ભોજનનો શિષ્ટાચાર: ભગવાન બુદ્ધે દાળના સબડકા વિશે શું કહ્યું

રીતભાત, એટિકેટ કે મૅનર્સ શીખવા અંગ્રેજી ચોપડાં વાંચવાની જરૂર નથી. લગ્નગાળામાં આમંત્રણો ઓછાં હોય કે વધુ, દરેક ગુજરાતીએ જમવાની અને જમાડવાની તહેઝીબ વિશે થોડું જાણી લેવું જોઈએ. નાનો કાંટો (ફોર્ક) કયા હાથે પકડવો અને એનાથી શું ખાવું તથા મોટા કાંટાથી શું ખાવું એટલું કે એવું બધું શીખી લેવાથી ટેબલ મૅનર્સ આવડી જતી નથી. ખરી ટેબલ મૅનર્સ શીખવી હો ય તો બુદ્ધધર્મના શિક્ષાપદો વાંચવાં જોઈએ. ભગવાન બુદ્ધે ૩૭ નિયમોની યાદીમાં પોતાના શિષ્યો માટે ખંડની સ્વચ્છતાથી માંડીને બેસવાની રીત સુધીના વિષયો પર માર્ગદર્શન આપ્યું છે જેમાં ભોજનવિધિનો પણ સમાવેશ થાય છે. આસન અને ગતિ વિશેના નિયમોમાં કહેવાયું છે: ‘મોટેથી હસતાં હસતાં કે મોટેથી અવાજ કરતાં ચાલવું કે બેસવું નહીં. છાલતાં કે બેસતાં શરીરને હલાવ્યા કરવું નહીં, હાથ હલાવ્યા કરવા નહીં. પલ્લસ્થિકા (ઢીંચણ બાંધીને આરામખુરશી કે ડોલતી ખુરશીની જેમ શરીરની મુદ્રા) કરીને બેસવું નહીં.’

ભોજન માટેની બૌદ્ધ શિષ્યોને અપાયેલી શિખામણ આજના જમાના માટે પણ ઉપયોગી છે, ભાત પર દાળનો અભિષેક કરીને ખાવાના શોખીન ગુજરાતીઓને વિશેષ ઉપયોગી છે. દાળભાત થાળીને બદલે વાટકામાં લઈને ચમચી વડે જમાય કે કેમ એ વિશે બુદ્ધ ભગવાને કોઈ માર્ગદર્શન નથી આપ્યું પણ પૂછવામાં આવ્યું હોત તો એમણે દાળભાત આરોગવામાં ચમચીનો ઉપયોગ સદંતર વર્જ્ય ફરમાવ્યો હોત અને આંગળાં વડે જમતાં શી તકેદારી લેવી એ અંગેના ધમ્મ પદમાંના નિયમ વિશે ધ્યાન દોર્યું હોત. શિક્ષાપદ નં. ૩૬ ભોજનને લગતું છે જેમાં કહેવાયું છે:

‘ભોજન કરતી વખતે પાત્ર તરફ ધ્યાન રાખવું, પીરસતી વસ્તુઓ તરફ ધ્યાન રાખવું, કોઈક વસ્તુ  વધારે પિરસાવવા માટે (પાત્રમાંની વાનગીને) ઢાંકવા સંતાડવાની યુક્તિ કરવી નહીં, મંદવાડ વિના ખાસ પોતાના માટે વસ્તુ તૈયાર કરાવવી નહીં, બીજાના ભાણા સામે તાકવું નહીં, મોટા કોળિયા લેવા નહીં, કોળિયો મોઢા સુધી લાવ્યા વિના મોઢું  ઉઘાડવું નહીં, આંગળાં મોમાં નાખીને જમવું નહીં. કોળિયો (દૂરથી) મોમાં ફેંકીને જમવું નહીં, ખાવાની વસ્તુને મોંમાંથી ભાંગીને જમવું નહીં (અર્થાત્‌ વાનગીનો ટુકડો મોટો હોય તો પાત્રમાં જ આંગળી વડે એના નાના ટુકડા કરી લેવા), ગાલમાં અન્ન ભરીને જમવું નહીં, મોમાં કોળિયો હોય ત્યારે બોલવું નહીં, હાથ તરછોડતાં જમવું નહીં, સૂ-સૂ અવાજ કરતાં જમવું નહીં, હાથ, હોઠ કે થાળી (અથવા ચમચી અથવા અન્ય કોઈ પણ પાત્ર) ચાટ્યાં કરવા નહીં, એઠા હાથે પાણીનાં પાત્રને સ્પર્શ કરવો નહીં,  એઠવાડવાળું પાણી માર્ગમાં નાંખવું નહીં.’

ભગવાન બુદ્ધ આજના ગુજરાતીઓના ભોજન સમારંભમાં પહોંચી જાય તો અડધોઅડધ ગુજરાતીઓને નાપાસ કરે. હવે પછી જમવા બેસતી વખતે ઉપરનો ફ્કરો કાપીને થાળીની બાજુમાં રાખવો. જોકે, જમતાં જમતાં વાંચવું એ વળી પાછી એક બૅડ મૅનર્સ થઈ.

કોઈ જમવા બોલાવે અને પૂછે કે તમારા માટે શું બનાવીએ, તમે કહો તે  મેનુ નક્કી કરીએ ત્યારે શો જવાબ આપવાનો ? ગાંધીજીને આત્મકથા લખવાની પ્રેરણા આપનાર સાધુ સ્વામી આનંદે ‘મારા પિતરાઈઓ’ અર્થાત્‌ સાધુજગતના નમૂનાઓ વિશે લખેલા લેખમાં એક પ્રસંગ ટાંક્યો છે. સ્વામી આનંદના બાળપણમાં એમના સંયુક્ત કુટુંબના ઘરે ઘણા સાધુ-સન્યાસી દંડી ભિક્ષાએ આવતા જેમાં એક જેઠી સ્વામી હતા. એમનો જીભનો ચટાકો પ્રખ્યાત.જમવાના આમંત્રણની રાહ જોઈને બેઠા હોય અને દિવસ પાક્કો કરીને યજમાનને ભારપૂર્વક જણાવી દે: ‘આ શરીરને ગળપણ તો મૂળે ભાવે જ નહીં માટે લાંબી લપમાં પડવું નહીં. બસ, બશેર દૂધ બાળીને વાડકું દૂધપાક કરી મેલજો. એમાં જાયફળની છૂટ. ને ભળાભેળી પાશેર બૂંદી પાડીને બે લાડુડીઓ વાળી મૂકજો. કમોદ રાંધો  તેમાંથી કડછી ભાત કોરે કાઢી બીરંજ બનાવજો ને શરધા (શ્રદ્ધા) હોય તો રાતે લગાર દહીં બાંધી વાડકી શીખંડ કરજો. કેસર ચારોળી એમાં શોભે ને વળી જરા ખટમધુરું, નરું ગળપણ સારું નહીં અને લાંબી લપ નહીં. થોડે પત્યું. સાધુ-સન્યાસીને વળી જીભનો લલોપતો શો ? લખી લ્યો, લખી લ્યો. લખાયું તે વંચાયું. આપણે ને સામાને, બેઉ કોઠે નિરાંત. ભગવાન, તારી માયા !’

આટલું ઓછું હોય એમ પાંચ પકવાન, લચકો દાળ, પાતળી દાળ, શાકસંભાર, ચટણીઓ, અથાણાં, રાઈતાં, વડાંપકોડાં, દાળઢોકળી, કઢી, વડી, પાપડ, ખેરાચીકી, ઝીણામાં ઝીણી વાનીઓ અને વિગતો લખાવે એવું સ્વામી આનંદે નોંધ્યું છે. જેઠી સ્વામી યાદ કરીને પૂરવણીઓ ઉમેરે: ‘જુઓને, બચરવાડના ઘરમાં રાતની ખીચડી તો સવારે છોકરાંના શિરામણ સારુ બચે જ. એ વાસી ખીચડીના ભજીયાં ઓહો થાય. બાકી તો આ શરીર હવે જીરણ થયું. સાધુ-સન્યાસીને વળી સ્વાદ શા ? ભગવાન, તારી માયા !’

ટૂંકમાં, કોઈ જમવા બોલાવે અને તમને શું ભાવશે એવું પૂછે ત્યારે જેઠી સ્વામીની જેમ મેનુ લખાવવા બેસી જવાનું નહીં. આદર્શ ઉત્તર છે:  ‘કંઈ પણ’ અને વિવેકી ઉત્તર છે: ‘ભાભી પાસે બહુ મહેનત નહીં કરાવતા’.

અંગત ભોજનસમારંભ માટે ઘડિયાળના કાંટા સાથે કાંટો મેળવીને પહોંચી જવું નહીં. યજમાને વિચારી રાખ્યું હશે કે મહેમાનને આવતાં અડધો કલાક તો આમતેમ થવાનું. સમયસર પહોંચી જતા મહેમાનને જોઈને હજુ હમણાં જ રસોડામાંથી પરવારીને કે ઑફિસથી આવીને  તૈયાર થઈ રહેલા યજમાન ભોંઠપ અનુભવશે. આવું ન થાય એ માટે મહેમાને સમયસર અડધો કલાક મોડા પહોંચવું. જાહેર ભોજન સમારંભોમાં એક કલાક મોડા પહોંચવું. સંસ્થા, ક્લબ કે સોશિયલ ગ્રુપનું ડિનર હોય ત્યારે સીધા બુફે ટેબલ પર ધસી ન જવું. બુફે ટેબલ પરની પહેલી ડિશ ક્યારેય પોતે ન લેતાં બીજાને આપવી અને ફરસાણ કે મીઠાઈના થાળમાંનો છેલ્લો ટુકડો પોતાની ડિશમાં ન મૂકતાં બીજાની ડિશમાં મૂકવો. જમતી વખતે ભગવાન બુદ્ધને યાદ કરીને જમવું અને જમ્યા પછી, કોઈક ઠેકાણે તમને સામેથી કહેવામાં આવે તો પણ થાળીમાં હાથ ન ધોવા, બેઝિન કે ચોકડીની વ્યવસ્થા ન હોય એવાં સ્થળોએ જમવાની જગ્યાથી દૂર જઈને હાથ ધોવા. કોગળા ઘરે જઈને કરવા, નછૂટકે કરવા જ પડે એમ હોય તો ઓછા પાણીથી મોઢામાં આંગળી નાખ્યા વગર કરવા. જમતી વખતે આપવામાં આવેલો નૅપ્કિન જમ્યા પછી આંગળાં કોરાં કરવા માટે છે, શરીરનાં અન્ય અંગો, ખાસ કરીને નાક, લૂછવા માટે નથી એનું ધ્યાન રાખવું. હોઠ કે મોઢું લૂછવા પોતાનો હાથરૂમાલ વાપરવો.

ખાવાની સાથે પીવાનું પણ હોય ત્યારે કેવી રીતે પીવું અને કેટલા પેગ પીવા એની પણ આખી નોખી રીતભાતમાળા છે. બૌદ્ધ ધર્મમાં એ વિશે કશો પ્રકાશ પાડવામાં આવ્યો નથી. એ વિશે મૌલિક ચિંતન અનિવાર્ય છે. ફરી ક્યારેક.

આ અને રીતભાત એટલે સામેની વ્યક્તિની હાજરીનો આદર તથા ઊભા થઈને માન આપવું ગુજરાતીઓના લોહીમાં નથી નિબંધ ‘મનની બાયપાસ સર્જરી‘માં પ્રગટ થયા.

સૌરભ શાહનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાનની વિગતો

5 comments for “ભોજનનો શિષ્ટાચાર: ભગવાન બુદ્ધે દાળના સબડકા વિશે શું કહ્યું

 1. હિતેન ભટ્ટ
  July 27, 2011 at 5:44 PM

  આપણે ત્યાં બુફેમાં જમતાં જમતાં ફરી વાનગીઓં લેવા જાય છે ત્યારે એ જ જમણાં-ગંદા થયેલાં જ હાથે ચમચો પકડે છે, અને ચમચાને પણ રસબતર કરી નાખનારા બુન્ધાઓ છે….મન તો એવું થાય કે એ જ ચમચો તેનાંગાલ પર રસીદ કરી દઈએ..વળી, વાનગીઓ લઈને ટેબલ પાસે જ જમવાનું ચાલુ કરી દે, લાઈનમાં વચ્ચે ઘૂસીને ડીશમાંપૂર્તિ કરવી….આવા નમૂનાઓને જોઇએ ત્યારે જમવાનો અખો મૂળભૂત આનંદ જ જતો રહે છે…સૌરભભાઈ, ઘણાં આ બધી વાતોને શીખવાને બદલે કરનારને વેદિયા પણ કહેતાં હોય છે…………પૈસો સંસ્કાર નથી આપી શકતો……એ ઘણીવાર આવા પ્રસંગોએ જોવા મળતું હોય છે…..

 2. kruti
  July 27, 2011 at 6:45 PM

  tmara sunder lekh vachvani mza aave chhe… parntu kyarek lage chhe ke tame gujaratio vishe thodu utartu lakho chho …saru jovani tev vishay par tmara lekh ni rah jovai rahi chhe….:)
  kruti

 3. Mitesh Pathak
  July 27, 2011 at 8:46 PM

  શ્રી સૌરભભાઈ,

  અતિ ઉપયોગી અને સુંદર લેખ. જેમ અગાઉ ના બે લેખ ઉપર પણ લખ્યું હતું તેમ પ્રત્યેક વ્યક્તિ એ એક વાર તો વાંચી ને પોતાની જાત ને સરખાવવી જોઈએ. લોકો ને બુફે માં થાળી ની અંદર ભોજન ના ઢગલા કરતા રોજ જોઈએ છીએ. સ્વરુચિ નો હેતુ જ મારી નાખે છે. સૌરાષ્ટ્ર માં તો પાછું થાળી લઇ ને જમીન ઉપર કુંડાળું કરી ને જમાવટ કરે. એટલે જો કોઈ ને લેવા જવું હોય તો વિઘ્ન દોડ જેવું લાગે. સબડકા, આંગળી ચાટવી, ખાતા ખાતા મોટે થી ઓડકાર ખાવા એ તો શાન થી કરશે. અમુક લીકો તો એક જ થાળી માં બે ત્રણ જમાવટ શરુ થઇ જાય. પછી યજમાન અને કેટરર ભલે ઝગડ્યા કરે. સારા યજમાન ભલે ના થઇ શકો પણ સારા મહેમાન તો થાવ.

  આભાર.

  મિતેશ પાઠક

 4. mehul jakharia
  July 28, 2011 at 8:41 AM

  excellent sir

 5. August 3, 2011 at 10:58 AM

  મજા પડી. મોટા ગરીબાઈમાં ઉછેરેલા આપણા દેશમાં ભોજન બહુ મુશ્કેલથી મળતું હશે એટલે જ અધીરાઈમાં બધા મેનર્સ ભુલાઈ ગયા હશે. બાકી હવે જુની કુટેવો તો છોડવીજ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *