‘લવ આજકલ’: ફરી એકવાર-૪

‘જાને સે પહેલે એક આખરી બાર મિલના ક્યોં ઝરૂરી હોતા હૈ?’

‘લવ આજકલ’: ફરી એકવાર-૩ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો

દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી

દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી

ફિલ્મનો ઈન્ટરવલ પડી ગયો. પણ ઈન્ટરવલ પહેલાંની થોડીક વાતો મારી બાકી રહી ગઈ છે.

‘મારા આ બ્રેક-અપ સાથે મારા ઘરવાળાઓને શી લેવાદેવા, અને ફોર ધૅટ મેટર, તમને પણ શી લેવાદેવા’ એ મતલબનું  રિશીને કહી દેનારો સૈફ એ જ રિશીની આગ્રહભરી સમજાવટથી એરપોર્ટ પર દીપિકાને વળાવ્યા પછી રિશીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયેલો જુએ છે. રિશીની આંખ સામેથી આવતી ટ્રેનની બારીમાંથી દેખાતી હરલીનનું દૃશ્ય પસાર થઈ જાય છે. સૈફ મોઢું મલકાવીને, જમણા હાથની ચારેય આંગળીઓ ઊંચી કરી, વાટકો પકડ્યો હોય તે રીતે પહોળી કરી,ચહેરો ત્રાંસો રાખીને પૂછે છે: ‘વો કૌન થી?’

‘કૌન?’ રિશી પૂછે છે.

‘જિસ કી ફિલ્મ આપ કે દિમાગ મેં ચલ રહી થી!’ સૈફ રિશીના બાવડા પર આંગળી ખોસીને મજાકિયા અંદાજમાં કહે છે.

રિશી કોટના અંદરના ખિસ્સામાંથી પાકીટ કાઢવા હાથ નાખે છે. સૈફનો લાઈટ હાર્ટેડ મિજાજ ચાલુ છે: ‘યે ક્યા… મુંહ બંધ કરને કે પૈસે દે રહે હો!’

અને રિશી પાકીટમાંથી એક ‘ઈસ્ટમેન કલર’ (વાસ્તવમાં તો સેપિયા રંગનો થઈ ગયેલો બ્લૅક ઍન્ડ વ્હાઈટ) ફોટો કાઢીને સૈફના હાથમાં મૂકતાં બોલે છે: ‘હરલીન… હરલીન કૌર…’

બાય ધ વે, પક્કી પંજાબણ લાગતી આ હરલીનનો રોલ પંજાબી તો શું ભારતીય પણ નથી એવી જિઝેલી મોન્તેરિયો નામની બ્રાઝિલિયન મોડેલે ભજવ્યો છે. એ આવી હતી સૈફની દીપિકા પછીની સ્વિસ ગર્લફ્રેન્ડ જો-ના સ્ક્રીન ટેસ્ટ માટે. પણ દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીએ એને રિજેક્ટ કરી. ઈમ્તિયાઝનાં પત્નીએ સૂચવ્યું કે હરલીન તરીકે ચાલે! અને ચાલી. ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી કોઈને ખબર પડવા ન દીધી કે હરલીન બ્રાઝિલિયન છે. ઈમ્તિયાઝ અલીએ સુભાષ કે. ઝાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે લગ્નગીતના (‘લલા લલા લલા લલા હો ગઈ રે…’) નૃત્ય વખતે જિઝેલીની મુદ્રાઓ સાહજિક નથી લાગતી- સરોજ ખાન જેવાં પીઢ કોરિયોગ્રાફર હોવા છતાં.

પણ ચાલે. સરોજજીએ આપેલી નૃત્યમુદ્રાઓ જિઝેલીએ બરાબર ફૉલો કરી છે. સરોજ ખાન આગલી પેઢીનાં નૃત્ય દિગ્દર્શક છે. મૂંગાબહેરાં માટેના દૂરદર્શન સમાચાર આપતી ‘ન્યુઝરીડર’નું કામ સરોજજીએ એક જમાનામાં કર્યું હોવું જોઈએ એવું મારી એક મિત્ર માને છે! આ ડાન્સમાં ‘ગલી નાપતા’ શબ્દો આવે ત્યારે કાલ્પનિક મેઝર પટ્ટીથી માપવાની મુદ્રા આવે, ‘ઝોંકા હવા’ વખતે બે હાથ ઝૂલાવાય, ‘ઢૂંઢતા’ વખતે હથેળી પાંપણ પર મૂકીને છાજલી થાય, ‘સોચા કહ દૂં’માં કપાળ પર તર્જની મૂકાય, ‘યું છૂરી સી નઝર’માં છાતી પર કટારી ફેરવતી મુદ્રા થાય…! મઝા આવે! ઑલ સેઈડ ઍન્ડ ડન સરોજ ખાને ડઝનબંધ યાદગાર ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. સલામ. આગળ વધીએ.

રિશી ઍરપોર્ટ પર જ પોતાની વાત આગળ વધારતાં સૈફને કહે છે: ‘મેં બિલકુલ તેરે જૈસા થા… બિલકુલ અલગ ભી થા…’ પછી અલગ હોવાનું કારણ જણાવતા હોય એમ ઉમેરે છે. ‘વો વક્ત હી અલગ થા…’

રિશી સૈફને પોતે લીધેલી પ્રતિગ્યા વિશે વાત કરે છે. હરલીનને માત્ર જોઈને, એની સાથે વાત સુદ્ધાં કર્યા વિના, સાત જન્મો સુધી આ જ મારી પત્ની બનશે એવો સંકલ્પ રિશીએ કર્યો હતો. સૈફ આ સાંભળીને ખડખડાટ હસી પડે છે:

‘સાત સાત જન્મો સુધી.. અને તે પણ આ જન્મમાં જેને મળ્યા પણ નથી એના માટેની પ્રતિગ્યા… આય ડોન્ટ અન્ડરસ્ટેન્ડ…’

‘યુ વોન્ટ ઈવન અન્ડરસ્ટેન્ડ ઈટ, પુત્તર’ કહીને રિશી, અંડર સ્ટેટમેન્ટ લાગે એવી રીતે સૈફ માટેનાં સહેજ પિટી અને સહેજ ઈરિટેશન વ્યક્ત કરી પોતાનો રોષ કન્ટ્રોલ કરે છે.

ફ્લેશબેકના દૃશ્યમાં માત્ર એક વાર રિશીના પોતાના અવાજનો ઉપયોગ થાય છે. રિશીએ પણ એ જ વાત કહી જે જતી વખતે દીપિકા કહેતી ગઈ: ‘જાને સે પહેલે એક આખરી બાર મિલના ક્યોં ઝરૂરી હોતા હૈ? ઐસા ક્યોં હોતા હૈ?’

‘ફિલ્મફેર’ના બેસ્ટ સપોર્ટિંગ રોલ માટેનું રિશી કપૂરનું નોમિનેશન પાકું.

સૈફ એરપોર્ટથી પાર્કિંગ લોટ તરફ જઈ રહ્યો છે ત્યારે દીપિકા સિક્યુરિટી ચેક પતાવીને એને ફોન કરે છે. શું કહેવા? એ જ બધું જે ગર્લફ્રેન્ડ તરીકે નહોતી કહી શકતી જે હવે છુટાં પડ્યાં પછી કહેવામાં વાંધો નથી, સૈફના ભલા માટે જ છે!

‘તારા લાલ જૂતા તને ફેશનેબલ લાગે છે પણ તું એ પહેરે છે ત્યારે મિત્રો હસે છે તારા પર… મૂછ ક્યારેય નહીં રાખતો પિમ્પ જેવો લાગે છે… તારી સિસ્ટર નેહાની આખો વખત થતી કચકચ… તારા રૂમના પોસ્ટર્સ… તારી કારની પેનલ.. તારા બ્લ્યુ સન ગ્લાસીસ.. આ બધું ફાલતુ છે… ફેંકી દેજે એને.’

અને સૈફ દીપિકાને કહે છે, ‘અને મીરાં, તારું મ્યુઝિક… સડી હુઈ ચોઈસ હૈ તુમ્હારી… નફરત હૈ મુઝે તુમ્હારે આઈપોડ કે હર ગાને સે… અને તું નોઝ રિંગ ક્યારેય નહીં પહેરતી અને પર્પલ, ગ્રીન, બ્રાઉન કલર્સ અવોઈડ કરજે… ગ્રીન ચાલશે પણ કુછ હી શેડઝ મેં.’

દીપિકા કહે છે, ‘તું છોકરીઓ માટે ટ્રાય નથી કરતો ત્યારે વધારે કૂલ લાગે છે અને ટ્રાય કરે છે ત્યારે ઈડિયટ લાગે છે…’

સૈફ પૂછે છે, ‘છોકરી જોઈતી હોય તો ટ્રાય ન કરવાનું કેવી રીતે, સમજ ના પડી’

દીપિકા કહે છે, ‘કવ્હર (‘કવર’નો ઉચ્ચાર ‘કવ્હર’ કરે છે) કર કે ચલો.. હું તારા માટે ટ્રાય કરતી હતી તેની તને ખબર પડી?’

‘તું બધું છૂપું રાખીને જ વર્તતી હોય છે. સામેવાળો ઈન્સિક્યોર થઈ જાય…’

‘ઠીક છે, આ બાબતમાં હું સુધરી જઈશ.’

‘સરસ. અને તું અજાણ્યા પુરુષો સાથે ક્યારેય ડ્રિન્ક્સ નહીં લેતી… તને ખબર છે, મેં તને પિવડાવીને તારો કેટલો બધો લાભ લીધો છે…’

‘સ્માર્ટી! મુઝે હમેશા પતા હોતા થા, ક્યા હો રહા હૈ… મોસ્ટ ઑફ ધ ટાઈમ મુઝે ઝ્યાદા ચઢી ભી નહીં હોતી થી… બસ, એક્ટિંગ કર રહી હોતી થી, કિ કુછ તો કરો યાર…’

દીપિકાનો આ છેલ્લો ડાયલોગ તમે માર્ક કરજો, ખાસ તો એના આરોહ-અવરોહ. બહુ સરસ રીતે બોલાયો છે. લવ યુ, દીપિકા!

અને સૈફ છેલ્લે છેલ્લે, ‘મર્દમાં બહોત દર્દ’ જગાવતા દીપિકાના સ્માઈલને જેનીતેની સાથે ન વાપરવાની સલાહ આપે છે. પણ સૈફને ખબર નથી કે દિલ્લીમાં વિક્રમ જોષી (રાહુલ ખન્ના) દીપિકાના સ્માઈલનો શિકાર થઈ જવાનો છે.

દિલ્લીથી લંડન ફોન કરીને દીપિકા સૈફને કહે છે કે ‘વિક્રમે મને ડિનર માટે ઈન્વાઈટ કરી છે ત્યારે ડિરેક્ટરે એક નાની મોમેન્ટ મૂકીને સૈફની લાગણી પ્રગટ કરી દીધી છે. ડિનરવાળી વાત સાંભળીને સૈફ ફોન મ્યુટ કરતાં કહે છે, ‘એક મિનિટ… કોઈક નૉક કરી રહ્યું છે…’ અને પછી સ્વસ્થ થઈને વાત અગળ લંબાવે છે.

એ પછી સૈફ પહેલીવાર રિશી સમક્ષ કન્ફેસ કરે છે: ‘મૈ થોડા હિલ ગયા હું..’ પણ પછી તરત સ્વસ્થ થઈ જાય છે. સૈફ જાણે છે કે દીપિકા સાથે હતી ત્યારે એકબીજા વચ્ચે જે કંઈ થતું તે બધું જ હવે દીપિકા કોઈક અન્ય વ્યક્તિની સાથે કરશે. એ તો થવાનું જ.

રાજીખુશીથી કરેલા બ્રેક-અપ પછી આવી જતી ખટકાની ક્ષણો ફાંસ બનીને ચુભતી રહે છે. સૈફ દીપિકાને, જે કંઈ બાકી રહી ગઈ છે તે દીપિકાને, પોતાનામાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે. પાર્ટી, ડિસ્કો, પીના, ગાના.

યહાં પે ગાના લગેગા, સરજી.

હેમંતકુમારના ‘નાગિન’માં કલ્યાણજીભાઈએ ક્લેવિયોલિન પર વગાડેલી મન ડોલેની બિન શરૂ થાય છે:

લેટ્સ હેવ સમ રૌનક-શૌનક, લેટ્સ હેવ સમ પાર્ટી નાઉ,લેટ્સ હેવ સમ રોલા રપ્પા,

લેટ્સ હેવ સમ ઢોલ ધમાકા, લેટ્સ કૉલ ધ ઢોલી નાઉ, લેટ્સ હેવ સમ આડી ટપ્પા

ચલો ચલો જી લક લચકા લો,ચલો ચલો જી મૌજ મના લો, ચલો ચલો જી નચલો ગા લો
પકડ કિસીકી રિસ્ટ, ઍન્ડ વી ટ્વિસ્ટ..વી ટ્વિસ્ટ…

વિકેડ-શિકેડ સી દુનિયા છલ્લે, ફેર વી ઝલ્લે બલ્લે બલ્લે, હો ગઈ… હાં હો ગઈ..
છોડો છોડો સબ રોને ધોને, છોડો છોડો સબ આધે પોને…
બોતલ શોતલ ખોલે બિના, દારૂ શારૂબિન પીતે હી ચઢ ગઈ હાં, ચઢ ગઈ…

બોસ્કો સિઝરની કોરિયોગ્રાફી અને એક જમાનામાં જેના માટે કહેવાતું કે હી ડાન્સીસ વિથ ટુ લેફ્ટ લેગ્સ એ જ સૈફે મહેનત કરીને જે ફુટવર્ક દેખાડ્યું છે –ધમાલ. ડાન્સ કરતાં કરતાં સૈફને જો મળી જાય છે અને બોતલ શોતલ ખોલ્યા વિના એના અડધાપોણા દુઃખોનો ઈલાજ પણ મળી જાય છે. આ ગીતમાં નાગિનની ધૂનનું હૂક શરૂથી જ છે પણ માથા પર બે હાથની ફેણ બનાવીને જેને લોકભાષામાં હવે ‘નાગિન ડાન્સ’ કહે છે તેના સ્ટેપ્સ છેલ્લે આવે છે. અને તે પણ કેવી રીતે? બકિંગહૅમ પેલેસમાં આંખ સુધીની, લાંબી કાળી રૂંછાવાળી ટોપી પહેરેલો લાલ યુનિફોર્મવાળો ગાર્ડ પૂરી સિન્સ્યરિટીથી , મોઢું સિરિયસ રાખીને ફેન્સી ડ્રેસ જેવી પાર્ટીમાં નાગિન ડાન્સ કરતો પ્રવેશે છે. બ્રિટિશ રાજની ખિલ્લી ઉડાવવી હોય તો આ રીતે ઊડાવાય! અને વરઘોડામાં રસ્તાનો ટ્રાફિક રોકીને ભાવિ વેવાણ-વેવાઈને ઈમ્પ્રેસ કરવા માટે ઉત્સાહમાં આવીને થતા નાગિન ડાન્સની ખિલ્લી પણ આ જ રીતે ઉડાવાય!

સૈફને લાગે છે કે પોતે ફાઈનલી દીપિકામાંથી બહાર નીકળી રહ્યો છે. દીપિકાને નવી ગર્લફ્રેન્ડના સમાચાર આપતો શોર્ટ મેસેજ મોકલે છે. દીપિકા વિચારમાં પડી જાય છે. દિલ્લી આવીને નોનગ્લેમરસ કપડાં પહેરતી થઈ ગયેલી દીપિકા છેવટે સેક્સી ડ્રેસ પહેરીને વિક્રમ સાથે ડિનરડેટ પર જાય છે. વિક્રમ દીપિકાના સ્માઈલથી ઘાયલ થઈ જાય છે. વિક્રમને થયેલી આ ઈજાની જાણ દીપિકા સૈફને કરે છે. સૈફના ચહેરા પર તનાવ દેખાય છે. ફાઈનલી દીપિકા સંદેશો મોકલે છે: તુમ આઉટ હો ગયે, જય… અને સૈફ વળતો સંદેશો મોકલે છે: તુમ ભી આઉટ હો ગઈ, મીરા.. ઑલ ધ બેસ્ટ!

પણ ફ્લેશબેકની હરલીનમાંથી વીર સિંહ આઉટ નથી થયો. એ વીરને યાદ કરીને બ્લૅક ટી બનાવે છે, ન ભાવતી હોવા છતાં નાના નાના ઘૂંટ ભરે છે… વીરની ગેરહાજરીમાં હવે એને યાદ કરવા માટે આ કડવી ચાનો જ સહારો છે.

ઈન્ટરવલ પડે છે. ચા સિવાયનું બીજું એક સાયલન્ટ પ્રતીક જડ્યું?

કાલે વાત.

4 comments for “‘લવ આજકલ’: ફરી એકવાર-૪

 1. Chirag Panchal
  August 18, 2009 at 11:48 AM

  ચા સિવાયનુ સાયલન્ટ પ્રતિક… એકાદ ક્ષણ માટે જય અને મીરા બન્ને તરફથી સાયલન્ટ કરાતો મોબાઈલ?

 2. pravin
  August 18, 2009 at 12:50 PM

  સૌરભભાઈ, કદાચ મુવી કરતાં પણ વધુ રોચક, વધુ હ્રદયસ્પર્શી અને વધુ મજેદાર. કદાચ આના કરતા વધુ સારી રીતે રિવ્યુ થઈ પણ ન શકે. (સાચું કહું તો આ મુવીની જાહેરાતમાં તમારો આ રીવ્યુ મુકવો જોઈએ) (BTW જેલનાં અનુભવો ૮ નું શું થયું, આ રીતે અડધા રસ્તે તમે ગુમ થઈ જાઓ તે ના ચાલે!)

 3. jaanvi
  August 20, 2009 at 1:31 AM

  ‘jaane se pehle aakhri baar milna zaroori kyun hai ? ‘

  d reason iz..” if we must part foeva,
  giv me bt 1 kind word to think upon,
  N’please maself wid,while ma heart iz brkin’ ..!”

 4. May 12, 2013 at 8:11 PM

  તમે આ ફિલ્મ detailing જોતાં મિનિમમ દસ વાર જોઈ લાગે છે.cocktail મૂવી પણ તમને સારું એવું ગમ્યું હશે..i think ….હું ત્રીજીવાર જોઈ રહ્યો છુ(વાંચી રહ્યો છુ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *