સ્વામીના જીવનનું ‘સેન્ટ્રલ સત્ય’

સ્વામી આનંદ: અદ્યતન ગુજરાતી ગદ્યનું 'સેન્ટ્રલ સત્ય'(તસવીરકાર: જગન મહેતા, સૌજન્ય: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

ગુજરાતી ભાષાનાં ૧૦૦ વાંચવાં જેવાં પુસ્તકોની એક યાદી દસેક વર્ષ પહેલાં બનાવી હતી. પણ તે વખતે દરેક પુસ્તક વિશે નાની નોંધ નહોતી લખી.છેલ્લા એક દસકામાં એ યાદીમાં  કદાચ મામૂલી ફેરફાર કરવો પડે. મેઘાણી-અશ્વિની ભટ્ટ જેવા અનેક લેખકો કે મનોજ-રમેશ જેવા સદાબહાર કવિઓ તે વખતેય રિલેવન્ટ હતા અને અમે ભૂંસાઈ જશું એ પછી પણ એટલા જ પ્રસ્તુત રહેવાના.

જેઓ લેખક બનવાનું સ્વપ્ન જુએ છે (હું જોઉં છું) એમણે તો આ પુસ્તકો વાંચ્યા વિના કલમ પણ ન ઉપાડવી જોઈએ, જેઓ પોતાને વાચક માને છે એમણે પણ છાપાં-મેગેઝિનો ( કે આ બ્લોગ) વાંચવા ઉપરાંત આ યાદીમાંથી એક પછી એક પુસ્તક વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ. પિત્ઝા-બર્ગર કે દાબેલી-ભુંગળીબટાટીની સાથે ઘરના રોટલા પણ ખાધા હોય તો સેહત સારી રહે.

ગુજરાતીનાં વાંચવાં જેવાં પુસ્તકો (કે પછી મારાં ફેવરિટ ગુજરાતી પુસ્તકો) વિશે લખવું છે. આજે પહેલો પીસ.

 આધુનિક ગુજરાતી ગદ્યના ભિષ્મ પિતામહ કોણ ? ચંદ્રકાંત બક્ષીએ ઉર્દૂ લબ્ઝ પ્રચલિત કર્યા કે હસમુખ ગાંધીએ ઇંગ્લિશ વર્ડ્ઝ અને ફ઼્રેઝિસ વાપરવાનું શરૂ કર્યું તે પછી આ બંને મહારથીઓ જેવાં લખાણો ગુજરાતીમાં છુટથી લખાવા માંડ્યાં. બક્ષી કે ગાંધીભાઈ અગાઉ કોણે આવી ભાષા પ્રચલિત કરી.

‘ગાંધીજી હાડોહાડ ડેમોક્રેટ હતા એ કોણ નથી જાણતું ?’ અને  ‘…મન અંતરને મૂરઝાવા ન દેતાં રીઢા થઈને ચાલવાની ઈમ્યુનિટી કેળવવી જોઈએ’ કે પછી ‘વાસ્તવમાં તેઓ બેક્વર્ડ જ છે કારણ કે એ લોકો મેન્ટલ લેઝિનેસના જ પૂંજીપતિઓ છે’ તથા  ‘પણ જેને જીવનનું સેન્ટ્રલ સત્ય પામવાની તાલાવેલી છે તેણે તો…’ આ વાક્યો કોણ લખી ગયું?

હુકમરાન, કાર્રવાઈ, અલબત્તા, કિરાયા, રોજમર્રા જેવા શબ્દો બક્ષી પહેલાં ગુજરાતીમાં કોણ વાપરતું ?

ઉપરનાં અંગ્રેજી મિશ્રિત વાક્યો અને આ ઉર્દૂ શબ્દો તમને અદ્યતન ગુજરાતી ગદ્યના સ્વામી હિંમતલાલ રામચંદ્ર દવે ઉર્ફે સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬)નાં પુસ્તકોમાં જોવા મળશે.સ્વામી આનંદે ‘જૂની મૂડી’ નામની દેશી ગુજરાતી શબ્દોની ડિક્શનરી રચી છે એટલે એમની લાજવાબ તળપદી ગુજરાતી ભાષા વિશે આપણે વળી ક્યાં એમનાં માટેનાં સર્ટિફિકેટો ફાડવા બેસીએ. સ્વામીજી પાસે ભાષાની સમૃદ્ધિ કરતાંય મોટી સમૃદ્ધિ કન્ટેન્ટની: આસપાસની દુનિયાને નિહાળવાની નિરીક્ષણશક્તિ, માનવસ્વભાવની ખાસિયતોની આરપાર જોવાની કોઠાસૂઝ અને નિર્મળ હ્રદયના વલોણામાંથી નીપજતું નિર્દોષ ચિંતન.

વાંચવાં જેવાં પુસ્તકોમાં સ્વામી આનંદનું કોઈ એક જ પુસ્તક લેવું હોય તો કયું લેવાય ? ‘કુળ કથાઓ’, ‘હિમાલયનાં તીર્થસ્થાનો’, ‘ચરિત્રનો દેશ’ કે પછી ‘નઘરોળ’… વેલ, એક જ હોય તો તે ‘ધરતીની આરતી’ હોય. મહેન્દ્ર મેઘાણીએ લોકમિલાપ ટ્રસ્ટમાં બેસ્ટ ઑફ સ્વામી આનંદ જેવા આ પુસ્તકમાં મૂળશંકર મો. ભટ્ટ (જૂલે વર્નની સાહસકથાઓના અદ્‌ભુત અનુવાદક) પાસે સ્વામી આનંદનાં તમામ લખાણોમાંથી કુલ (અહીં કૂલ પણ ચાલે) ૫૦૦ પાનાંનું  સંપાદન કરાવીને  સ્વામીના અવસાનના એક-દોઢ વર્ષમાં જ  (દસ નકલના ખાલી ૮૦ રૂપિયાના ભાવે) એને પ્રગટ કર્યું હતું. ‘ધનીમા’, ‘મારા પિતરાઈઓ’, ‘કરનલ કરડા’, ‘સમતાનો મેરુ’ જેવા અનેક સદાબહાર નિબંધો આ પુસ્તકમાં છે. ‘ધરતીની આરતી’ વાંચ્યા પછી સ્વામીનાં તમામ પુસ્તકો વાંચવાનું જ નહીં, વસાવવાનું ૧૦૦% મન તમને થશે ( માટે બૅન્ક બૅલેન્સ હોય તો જ સ્વામી આનંદને વાંચવા).

એક પર્સનલ નોંધ: ૧૯૭૮માં પરિચય ટ્રસ્ટે સ્વામી આનંદ વિશે ૩૨ પાનાંની પરિચય પુસ્તિકા પ્રગટ કરી. સ્વામી ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના જબરા આગ્રહી. એમનાં પુસ્તકોની જૂની આવૃત્તિઓની પ્રસ્તાવના વાંચીએ તો લાગે કે કાશ બધા જ લેખકો પોતાનાં પુસ્તકો માટે આટલી ચીવટ રાખતા હોત  તો!  પરિચય પુસ્તિકાના સંપાદક યશવંત દોશી પણ ભાષાશુદ્ધિના એટલા જ આગ્રહી. વળી સ્વામીને પરિચય ટ્રસ્ટ સાથે નાતો પણ ખરો. સ્વામી વિશેની પુસ્તિકા છપાઈને પ્રેસમાંથી આવી ગઈ. ગ્રાહકોને ટપાલમાં મોકલવાનું શરૂ થાય તે પહેલાં યશવંતભાઈએ એક નકલ હાથમાં લીધી. બધી જ તકેદારી રાખી’તી છતાં કાના-માતરની અને હ્રસ્વ-દીર્ઘની કુલ ૩ ભૂલો નીકળી. શું કરવું? ફરીથી છાપવાનો ખર્ચ ટ્રસ્ટને પોસાય નહીં. સહેલો ઉકેલ. યશવંતભાઈએ  ઑફિસના સૌથી સિનિયર પટાવાળા બાબુરાવને અને સૌથી જુનિયર એક છોકરાને પેન લઈને બેસાડી દીધા. બેઉએ સવા બે હજાર નકલમાં ત્રણેય ભૂલો સુધારી લીધી અને ત્રણ દિવસ પછી પુસ્તિકાઓ ગ્રાહકોને રવાના થઈ. કોઈની પાસે હજુ એ સચવાઈ હોય તો એમાંનો એકાદ કાનો-માતર આપના વિશ્વાસુનો હોય એવી શક્યતા ફિફ્ટી-ફિફ્ટી છે.

 

16 comments for “સ્વામીના જીવનનું ‘સેન્ટ્રલ સત્ય’

 1. Salil Dalal (Toronto)
  July 23, 2011 at 12:36 AM

  સ્વામી આનંદનાં પુસ્તકો વાંચવાનું વ્યસન થઇ જાય એ સ્વાનુભવ છે. આભાર યશવંત દોશીની ઓફીસના એ સૌથી નાની ઉંમરના છોકરાનો જેણે ‘ધરતીની આરતી’ આજે યાદ કરાવી!

  આજની પેઢીના પત્રકારો – લેખકો અને ખાસ તો જોડણી કે અનુસ્વાર જેવી પાયાની બાબતોમાં બેસુમાર અંધાધુંધી ચલાવતાં અગ્રણી દૈનિક અખબારોના સંપાદકોએ નવરાશ કાઢીને જૂની મુડીને સાચવવાની તાતી જરૂરિયાત નથી લાગતી?

 2. Shishir Ramavat
  July 23, 2011 at 12:44 AM

  Whoa!! The series of your Top-100 Gujarati Books is going to be so grand that its compilation has to come out in a book form later on…

  • July 23, 2011 at 12:57 AM

   શિશિર, મારી પાસે કમિટ ના કરાવ! હજુ તો આ પહેલો પીસ છે. ૯૯ લખાઈ જાય પછી વાત (ત્યાં સુધીમાં શાન્તનુ રામાવતે Top 100માં મૂકી શકાય એવાં પુસ્તકો લખી નાખ્યાં હશે).

 3. July 23, 2011 at 12:51 AM

  બહુ સાચી વાત, સલિલભાઈ. ભાષામાં આધુનિકતાના નામે અંધાધુંધી જ છે. આપણા છાપાંવાળાઓને style book શું ચીજ છે એ પણ ખબર નથી. Chicago Manual of Styleની book દાયકાઓથી વિશ્વ આખામાં standard ગણાય છે.

  Anyway, સ્વામી આનંદ મારે હિસાબે હજુ અંડર્રેટેડ સાહિત્યકાર છે. ભલે એમના વિશે થીસિસો લખાઈ હોય પણ એમને પાઠ્યપુસ્તકોમાંથી બહાર કાઢી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. પ્રજાને ખબર પડવી જોઈએ કે છાપાંમાં છપાતી ભાષા જ કંઇ અલ્ટિમેટ નથી.ભાગ ડી કે બોસ-ગીરીને જ આપણા લખવાવાળાઓ (અને ક્યારેક તો બિચારા ભોળા વાંચવાવાળાઓ પણ) ઈશ્ટાઇલ સમજે છે.

 4. July 23, 2011 at 5:17 AM

  સૌરભભાઈ,
  ગુજરાતીમાં છપાયેલા પુસ્તકો વિષે બહુ નથી લખાતું માટે આ ભગીરથ કાર્ય શરૂ કરવા બદલ અભિનંદન. બીજા ૯૯ પુસ્તકો વિષે વાંચવાની ખૂબ જ આતુરતા છે.

 5. nilam doshi
  July 23, 2011 at 6:54 AM

  eagerly awaiting for the list..( as i like yr choice )thanks for it in advance, saurabhabhai..

  and you are absolutely right abt swami anand.. i am reading his books so repeatedly.. and always get something new every time.

 6. July 23, 2011 at 11:09 AM

  શિશિરભાઈની વાત સાથે સંમત.

  • July 23, 2011 at 11:13 AM

   જયવંત,
   શિશિરને લખેલી મારી વાત સાથે તમે સહમત નથી?

 7. sanket
  July 23, 2011 at 12:19 PM

  waah saurabhbhai..me aj sudhima kyarey swami anand nu lakhelu kaij vanchyu nathi. have vanchish. tamari vaat kadach sachi chhe. emne loko sudhi pahochadvanu jarur chhe..and eagerly waiting for list.

 8. July 23, 2011 at 4:39 PM

  સૌરભ ભાઈ સરસ પુસ્તક વિષે જણવ્યું છે આપે, મને યાદ છે જયારે હું કેટલાક પુસ્તક લેવા મુંબઈ ના નવભારત સાહિત્ય ની દુકાને ગયેલો ત્યારે ત્યાં બેઠેલા એક સજ્જને ( તેમનું નામ તો યાદ નથી પણ લગભગ તો તેઓ દુકાન ના માલિક હતા ) મને ખાસ આગ્રહ કરીને આ પુસ્તક લેવડાવ્યું તું ને કહ્યું હતું કે જો તમને ગુજરાતી સાહિત્ય નો શોખ હોય તો આ પુસ્તક તો વાન્ચ્વુંજ રહ્યું ને તેમના આગ્રહ ને પુસ્તક પસંદગી માટે આજે પણ માંન થાય છે. આપની આગળ ની પુસ્તકો ની યાદી વિષે અત્યાર થી ઈન્તેજાર રહેશે!

  • July 23, 2011 at 5:05 PM

   ચાન્સીસ એવા છે કે તેઓ ધનજીભાઈ શાહ પોતે હોય. સ્વામી આનંદનાં પુસ્તકોને તેઓ ચાહે છે અને વેચે પણ છે. ખભા પર પુસ્તકોનાં બંડલો મૂકીને તેઓ ઘેર-ઘેર ફર્યા છે. આજે એમાંથી કરોડોનું ટર્નઓવર ધરાવતી નવભારત સાહિત્ય મંદિર જેવી પ્રકાશન સંસ્થાની શૃંખલા સર્જાઈ છે!

 9. July 23, 2011 at 6:19 PM

  સૌરભ સર…..આ પુસ્તક ખરીદવું હોય તો ક્યાં મળે ? અને આના જેવા બીજા ઘણા સારા અને જુના ગુજરાતી પુસ્તકો પણ ક્યાં મળે ?

  આભાર !!

 10. ALPESH SHAH
  July 25, 2011 at 1:00 PM

  સર એક વિનંતી કે પેહલા એ ૧૦૦ પુસ્તકોનું લીસ્ટ આપી દો જેથી અમે તે અમારા સંગ્રહ માં તપાસી અને જો ના હોય તો ખરીદી શકીએ અને આપ જયારે તેનો રસાસ્વાદ કરાઓ ત્યારે અમે તેને વાચ્યું હોય જેથી વધુ માણી શકીએ

 11. July 26, 2011 at 3:24 PM

  સૌરભભાઈ, યાદીમાં તમારું કયું પુસ્તક સામેલ કર્યું છે? જો ન કર્યું હોય તો યાદીમાં અપડેટ જરૂરી!

  • July 26, 2011 at 3:34 PM

   ટૉપ 100 ગુજરાતી પુસ્તકોમાં સ્થાન પામે એવું કોઈ પુસ્તક હજુ સુધી મેં લખ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *