મુંબઈમાં ’ઇન્ડિબ્લોગર’ના બ્લોગર્સનો ફાઇવસ્ટાર મેળાવડો

’હું દસમા ધોરણમાં ફેલ થઈ પછી વેકેશનમાં ઈટલી ગઈ. ત્યાં ૬૦ વર્ષનાં એક ઈટાલિયનના પ્રેમમાં પડી અને અમે લગ્ન પણ કરી લીધાં. પણ થોડા જ વખતમાં એ મૃત્યુ પામ્યો. પછી હું રશિયા જઈને વસી. ત્યાં એક મોટું કૌભાંડ કરતા પકડાઈ એટલે ભાગી છૂટીને હિમાલયમાં યોગીની જેમ રહેતી થઈ ગઈ.’

તમને થશે કે કોઈ એક વ્યક્તિના જીવનમાં આટલી બધી ઘટનાઓ કેવી રીતે બને? આવું તો માત્ર કથા-વાર્તામાં જ બને. એ છોકરીએ પોતાની ઓળખાણ આપતાં આગળ કહ્યું,’ યસ, તમારી ધારણા સાચી છે. હું સ્ટોરીટેલર છું, વાર્તાકાર છું અને બ્લોગ પર મારી વાર્તાઓ નિયમિત પોસ્ટ કરું છું!’

આવા એક નહીં, બસોથી વધુ બ્લોગર્સ એક જ જગ્યાએ, પૂરા પાંચ કલાક માટે ભેગા થાય ત્યારે શું થાય? રમખાણ. બીજું કશું જ નહીં. રમૂજનું, બૌધિક ચર્ચાઓનું અને ઉષ્માભરી ઓળખાણોનું આ રમખાણ ૧૫ ઓગસ્ટના રવિવારે મુંબઈના જુહુ ઈલાકાની જાણીતી હોટેલ ’સી પ્રિન્સેસ’ના રીગલ રૂમમાં જોવા મળ્યું.

’સી પ્રિન્સેસ’ સાથેનો મારો નાતો લગભગ અઢી દાયકા જૂનો છે, એની સ્થાપનાથી જ સમજોને. બકુલ ત્રિપાઠી જ્યારે અમદાવાદથી આવતા ત્યારે અમે ’સી પ્રિન્સેસ’માં સવારના પહોરમાં અમેરીકન બ્રેકફાસ્ટ માટે જતા. મુંબઈમાં તે વખતે ચોવીસ કલાકની કોફી શોપ બહુ ઓછી. ’સી પ્રિન્સેસ’માં ફાઈવસ્ટાર જેવા વાતાવરણમાં ખિસ્સાને પોસાય એવું ખાવાનું અડધી રાતે બે-ત્રણ-ચાર વાગ્યે પણ મળતું. હજુય મળે છે. ફરક એટલો છે કે હવે ભાવ બીજી ફાઇવસ્ટાર જેવા છે કે પછી લોકોનાં ખિસ્સાં નાનાં થઈ ગયાં છે. એની વે, મૂળ આ હોટેલ ગુજરાતી બિલ્ડરની માલિકીની. એટલે આગતાસ્વાગતા આજે પણ અતિથિ દેવો ભવ જેવી.

બપોરે બે વગ્યાનો ટાઈમ હતો. બેન્ગલોરસ્થિત ’ઇન્ડિબ્લોગર’ નામનું ગ્રુપ બ્લોગર્સમાં ઘણું જાણીતું છે. એ દરેક બ્લોગને રેન્કિંગ પણ આપે છે. ૧૦૦માંથી ૮૦ની ઉપર હોય એવા રેન્કિંગના બ્લોગ જોવા હોય તો તમારે પણ ’ઇન્ડિબ્લોગર’ના સભ્ય થઈ જવું જોઈએ. બેન્ગલોર, પૂણે, દિલ્હીથી પણ બ્લોગર્સ આવ્યા હતાં. અમદાવાદથી આપણા જાણીતા બ્લોગર કાર્તિક મિસ્ત્રી આવશે એવું લાગતું હતું (એમના બ્લોગની ઈન્ડિરેન્ક ૮૧ છે) પણ નહીં આવ્યા. જોકે અમદાવાદથી જયદીપ પરીખ અને દીપાલી ઠક્કર ખાસ આ જ કાર્યક્રમ માટે મુંબઈ આવ્યા હતા. આ ઉપરાંત નેત્રા, એક કોસંબિયા નામના યુવાન વગેરે અડધોએક ડઝન ગુજરાતી બ્લોગર પણ હતા.

મઝાની વાત એ હતી કે દરેક જણ રીગલ રૂમમાં પ્રવેશી રજીસ્ટ્રેશન ડેસ્ક પર પોતાનું નામ કન્ફર્મ કરે કે તરત જ મંચની જગ્યા પાસેના વિશાળ સફેદ સ્ક્રીન પર એમનું આગમન જાહેર થઈ જાય. આપણને તો સાલું બાઅદબ બામુલાહિજા વગેરે વગેરે જેવું બહુમાન લાગે! રજિસ્ટ્રેશન પછી ગળામાં પહેરવાના આઈકાર્ડ જેવી ફોર્માલિટીને બદલે જમણા હાથના કાંડા પર રબર સ્ટેમ્પ મારી આપે! જાણે ડિસ્કો કે નાઈટ ક્લબમાં એન્ટ્રી આપતા હોય એમ! તમને કદાચ ખ્યાલ નહી હોય પણ એક જમાનામાં, સિત્તેરના દાયકામાં મુંબઈની ઘણી ટોકીઝમાં લોઅર સ્ટોલની ટિકિટ ખરીદો એટલે આ જ રીતે હાથ પર રબર સ્ટેમ્પ મારી આપતા જેથી ટપોરીઓ ટિકિટના બ્લેક ન કરે. સ્કૂલમાં કડકીના દિવસોમાં આ રીતે પિક્ચર જોયા પછી થિયેટરના બાથરૂમમાં જ પાણીથી ઘસીને છાપ ભૂસવાની કોશિશ કરીએ. બે કારણે. એક તો ઘરે ખબર ન પડે અને બીજું, બાકીના દોસ્તારોને ખ્બર ન પડી જાય કે આને હવે અપર સ્ટોલને બદલે લોઅર સ્ટોલમાં બેસવાના દિવસો આવી ગયા છે. બાલકનીમાં તો પપ્પા-મમ્મી સાથે જવાનું હોય ત્યારે જ બેસવાનું.

ઠીક છે. બ્લોગર્સ મીટમાં પહેલાં તો દરેક બ્લોગરે પોતાની ઓળખાણ આપવાની હતી. ત્રીસ સેકન્ડની મર્યાદામાં. એક ટેકીએ કહ્યું હું છ વર્ષથી બ્લોગિંગ કરું છું. પહેલાં હું પ્રેમ, ફિલસૂફી, પ્રેરણા એવા બધા વિષયો પર લખતો હતો. પછી મારી પ્રેમિકાએ મને પડતો મૂક્યો. ત્યારથી હું પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર સોલ્યુશન્સ વિશે લખતો થઈ ગયો છું.

ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા B V Vaghmare નામના બ્લોગરની ઓળખાણ પણ મઝાની હતી. (આ બ્લોગરની બીવી વાઘ મારે તો એ પોતે શું બિલ્લી મારતા હશે?). એમણે કહ્યું હું મારું નામ છૂપાવીને મારી ઈન્ડસ્ટ્રી વિશે બ્લોગિંગ કરું છું. મારા બોસ નિયમિત આ બ્લોગ વાંચે છે અને મને દર વખતે કહેતા હોય છે, જો ડફોળ ક્યાં આનું નોલેજ અને ક્યાં તારું કામકાજ, જરા શીખ શીખ…

એક જુવાનીયાએ કહ્યું કે હું દર અઠવાડિયે એક નવો બ્લોગ શરૂ કરું છું કારણ કે મને જૂનાનો પાસવર્ડ યાદ નથી આવતો!

એક વિયેતનામી બ્લોગર પણ આવી હતી. હેમ રેડિયો જેવા ઇન્ટરેસ્ટિંગ વિષય પર બ્લોગિંગ કરનારા પણ મોજૂદ હતા. પેલી વાર્તાવાળી છોકરી તો હતી જ!

મેં મારી ઓળખાણ આપતા કહ્યું કે હું ગુજરાતી છું, વ્યવસાયે પત્રકાર અને લેખક છું પણ આજકાલ મારી પાસે કામધંધો નથી એટલે હું બ્લોગિંગ કરું છું! લોકોએ તાળીઓ પાડી! મને સમજાયું નહીં કે આ તાળીઓ હું ગુજરાતી છું એટલે પાડી કે પછી મારી પાસે અત્યારે કામધંધો નથી એટલે.

’ઇન્ડિબ્લોગર’ની આ ઇન્ડિમમ બ્લોગર્સ મીટની વધુ રસપ્રદ વાતો કાલે. ત્યાં સુધી આ લિન્ક ક્લિક કરીને ફોટા માણો. આ ફોટાના તસવીરકારની વેશભૂષા ઈન્ટરેસ્ટિંગ છે. એમણે પોતાના કેમેરામાં મારી સાથે ખાસ ફોટો પડાવ્યો અને મારા ઘણા બધા ફોટા એમના ફ્લિકર અકાઉન્ટમાં મૂક્યા છે. એન્જોય. મળીએ.

12 comments for “મુંબઈમાં ’ઇન્ડિબ્લોગર’ના બ્લોગર્સનો ફાઇવસ્ટાર મેળાવડો

 1. રાજન શાહ
  August 17, 2010 at 10:25 AM

  સૌરભભાઈ તમે લખવાનુ ચાલુ રાખો, ગુજરાતી મા અત્યારે બહુ થોડા સારા બ્લોગર છે.તમારી સ્ટાઈલ અને અનુભવ બહુ થોડા લેખકો પાસે છે.જોકે આર્થીક ફાયદો નથી તેવુ હું માનુ છુ.આશા રાખુ છુ કે સમય કાઢી ને લખતા રહેજો. ગુજરાતી વાચકો માટે તમે બહુ મોટી આશા છો.

  • August 17, 2010 at 10:31 AM

   rajan,
   thanks for your encouragement.
   i do want to write regularly. and i will.
   whether it’s on blog or on any other media but i will write the way i have always written.
   regarsd.
   -saurabh

 2. August 17, 2010 at 10:43 AM

  Thx for such a lovely note. You way of writing is really awesome, I liked it. BTW I would like to request you some thing that, If you can put a link of mine and Dipali’s blog ? so other Gujarati readers can get information about Blogging and other things.

 3. August 17, 2010 at 7:04 PM

  સૌરભભાઈ

  ખુદ પર રમૂજ કરી શકે એ જ તો દર્શાવે છે કે એ વ્યક્તિનું સ્તર કેટલું ઉચ્ચ છે…
  આથી વધુ કંઇ કહેવા જેટલું પાછું મારૂં લેવલ નથી એટલે એટલું જ કહીશ કે

  આવી માહિતી પીરસતા રહો..

  અને હા

  આવી રીતે ગુજ-બ્લોગર જેવું પણ કંઇક થાય અને એનો મેળાવડો અમદાવાદ-રાજકોટ કે એવી કોઇ જગ્યાએ થાય તો મજો પડી જાય…

  • August 17, 2010 at 8:04 PM

   દોસ્ત, તમે સ્પોન્સર કરતા હો તો ગુજબ્લોગરોને ગાંધીધામ બોલાવીએ!

   • October 21, 2010 at 10:59 PM

    અરે. હમણાં જ ખબર પડી કે તમે મારા નામનો ઉલ્લેખ અહીં કર્યો છે. હું આવવાનું વિચારતો હતો, પણ એજ કામ-કાજની રામાયણ. દિવાળીની આસપાસ મુંબઇ ખાતે છું. મળીએ? જો સમય હોય તો કાર્તિક.મિસ્ત્રી એટ જીમેલ.કોમ પર બૂમ પાડજો…

 4. August 18, 2010 at 1:42 AM

  સૌરભભાઇ..તમારી કલમ માણવાની મજા આવે છે..હમેશાથી…તમારા લગભગ બધા પુસ્તકો મારી પાસે છે…રીપીટ વેલ્યુવાળા પુસ્તકોના મારા સંગ્રહમાં….એ આદરપૂર્વક બિરાજે છે..

 5. August 23, 2010 at 12:11 AM

  નમસ્તે સૌરભભાઇ વરસો પહેલા તમને અભિયાન ચિત્રલેખામા વાચ્યા છે. મને કલ્પના પણ ના હતી કે આ રીતે તમારી સાથે વાત કરવાનો મોકો મળશે. બસ તમારાં જુના લખાણો ની યાદ આવી ગઈ. લેખંશૈલી તો તમારી એ જ રહી પણ લખાણમાં વેધકતાં અને ધાર પહેલાં કરતાં વધારે છે.મળીને ખુબજ આનંદ થયો.હવે તો આ તમારાં બ્લોગનો હું કાયમી મુલાકાતી.. આવજો ખરેખર અંતર આનંદથી ભરાઇ ગયું…

  • August 23, 2010 at 9:37 AM

   Thanks, Mukeshbhai! It’s so nice to hear from you. You are referring to my work of two decades back and I feel nostalgic too! It seems that you have just opened your blog a week before and wrote the post yesterday. Happy blogging.

 6. August 24, 2010 at 5:30 PM

  hi!
  welcome bk!
  good to see u again..bt i njoy your gujarati writing to b frank…pls continue doin it…i like the new look of your website/blog! i m impressed!

  keep writng n make us enrich!

  take care n give my regards to megha!

  Mona

 7. August 24, 2010 at 6:49 PM

  the english blog is not for you mona, it’s only for the people who understand english 🙂 i know you love my gujarati writings. keep reading whatever you enjoy. love!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *