પ્રિય જિંદગી

પ્રિય જિંદગી,

તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, તારું સ્વરૂપ કેવું છે, તું જે છે એ શા માટે છે. પ્રશ્નો સતાવતા રહ્યા છે.આજે મને ખબર પડે છે કે તું મારામાં જ છે, હું જે છું તે જ તું છે.

કોઈ કહે છે તારું બીજું નામ સંઘર્ષ છે. કોઈ કહે છે તારું તખલ્લુસ પ્રેમ છે તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તું તમામ વ્યાખ્યાઓથી પર છે. તને ચોક્કસ ચોકઠામાં બાંધી નાખવાનું મને ગમતું નથી. તને બાંધી દેવાથી હું પોતે બંધિયાર થઈ જાઉં છું.

મને નવાઈ લાગે છે કે તારાથી લોકો શા માટે કંટાળી જાય છે? કંટાળવું તો જોઈએ તારે, આ લોકોથી.તારો કેવો ઉપયોગ કરતાં રહે છે તેઓ. રોજ સવારે ઊંઘમાંથી ઊઠવાથી શરૂ કરીને રાત્રે પથારીમાં સૂતાં સુધી તેઓ ખાવા, પીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે? છત્રપતિ શિવાજીની મહામૂલી ભવાની તલવારનો ઉપયોગ ટીંડોરાનું શાક સમારવામાં કરતા હોય એ રીતે ખર્ચી નાખે છે તને.

તારા માટે હું મારાથી શક્ય હોય એટલું બધું કરીશ. શક્ય જ શું કામ, મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં સફળતા મળે કે નિષ્ફળતા. મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સિમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.

મારે તારાથી ભાગવું નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઉં. મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો હોય કે પછી તેની સાથે હળીમળીને રહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવું છે. મારી બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક.

મને ખબર છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોય તોય યુદ્ધ લડવું પડતું હોય છે. મારે પણ લડવું પડશે. મારે ટાળવું નથી એને. એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને, કાયર બનીને હું બેસી ન પડું. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો, પૂરા અઢાર અધ્યાય જેટલો. મને સમજાવવા એ ક્યાથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાંથી લાવું. મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.

અત્યાર સુધી ખૂબ માગતો રહ્યો છું તારી પાસે. અને દર વખતે માગ્યા કરતા અનેકગણું મળતું રહ્યું છે. હવે કશું જ માગવું નથી, માત્ર આભાર માનવો છે, તું જે આપ્યા કરે છે તે બદલ.

આ માણસ જાતનું શું થવા બેઠું છે એવું બોલવાની ફેશન ચાલે છે. ભવિષ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલીશતાની નિશાની ગણાઈ જાય એવો ડર છે. નિરાશાવાદીઓ જો મેચ્યોર્ડ ગણાતા હોય તો મારે એવા પુખ્ત નથી થવું. મારે મારી મુગ્ધતા સાચવી રાખવી છે. તારા ભૂતકાળની તથા વર્તમાનની સમૃદ્ધિ જોઈને હું કેવી રીતે કહું કે તારું ભવિષ્ય કાળું ડિબાંગ છે. લોકો કંઈ પણ કહે, મને તારું ભવિષ્ય ઉજ્જ્વળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છું એટલે મારું પણ.

તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલાં વર્ષોમાં મેં તને ખૂબ વેડફાઈ જવા દીધી છે એટલે તું ફરિયાદ કરે એ સ્વાભાવિક છે. તને હક છે મને ઠપકો આપવાનો. પણ મારી કોઈ ફરિયાદ નથી તારા તરફ. બીજા કોઈનાય માટે કશી જ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનું બીજું ઘણું કહેવાનું છે મારે. એ કહેવા માટેનો જ સમય ઓછો પડશે તો ફરિયાદ કરવામાં શા માટે મારો સમય વાપરી નાખું?

શું કહેવું છે મારે? ખાસ તો એ કહેવું છે કે અમે તને આટલી બધી વેડફી નાખી છતાં તું સૌનું ભલું જ કર્યા કરે એવી ઉદારતા તારામાં ક્યાંથી આવી. તારામાં એવું તે શું છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતાં તું જીવવા જેવી લાગે છે. એવું ક્યું આકર્ષણ, એવું ક્યું ખેંચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા નથી દેતું અને બીજું કંઈ નહીં પણ ખાસ તો મારે એ કહેવું છે તને કે તું તો મને જીવવા જેવી લાગે છે, હું તને શા માટે જિવાડવા જેવો લાગું છું.

બસ, આજે આટલું જ. શેષ રૂબરૂ મળીએ ત્યારે. એ વખતે મારી આંખો મીચાયેલી હશે એટલે મને ઓળખી કાઢવાની જવાબદારી તારી અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે મેં તને ઓઢી હશે.

એ જ લિખિતંગ,
તારા સાનિધ્યને ખૂબ નિકટતાથી,
પ્રસન્નતાથી માણી રહેલો
હું.

પરેશ રાવળના અવાજમાં આ નિબંધ સાંભળો:

સૌરભ શાહનાં પુસ્તકોનાં પ્રાપ્તિસ્થાનની વિગતો

6 comments for “પ્રિય જિંદગી

 1. July 20, 2011 at 9:37 PM

  વાહ વાહ,

  ક્યા બાત હૈ સૌરભભાઇ, શ્રી પરેશ રાવલના અવાજમાં આ સાંભળીને ખૂબ સરસ લાગ્યું, લખાણની પોતાની એક આભા હોય છે, અને એને જો આવો કેળવાયેલો ભાવવાહી અવાજ મળી જાય તો એ આભા અનેકગણી વધી જાય. ખૂબ મજા આવી, અને વિશેષ તો પરેશભાઈને ગુજરાતીમાં પહેલી વખત સાંભળ્યા, ને ખૂણે અફસોસ પણ થયો, ગુજરાતી ફિલ્મો શુ ગુમાવી રહી છે!

 2. Batuk Sata
  July 21, 2011 at 1:06 AM

  Bahuj saras.Paresh bhai na avaj ma sambhadvu pan khubaj gamyu.

 3. HEMANT
  July 21, 2011 at 10:55 AM

  KHAREKHAR BAHU J SARAS SAURABHBAHI TAMARU MAGAZINE KYARTHI SARU KARO CHHO ?

 4. Dr Bhagirath
  July 21, 2011 at 12:29 PM

  Simply Great!!!!

 5. July 22, 2011 at 12:18 PM

  શ્રી સૌરભભાઇ
  તમારી બુક “પ્રિય જીન્દગી”ની પ્રસ્તાવના પહેલા વાંચી અને પછી શ્રી પરેશ રાવલના અવાઝમાં સાંભળવાનો અમુલ્ય લ્હાવો માણ્યો અને ખુબ આનંદ થયો.ભાઇ જીજ્ઞેશ સાથે હું સહમત છું કે,ગુજરાતી ફિલ્મ જગત શું ગુમાવી રહી છે.ગુજરાતી અભિનય સમ્રાટ શ્રી હરિહર જરીવાલા(સંજીવકુમાર)પછી હિન્દી ફિલ્મ જગતને બીજી મોટી ભેટ એટલે જ શ્રી પરેશ રાવલ મને આ બન્ને અભિનેતાઓ માટે ખરેખર ગર્વ છે.
  આભાર

 6. navjeetsinh
  July 25, 2011 at 12:15 PM

  wah zindgi,,,,!!!!!!!
  ye zidgi na milegi do bara!!!!!
  thanx saurabh bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *