‘લવ આજકલ’ ફરી એકવાર-૭

love-aaj-kal-13v-300x296

‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે’

હવે તમને મારા પાગલપન વિશે વાત કરું. રક્ષાબંધનની સવારે બીજી વાર ‘આખું થિયેટર ભાડે કર્યું ’ એ પછી એ  દિવસે બપોરે ઘરે આવીને ‘લવ આજ કલ’ની સીડી સાંભળી. સાંજે પાછો  થિયેટરમાં. સાંજે ૫.૩૦, રાત્રે ૮.૧૦ અને મોડી રાત્રે ૧૦.૫૦ ઉપરાઉપરી ત્રણેય શો જોઈ નાખ્યા. એક જ દિવસમાં એક જ ફિલ્મના ચાર-ચાર શો  મેં ક્યારેય નથી જોયા.

કમલ હાસનની ‘હે રામ’ એક દિવસમાં બે વાર જોઈ હતી. ‘ઓમ શાન્તિ ઓમ’ અને ‘રૉક ઑન’ મહિના-પંદર દિવસમાં પાંચેકવાર થિયેટરમાં (ડીવીડી પર તો પછી કેટલીય આર) જોઈ. પણ એક જ દિવસમાં એક જ ફિલ્મ ચાર વાર! નર્યું ગાંડપણ. આમ કુલ પાંચ વાર જોયા પછી ‘અગ્યાત’ અને ‘મેરે સંગ’વાળા ફ઼્રાઈડેએ બે શો વચ્ચે ત્રણ કલાકનો ગાળો હતો. શું કરવું? ‘મજબૂરી’થી છઠ્ઠીવાર ‘લવ આજ કલ’ જોઈ. એ પછી મેઘા મુંબઈથી આવી ગઈ. એણે મુંબઈમાં પપ્પા-મમ્મી સાથે ‘લવ આજ કલ’ ફરી જોઈ હતી પણ મારી સાથે ફરીવાર જોવાની બાકી હતી. એટલે અમે ફરી વાર જોઈ. માણી. મેં સાતમી વાર. એણે ત્રીજી વાર. એ પછી આઠમી વાર પણ જોઈ. હવે નવમી વાર બાકી. મેં તમને કહ્યું ને કે હું પાગલ છું, ક્યારેય સુધરી ન શકું એવો પાગલ.

‘લવ આજ કલ’માંના બે સાયલન્ટ પ્રતીકો વિશે વાત કરી હતી. એક તો બ્લૅક ટી- બ્લૅક કૉફી. બીજું?

બીજું પ્રતીક પુરાના કિલ્લા. વીરસિંહ અને હરલીનની પ્રેમકથા પુરાના કિલ્લાના લોકેશનમાં પાંગરે છે અને એ જ જગ્યાએ હરલીન પોતાની સગાઈના સમાચાર વીરસિંહને આપે છે. પુરાના કિલ્લામાં મળીને બેઉ છુટાં પડી જાય છે.

દીપિકા એ જ પુરાના કિલ્લાના રિસ્ટોરેશનનું કામ કરે છે. જાણે વીરસિંહ-હરલીન જેવા પ્રેમને એ રિસ્ટોર કરે છે. પ્રેમ એ જમાનાનો હોય કે અત્યારનો. પ્રેમમાં રહેલી પૅશન એ જ છે. જરૂર છે થોડુંક રિસ્ટોરેશનનું કામ કરવાની, ઝાંખી થઈ ગયેલી છબીઓને થોડાક બ્રશ-સ્ટ્રોક્સથી કાળજીપૂર્વક પુનઃજીવિત કરવાની, સમયના ઘસારાથી ડૅમેજ થયેલા પ્રેમનું અધુનિક ટેક્‌નિકથી- આજની વિચારસરણીના ઢાંચામાં- સમારકામ કરવાની.

image-1-25838-Love Aaj Kal_1બ્લૅક ટી-કૉફી અને  પુરાના કિલ્લા. ફિલ્મમાં આ પ્રતીકો કશું જ બોલતાં નથી, ચૂપચાપ એના અન્ડરકરન્ટનાં સ્પંદનો તમારા સુધી પહોંચતા રહે છે. ફિલ્મ જોતી વખતે આ સિમ્બૉલ્સને પ્રેક્ષક ન ઓળખી શકે તો  પણ ફિલ્મ માણવાની એની મઝા ઓછી થતી નથી. ઊંચા ગજાની કૃતિમાં સિમ્બૉલ્સ આ જ રીતે વપરાતાં હોય છે. ‘જુઓ આ પ્રતીક મેં અહીં મૂક્યું, ત્યાં મૂક્યું’ કહીને સર્જક પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતો રહે ત્યારે ભાવકને ઈમ્પ્રેસ કરી નાખવાના પ્રયત્નમાં કૃતિને તદ્દન સામાન્ય કક્ષાએ ઉતારી નાખતો હોય છે.

‘લવ આજ કલ’ની સેન્ટ્રલ થીમ શું છે?’ એસ.એસ.સી.ના પેપરમાં દસ માર્ક્‌સનો  આવો સવાલ પૂછાય તો શું લખવાનું? આવા પ્રશ્નો ૧૫ કે ૧૬ વર્ષની ઉંમરે જ પૂછાઈ જવા જોઈએ અને એ જ ઉંમરે એના જવાબ પણ મળી જવા જોઈએ જેથી આવી રહેલી જિંદગી ઓછી કૉમ્પ્લિકેટેડ બને.

તો જવાબ શો આપવાનો? ઘણા વર્ષ અગાઉના મારા એક લેખમાં મેં લખ્યું હતું કે ‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું  એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે.’

ઘણા લોકો માની લે છેકે જિંદગીમાં ડૉક્ટર, એન્જિનિયર વગેરે બનવાનું નક્કી કરી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. ઘણા લોકો માની લે છે કે કંઈ પણ થાય, હું આ જ વ્યક્તિ સાથે મારી જિંદગી ગાળીશ અને એ વ્યક્તિનો જીવનભરનો સાથ મળી જાય એટલે વાત પૂરી.

આ બેઉ પ્રકારના લોકો અડધા સાચા છે. જિંદગીમાં જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે એ નક્કી કર્યા પછી જ એમના બાકીના અડધા માર્ગનો નકશો સ્પષ્ટ થાય છે.

દીપિકા અને સૈફ પોતપોતાની કરિયર માટે, કામની પૅશન માટે, બહુ જ ક્લિયર છે. પણ એ કામ કરતી વખતે મારી અંગત જિંદગીમાં કાણ મારી સાથે હશે એ માટે ડિટરમાઈન્ડ નથી. હોત તો ઘણા બધા ઈમોશનલ ટર્મોઈલ્સમાંથી તેઓ ઉગરી જાત.

ઘણા લોકો કન્ફ્યુઝ્‌ડ હોય છે. પોતાની કરિયરના કે દાંપત્યજીવનના દાયકાઓ વીતાવી દીધા પછી પણ એમને ખબર નથી પડતી કે પોતે કનફ્યુઝ્‌ડ છે. ‘લવ આજ કલ’ જોઈને પોતાની જાત આગળ પોતાનું કન્ફ્યુઝ્‌ન ખુલ્લું પડી જાય છે, પોતાની જાણ વિના. અને પોતે પ્રોજેક્‌શન એવું કરે છે કે ફિલ્મનાં પાત્રો કન્ફ્યુઝ્‍ડ છે. નાનું બાળક અંધારામાં પોતાને બીક લાગતી હોય એવું કબૂલતાં સંકોચાય અને કહે કે, ‘મમ્મી, લાઈટ બંધ નહીં કરતી, મારા ટેડી બેરને બીક લાગે છે.’ ત્યારે એ પોતાની બીકનું પ્રોજેક્શન કે આરોપણ ટેડી બેરમાં કરે છે. આવું જ ભોળપણ સૈફ-દીપિકાને કન્ફ્યુઝ્‍ડ કહેનારાઓમાં હોવાનું.

lajબેઝિકલી, આ એક ઑનેસ્ટ ફિલ્મ છે. ઑનેસ્ટ પાત્રોની ફિલ્મ છે. સૈફ દીપિકાને બ્રેક‌અપ માટે કહે છે અને દીપિકા પણ તત્ક્ષણ પોતાનો વિચાર બદલીને સૈફની હા માં હા પુરાવે છે ત્યારે સૈફ કહે છે કે તું પણ મને બ્રેક‌અપ માટેજ કહેવાની હતી ને? તે વખતે દીપિકા જુઠ્ઠું નથી બોલતી કે હા, હું પણ એવું જ કહેવાની હતી. એ એટલું જ કહે છે: ‘ક્યા ફરક પડતા હૈ…’ દીપિકા ઑનેસ્ટ છે.

સાઈકિએટ્રિસ્ટ સૈફને પૂછે છે કે તેં મને તારા જીવનની બધી જ વાત કહી દીધી છે ને? ત્યારે  સૈફ કહે છે: હા. સૈફને ખબર જ નથી કે સાન ફ્રાન્સિસ્કો આવીને પોતે વેરવિખેર થઈ ગયો તેની પાછળ  દીપિકા માટેનો આવેશ કારણભૂત હોઈ શકે છે. ખબર ત્યારે પડે છે જ્યારે દીપિકાના ફોટા માટે એ માર ખાય છે સૈફ ઑનેસ્ટ છે.

રિશી કપૂર પોતાની યંગ એજમાં હરલીનને પ્રાપ્ત કરવા કોઇ ચાલબાજી નથી કરતા. માર ખાઈ લે છે. છેવટે હરલીનની માને કહીને હરલીનને એના ઘરેથી લઈ જાય છે. રિશી ઑનેસ્ટ છે.

ફિલ્મનાં પાત્રો કૉન્ફિડન્ટ છે. તેઓ એક સારા પતિ, સારી પત્ની કે સારા પિતા/માતા વગેરે બનવા નથી માગતા. તેઓ સારા માણસ બનવા માગે છે. એમને ખબર છે કે પોતાની લાઈફ ચલાવવા માટે પોતાની પૅશન પૂરતી છે અને અંગત લાઈફ માટે તો ફ્રેન્ડ્‌ઝ-પાર્ટીઝ છે જ. આ પાત્રોને પોતાની જિંદગી સાર્થક લાગે તે માટે સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ મામા,કાકા,ફોઈ,જિજુ,ભાભી,ભાણા,મા,બાપ,ભાઈ,બહેન કે ફૉર ધેટ મૅટર કૂતરાની પણ જરૂર નથી જણાતી. ‘મારા બ્રેક‍અપ સાથે મારા ઘરવાળાઓને શી લેવાદેવા’ કહેતો સૈફ ફેમિલી વેલ્યુઝમાં નથી માનતો એવું નથી. એ વડીલોનો આદર કરે છે. રિશી સાથે ભયંકર ડિફરન્સિસ ઓફ ઓપિનિયન હોવા છતાં ક્યારેય અવિવેકી વર્તન નથી કરતો. દીપિકાની નાનીને પણ સંસ્કારી રીતે મળે છે. દીપિકાનાં વિક્રમ સાથેનાં લગ્ન વખતે દારૂ પીને ‘લગ્નસંસ્થા તો બકવાસ છે’ એવું કોઈ ભાષણ નથી ઠોકતો.  એ જાણે છે કે ફેમિલીની એક મર્યાદિત, સીમિત અને અફકોર્સ નિશ્ચિત જરૂર છે. પણ જિંદગીનું સુકાન ફેમિલી મેમ્બર્સના હાથમાં ન હોય.

Love Aaj Kal5આ ફિલ્મ ઈન્ડિવિજ્યુઅલ્સની ફિલ્મ છે. પાત્રો પોતે જે કંઈ કરે છે, વિચારે છે તેનાથી પાત્રાલેખન ઉપસે છે, બીજા લોકોની એમના માટેની પ્રતિક્રિયાથી નહીં. મા કહે કે મારો દિકરો સ્મગલર છે કે ડૉક્ટર કહે કે મારો કેન્સર પેશન્ટ કેટલો હસમુખો છે- એવી પ્રતિક્રિયાઓથી પાત્રો નથી ખડા થતા, તેઓ પોતાના પગ પર ઊભા છે.

દિલથી થયેલું કોઈ પણ કામ માણવાની મઝા આવતી હોય છે. ‘લવ આજ કલ’ દિલથી બનાવેલી ફિલ્મ છે. (મણિરત્નમ્‌ની ‘દિલ સે’ દિલથી નહીં દિમાગથી બનાવાયેલી ફિલ્મ હતી, શુષ્ક અને ગણતરીબાજ દિમાગથી.)

જરૂરી નથી કે ફિલ્મની બધી જ સિચ્યુએશન્સ સાથે કે એનાં પાત્રો સાથે તમે તમારી જાતને સતત આયડેન્ટિફાય કર્યા કરો તો જ ફિલ્મ તમને ગમે. એમાનું કોઈક સંવેદન તમને સ્પર્શી જવું જોઈએ. બાકી કૅન્સર ન હોવા છતાં ‘આનંદ’ ડઝનબંધ વખત કે સ્મગલર ન હોવા છતાં ‘દીવાર’ ગ્રોસબંધ વખત તમે જોઈ જ છે. કુટુંબમાં દૂરના સગામાં પણ કોઈ ગબ્બર જેવું ન હોવા છતાં તમને ‘શોલે’ ગમે જ છે ને. રિયલ લાઈફ્માં ક્યારેય ઍક્ટર બનવાની ખ્વાહિશ ન ધરાવી હોવા છતાં અને સિંગર તો શું બાથરૂમ સિંગરના ઑડિશનમાં પણ નાપાસ થઈએ એવી ગાયકી હોવા છતાં ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘રૉક ઑન’ એકાધિકવાર જોવા થિયેટરમાં ગયા જ છો ને.

laj-end‘ઓમ શાંતિ ઓમ’ અને ‘રૉક ઑન’ થિયેટરમાંથી ઉતરી ગયા પછી નક્કી કર્યું કે જે ગમે તે ફિલ્મો થિયેટરમાં જોવાય એટલી જોઈ લેવી. કેટલાકને પાયરેટેડ સીડી, કેબલ  કે ઉઠાંતરીવાળા ડાઉનલોડ પરથી મળેલી ફિલ્મો જોવાની ટેવ હશે. ભલે હોય. મારે હિસાબે ઓરિજિનલ ડીવીડી, તમને ગમતી ફિલ્મોની, તમારી પાસે હોવી જ જોઈએ. પણ ટીવીના પડદા પર એ રોમાંચ નથી મળતો જે થિયેટરના લાર્જર ધૅન લાઈફ સિલ્વર સ્ક્રીન પર મળે છે. અને હવે અગાઉની જેમ ફિલ્મો એક વખત થિયેટરમાંથી ઉતરી ગયા પછી ભાગ્યેજ ફરીવાર રિલીઝ થાય છે.

‘લવ આજ કલ’ આ વર્ષની ‘મોસ્ટ રિપીટ વેલ્યુ’ ધરાવતી ફિલ્મ તરીકે વખણાઈ છે. ફિલ્મની વાર્તાના પ્રવાહમાંના દરેકે દરેક વળાંક, દરેક સંવાદ મોઢે થઈ ગયા પછી પણ વારંવાર જોવાની મઝા આવે એવી આ ફિલ્મ છે. હિંદી સિનેમાની ‘મોગલ-એ-આઝમ’થી માંડીને ‘શોલે’ જેવી મહાન ફિલ્મોમાંની આ એક છે? ખબર નથી. મહાન ફિલ્મો  રિલીઝ થયાના પહેલા જ મહિનામાં મહાન તરીકે નથી ઓળખાતી. એકાદ વર્ષ પછી પણ નહીં. એ નક્કી કરવા માટે દાયકો-બે દાયકા જોઈએ. તે વખતે પૂછજો, કહીશ તમને.

11 comments for “‘લવ આજકલ’ ફરી એકવાર-૭

 1. pravin
  August 20, 2009 at 9:44 PM

  ફરી એક વાર ” GREAT “. આ રીવ્યુ હતો કે ઝરણા/નદીની જેમ ખળખળાટ વહેતો અને પ્રેમ પર લખાયેલો કોઈ શ્રેષ્ઠ નિબંધ? જે હોય તે પણ મઝા મઝા મઝા આવી ગઈ. (એક વાત તો છે કે સૌરભ શાહની જેલ યાત્રા (?) હોય કે લવ યાત્રા, અમને તો ચોક્કસ મઝા આવવાની છે.)

 2. jaanvi
  August 21, 2009 at 12:10 AM

  just awesome ..m speechless . What a Review …!

 3. sudhir patel
  August 21, 2009 at 2:22 AM

  ખૂબ જ સરસ. હવે આ ફિલ્મ જોવાની મજા કૈં જુદી જ હશે!
  સુધીર પટેલ.

 4. Narendra
  August 21, 2009 at 8:15 AM

  So…I was almost right in guessing ur repeat show views, which I had predicted as 7 or 9.
  It was nice review, yes. Thnx

  • August 21, 2009 at 11:11 AM

   તમને હજુ વધારે સાચા પાડવા ૯મી વખત પણ જોઇશ!

 5. Chirag Panchal
  August 21, 2009 at 11:11 AM

  ફિલ્મમાં તો એટલી મજા ના આવી પણ રિવ્યુ વાંચવામાં ખુબ મજા આવી. કારણ એ હોઈ શકે કે અહી તમારા વિચારો અને તમારો દૃષ્ટિકોણ છે. બાકી આ ફીલ્મ પ્રત્યે આટલો અહોભાવ ત્યારે જ જાગે જ્યારે તમારી આંખોથી, તમારા સંવેગથી અને તમારી વિચારધારાથી જોઇએ. એ દરેક પાસે તો હોય નહી એટલે ફિલ્મ પ્રત્યેની સહમતિ વગર પણ આ રિવ્યુ અને તેમાં રજુ થતા વિચારો સાથે સંકળાવાની મજા તો આવે જ.

 6. Hiten Bhatt
  August 22, 2009 at 11:21 AM

  Suarabhbhai, bhagvan tamara manne shanti arpe…….

 7. dilip n mehta
  August 29, 2009 at 8:15 PM

  dear saurabh bhai
  its indeed a moving experience reading about LAV AAJ KAL!! what a candid expression!!! really! yr write up and review have inspired me to watch the film.

 8. dilip n mehta
  August 29, 2009 at 8:29 PM

  કોઇકે લખ્યુ કે લખ્યુ કે તે એનિ જૈલ યત્ર હોય કે લવયાત્રા અમ્ને મજ પડૅ ,પન ભૈ જે ભોગ્વે એને જ ખબર હોય્!!! લવ કે જૈલ –કૈ સહેલુ નથિ!!બરબર ને?

  • pravin
   August 29, 2009 at 10:43 PM

   પ્રભુ, જે ભોગવે તેની વાત નથી પણ સૌરભ શાહની વાત છે અને તમને બન્ને યાત્રાઓમાં મઝા ન આવી? (સૌરભભાઈ, અધુરી યાત્રા ફરી ક્યારે ચાલુ કરશો?)

 9. ishaani
  September 9, 2009 at 1:00 AM

  i feel L A K is most pathetic film. cant even think that imtiaaz ali can cook such a spicy khichdi. story is good but spicy treatment made it so bad that when u said its good i thought its cliche`…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *