથી પરંતુ આપનું ભાનું કેવું છે તે પણ એટલું જ અગત્યનું છે…

 9. November 16, 2011 at 8:10 AM

  વિનયભાઇ

  તમારી વાત સાવ સાચી છે બધાને રાતોરાત લોકપ્રિય થવું છે.. અને એ જ વાતમા રસ હોય છે કે મારા બ્લોગ પર કેટલા વાચકો એ vist કરી..સૌરભભાઇ એ નામ આપેલા સ્થાપિત સર્જકોએ આખુ જીવન સર્જન પાછળ ન્યોછાવર કરેલુ છે.. અને કેવળ સર્જન પર જ ધ્યાન આપેલું છે. આક્ષેપો ને દાવા દાલીલોથી હંમેશા દુર રહ્યા છે.. હા તંદુરસ્ત ચર્ચામા ક્યારેય પાછીપાણી નથી કરી.. વેબ બ્લોગનુ માધ્યમ (બ્લોગરોને) કોપ્યુ.જાણકારીને કારણે તમે તમારા વિચારો દુનિયા આગળ મૂકી શકો છો એટલુ પૂરતુ છે.રમાંકાત આચરેકર સચિન બનાવી શકે બની ના શકે.. ભાવક ભાવનાઓ ને આધિન સારા લેખનની મજા માણી શકે બાકી સર્જન.. એના માટે તો જીવન સર્મપિત કરવુ પડે બસ આટલીજ નાનકડી વાત આજકાલના ટપોરી બ્લોગરોને (including my self) કોણ સમજાવે.. બાકી થોડો ઘણો કચરો હતો એ તમારા જેવા જાગૃત બ્લોગરોએ સાફ કરી નાખ્યો… એટલે આવા હલકા નિવેદનો થયા કરે છે બાકી તમારુ ઉદાહરણ સૌરભભાઇનો લેખ અક્ષરસહ સાચો છે.. આભાર..

 10. November 16, 2011 at 3:21 PM

  શ્રી વિનયભાઇ ખત્રીએ તો એક જ વાક્યમાં બધુમ કહી દીધું છે.
  હવે તો તેમાં થોડું ઉમેરવાની ધૃષ્ટતા જ થઈ સકે.
  “કોઇ પાણી પીશે કે નહીં તે વિચારે નદી વહેવાનું બંધ નથી કરી દેતી, કોયલ ટહુકવાનું બંધ નથી કરી દેતી, તે જ રીતે સર્જકએ ચાહનાની એષણામાત્રથી જ રચના ન કરવી જોઇએ.હા, તેનાથી કોઇને આનંદ મળે, તો તે શેરડીના રસમાં ખાંડ મેળવવા બરાબર ગણીને પ્રોત્સાહિત થવું.
  રણમાં પરબ કરી હોય તો પ્યાસ છીપાવવા ઓછા આવે,પણ આવે તે આશીર્વાદ આપી જાય.”

 11. M.D.Gandhi, U.S.A.
  March 14, 2013 at 10:26 AM

  શ્રી સૌરભભાઈ,
  વાચક ભાગી નથી ગયો, તેતો પુસ્તક ખરીદવા-વાંચવા માટે લાઈનમાં ઉભોજ છે. મેં આ વેબસાઈટ ઉપર તમારા પુસ્તકો માટે ક્લિક કર્યું તો, ૪૦૦-૫૦૦ના પુસ્તક માટે લગભગ ૧૫૦૦-૨ હજાર પોસ્ટેજના લાગે છે, એટલે ન છુટકે પાછા હટી જવું પડ્યું. આમાં તમારો કે પબ્લીશરનો કોઈ વાંક નથી. હું “અખંડ આનંદ”, “જનકલ્યાણ” અને “જન્મભૂમિ પ્રવાસી” અહીં અમેરીકામાં લવાજમ ભરીને મંગાવુંજ છું, પણ તેની મુળ કિંમત કરતાં પોસ્ટેજની કિંમત ૧૮-૧૯ ગણી છે. પરદેશના પોસ્ટેજના દર વધારેજ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *