ઉટપટાંગ, આડેધડ અને મીડિયોકર ‘કમીને’નો રિ-રિવ્યુ: ભાગ બીજો અને છેલ્લો

kaminey‘કમીને’ની ગઈકાલે શરૂ કરેલી વાત આજે પૂરી કરીએ.

સ્વીટીએ ગુડ્ડુ આગળ પરણવાનું ત્રાગું કરતાં પહેલાં  પંડિતજી સાથે એ જ રાતના આઠ વાગ્યાનું મુહૂર્ત જોવડાવી રાખેલું અને લગ્નની તમામ તૈયારીઓ કરી રાખેલી , હનીમૂન માટેની ટિકિટ અને પાસપોર્ટ પણ ! પાસપોર્ટ એણે પોતાનો તૈયાર રાખ્યો હોય, ગુડ્ડુનો કેવી રીતે? વેલ…તમે કહેશો કે હિંદી ફિલમ છે. હું માનું છું  કે હિંદી ફિલમમાં ચાલે આવું બધું. ચલાવવાનું જ હોય. પણ બાપલા, અહીં તો બધા ટોરેન્ટિનો અને ફોરેન્ટિનોની જૉનર ખોદીને બેઠા છે તો શું એમાં પણ આવી જ ધુપ્પલ હોય? સિરિયસલી. ના હોય. એ વિદેશી સર્જકોની પંગતમાં બેસવાની સજ્જતા ન હોય તો ભઈલા, આપણે આપણી દેશી જૉનર પકડીને બેસી રહેવાનું. કૌઓ હંસની ચાલ ચાલવા જાય તો શું થાય? ‘કમીને’ થાય.

ગિટારમાં દસ કરોડનું કોકેઈન પચ્ચીસ વર્ષ પહેલાંની હિંદી ફિલ્મોમાં છુપાવાતું. પટકાથાલેખક વિશાલ ભારદ્વાજ બીજા ત્રણ સાથી લેખકો સેન, દુબે અને ચવ્હાણની મદદ લીધાં પછી પણ ગિટારનો વિકલ્પ શોધી શક્યા નથી.

‘અપના દેશ’ અને ‘ગ્રેટ ગૅમ્બલર’નાં મશહૂર ગીતોની પંક્તિઓ વાપરીને  આર.ડી.બર્મનને ટ્રિબ્યુટ આપવાનો હેતુ થાગડથિગડ ‘શ્રદ્ધાંજલિ’ પુરવાર થાય છે.

મુંબઈ પોલીસના ઍન્ટી નાર્કોટિક્‌સ ડિપાર્ટમેન્ટના અફસર લોબોની વાન લઈને ચાર્લી ભાગે છે ( જેમાં પેલી ગિટાર છે) ત્યારે તમને સવાલ થાય છે કે લોબો સહેલાઈથી પોલીસ  કંન્ટ્રોલને પણ કહી શક્યો હોત કે આ ગાડીને શોધી કાઢો. લોબોને ડર હોય કે વાન મળી જશે તો એમાંથી ગિટાર મળી આવશે અને એને લીધે ડ્રગ્સ સિન્ડિકેટ સાથેની પોતાની સાંઠગાંઠ ખુલ્લી પડી જશે તો એનો ઈલાજ પણ લોબો વિચારી શક્યો હોત. વાનની સાથે ગિટાર પણ પોલિસને મળી આવી હોત તો એમાંનું કોકેઈન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવીને સરકારનું ઈનામ લઈ, કોકેઈનની જગ્યાએ ટેલકમ પાવડર મૂકાવી, લોબો તાશી ઍન્ડ ગૅન્ગનું કામ કરી શક્યો હોત. રિયલ લાઈફમાં આવું, સ્ટ્રેન્જર ધેન ફિક્શન જેવું, થયાના અનેક દાખલાઓ પોલીસ અફસરો પાસેથી તમને સાંભળવા મળશે. (બાય ધ વે, લોબોનું પાત્ર ભજવનાર શિવ સુબ્રહ્મ્ણ્યમ્નો કરિયર બેસ્ટ રોલ કયો. યાદ છે? વિધુ વિનોદ ચોપરાની ‘પરિન્દા’માં અનુપમ ખેર પર ગોળીબાર કરનાર ત્રણમાંના એક ફ્રાન્સિસનો રોલ જે નાના પાટેકર માટે કામ કરતો અને જેને ‘હોલિડે-ઇન’મા અનિલ કપૂર ટોમ ઓલ્ટરની મદદથી ઉડાવે છે.)

લોબોની વાન લઈને ભાગતા ચાર્લીને નાકાબંદીવાળા હવાલદારો સલામ કરીને જવા દે છે કારણ કે વાનના બોનેટ નીચે ‘મુંબઈ પોલીસ’ લખેલું છે!

તાશીની પાર્ટી, વિદેશી (પોર્ટુગલ અને એન્ગોલાના) કાળિયાઓ- આ બધાં દ્રશ્યો સી ગ્રેડની હોલિવુડ ફિલ્મ જેવાં છે.

ફિલ્મમાં ઍટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે ડાયરેક્ટર પાસે વરસાદ હાથવગો  છે. ચાર્લી ગિટારમાં ડ્રગ્સ જોઈને ગભરાય છે, પછી લલચાય છે. વરસાદ શરૂ થઈ જાય છે. એ પછી આખી ફિલ્મમાં કુલ અડધો ડઝન દ્રશ્યોમાં વગર કારણે, સાવ ફોગટમાં, વરસતા વરસાદમાં ભજવાતાં દ્રશ્યો  આવે છે.

ગુડ્ડુ-સ્વીટીનાં લગ્ન અટકાવવા ભોપેભાઉનો રાઈટહૅન્ડમૅન રિવૉલ્વર અને પોતાના સાથીઓને લઈને આવી પહોંચે છે. છતાં હીરો-હીરોઈન ભાગી છુટે છે. સીધા ઍરપોર્ટ જવા માગે છે- પરદેશમાં હનીમૂન માટે (‘ટિકિટ-પાસપોર્ટ મારી પાસે જ છે’ સ્વીટી કહે છે). પણ પેટ્રોલપંપ પર રામાયણ કરવા રોકાય છે ને ગુડ્ડુને પોલીસવાળાઓ ચાર્લી સમજી પકડી લે છે. આવા ટેન્શનમાં પેટ્રોલપંપ પર લાંબી વાતો કરે કોઈ? ગુડ્ડુ સ્કૂલમાં હતો ત્યારે એક મુસ્લિમ છોકરીને પ્રેમ કરતો હતો એવું પણ વાતવાતમાં આવી જાય છે (ચાલો, સેક્યુલરગીરીવાળી પોલિટિકલ કર્રેક્ટનેસ પણ આવી ગઈ. હવે કંઈ બચ્યું છે, આ સ્યુડો ઈન્ટલેક્‌ટ્‌સ પાસે?)

મિખાઈલ, એના બે બંગાળી બંધુઓ, ભોપે- ફિલ્મમાં જેટલા વિલન્સ છે તે બધા જ કૉમેડી કરે છે! આ વળી નવું! એના કરતાં થોડોક ખર્ચ કરીને જૉની લીવરને લઈ લીધો હોત તો? (ના, એવું ના થાય- આ જૉનર જુદી છે!)

ભોપેનો ટીવી ઈન્ટરવ્યુ લાઈવ છે એવું ભારપૂર્વક કહેવાય છે. તો લાઈવ ઇન્ટરવ્યુમાં હવે ‘ટેઈક’ લઈએ એવું પેલી ટીવીવાળી કન્યા શું કામ બોલે છે? ગુડ્ડુ ઉર્ફે સંજય શર્મા બારાબંકી, યુપીનો છે એવી ભોપેને ખબર પડી ગઈ છે એટલે એનો ગુસ્સો સાતમા આસમાને છે. ટીવી મુલાકાતમાં ભોપે ‘બહારવાળાઓ’ કઈ રીતે  મુંબઈના મરાઠીઓના હક્ક પર તરાપ મારે છે એની સંકુચિત લાગતી વાતો કરે છે.

તાશી જેમના માટે ડ્રગ્સ મેળવી રહ્યો છે તે લોકો સાથેની વાતચીત વખતે અંગ્રેજી સબ ટાઈટલ્સ આવે છે (બંગાળી બોલાતી હતી ત્યારે પણ મૂકવા જોઈતા હતા ને, લાલા).

ઢેનટેણેનવાળું ગીત આ ફિલ્મને માર્કેટ કરવામાં ખૂબ વપરાયું. ‘કમીને’નો પ્રોમો તમને ઊંધે માર્ગે ચડાવે છે. પૅકેજિંગ મેઈનસ્ટ્રીમની મસાલા ફિલ્મ જેવું કરવું જેથી ઑડિયન્સ ખેંચાઈ આવે અને પડીકું ખોલો તો અંદરથી માલ આખો ભળતી જ જૉનરનો નીકળે! સિમ્પલી ચીટિંગ કહેવાય. સુરેશ જોષીની ‘મરણોત્તર’ વધુ વેચવા માટે પ્રકાશક એની પબ્લિસિટી દ્વારા વાચકના મનમાં એવું ઠસાવે કે આ તો હરકિસન મહેતાની ‘જડચેતન’ ટાઈપની નૉવેલ છે તો એને શું કહેશો તમે? સ્માર્ટનેસ? ના. બેવકૂફી. અથવા છેતરામણી.

ઢેનટેણેન ફૂટ્સ્ટેપિંગ ગીત છે. ગુલઝારજીના શબ્દો ફિક્કા પડે છે. પણ સંગીત ધમાકેદાર છે. પણ આ ગીત આખી ફિલ્મને ઊપાડી શકે નહીં. સાંભળવામાં ગીત જેટલું મઝાનું છે એટલું જ જોવામાં ટૉર્ચર છે. એનું ફિલ્માંકન, એની કોરિયોગ્રાફી, લાઈટ્‌સ, એડિટિંગ- બધું જ ત્રાસ છે. સંગીતકાર વિશાલ ભારદ્વાજના સુપરહિટ બનેલાગીતની દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે વાટ લગાવી દીધી છે. (‘ઓમકારા’માં આવું જ થયું હતું. ‘બીડી જલૈ લે’ના અફલાતૂન ગીતનો છેલ્લો અંતરો અજય-કરીનાના પ્રેમદ્રશ્યનું બૅકગ્રાઉન્ડ સૉંગ બની જાય છે. ઈવન ‘ઓમકારા’નું ટૅમ્પોવાળું ટાઈટલ સૉંગ પણ ફિલ્મમાં સાવ ફિસ્સી રીતે વપરાયું હતું).

ભોપે ગુડ્ડુની શોધમાં ચાર્લીના ઘરે પહોંચી જાય છે અને આ બાજુ ગુડ્ડુને પોલીસ ચાર્લી માનીને પકડી લે છે. અંગ્રેજીમાં 1/2 દેખાય છે. ઈન્ટરવલ પડે છે. અંગ્રેજીનો આંકડો પ્રેક્ષકોએ આપેલા અડધા સ્ટારનું રેટિંગ જ હશે!

તમે જે જૉનરમાં કામ કરવાનું પસંદ કરો તે. તમારી પસંદગી તમને મુબારક. મસાલા એન્ટરટેઈનમેન્ટની જૉનર પકડો એટલે તમે આપોઆપ મનમોહન દેસાઈ કે પ્રકાશ મહેરા નથી બની જતા. એ માટે એક્સેલ થવું પડે. મિડિયોક્રિટી ના ચાલે. વિશાલ ભારદ્વાજ બડી બડી બાતાં કરીને ઊંચી ઊંચી જૉનર પસંદ કરે તે સારું જ છે. પણ એમાં એમણે એક્સેલ થવું પડે. ‘કમીને’માં તેઓ શરૂથી આખર તક મિડિયોકર છે.

ભોપે પોતાના સાગરીતો સાથે ચાર્લીની રાહ જોતો બેઠો છે ત્યારે ખુલાસો કરે છે કે ‘આ રીતે હું તારા ઘરમાં ઘૂસી ન ગયો હોત પણ બહુ કલાકો સુધી તારી રાહ જોઈ અને ભૂખ લાગી હતી થયું કે ઘર ખોલીને કંઈક ખાવાનું શોધું. લે તું પણ ગરમાગરમ વડાપાઉં ખા!’

લે, લે. બંધ ઘરમાં ભોપેને ગરમાગરમ વડાપાઉં ક્યાંથી મળી આવ્યા.

ચાર્લીના ઘરમાં ટીવી પર દાદા કોંડકેનું ‘ઢગા લા લાગલી કળ… પાણી ઠિંબ ઠિંબ ગળ…’ વાગતું હોય છે. વિશાલ ભારદ્વાજની ભૈયા મેન્ટાલિટીમાં મરાઠી વાતાવરણ ઊભું કરવું એટલે વડાપાઉં, આવું કોઈ ગીત અને જય મહારાષ્ટ્રના નારાઓ- બસ આ જ ક્લીશેસ ઘૂસી ગયેલા છે. એક સર્જક તરીકે વિશાલ આ બાબતે સખત માર ખાય છે અહીં.

ચાર્લી ભોપે સાથેની વાતચીતમાં કહે છે કે હું જેમ ‘સ’નો ‘ફ’ બોલું છું તેમ મારો ભાઈ હકલો છે. ભોપે હસે છે. ભાઈના હકલાપણા વિશેની સ્મૉલટૉક કરવાની કોઈ જરૂર હતી ચાર્લીને?

ફિલ્મનો વર્સ્ટ સીન મારા હિસાબે, પોલીસ પૂછપરછમાં હકલો ગુડ્ડુ બયાન આપતાં સવારના આઠ વગાડી દેશે એમ વિચારીને ઈન્સપેક્ટર એની પાસે ‘તુમ પાસ આયે, યું મુસ્કુરાયે…કુછ કુછ હોતા હૈ’ના લયમાં જુબાની ગવડાવે છે તે છે: ‘હમ હૈ ભાઈ ભાઈ, વો હૈ હરામી, કીતના કમીના… કરે વો ભરું મૈ…’ સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ. નૉનસેન્સ, નૉનસેન્સ, નૉનસેન્સ.

લોબો જેવો ઈન્સપેક્ટર સામે ચાલીને ગુડ્ડુને કહી દે કે પેલી ગિટારમાં દસ કરોડનું કોકેઈન છે એ કેવી વાહિયાત વાત!

ચાર્લીના ઘરે ભોપે વડાપાઉં આરોગે છે ત્યાં મિખાઈલ આવે છે. ભોપે અને મિખાઈલનું લાંબુ સળંગ દ્રશ્ય પ્રેક્ષકોની બુદ્ધિ પર બળાત્કાર કરે છે. આઈપીસીની ૩૭૬મી કલમમાં ઈન્ટલેકચ્યુઅલ રેપની જો કોઈ પેટા કલમ હોય તો વિશાલ ભારદ્વાજ અને આ સીન કરનારા એના સઘળાય સાગરીતોની ધરપકડ થવી જોઈએ.

ભોપે પાસે ચાર્લી છે, એને ગુડ્ડુ જોઈએ છે. લોબો પાસે ગુડ્ડુ છે, એને ચાર્લી જોઈએ છે. મુંબઈની લોકલ ટ્રેનમાં ચાર્લી-ગુડ્ડુની આપ લે કરવાનું ગોઠવાય છે. ભરચક પ્લેટ્ફોર્મ પરથી પસાર થતી લોકલ ટ્રેનના ગુડ્ડુ-ચાર્લીવાળા કંપાર્ટમેન્ટ જોઈને તમને લાગે કે આ પશ્ચિમ રેલવે યુપીવાળા વિશાલભૈયાના પિતાશ્રીની હશે. આ દ્રશ્યની શરૂઆતમાં કાગડો અને પતંગ આવે છે. કઈ ખુશીમાં? અચ્છા, અચ્છા. કોઈક પ્રતીક છે એમ? જબરું શોધી કાઢ્યું ભઈલા!

દસ કરોડનો માલ પોતાના હાથમાં છે એ જાણ્યા પછી પણ કોઈ એ માલને દસ લાખમાં વેચવા તૈયાર થાય? કોઈ મજબૂરી ના હોવા છતાં? અને તે પણ ચાર્લી જેવો માણસ? જે કરોડપતિ બનવાનાં ખ્વાબ જુએ છે? પણ ચાર્લી તાશીને દસ કરોડનું કોકેઈન દસ લાખમાં આપવા તૈયાર થઈ જાય છે! એ પહેલાં ચાર્લી ફ્રાન્સિસ (જેને કારણે પેલા જૉકીએ ડબલ ક્રોસ કર્યું અને ચાર્લીને એક લાખ રૂપિયાની ખોટ ગઈ તે ફ્રાન્સિસ) પાસે જઈને કહે છે તું મને મારા લાખ રૂપિયા પાછા આપ! ફ્રાન્સિસ પાસે રોકડ નથી તો ચાર્લી કહે છે કે તારું એટીએમ કાર્ડ આપ! જાણે એટીએમ કાર્ડ મળી જશે તો પાસવર્ડ વિના ચાર્લી લાખ રૂપિયા કાઢી લેશે! અને રોજના પંદર હજાર રૂપિયાની લિમિટને કારણે પૂરું એક અઠવાડિયું થાય ચાર્લીને લાખ રૂપિયા કાઢતાં, એ ગાળામાં શું ફ્રાન્સિસ હાથ જોડીને બેસી રહેવાનો હતો. વાત કરે છે…!

ગુડ્ડુ ભોપેભાઉના સકંજામાંથી બચવા કહે છે કે તમે સ્વીટીને બીજે પરણાવી દેશો તો તમને પાંચ કરોડ મળશે અને ઈલેક્‌શનની ટિકિટ મળશે તો હું તમને દસ કરોડ આપું તો?

જે માલ ગુડ્ડુના હાથમાં પણ નથી એનો સોદો ગુડ્ડુ કઈ કલ્પનાથી કરે? અને ગુડ્ડુ તો કરે, ભોપેભાઉ શું …યો છે કે માની જાય? પણ ભોપે માની જાય છે.પછી ગુડ્ડુ પૂછે છે કે તમને ઈલેક્શનની ટિકિટ હવે નહીં મળે તો?

ત્યારે ભોપે કહે છે: અમે તો રાજકારણી છીએ, પોલિટિક્‌સ અમારો પેશો છે, બિઝનેસ છે, અમને તો પાવર જોઈએ. ટિકિટ અમારાવાળા નહીં આપે તો તને જે પાર્ટીવાળાઓનો ટેકો છે તે પાર્ટી આપશે, સિમ્પલ!

વાહ, ક્યો રાજકારણી પોતાના ઍડવર્સરી સમક્ષ તો છોડો પોતાના મિત્ર સમક્ષ પણ આવી અંદરની વાત ફોડ પાડીને કહે?

ભોપે માટે દસ કરોડના કોકેઈનવાળી ગિટાર લેવા ગુડ્ડુ જાય છે ત્યારે ગુડ્ડુ પર નજર રાખવા જઈ રહેલા સાગરિતોને ભોપે કહે છે કે ગિટાર મળી જાય પછી ગુડ્ડુને ત્યાં જ મારી નાખજે. આ વાત ભોપેનો નાનકો ભાણિયો સાંભળી જાય છે જેને એ રિમોટવાળી કારની લાંચ આપીને ચૂપ રાખે છે! સિરિયસ ફિલ્મમાંથી બાળવાર્તામાં સરી પડતી ‘કમીને’ શું ‘મકડી’ના દિગ્દર્શકે જ બનાવી છે?

હકલા અને તોતલા ભાઈઓ એકબીજાને મળે છે ત્યારે મારામારી કરતી વખતના અને તે પછીના હકલાભાઈના સંવાદો સાંભળજો તમે… એ ક્યાંય હકલાતો નથી! ક્યાં ગયું એનું હકલાપણું!

અને મઝા તો ત્યારે આવે છે જ્યારે ચાર્લીના હાથનો માર ખાધા પછી ગુડ્ડુ ચાર્લીને સીધા રસ્તે ચાલવાનો ઉપદેશ આપીને બહાર નીકળતો હોય છે. ત્યારે ગુડ્ડુના હાથમાં દસ કરોડનાં કોકેઈનવાળી ગિટાર હોય છે. વાહ, પોતાના હાથમાં ડ્રગ્સ અને બીજાને સલાહ આપવાની સીધે રસ્તે ચાલવાની! ટિપિકલ એન.જી.ઓ.ગીરી છે ગુડ્ડુની.

ફિલ્મના અંતમાં ફ્લેશબૅકના લાંબા દ્રશ્યમાં ગુડ્ડુ-ચાર્લીનો રેલવેકર્મચારી પિતા કોઈની ઘડિયાળ ચોરે છે. શા માટે? રામ જાણે. પકડાય છે. પોલીસ એને છોડવા માટે પાંચ હજાર રૂપિયા માગે છે. ગુડ્ડુ પાસે સ્કૉલરશિપના ત્રણસો રૂપિયા છે જેને લઈને ચાર્લી  જુગાર રમે છે અને પાંચ હજાર કમાઈ લે છે. પણ પૈસા લઈને બાપને છોડાવા જાય છે ત્યાં સુધી બાપે ખુદકુશી કરી લીધી હોય છે. થોડાક જ ઘંટામાં ત્રણસોના પાંચ હજાર બનાવી શકનારો  કિશોર વયનો ચાર્લી જો એટલો જ આવડતવાળો જુગારી હોય તો યુવાનવયે પાંચ વર્ષમાં માત્ર એક લાખ રૂપિયાનો જ આસામી?

ઈન્સપેક્ટર લોબોનો આસિસ્ટન્ટ એવો કૉન્સ્ટેબલ વાનને કિચડમાંથી કાઢતાં લોબોને જ ટક્કર મારીને બેહોશ કરી નાખે છે એ વાત પણ કેટલી વાહિયાત? કેટલી જોડતોડ, ઉટપટાંગ ઘટનાઓ આ માણસે આ ઉકરડામાં ઠાલવી છે એ તો જુઓ તમે.

ક્‌લાઈમેક્‌સમાં ભોપેનો નાનકો ભાણિયો સ્વીટીને ભોપેએ છોડેલા ઑર્ડર વિશે કહી દે છે. સ્વીટી રોષે ભરાઈને ભોપેના કોઈ સાગરિતની એકે-ફોર્ટીસેવન આંચકીને આડેધડ ગોળીબાર કરવા માંડે છે! આખું ઑડિયન્સ (ધૅટ ઈઝ જે ડઝન-બે ડઝન લોકો થિયેટરમાં બચ્યા છે તે) હસાહસ કરે છે!

ગુડ્ડુ પાસેથી ડ્રગ્સ લેતી વખતે ભોપેને રંગે હાથ પકડવા પોલીસ ગુડ્ડુને છુપાં માઈક પહેરાવીને ભોપેના ઘરે મોકલે છે. તાશી ભોપેની તલાશમાં ભોપેના ઘરને શોધે છે. એ વખતે એક મહારાષ્ટ્રિયન વૃદ્ધ પાસે ‘ભોપેકી વાટ લગ ગઈ, વાટ લગ ગઈ’ જેવા શબ્દો અને બિભત્સ એક્‌સપ્રેશન્સ અપાવનાર વિફાલ ભારદ્વાજ પોતાની સર્જકતાની ઘોર ખોદીને એના તળિયે પહોંચી જાય છે.

ભોપે, ચાર્લી, ગુડ્ડુ, તાશીની ગેંગ, બંગાળી બંધુઓ, પોલીસ ટુકડી- આખો તમાશો એક જગ્યાએ ભેગો થાય છે. પોલીસ સાથે સોદાબાજી થાય છે. દસ કરોડનો મામલો છે.છેવટે ચાર્લી એ દસ કરોડનું કોકેઈન આગમાં નાખી દે છે. રિયલ લાઈફમાં દસ કરોડનું આંધણ એક્‌ચ્યુઅલી તો પ્રોડ્યુસરનું થઈ ગયું છે. છેલ્લે છેલ્લે ‘બહેતા લહુ સાગર કભી પહોંચતા નહીં’ જેવા શબ્દોવાળા ઉપદેશ-ગીતથી  આ ત્રાસમય પિક્ચરનો અંત આવે છે.

ગુલઝારસાહેબે ‘કમીને’નાં ગીતોમાં આગલા હપ્તામાં અમે કહ્યું એમ, શિયર વેઠ ઉતારી છે. ‘ગિલહરી કે ઝૂઠે મટર’ વગેરેની કલ્પનાઓ હવે કૃતક થઈ ગઈ, આવી પ્રયુક્તિઓ બહુ વપરાઈ, કવિતાના નામે સ્યુડો કવિતાઓ ઘણી આવી ગઈ. ગુલઝારસાહેબ પાસે ક્રિયેટિવિટીનો અખૂટ ભંડાર છે. ‘કમીને’નાં ગીતો દ્વારા ગુલઝારે વિશાલ માટેનો કોઈ છુપો ગુસ્સો વ્યક્ત કર્યો લાગે છે. ‘મેરી આરઝૂ કમીની’વાળા ગીતમાં ન તો કોઈ થૉટ છે, ન કોઈ જૂનો થૉટ નવી રીતે મૂકાયો છે. હવે કોઈએ મારીમચડીને એનો આસ્વાદ કરવો કે કરાવવો જ હોય તો ભલે, એની મરજી. બાકી, અહીં કવિતા નથી પણ કવિતાવેડા છે.

આમ છતાં આ વર્ષની ઍવોર્ડ્‌ઝ સિઝનમાં ‘કમીને’ને ખૂબ નોમિનેશન્સ જ નહીં, ખૂબ બધા ઍવોર્ડ્‌સ પણ મળવાના- કદાચ ‘લવ આજ કલ’થી પણ વધારે. ‘રૉક ઑન’ને તડકે મૂકીને ‘જોધા અકબર’  પર ઍવોર્ડનિર્ણાયકો વારી નહોતા ગયા? એવું જ કંઈક.  સ્યુ‍ડો ઇન્ટલેક્ચુઅલ ફિલ્મ સમીક્ષકોની જેમ યે સબ ઍવોર્ડ ભી ‘કમીને’.

13 comments for “ઉટપટાંગ, આડેધડ અને મીડિયોકર ‘કમીને’નો રિ-રિવ્યુ: ભાગ બીજો અને છેલ્લો

 1. Gaurang Bhatt
  August 22, 2009 at 11:25 PM

  🙂

 2. SALIL DALAL(TORONTO)
  August 23, 2009 at 12:08 AM

  ગઈકાલના પ્રતિભાવમાં જયવંતભાઈએ નામ ઉલ્લેખ કર્યો અને ‘લવ આજકલ’ ની સીરીઝ વખતે કશુંક કહેવાની ઈચ્છા હતી તે કહેવાનું એક સરસ કારણ મળ્યું.
  સૌરભભાઈએ એક જ ફિલ્મ અવલોકનમાં સળંગ સાત હપ્તા કરીને રેકોર્ડ કર્યો છે એવું કહેવા કરતાં મને એમ કહેવાનું વધારે ગમશે કે ફિલ્મોના અવલોકનમાં આ નવી જોનર છે!
  જો કે હું આ જોનરનો બહુ મોટો હિમાયતી નથી. પોસ્ટ મોર્ટમ જરૂરી હોય એવાજ કિસ્સામાં કરવું જોઈએ એવા સાદા સિધ્ધાંત સાથે લખવાની પ્રથા મને અંગત રીતે ગમે.
  ઇવન પોસ્ટ મોર્ટમમાં પણ શરીરના અગત્યના ભાગ જ ખોલીને જોઈ લેવાતા હોય છે. ‘મરણ જનાર’ ના ડાબા પગની ચોથી આંગળી વિષે કે જમણા ઢીચણની ઢાંકણીના પોસ્ટ મોર્ટમનો, જો જરૂર ના હોય તો, પોલીસ કે અદાલત પણ ક્યાં આગ્રહ રાખે છે?
  આ ઉદાહરણ ચીતરી ચઢાવે એવું લાગતું હોય તો બચાવમાં એટલું જ કહેવાનું કે મિસાલની પણ ‘વિશાલ’ જોનર હોઈ શકે ને?
  વિશાલ ભારદ્વાજની આ ફિલમ ‘કમીને’ જોઈ નથી. પણ જો એ પણ ‘ઓમકારા’ની જેમ પાત્રો પાસે ગાળાગાળી કરાવનારી ફિલ્મ હશે તો તેને ગમે એટલા સ્ટાર અપાયા હશે તો પણ તેને માટે ‘યા’ કહેતા પહેલા ‘… યા ‘ના બહોળા ઉપયોગને લીધે મહિલા અને સંતાન વર્ગ સાથે બેસીને જોવાની શક્યતાને નિર્મૂળ કરવાની વ્યવસ્થા પણ કરવી પડશે.
  ‘ઓમકારા’ જોતાં થયેલા અનુભવને દોહરાવી ના શકાય. શેકસ પિયરના નામને કારણે કુટુંબ સાથે ફિલમ જોવા જાવ અને ઇન્ટરવલ પહેલાં થીયેટર છોડી જવું પડે!
  ટૂંકમાં, શાકાહારી વ્યક્તિને ‘નોન વેજ’ જમવાની જેટલી ચીતરી ચઢે એવી એ સ્થિતિ હતી.
  ‘ઓમકારા’ અલગથી જોયા પછી પણ તેમાં એટલી બધી ગાળોની શું જરૂર હતી એ હજી સુધી સમજાયું નથી.
  ‘વાસ્તવિકતા બતાવવા માટે’ એવો ખુલાસો વિશાલ વતીથી કરનારા પણ હશે જ.
  એ સૌ કદાચ સાચા પણ હોઈ શકે. કોને ખબર?
  જોનાર જોનારનો અને જોનર જોનરનો ફરક તો રહેવાનો જ ને?

 3. Envy
  August 23, 2009 at 8:24 AM

  I agree with Salilji.
  Personally, I would not like dessecting step wise but, still I believe, its your priviledge to write in your blog and I read all too, coz- I never decide on anything without atleast giving it a ear/eye or thought! I will see this film too.Amen

 4. pravin
  August 23, 2009 at 5:50 PM

  હે ભગવાન, હે ભગવાન, આ શું હતું? હું વાંચતા થાકી ગયો, ગુંચવાઈ ગયો તો પણ કોણ ક્યાં શું કરે છે તે સમજી શક્યો નથી, ભગવાન તમારા મનને શાંતી આપે…

 5. Sagar
  August 23, 2009 at 9:11 PM

  તમે પન readers પર ત્તાસ ગુજારવાનુ નક્કિ કરિ ને જ આવિયા છો . પેહલા તમને ગમતિ movies discuss કરિયા કરિ અને હવે નહિ ગમ્તિ. જૈલ યાત્રા નુ આગલ ન chapter લખસો તો મોટિ મેહ્ર્બાનિ

 6. jay vasavada
  August 24, 2009 at 11:41 PM

  બબ્બે વખત ફિલ્મ જોઇ નાખી ને ચાર્લીના ઘરમાં વડાપાઉં ભોપેના સાગરિતો બનાવતા હોય, જે ભોપે ખુદ આંગળી ચીંધીને બતાવતો હોય,છતાં લે વડાપાઉં કયાંથી આવ્યા એવું જે ‘રિ-રિવ્યૂ’માં લખાતું હોય એનું શીર્ષક સાચું જ છે, પણ ફિલ્મ માટે નહિ, આ હમ્પ્ટી ડમ્પ્ટી પીસ માટે..ઉટપટાંગ આડેધડ અને મિડિયોકર ! lolz 😉

  • August 25, 2009 at 9:53 AM

   બસ, આટલું જ મળ્યું પોણા ચાર હજાર શબ્દોના ‘કમીના’ રિવ્યુમાંથી?

 7. haresh
  August 26, 2009 at 8:47 PM

  ઘર મા વડાપાવ બનાવવામા નથી આવતા , મન્ગાવવામા આવે છે .

  • sanjay
   August 27, 2009 at 11:29 PM

   હરેશભાઈ, હજુ એક વખત જોઇ આવો. વડા ઘેર જ બને છે. સારુ છે કે તમે પણ સૌરભ શાહની
   જેમ રિવ્યુ નથી લખતા.

   • haresh
    August 29, 2009 at 2:42 PM

    હજુ એક વાર જોઇ માલિક , તમે ચેક કરો (વડાપાવ લે આ નિચે સે)bring burger નુ ગુજરાતી શુ થયુ ?

    • sanjay
     August 29, 2009 at 7:41 PM

     ત્રીજી વખત જુઓ.પછી પણ ન સમજાય તો જેવા વિશાલના નસીબ.

 8. janak
  August 27, 2009 at 8:29 PM

  shahid kapr is teaching acting to amitabh! gr8!

 9. Tejas Vaidya
  September 2, 2009 at 7:42 PM

  ‘કમિને’ ફિલ્મ ફ્રેમ બાય ફ્રેમ ડેવલપ થાય છે.ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દર્શકોના મનમા ઉઘડતી જાય છે,અને છેલ્લે એક પઝલ કમ્પલીટ થાય છે. બહુ ઓછી ફિલ્મોમા આ મુજબની માવજત જોવા મળે છે. ફિલ્મનો હીરો શાહિદ કપૂર નહિ પરન્તુ વિશાલ ભારદ્વાજ છે.ફિલ્મની મજા એ છે કે ફિલ્મ જે કહેવા માગે છે તે પોતે બધુ કહેતી નથી,દર્શકે વિચારવુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *