રીતભાત એટલે સામેની વ્યક્તિની હાજરીનો આદર

વારના પહોરમાં ફોનની ઘંટડી વાગે છે. તમે ઊંઘરેટા અવાજે હેલ્લો બોલો છો અને સામેથી સંભળાય છે:

‘શું? હજુ ઊંઘવાનું ચાલે છે? મને એમ કે આઠ વાગી ગયા એટલે…’

ભલા માણસને ખબર નથી હોતી કે જેણે સૂતી વખતે રાતના ત્રણ વગાડ્યા હોય એના માટે સવારના આઠ આટલા જલદી નથી વાગતા.

સામેના છેડે બોલાતું જાય છે: ‘પછી તે દિવસ તમે ભવન્સવાળા કાર્યક્રમમાં દેખાયા નહીં?’

ક્યો કાર્યક્રમ એવું પૂછવાનું તમે વિચારો છો ત્યાં જ તમને યાદ આવે છે કે ફોન પર સામે છેડે કોણ છે એનીય હજુ તો તમને ખબર નથી. તમે પૂછો છો: ‘સોરી, તમારી ઓળખાણ ન પડી?’

સામેવાળા ભાઈ જાણે ખોટું લાગી ગયું હોય એમ બોલી ઊઠે છે: ‘એટલે હવે તો તમે આપણો અવાજ પણ નથી ઓળખતા… બહુ મોટા માણસ થઈ ગયા ને કંઈ!’

તમે માફી માગીને ફરીથી એમનું નામ પૂછો છો અને જવાબ મળે છે: ‘હું રણછોડ… હવે તો ઓળખાણ પડીને?’

તમે બ્રશ કર્યા વગરના દાંત કચકચાવીને  વિચારો છો કે  કયા  રણછોડભાઈનો ફોન છે?  રણછોડદાસ મહેતા, રણછોડભાઈ કાલિદાસ, રણછોડલાલ ઠક્કર કે પછી ડાયરેક્ટ ડાકોરથી કોલ છે?

ફોન પર વાત કરવાની તહઝીબ હજુ આપણે શીખવાની છે. એન્સરિંગ મશીન પર ટૂંકો-મુદ્દાસર સંદેશો મૂકતાં પણ હજુ શીખવાનું છે. સેલ્યુલર ફોનને મોટા ભાગના લોકો એવા  અહોભાવથી વાપરે છે જેવા અહોભાવથી કોઈ અશિક્ષિત આદમી રોકેટ કે અવકાશયાનને જોતો હોય. પોતાને વીઆઈપી માનતા લોકો તમને ફોન કરે ત્યારે ક્યારેય પોતાનું નામ ઉચ્ચારતા નથી હોતા. એમને એવો ભ્રમ હોય છે કે પોતાનો અવાજ અમિતાભ બચ્ચન જેટલો જાણીતો છે એટલે સામેવાળી વ્યક્તિ  તરત ઓળખી કાઢશે.

માત્ર પુરુષોમાં જ આ ટેવ નથી હોતી, સ્ત્રીઓને પણ એવી ટેવ હોય છે. તમે વિચાર કોઈકનો કરતા હો અને ફોન બીજા કોઈકનો આવે  અને એ નામ આપ્યા વિના માત્ર એના અવાજથી જ ઓળખવાની ફરજ પાડે અને તમે ભોળપણમાં તમારી અડધો ડઝન  મિત્રનાં  નામ બોલ્યા કરો ત્યારે ફોન કરનારી ગર્લફ્રેન્ડે રિસાઈ જવાનો વારો આવે. વાંક એનો જ કહેવાય, એમાં આપણે શું કરીએ.

કેટલાક પોતાનું નામ બોલતા હોય છે, અટક નહીં. ‘હેલ્લો, સુરેશ છું.’ એવું સાંભળીને તમે વિચાર કરો કે કયા સુરેશ્ભાઈ હશે. સુરેશ ગાલા, સુરેશ રાજડા કે પછી સુરેશ દલાલ. અને નીકળે કદાચ ભુજથી વાત કરી રહેલા સુરેશ મહેતા. માત્ર નામ બોલનારાઓમાંથી કેટલાક નમ્રતા ખાતર પોતાની અટક તરત ઉઘાડી નથી પાડતા હોતા. અંગત મિત્રો કે આત્મીય પરિચિતો સાથે વાત કરતી વખતે માત્ર નામ બોલીએ, અટક નહીં એ સ્વાભાવિક છે પણ જો કોઈ  વાર તમારી ઓળખાણ જેની સાથે થાય એ મહાનુભાવ માત્ર એટલું જ કહે કે, ‘મારું નામ પ્રકાશ’ તો  તમારે માની લેવાનું કે એમની અટક કોઠારી જ હશે અને વ્યવસાયે તેઓ સેક્સોલોજિસ્ટ હશે.

ફોન પર સૌથી ત્રાસજનક ભાગ ટેલિફોન ઓપરેટરો ભજવતી હોય છે. સામેવાળાની ઑફિસની ઓપરેટર  તમને ફોન કરીને તમારું નામ પૂછે છે અને તમે કન્ફર્મ કરો એટલે પ્લીઝ હોલ્ડ ધ લાઈન કહીને તમારા કાને જિંગલ બેલનું સંગીત વળગાડીને ક્યાંક ગાયબ થઈ જાય. તમને એ કહેતી પણ નથી કે એ ક્યાંથી વાત કરે છે, કોણ તમારી સાથે વાત કરવા માગે છે. બે-ત્રણ લાંબી મિનિટો બાદ પેલી ઑપરેટર દ્વારા જેણે ફોન જોડ્યો હોય એ તમારો મિત્ર, પરિચિત કે ધંધાદારી ઓળખાણવાળો લાઈન પર આવે ત્યાં સુધીમાં તમે એટલા ધૂંધવાઈ ચૂક્યા હો છો કે વાત કરવાનો કોઈ મૂડ બાકી રહેતો નથી. ઑફિસની ઓપરેટર દ્વારા ફોન જોડનાર સાહેબોએ સામેની પાર્ટી લાઈન પર આવે ત્યારે પોતે તૈયાર રહેવું જોઈએ એવી સભાનતા, એટલો વિવેક, બહુ ઓછા લોકોમાં જોવા મળે. પોતે  ફોન કરીને બીજાની સાથે વાત કર્યા વિના એને રાહ જોવડાવવી એ સૌથી મોટો ફોન-અવિવેક છે. આનો ઈલાજ અમે શોધી કાઢ્યો છે. ઑપરેટર તમને લટકાવીને એના બોસને જણાવવા જાય કે સર, તમે જે ફોન માગતા હતા તે લાગી ગયો છે ત્યારે તમારે વધુમાં વધુ પંદર સેકન્ડ રાહ જોવાની. પછી ફોન મૂકી દેવાનો. સામેવાળાને વાત કરવાની ગરજ હશે તો બીજી વાર ફોન આવશે. બીજી વાર પણ પંદર સેકન્ડ રાહ જોવાની. ઑપરેટર ભૂલેચૂકે તમને પૂછે કે ફોન કેમ કટ થઈ જાય છે ત્યારે તમારે એને વહાલથી સમજાવી દેવાનું કે બહેનડી, તારા સાહેબનો સમય જેટલો કીમતી છે એટલો મૂલ્યવાન જ મારો સમય પણ છે.

તમે પોતે કોઈની ઑફિસે ફોન કરો ત્યારે ઑપરેટર પાસે એ ઑફિસનું નામ સાંભળવાની અપેક્ષા રાખો એ સ્વાભાવિક છે. ‘હેલ્લો, સુમીત જેમ્સ’ એવું બોલવાની ઑપરેટરની ફરજ છે પણ કેટલાક લોકો ઘરે ફોન રિસીવ કરે ત્યારે સામેવાળો પૂછે એ પહેલાં જ, જાણે પોતે ટેલિફોન ઑપરેટર હોય એમ પોતાનું નામ બોલી નાખતા હોય છે: ‘હેલ્લો, કાપડિયા.’ ફોન પર કોઈ પૂછે નહીં ત્યાં સુધી તમારું નામ કહેવાય નહીં- જો ફોન સામેથી આવ્યો હોય તો. સામેથી આવેલા ફોન પર પોતાનું નામ કે અટક જાહેર કરવાની રસમ બ્રિટનમાં છે પણ ત્યાં, શેઠ નહીં શેઠનો બટલર બોલતો હોય છે: ‘હેલ્લો, કાપડિયાઝ હાઉસ.’ ભારતમાં બટલર જેવી મેન્ટાલિટી ધરાવાતો શેઠ બોલતો હોય છે.

તમે પોતે ફોન જોડ્યો હોય ત્યારે ‘કોણ?’ એવું ના પુછાય. ખરેખર તો ક્યારેય કોઈનેય ‘કોણ?’ એવો તોછડો સવાલ ના કરાય. ‘આપ કોણ બોલો છો?’ એવું વિવેકી વાક્ય જેમના છોકરાઓને કે જેમને પોતાને બોલતાં ન આવડતું હોય એમણે આજે જ ટેલિફોનનું કનેક્શન કપાવી નાખવું જોઈએ.

ટેલિફોન પરની સૌથી મોટી બદતમીઝી ફોન કરનાર વ્યક્તિ પોતાનું નામ આપ્યા વિના ફોન રિસીવ કરનારનું નામ પૂછે છે ત્યારે પ્રગટ થાય છે. તમે કોણ છો?- કેટલાક લોકો તમને ફોન કરીને સીધું જ પૂછતા હોય છે. આવું પૂછનારાને એક લાફો મારી દેવાની તીવ્ર ઇચ્છા તમે રોકી રાખો છો અને ગુસ્સો કાબૂમાં લઈને બનાવટી વિવેકથી પૂછો છો, ‘ તમને કોનું કામ છે, સાહેબ?’. ફરી એ પોતાનું નામ કહ્યા વિના તમારું નામ પૂછે છે અને ફરી તમે એ જ સવાલ દોહરાવો છો. આવા ફોન આવે ત્યારે ત્રીજી વાર પેલો તમારું સાચું નામ બોલે તો પણ તમારે રોંગ નંબર કહીને ફોન મૂકી દેવો જોઈએ જેથી તમે તામસી આનંદ લઈ શકો.

કેટલાક લોકો પોતે બહુ બીઝી છે એવું દેખાડવા પોતાની પાસે બે ફોન હોય તો બંને ચાલુ રાખીને બેમાંની એક વ્યક્તિને લટકાવી રાખે છે. બે લાઈન પર એક સથે ફોન આવે ત્યારે શું કરવું એ વિશેની રીતભાત એકદમ સ્પષ્ટ છે. પહેલી લાઈન પરનો ફોન તમે જોડ્યો હોય તો બીજી લાઈન પરની વ્યક્તિને પંદર સેકન્ડમાં જણાવી દેવું કે થોડી જ મિનિટમાં તમે એને ફોન કરો છો. પહેલી લાઈન પરનો ફોન સામેથી આવ્યો  હોય અને બીજી લાઈન પર ફોન આવે તો તમારી ઈચ્છા હોય તો તમે પહેલી લાઈનવાળાને એવું કહીને ફોન મૂકી દઈ શકો કે બીજી લાઈન પર ફોન છે, હું તમને થોડી વારમાં ફોન કરું છું. બંને કેસમાં ફોન તમે પોતે કરશો એવું કહેવું જોઈએ. કોઈની સાથે વાતચીત કાપીને તમે પાછો થોડા વખત પછી મને ફોન કરો એમ કહેવું અવિવેકની પરાકાષ્ઠા છે. અને તમે પોતે પહેલી લાઈન પર ફોન કરીને બીજા સાથે વાત શરૂ કરી હોય ત્યાં બીજી લાઇન રણકે ત્યારે પહેલાને લટકાવી રાખવા જેવું રાક્ષસી કૃત્ય બીજું એકેય નથી.

ઘણા લોકો ફોન કરીને સામે પક્ષે પોતાને જે વ્યક્તિ જોઈએ છે તે જ છે કે નહીં એની ખાતરી કર્યા વિના સીધું જ બોલવાનું ચાલુ કરી દે છે. અમારા કુટુંબમાં મારા પિતા, કાકા, ભાઈ તથા મારા અવાજમાં ઘણું સામ્ય છે. ક્યારેક ચારેય જણ સાથે હોઈએ ત્યારે મારા પપ્પાએ ફોન પર સાંભળવું પડે કે તમે ફલાણા લેખમાં શા માટે આવું લખ્યું અને લોકો મને પૂછે કે તમે દેવગઢ બારિયા આવો છો અને અમને જણાવતા પણ નથી! ભલા માણસોએ પહેલેથી નામ જાણી લીધું હોય તો ન એમનો સમય બગડે, ન અમને તકલીફ થાય.

મોબાઇલ ફોન કે સેલ્યુલર ફોનનો નંબર તમારો ખાનગી ફોન નંબર છે. એ જેને ને તેને આપવાનો ન હોય પણ કેટલાકનાં વિઝિટિંગ કાર્ડમાં મોબાઇલ ફોનનો નંબર છાપેલો તમે જોયો હશે. પોતાની પાસે સેલફોન છે એવું દેખાડવાનું લોકો હજુય છોડતાં નથી. પોતાની પાસે જે હોય તે બધું જ દેખાડવાની તક લોકો વિઝિટિંગ કાર્ડ દ્વારા લઈ લેવા માગતા હોય છે. કેટલાકના વિઝિટિંગ કાર્ડ પર એમનો આખો બાયોડેટા છાપેલો હોય છે.કેટલાક વળી પોસ્ટકાર્ડની સાઈઝનું વિઝિટિંગ કાર્ડ ગડી વાળીને તમારા હાથમાં પકડાવી દેતા હોય છે જેના પર તેઓની કંપનીના નામ, તેઓ કઈ સાલમાં કઈ સંસ્થાના પ્રમુખ હતા અને ક્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા, કયા કયા ધર્માદા કામોમાં ટ્રસ્ટી છે, કયા છાપા-મેગેઝિનોમાં લખતા હતા અને લખે છે તે સઘળાના ડઝનેક લોગો- આ બધું જ છાપે છે. કેટલાકનાં વિઝિટિંગ કાર્ડ પર ઘરના પાંચ-છ ફોન નંબર લખેલા હોય છે અને ધ્યાનથી જુઓ તો ખબર પડે કે આ તમામ આગળ કેર ઑફ લખ્યું છે. વિઝિટિંગ કાર્ડને પોતાની પબ્લિસિટીનું સાધન ગણતા લોકોને ખબર હોવી જોઈએ કે કાર્ડ પર તમારું નામ- સરનામું પૂરતું છે. કદાચ ફોન નંબર અને બહુ બહુ તો તમારા સત્તાવાર કામનો હોદ્દો કે કંપનીનું નામ હોય, એથી વિશેષ કંઈ નહીં. પોતાના નામની નીચે બીજું કંઈ જ ન લખવું એ ઉત્તમ છે. જેઓ નથી જાણતા એમને કંઈ પડી નથી કે તમે કોણ છો. કેટલાક લોકો પાર્ટી-સમારંભોમાં જઈને, ક્લબમાં રમીનાં પાનાં વહેંચતા હોય એ રીતે, ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડની થપ્પી કાઢી, અંગૂઠા પર થૂંક લગાડી, દરેક કાર્ડને છૂટું પાડી ઉત્સાહથી બાંટતા ફરે છે.

6 comments for “રીતભાત એટલે સામેની વ્યક્તિની હાજરીનો આદર

 1. Jagruti Patel
  July 25, 2011 at 11:45 PM

  phone manner …nice observation. really funny when we read, bt when it happens in real life its annoying!!

 2. Mitesh Pathak
  July 26, 2011 at 12:16 AM

  Sirjee, Superb article. Each Gujarati MUST read this article. I am a corporate trainer. While doing training role plays even senior sales professionals commits such mistakes.

  Good article.
  Regards,
  Mitesh Pathak

 3. Dharmen Padiya
  July 26, 2011 at 3:22 AM

  wahhhhhhhhhhh, Saurabhbhai butlar jevi mentaliti huuuuuuuuuu saaaaaaaaaaaaras.

 4. Jyotindra
  July 26, 2011 at 4:57 PM

  nouveau riche લોકો વાણી, વર્તન અને વ્યવહારમાં ઘમંડી અને ઉણા ઉતરતા હોય છે.

 5. Batuk Sata
  July 27, 2011 at 12:15 AM

  Bahu j saras lekh saurabh bhai.
  aamathi thodi ghani kutevo marama pan chhe.ghanu barik avlokan.

 6. July 28, 2011 at 6:30 PM

  સૌરભભાઈ,
  ખુબજ જરૂરી અને કાળજી રાખવાં જેવી વાતો જણાવી છે. આવા અનુભવો ઘણી વખત થાય છે. સામેવાળાનો અવાજ ન ઓળખાયો હોય તો મોટો ગુનો કરી નાખ્યો હોય તેવો ઠપકો પણ સાંભળવો પડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *