ઢેન્ટેણેન…! ‘કમીને’નો એક ઓર રિવ્યુ!

kaminey-21

મારી તો ભઈ, એક પોલિસી છે. મને મળતો આનંદ હું બધા સાથે વહેંચું. ‘લવ આજ કલ’નો ઉલ્લાસ સાત દિવસ સુધી વહેંચતો રહ્યો. તો પછી મારા દુખમાં તમને કેમ સહભાગી ના કરું! દુખમાં અને મેં ભોગવેલા ટોર્ચરમાં પણ! એટલે જ આ પોસ્ટ!

કોઈ સારી  ફિલ્મનો રીવ્યુ બેવાર ના જ થઈ શકે એવો કોઈ નિયમ નથી એમ કોઈ ખરાબ ફિલ્મનો પણ બેવાર રીવ્યુ કેમ ના થઈ શકે? ઍસ્પેશ્યલી ‘કમીને’ જેવી ફિલ્મ જેનાં વખાણ કરતાં આપણા સ્યુડો ઈન્ટલેક્‌ચ્યુઅલ અંગ્રેજી રિવ્યુઅરો અને એમની છઠ્ઠી ઝેરો ક્‌સ નકલ જેવા કેટલાક દેશી રિવ્યુઅરો થાકતા નથી એવી ફિલ્મનો  રિ-રિવ્યુ થવો જ જોઈએ.

‘કમીને’ અમે બીજીવાર જોઈ. પહેલી વખત જોતી વખતે અમારી બુદ્ધિક્ષમતા બહેર મારી ગઈ હોય તો અમારા જેવા અભણ રિવ્યુઅરોમાં જરા અક્ક્લ આવે, બીજું કંઈ નહીં. બીજી વાર જોયા પછી અમે કબૂલ કરીએ છીએ કે ‘કમીને’ને બે સ્ટાર આપવામાં અમે ઉતાવળ કરી હતી. અમે આ ભૂલ સુધારીએ છીએ અને ‘કમીને’ને બે ને બદલે એક સ્ટાર આપીએ છીએ.

વિશાલ ભારદ્વાજ ઈન્ટેલિજન્ટ ફિલ્મસર્જક છે. એમને ખબર હશે કે ‘કમીને’ કેટલી ફડતુસ ફિલ્મ છે. મુઠ્ઠીભર દેખાડુ સમીક્ષકોએ ‘કમીને’નાં મોંફાટ વખાણ કરેલા જોઈને વિશાલ મનોમન મલકાતા હશે અને પોતાની ફિલ્મોની વોકેબ્યુલરીમાંનો ‘ચ’થી શરૂ થતો ફેવરિટ શબ્દ યાદ કરતા કરીને મનોમન બોલતા પણ હશે કે : કેવા ..યાબનાવ્યા આ સ્યુડો બુદ્ધિશાળી સમીક્ષકોને!

ભારદ્વાજે પારાવાર ઓવર કૉન્ફિડન્સ સાથે આ ફિલ્મ બનાવી છે. ફિલ્મની જોનર ( genre અર્થાત a class or category of an artistic endevour having a particular form, content, technique; kind,sort, style) ગમે તેવી હોય, એને જે  ખાનામાં,પ્રકારમાં, સ્ટાઇલમાં મૂકવી હોય તેમાં તમે મૂકો પણ અંતે તો એ જોવાનું હોય કે ખરેખર આ ફિલ્મ પ્રેક્ષકને ગમે છે કે નહીં? એને મનોરંજન આપે છે કે નહી? મનોરંજન ભાડમાં જાય એવું કોઈ `ઇન્ટલેક્ચુઅલ’ માનતું હોય તો છેવટે આ ફિલ્મ પ્રેક્ષકોને વિચારતા કરી મૂકે એવી બની છે કે નહીં એ જોવાનું હોય. જો આમાનું કંઈ જ પરિણામ ન આવતું હોય અને દિગ્દર્શક પોતાના ભાંગ્યાતૂટ્યા પ્રયોગો  સ્ક્રીન પર દેખાડીને છટકી જતો હોય ત્યારે પ્રેક્ષકને અંધારિયા સિનેમાગૃહના રૂપેરી પડદા પરથી પસાર થતી ફ઼્રેમ્સ જોતાં જોતાં જરૂર લાગાવાનું કે: ફાલા, આમાં તો  ખુદ અમે જ ..યા બની ગયા!

ફિલ્મનો આરંભ ચાર્લીના નરેશનથી થાય છે (જે ‘સ’નો ‘ફ’ બોલે છે). પાયાનો સિદ્ધાંત છે કે જો આ રીતની શરૂઆત હોય તો આખી ફિલ્મ ચાર્લીના નજરિયાથી  દેખાવી જોઈએ. ચાર્લી પોતાની વાત કહેતો હોય એવા સંવાદો પછી શરૂ થતી ફિલ્મમાં ચાર્લી પોતે જે ઘટનાઓનો સાક્ષી છે અથવા તો જે ઘટનાઓ વિશે એને મોડેથી પણ જાણકારી મળી છે તે જ દ્રશ્યો આવે.

આને બદલે ચર્લીના ભાઈ  ગુડ્ડુ (જે હકલો છે)ની પ્રેમ કહાણી, અફઘાનીભાઈ-તાશીનો ડ્રગ્સ બિઝનેસ, પોલીસ કાર્યવાહી, ભોપેની કથા વગેરે સંખ્યાબંધ દ્રશ્યો આવતાં રહે છે જેમાં ચાર્લી કોઈ રીતે દેખા દેતો નથી કે નથી એને એ ઘટનાઓ વિશે પાછળથી કોઈએ જાણકારી આપી.

ચાર્લી એક મામુલી જુગારી છે. મામુલી જુગારી શું ડરબી જેવી સૌથી મહત્વની રેસ ફિક્‌સ કરાવી શકે? એની પાસે પાંચ વર્ષમાં કરેલી એક લાખ રૂપિયાની કમાણી છે.માત્ર એક લાખ રૂપિયામાં એ ‘બ્લ્યુ થંડર’ના જૉકીને ફોડવા માટે કેટલા આપે અને દાવ પર કેટલા લગાડી શકે?

ચાર્લીના બૉસ જે ત્રણ બંગાળી ભાઈઓ છે તે જેટલા અપસેટ નથી એટલો ચાર્લી અપસેટ છે. આમાંના બે સિનિયર બંગાળીઓ પિક્ચરની શરૂઆતમાં એકે-ફોર્ટીસેવનને ટક્કર મારે એવી મશીનગન ખરીદે છે. ભલા માણસ, બુકીને એની શી જરૂર પડી. એ તો ગૅન્ગસ્ટરો વાપરે. બુકી પાસે હોઈ હોઈને રિવોલ્વર હોય. પણ ડિરેક્ટરે આ મશીનગન લઈને બેઉ બંગાળીઓ પાસે અંતમાં ગોળીબાર કરાવવો છે એટલે આરંભમાં આ વાત મૂકી દીધી! પ્રેક્ષકો શું ..યા છે?

બંગાળીભાઈઓના બંગાળીમાં થતા સંવાદોનો સીન ભોળાભાઈ પટેલ જેવામૂર્ધન્ય સાહિત્યકાર સમજી શકે. આપણને ક્યાંથી બાંગ્લા સમજાય? ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા જેવા મહાન દિગ્દર્શકો ‘ગોડફાધર’ સમી યુગપ્રવર્તક ફિલ્મમાં ઈટાલિયન માફિયાઓ વચ્ચે થતી વાતચીત ઈટાલિયન સંવાદમાં જ રાખે ત્યારે એ સંવાદોની અસર, ભાષા ન સમજવા છતાં, પ્રેક્ષક અનુભવી શકે છે. બાપડા વિફાલ ભારદ્વાજનું તો એવી પટકથા લખવાનું કે એવું દિગ્દર્શન કરવાનું તો ગજું ક્યાથી હોય?

ત્રીજો બંગાળીભાઈ જેના પાત્રનું નામ મિખાઈલ છે એ અભિનેતા (જે હોય તે)નાં વખાણ કરતાં તો કેટલાક સમીક્ષકો થાકતા નથી. મિખાઈલનું વ્હેકી કૅરેક્ટર કઈ હદ સુધીની ..યાગીરી કરે છે તે જોવા માટે તમારે પણ ‘કમીને’ જોવી જોઈએ. દિગ્દર્શકે પોતાના પોતાના ઓવર કૉન્ફિડન્સમાં, ગબ્બરની કક્ષાનો વિલન બનાવવાની હોંશમાં, મિખાઈલ પાસે જે (વારંવાર ક્યાં એ શબ્દ વાપર્યા કરીએ) કરાવી છે તે જોતાં રીતસરનો ત્રાસ થાય છે.

આગળ તમને કહ્યું એમ આ ફિલ્મ બે વખત જોઈ અને બેઉ વખત મેં નોંધ્યું કે ચાલુ ફિલ્મે પ્રેક્ષકો ઊભા થઈને ચાલતી પકડે છે. જે બેઠા રહે છે તેય અંદર-અંદર ગણગણાટ કરે છે અને વારંવાર ફિલ્મની ઠેકડી ઉડાડતા રહે છે. ઈન્ટલેકચ્યુઅલ રિવ્યુઅર્સ આ પ્રેક્ષકોને ગમાર, અભણ, જાહિલ કહેશે અને ઉમેરશે કે જોનર જુઓ ભાઈ જોનર… ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ ક્યાંથી જાણે? ઉફ્‌ફ, આ ઈન્ટલેકચ્યુઅલ દેખાડાઓ. ગુજરાતી સાહિત્યમાં ઍબ્સર્ડ કવિતા-વાર્તાઓનો એક દુર્ગંધમય ઝોંકો આવી ગયો જેમાં કેટલાક મચ્છરો માથે તાજ પહેરીને પોતાને શહેનશાહ માનવા માંડ્યા હતા.એક વાત તમને ખાસ કહેવી છે. ફિલ્મ કે સાહિત્યમાં જ નહીં, કલાના હરેક પ્રકારમાં, ચાહે એ સંગીત હો, ચિત્રકલા હો, શિલ્પકલા હો- ન સમજાય એવું અગડંબગડં સર્જન કરીને પોતે કંઈક હટ કે કામ કર્યું છે, મેઈનસ્ટ્રીમથી જુદા રહીને સર્જન કર્યું છે એવો દાવો કરનારાઓ તમને મળી આવવાના. આવા લોકોને પેટ્રોનેજ પણ મળવાનું. જેઓ પોલિટિકલી કર્રેક્ટ રહેવા માંગે છે, જેઓ પોતે અંદરથી ખાલીખમ છે પણ દેખાવ એવો કરવા માગે છે કે હમ સબકુછ જાનતા- એવા મુઠ્ઠીભર લોકો આવાઓને માથે ચઢાવીને નાચવાના પણ ખરા. કોઈ થર્ડ રેટ દલિત કવિ ફોર્થ રેટ કવિતા લખે તો એ દલિત છે માટે એનાં વખાણ કરવા નીકળી પડનારાઓની એક જમાત જેમ ગુજરાતી સાહિત્યમાં છે એવું જ ફિલ્મલાઈનમાં પણ છે.

આ ઉપરાંતની પણ એક જમાત છે જેમને હું જસ્ટિફાય કરું છું. કરણ જોહર આ બીજા પ્રકારની જમાતમાંના વખાણ કરવાવાળા છે. કરણે વિશાલનાં ભરપૂર વખાણ કર્યાં છે. કરણની જગ્યાએ હું હોત તો મેં પણ વિશાલનાં વખાણ કર્યાં હોત. કરણ જાણે છે કે આવું કરવાથી પોતે સારો તો દેખાશે જ, વિશાલ પણ ભવિષ્યમાં આવીને આવીજ ફિલ્મો બનાવ્યા કરશે અને ક્યારેય મારી સ્પર્ધામાં ઉતરે એવી ફિલ્મો બનાવવાનો વિચાર નહીં કરે! બાકી, જો એની ટીકા કરીશ તો એટલી સર્જક્તા તો છે જ આ માણસમાં કે જીદ પર આવી ગયો તો પોતાની જોનર છોડીને મારી જોનરમાં ઘુસી જશે અને ‘કુછ કુછ હોતા હૈ’ કે ‘કેથ્રીજી’ને ટક્કર મારે એવી ફિલ્મો બનાવવા મંડી પડશે. એના કરતાં છો ને ‘કમીને’ બનાવ્યા કરે…!

ગુડ્ડુની એન્ટ્રી ‘ભંવરા’ના ગીતથી થાય છે જેની કોરિયોગ્રાફી શાળાના વાર્ષિકોત્સવમાં ફૂલઝાડપંખીપરી બનતાં વિદ્યાર્થીઓના સ્ટૅપ્સ જેવી છે. ગુલઝાર સાહેબના શબ્દો પણ ગીતમાં માર્ક કરજો. બહુ જ ઘટિયા છે. હદ તો ત્યાં થાય છે કે  ગાલિબના શેરમાં ફેરફાર કરીને એઈડ્‍સ વિરુદ્ધ પ્રચારમાં કૉન્ડોમ વાપરવાની હિમાયત થાય છે. ચાર્લીનિ પરિભાષામાં ગુલઝારે ‘યે ઈશ્ક નહીં આસાન…’ ના શબ્દોમાં ફેરફાર કરીને ગાલિબચાચાની વાટ લગાવી દીધી. ચ્ચ…ચ્ચ…

ગુલઝાર હમેશાં મેરા કુછ સામાન તમારી પાસે પડ્યો રહ્યો છે એની જ વાત કરે એવી આપણી અપેક્ષા નથી. તેઓ  બીડી પણ સરસ રીતે જલાવી શકે છે, કજરારે નૈનાને પણ મસ્ત નચાવી શકે છે. બેઉ પ્રકારનાં ગીતોમાં આ સહેબ માસ્ટર છે. ‘કમીને’માં તેઓ બિલકુલ ઈન્સ્પાયર્ડ નથી, એમણે વેઠ ઉતારી છે, થમ્બ્સ ડાઉન.

ગુડ્ડુ એનજીઓમાં કામ કારે છે. એઈડ્‌સવિરોધી જાગ્રૂ તિ લાવતી એનજીઓમાં. વિશાલસાહેબને એમ હશે કે આપણે પોલિટિકલી કર્રેક્ટ રહીને થોડી તાળીઓ ઉઘરાવીએ. કોઈપણ સ્યુડો ઈન્ટલેકચ્યુઅલ આ બાબતનાં વખાણ કરવાનો જ છે.

‘ભંવરા’ ગીતના અંતે પ્રિયંકા ચોપરા (ભાવના ઉર્ફે સ્વીટી શેખર ભોપે) ગુડ્ડુને કહે છે: ‘નૈયા ડૂબ ગઈ…ડૂબ ગઈ નૈયા’ (‘ભંવરા’ના ગીતમાં છેલ્લે ‘કે નૈયા ડૂબે ના’ આવે છે). અરે ભાઈ, સ્વીટીની વોકેબ્યુલરીમાં નૈયા ડૂબ ગઈ જેવી ઉપમા આવે જ ક્યાંથી? સ્વીટી પ્રેગનન્ટ છે એ સંદર્ભમાં ‘નૈયા ડૂબ ગઈ’ બોલે છે.

હકલાતો ગુડ્ડુ સ્વીટી સાથે સચ્ચાઈ, સેફ્‌ટી, સાંઈન્સ (હોમ સાયન્સ)ની વાત કરે છે ત્યારે એ દ્રશ્ય રમૂજી નથી બનતું હાસ્યાસ્પદ બને છે. પીધેલી સ્વીટીના  આગ્રહથી એને પ્રેમ કરવા જતાં પહેલાં કામસૂત્રનું  પૅકેટ શોધી રહેલા ગુડ્ડુવાળું દ્રશ્ય પણ રિડિક્યુલસ લાગે છે. સ્વીટી એને કહે છે: તું મને મુંબઈ કરતાં પણ વધુ ગમે છે, ચેન્નઈ કરતાં પણ વધુ, કોલકાતા, બૅંગલુરુ, તિરવનંત… વૉટ નોનસેન્સ. અને હા, સ્વીટી પણ હકલાય છે! લો બોલો.

ફિલ્મના સેકન્ડ હાફમાં ફોડ પડે છે કે હકલી સ્વીટી તો ઑડિયન્સને ..યા બનાવવા માટે જ હતી. સ્વીટી તો હકલો ગુડ્ડુ પોતાની નજીક આવે એ માટે હકલાતી હતી! નૉનસેન્સિકલ જોડ-તોડની પણ હદ હોય. આમ વાતો તમે બડી બડી જોનરની કરો છો પછી આવી મનમોહન દેસાઈગીરી!

મનમોહન દેસાઈ તો પ્રામાણિક હતા. એમણે જે જોનર પકડી એમાં શિરડીવાલે સાંઈબાબાની કવ્વાલી ગાવાથી અંધ માની આંખમાં જ્યોત આવતી. ત્રણ ભાઈઓ એક સાથે એક જ નળી વાટે માને બ્લડ ડોનેટ કરી શકતા. મનજી પ્રકારની ફિલ્મોમાં આવું બધું અનેપોલોજેટિકલી આવતું.

વિશાલ ધારે તો એવી ફિલ્મો બનાવી શકે જેમાં સ્વીટીનું હકલાપણું જ નહીં, ‘કમીને’ની બીજી એવી ડઝન …યાપટ્ટીઓ જસ્ટિફાય થઈ શકે. પણ એક બાજુ વાતો ક્વેન્ટિન ટોરન્ટિનો, ગાય રિચી અને કોય્‍ન બ્રધર્સની  જોનરની કરવી અને બીજી બાજુ મનમોહન દેસાઈપણું લઈ આવવું- આ ડિસઑનેસ્ટી છે, ફિલ્મના માધ્યમ પ્રત્યેની, અને પોતાની સર્જકતા પ્રત્યેની પણ.

ગુડ્ડુ પ્રેગનન્ટ સ્વીટીને પરણવાની ના પાડે છે ત્યારે ગુડ્ડુની હૉસ્ટેલના પૅસેજમાં થતો સીન પૂરવાર કરે છે કે પ્રિયંકા ચોપરા પાસેથી કામ કઢાવતાં આ મહાન દિગ્દર્શકને આવડ્યું નથી. પ્રિયંકાને મરાઠી મુલગી બનાવાઈ છે. શાળાની ફેન્સીડ્રેસ હરિફાઈમાં કોઈ શ્રીમંત ઘરની નાનકી દીકરી માછણની જેમ કછોટો મારીને સાડી પહેરી સ્ટેજ પર આવી છણકો કરી જતી રહે તો બધાની જોડે આપણે પણ તાળીઓ પાડીએ: વાહ, બેબલી ક્યુટ છે…

પણ આ ફિલ્મ છે. પ્રિયંકાએ માત્ર ક્યુટ દેખાવાનું નથી, પાત્ર ભજવવાનું છે, રિયાલિસ્ટિક પાત્ર. ‘કાય ઝાલં…મી કુઠે નાહી જાણાર…મી ઈથેચ બસણાર…’ વગેરે મરાઠી સંવાદોમાં પ્રિયંકાના મરાઠી ઉચ્ચારો ઍટ્રોશ્યસ છે. ‘કલ હો ના હો’માં શાહરૂખ ખાન સતીષ શાહના ફેમિલી સાથે થતા ડાન્સ પહેલાં ‘બહુ(હ્‌)… જ સરસ’ જેટલી કૃત્રિમ ગુજરાતીમાં બોલે છે, એટલા કૃત્રિમ પ્રિયંકાના મરાઠી ઉચ્ચારો છે. (એક અંગ્રેજી ટીવી રિવ્યુઅર પ્રિયંકાની મરાઠી પર સમરકંદ બુખારા ઓવારી ગયેલો.) શાહરૂખ એ પિક્ચરમાં ગુજરાતી નથી એટલે એ ગમે એવી ગુજરાતી બોલી શકે, સ્વીટીના પાત્રમાં પ્રિયંકાના આવા ઉચ્ચારો ચલાવી ન લેવાય.

સ્વીટીનો ભાઈ સુનીલ ચૉપર ભોપે (અમોલ ગુપ્તે)ને વિશાલ ભારદ્વાજે યુપીબિહારના લોકોનો વિરોધ કરતો મરાઠી રાજકારણી-કમ-ગુંડો દેખાડ્યો છે. ફિલ્મમાં ભોપેના પાત્રનીસાથે આ ઈસ્યુ સાંકળી લેવાથી વાર્તા આડે ફંટાઈ જાય છે. વિશાલમાં તાકાત હોય તો એ ભલે બનાવે પેલા અર્ધચક્રમ જેવા લાગતા મુસ્લિમ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમાલ રશીદ ખાન જેવી ‘દેશદ્રોહી’. વિશાલને પોતાને, પોતે હિંદી બેલ્ટનો વતની હોવાથી મરાઠી રાજકારણીઓ (વેલ, વેલ,બાળ ઠાકરે કે રાજ ઠાકરેનું નામ લેતાં આ ફિલ્મવાળાઓની ટૅર થઈ જાય છે) પ્રત્યે ગુસ્સો હોય તો ભલે હોય. એ ભડાસ કાઢવા માટે આખેઆખી ફિલ્મ ઉતારો, ભાઈ. (‘પરઝાનિયા’ થી માંડીને બીજી અડધો ડઝન સી ગ્રેડ અને ગંદકીભરી ફિલ્મો આ દેશમાં રિલીઝ થઈ જ છે અને બેવકૂફોએ વખાણી પણ છે. તમે પણ ઉતારો.) પણ ‘કમીને’ કંઈ આ બાબતે પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાનું કોઈ પ્લેટફોર્મ  નથી.

ભોપેને ડાયાબિટીસ છે. શું કામ ભોપેને ડાયાબિટીક બતાડવો છે તમારે? જેથી ફિલ્મના અંત ભાગમાં ગુડ્ડુ જ્યારે ભોપેને પ્રેરણાનું પડીકું ખોલીને ચિંતનનું ચૂરણ ખવડાવે કે ‘ મારા પિતા કહેતા હતા કે અમે બહારવાળા મુંબઈમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છીએ… જતાં રહીશું તો દૂધ ફિક્કું થઈ જશે…’ ત્યારે ભોપેનો ચમચો કહી શકે, ‘તો તો સારું આમેય ભોપેભાઉને સાકરની બીમારી છે.’!

વાહ, વાહ! બચ્ચે લોગ તાલિયાં બજાવ! ક્યા સિમ્બૉલિઝમ હૈ!

ગુડ્ડુ રડતી સ્વીટીને એક ઝાડ પાસે, જૂના સ્ટેચ્યુ નીચે જ્યાં સામે છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે ત્યાં લાવીને શાંત પાડે છે. કાચના ગ્લાસમાં પાણી પીવડાવે છે. અરે, અહીં એકાએક કાચનો ગ્લાસ ક્યાંથી ફુટી નીકળ્યો? પછી તમને સમજાય છે કે ડાયલોગ રાઈટર વિશાલ ભારદ્વાજે સ્વીટીના સંવાદમાં લખ્યું છે: ‘એના કરતાં મને આમાં ઝેર ભળવીને જ પીવડાવી દે…’ સ્વાભાવિક છે, તો પછી પાણી ગમે તે રીતે ઊભું કરવું  પડશે. તમારું વૉટર ઑફ ઈન્ડિયા તો વિશાલ સાહેબની કલ્પનાઓની આગળ પાણી ભરે છે, કે.લાલસાહેબ!

બાકીનું કાલે. એમ કંઈ સસ્તામાં છોડવાના નથી અમે તમને!

3 comments for “ઢેન્ટેણેન…! ‘કમીને’નો એક ઓર રિવ્યુ!

 1. Chirag Panchal
  August 22, 2009 at 11:23 AM

  ફિલ્મ જોવાનુ તો પ્રારંભિક રિવ્યુ વાંચીને જ માંડી વાળ્યું હતું. પણ આ વાંચીને તો લાગે છે આ દૃષ્ટિકોણથી જોવાની મજા તો આવે જ. બીજા કોઈ સોંગ તો ધ્યાનથી નથી સાંભળ્યા પણ ‘પહેલી બાર મહોબત કી હે’ નો એક અંતરો અનાયસ જ કાને પડી ગયો હતો.

  યાદ હે પિપલ, કે જિસકે ઘને સાયે થે.
  હમને ગિલહરી કે જૂઠે મટર ખાયે થે.
  યે બરકત ઉન હઝરત કી હે.

  સાંભળીને લાગ્યુ કે થોડી ક્રીયેટીવ લાઈન છે આ.

 2. jaywant pandya
  August 22, 2009 at 6:36 PM

  ‘કોઈ સારી ફિલ્મનો રિવ્યુ બેવાર ન જ થઈ શકે એવો કોઈ નિયમ નથી એમ કોઈ ખરાબ ફિલ્મનો પણ બેવાર રિવ્યૂ કેમ ન થઈ શકે? ઍસ્પેશિયલી ‘કમીને’ જેવી ફિલ્મ જેનાં વખાણ કરતાં આપણા સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ અંગ્રેજી રિવ્યુઅરો અને એમની છઠ્ઠી ઝેરોક્સ નકલ જેવા કેટલાક દેશી રિવ્યુઅરો થાકતા નથી એવી ફિલ્મનો રિવ્યુ થવો જ જોઈએ’ વાહ ભાઈ વાહ! સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ અને છઠ્ઠી ઝેરોક્સ નકલ-શબ્દપ્રયોગ ગમ્યા.

  સલીલભાઈએ ‘લક’ વખતે લખ્યું હતું તેમ હું પણ કહું છું કે પ્રેક્ષકો તેમનું દુઃખદર્દ ભૂલવા ફિલ્મો જોવા આવે છે, નહીં કે ફિલ્મકળાની ટ્રેનિંગ લેવા. પ્રયોગો કરવા હોય તો ભલે કરે, પણ તે ડાયજેસ્ટેબલ હોવા જોઈએ. ભણશાળી કરતાં એટલે જ ફરાહ ખાન વધુ હિટ છે.

 3. jaanvi
  August 29, 2009 at 8:59 PM

  waitin fo ur nxt article ..:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *