પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૧

જે એક કરન્ટ ટોપિક લેવો છે.

પાણીપુરી મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા છે. મુંબઈમાં બાબુલનાથની પાણીપુરી સાથેની મારી મહોબ્બતનો નાતો ત્રણ દાયકા જૂનો. પાંચેક વર્ષ પહેલાં એ પાણીપુરીવાળાની ત્યાંના ટ્રાફિક પોલીસવાળાઓ સાથેની દોસ્તી તૂટી અને એ ગાયબ થઈ ગયો. જિંદગીમાં આટ્લો મોટો આઘાત સહન કરવાનું અગાઉ ક્યારેય નથી બન્યું. મિત્રો કહે છે કે તું અમદાવાદ જતો રહેલો એટલે બાબુલનાથના પાણીપુરીવાળાએ ધંધો સંકેલી લેવો પડ્યો.

કેમ્પ્સ કોર્નરનો ફ્લાય ઓવર ઊતર્યા પછી ચોપાટી જવાનો ફર્સ્ટ રાઇટ ટર્ન લો એટલે ’પરિન્દા’ ફિલ્મમાં તમે જોયેલું બાબુલનાથનું ફેમસ મંદિર આવે. મંદિરથી ચોપાટી જતાં ત્રિકોણિયા બાગવાળા નાના બસ ડેપોની ફૂટપાથ પર એ બેસે. કોલેજના દિવસોથી છેક જાણે ગઈકાલ સુધી, એની હજારો પાણીપુરીઓ ખાધી છે. એ જમાનામાં એ સામેના મકાનના કમ્પાઉન્ડમાં બેસતો. પછી મકાનવાળાઓએ એને સામેની ફૂટપાથ પર ધકેલ્યો.

ડો. પ્રકાશ કોઠારી સાથે મારે ’ઇટિંગ આઉટ’નો એક લેખ કરવાનો હતો ત્યારે એમણે કોઈ ફાઇવસ્ટારમાં જવાનું અમારું આમંત્રણ સ્વીકારવાને બદલે મુંબઈના સ્ટ્રીટ ફૂડ્ની પસંદગી કરી હતી અને શરૂઆત બાબુલનાથની પાણીપુરીથી કરી હતી. એ પોતે મેડિસિનનું ભણતા ત્યારથી અહીં આવતા.

ઓસ્ટ્રેલિયાનિવાસી મિત્ર-નવલકથાકાર અશ્વિન દેસાઈ અહીં રહેતા હતા એ જમાનામાં દર મંગળવારે એમનું મેટર આપવા નરિમાન પોઇન્ટના એક્સપ્રેસ ટાવર્સમાં ’સમકાલીન’ની ઓફિસે આવતા સાંજે અમે મરીન ડ્રાઇવનો ક્વીન્સ નેકલેસ ચાલીને ચોપાટી થઈ બાબુલનાથ આવતા ત્યારે ભૂખ્યા ડાંસ થઈ પાણીપુરી પર તૂટી પડતા.

મુંબઈના દરેક ઉપનગરની અને ગુજરાતના અલ્મોસ્ટ દરેક નગરની પાણીપુરી ખાધી છે. પણ બાબુલનાથની પાણીપુરી એટ્લે બાબુલનાથની પાણીપુરી! વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ!

ગુજરાતના દરેક નગરમાં વર્લ્ડના બેસ્ટ ગાંઠિયા, વર્લ્ડનો બેસ્ટ આઇસક્રીમ અને વર્લ્ડની બેસ્ટ પાણીપુરી મળે છે. મુંબઈમાં દરેક કોલેજની સામે વર્લ્ડની બેસ્ટ સેન્ડ્વિચ અને લોકલ ટ્રેનના દરેક સ્ટેશનની બહાર વર્લ્ડના બેસ્ટ વડાપાંઉ મળે છે એમ જ. ( ગુજરાતમાં કેમ વડાપાંઉને પાંઉવડા અને પાંઉભાજીને ભાજીપાંઉ કહેતા હશે, એની આઇડિયા? રસ્ટિક છોલે-ભતુરેને સ્ત્રૈણ ચણા-પુરી કેમ કહેતા હશે?)

મેં તમને કહ્યું કે આજે કરન્ટ ટોપિક પર લખવું છે.

આજે બપોરે મેં ઘરે પાણીપુરીનું પાણી બનાવ્યું.

મિત્રો કહે છે કે તારા હાથની પાણીપુરી વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ હોય છે. મને પણ એવું લાગે છે. મિત્રો તો આગળ વધીને ત્યાં સુધી વખાણ કરે છે કે તારા લેખો કરતાં પણ તારી પાણીપુરી વધારે સારી હોય છે.આમાં મારી પાકકળાની પ્રશંસા છે કે મારી લેખનકળાની ટીકા છે તે હું હજુ નક્કી નથી કરી શક્યો. કેટલાક મિત્રોની પત્નીઓ તો મારી પાણીપુરી ખાધા પછી ઘરે પાછાં જતાં લાડ્થી મને કહેતી હોય છે: સાચ્ચું કહું, તમારે તો પાણીપુરીનો ખુમચો ખોલવો જોઈએ.

જોઈએ. હજુ થોડો વખત રાહ જોઈએ. કશુંક ગોઠવાય તો સારું છે. નહીં તો પછી બાબુલનાથવાળાની જ્ગ્યા તો ખાલી જ પડેલી  છે.

તાજા કલમ: મારા ભાવિ વ્યવસાયની ટ્રેડ સીક્રેટ ખુલ્લી પાડીને હું તમારી સાથે પાણીપુરીનું પાણી બનાવવાની મારી એક્સક્લુઝિવ રેસિપી શેર કરવા માગું છું. આવતી કાલે.

7 comments for “પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૧

 1. Piyush Raval
  July 14, 2010 at 8:44 PM

  YUMMYYYY… આ પોસ્ટ મોકલીને હું તો ચાલ્યો પાણીપુરી ખાવા….

  • December 21, 2016 at 9:03 AM

   Superb pani puri
   With moraribapu
   So good

 2. July 15, 2010 at 10:40 AM

  પાણીપૂરી વિશે આખો લેખ વાંચીને મને પણ મોઢામાં પાણી પાણી આવી ગયું.

 3. July 16, 2010 at 2:24 PM

  લેખ વાંચી થયું ચાલો પાણીપુરી ખાશું પરંતુ….!? ચાલો આવતીકાલે રેસિપી વાંચી ને ઘેર જ બનાવીશું…
  સરસ લેખ …

 4. July 16, 2010 at 5:17 PM

  પ્રિય સૌરભ ભાઈ,

  આપણે કેટલા ક્વોલિટી કોન્શીયસ છીએ, કારણકે આપણે ત્યાં ગલીએ ગલીએ વર્લ્ડ બેસ્ટ પાણીપૂરી મળે છે.

  વડોદરાના યુનિવર્સિટી રોડ પર અને અલકાપુરીમાં જીઈબી ઓફીસની સામેના કોર્નર પર એમ બંને જગ્યાએ જે પાણીપુરી મળે છે !…… શું કહું કેવી મળે છે??

  જો કે હવે પાંચ પાણી સાથેની પાણીપુરીની નવી સગવડ નીકળી છે… એટલે એમાંય ભારતીયતાના દર્શન થાય….

 5. riyaz randeri
  July 17, 2010 at 5:09 AM

  wah…..pani-puri joy.. pani-puri.. joy ahmedabad… joy gugarat..

 6. July 18, 2010 at 1:24 AM

  ઘણ સમય બાદ મુલાકાતનો આનદ પાણી-પૂરીથી માણ્યો! કોઈ થોડો રિસર્ચ કરીને કહી શકશે બાબુલનાથનો પાણી-પૂરીવાળો ક્યાં ગયો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *