‘લવ આજકલ’: ફરી એકવાર-૩

(‘લવ આજકલ’: ફરી એકવાર-૨ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો)

આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો…

ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી ઉઘાડ છે આજના દિવસનો !

રિશી કપૂરની આંખ સામેથી રેલવે સ્ટેશનના એ અંતિમ દર્શનનું દ્રશ્ય પસાર થઈ જાય છે. રિશીના ફ્લૅશબૅકનાં દ્રશ્યો, યુવાન વીર સિંહ બનીને, સૈફ અલી ખાને ભજવ્યાં છે. દિગ્દર્શકની આ ખૂબી ફ્રાઈડે રીવ્યુમાં ખોલી નાખવી ન જોઈએ. ઘણા સમીક્ષકોએ આ પાપ કર્યું છે. યાર, થોડુંક તો દર્શકો માટે સરપ્રાઈઝ એલિમેન્ટ રાખો. ૧૯૬૦-૭૦ના પઘડી-દાઢીવાળા યુવાન વીર સિંહ તરીકેની બૉડી લૅન્ગવેજ અને ૨૦૦૯ના લંડનનિવાસી જય વર્ધન સિંહની બૉડી લૅન્ગવેજમાં મહીન તફાવતો લાવીને સૈફે આ વર્ષના ‘ફિલ્મફેર’ બેસ્ટ એક્ટરના નોમિનેશન્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

શર્ટનું ત્રીજું બટન ખેંચીને સહેજ જ ખભા ઉલાળવા કે પઘડી સરખી હોવા છતાં જરાક વધુ ઠીક કરવી કે છાતી ચૌડી રાખીને ચાલવું-ઊભા રહેવું કે ડાન્સના સ્ટેપ્સમાં એક પ્રકારનું રસ્ટિકપણું ઉમેરવું– આ બધું સૈફ વીર સિંહનો ભૂતકાળ ભજવતી વખતે સાહજીક રીતે કરે છે. ઉચ્ચારોમાં બહુ ભારેખમ કે પછી મિમિક્રી જેવી પંજાબી છાંટ લાવવાને બદલે ‘લૅ… લૅ ના…’ (સાયકલના પંપવાળા દ્રશ્યમાં), ‘અઈ ત્‍રીકા સઈ નંઈ… પ્‍ભરોસા (પ+ભ=પ્‍ભ) રખ્ખો…’ (હરલીનની માતા સાથે વાત કરતી વખતે) જેવા ઉચ્ચારોવાળા સંવાદો સૈફના મોઢે સાભળતી વખતે તમે ભૂલી જાઓ છો જય વર્ધન સિંહને. ઘડીભર લાગે છે કે સૈફ જન્મજાત પંજાબી હશે! ઉચ્ચારણમાં માસ્ટરપીસ ક્યો છે? પુરાના કિલ્લામાં હરલીનને મળવા ગયેલો વીર સિંહ એટલે કે જૂનો સૈફ પોતે હવે ફુકરા દોસ્તો સાથે આવારાગર્દી કરવાનું છોડીને એચ.ઈ.સી. કંપનીના ફર્નેસ વિભાગમાં કામ કરવા લાગ્યો છે તે વખતે ‘કોપર’ (કૉપર નહીં!) અને ‘એળ્યુમિણ્યમ’ (એલ્યુમિનિયમ નહીં!) ના ઉચ્ચારો કરે છે!

અને એથીય વધુ મઝા ત્યારે આવે છે કે ફ્લૅશબૅક પૂરો થતાં જ આજનો સૈફ રિશીને પૂછે છે: ‘પછી શું થયું? તમે કૉપર-એલ્યુમિનિયમથી આગળ વધ્યા કે નહીં!’

બેઉ સૈફ સાવ જુદા છે એવું તમને સતત લગ્યા કરે એમાં દિગ્દર્શક-લેખક ઈમ્તિયાઝ અલીની કમાલ તો ખરી જ, સૈફની મોટી કમાલ.

અરે હા! રિશીની યુવાનીનો રોલ સૈફ જ ભજવશે એવું કેવી રીતે નક્કી થયું હશે? સ્ટાર વેલ્યુ વગેરે તો સાચું જ. પણ કથાની દ્રષ્ટિએ જોઈએ તો બે જસ્ટિફિકેશન છે. રિશિ માને છે અને કહે પણ છે કે, ‘તુમ મુઝે બહોત અચ્છે લગતે હો… નહીં નહીં… તુમ જૈસે હો ના… અભી… બહોત સાલોં પહેલે મૈં બિલકુલ ઐસા હી થા… એક્ઝેક્ટ, ડિટ્ટો…’

એટલે રિશી પોતાની વાત કરતા હોય ત્યારે એમને પઘડી-દાઢીવાળો સૈફ નજર સામે દેખાય એ નૅચરલ છે. પણ એટલું જ નથી. સૈફ પણ રિશીના પાસ્ટને પોતાના વર્તમાન સાથે આયડેન્ટિફાય કરતો થઈ જાય છે. ‘છોકરી સાથે વાત-બાત કર્યા વગર એની સાથે સાત જન્મો રહેવાની પ્રતિગ્યા કરનારા’ રિશીને હસી કાઢતો સૈફ જેમ જેમ રિશીની હરલીન માટેની પૅશનને જાણતો જાય છે એમ રિશીના ધૂનીપણાને પણ જસ્ટિફાય કરતો થઈ જાય છે. રિશી જ્યારે હરલીનને કલકત્તા લઈ જવાતી હતી ત્યારે હરલીનના પિતાવગેરે સમક્ષ હરલીન સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરે છે (‘મૈં વીર સિંહ… તોડી કુડી… ઐ હરલીન નાલ… વ્યાહ કરના ચાંદા હૂં’) અને હરલીનના બાપા વગેરેના હાથે ઢોરમાર ખાય છે. આ વાત કહીને રિશી  સૈફને કહે છે, ‘મેં બેવકૂફી કરી કહેવાય ( કે આ રીતે સ્ટેશન પર જઈ છોકરીના બાપનો માર ખાધો)’ પણ હવે સૈફ રિશીના આવા આવેશોને જસ્ટિફાય કરે છે કે, ‘ ના, તમે એ કર્યું તે બરાબર જ કર્યું… એની શાદી થવાની હતી… તમને થયું કે હું શું કરું… તો તમે જે કર્યું તે ઠીક જ હતું, હું સમજી શકું છું…’

અને રિશી સૈફની આ સમજ બદલ થોડાક ખૂશ થાય છે અને દીપિકા માટે કેમ સાલાને આવી સમજ નથી આવતી એનો થોડોક મીઠો રોષ બે-ચાર શબ્દોમાં જ વ્યક્ત કરી લે છે:  ‘ઓયે સમજદાર, એ કીં હો રયા હૈ… કહીં દિલ્લી મેં (દીપિકા સાથે) પ્યારવ્યાર તો નહીં હો ગયા…’

આટલો રૅપો જેની સાથે થઈ જાય તેના ભૂતકાળનાં દ્રશ્યોમાં માણસ પોતાની જાતને જોતો થઈ જ જાય ને.

રિશિએ સૈફ્ને ડેલ્હી નહીં પણ દિલ પર આંગળી મૂકીને દિલ્લી બોલવાનું કહ્યું છે એટલે આપણે પણ દિલ્હીને બદલે દિલ્લી જ રાખીશું.

ગીતકાર ઇર્શાદ કામિલ

ગીતકાર ઇર્શાદ કામિલ

હરલીન માટેના પ્રેમની રિશીની તીવ્રતા કેટલી હશે કે હરલીનની માત્ર એક ઝલક જોવા એ દિલ્લીથી હજાર માઈલનો પ્રવાસ કરીને કલકત્તે જાય છે. અને કલકત્તામાં હરલીનને જોઈને એને શું લાગે છે! અહીં બીજું ગીત આવે છે. રાહત ફત્તેહ અલી ખાન ( નુસરત ફત્તેહ અલી ખાનના ભત્રીજા)ના અવાજમાં જબરજસ્ત ગીત છે. ઈર્શાદ કામિલના શબ્દો અદ્‍ભુત છે. ગીતનું મુખડું શિવકુમાર બટાલવીના ખૂબ જાણીતા પંજાબી ગીતમાંથી (ક્રેડિટ આપીને) લીધું છે. મુંબઈ જેવામાં રહેતી શહેરી પંજાબણોને તમે પૂછશો તો તમને, પોતાના સફેદ થઈ ગયેલા લાંબાવાળ પર હાથ ફેરવીને શરમાતાં શરમાતાં, જણાવશે કે, ‘અમે નાના હતા ત્યારે જુવાન છોકરાઓ આ ગીત બહુ સંભળાવતા!’

અજ્‌જ દિન ચડેયા તેરે રંગ વરગા… આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો… ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી-લિસ્સો ઉઘાડ છે આજના દિવસનો !

જૂના સૈફને રસ્તા પર ઊભાં ઊભાં દૂરના મકાનના ઝરોખા પર વાળ કોરા કરવા આવેલી હરલીન નજરે પડે છે તેની એક સેકન્ડ પહેલાં જ ગીત શરૂ થઈ જાય છે:

અજ્‌જ દિન ચડેયા તેરે રંગ વરગા…ફૂલસા હૈ ખિલા આજ દિન

રબ્બા મેરે દિન યે ના ઢલે…વો જો મુઝે ખ્વાબ મેં મિલે

ઉસે તુ લગા દે અબ ગલે…તેનુ દિલ દા વાસ્તા

રબ્બા આયા દર પે યાર કે…સારા જહાં છોડછાડ કે

મેરે સપને સંવાર દે…તેનુ દિલ દા વાસ્તા

પછી કોર્ટમાં વકીલ જેમ પોતાના અસીલ વતી દલીલ કરતાં નામદાર જજસાહેબને કહે કે આવા જ કેસમાં અગાઉ આ આ પ્રકારના ચુકાદાઓ અપાયા છે. અને પ્રિસીડન્ટ્‌સની નકલો જજના ટેબલ પર મૂકે એમ અહીં કવિ ભગવાનને કહે છે કે તારે કંઈ નવું કામ નથી કરવાનું. તેં અગાઉ પણ પ્રાર્થનાઓના જવાબમાં જૂના ગુનાઓ માફ કરીને બધાનું આવું કામ કરી જ આપ્યું છે, હું કંઈ આઉટ ઑફ ટર્ન તારી પાસે કોઈ ફેવર થોડો માગું છું?

બક્ષા ગુનાહોં કો,સુન કે દુઆઓં કો

રબ્બા પ્યાર હૈ તુને સબકો હી દે દિયા

મેરી ભી આહોં કો સુન લે દુઆઓં કો

મુઝકો વો  દિલા મૈંને જીસકો હૈ દિલ દિયા

આસ વો, પ્યાસ વો …ઉસકો દે ઈતના બતા

વો જો મુઝે દેખ કે હંસે,પાના ચાહું રાતદિન જિસે

રબ્બા મેરે નામ કર ઉસે,તેનુ દિલ દા વાસ્તા

જુવાન વીરસિંહ ઉર્ફે સૈફ હરલીનને જોઈને, એક શબ્દની આપલે વિના દિલ્લી પાછો ફરે છે ત્યારે એના ચહેરા પર ભરપૂર સંતોષ છે. આપલે થાય છે તો માત્ર બે જ ચીજની. એક, હરલીને ઘરેથી બનાવેલી દૂધ-શક્કર વિનાની ચાયના પ્યાલા અને દિલ્લીના નાથુ હલવાઈને ત્યાંથી સૈફે હરલીન માટે ખરીદેલી બુંદીની. અને  બીજી આપલે એકમેક પ્રત્યેની લાગણીની, એ લાગણીમાં ભળી ગયેલી પ્રતિબદ્ધતાની અને આ કમિટમેન્ટ ભવિષ્યમાં સાકાર થશે જ એવી મક્કમતાની. કશું જ બોલાતું નથી. છતાં બધું જ સમજાય છે– સમજદારોને!

‘અજ્‌જ દિન ચડેયા’ ગીતનો એક અંતરો  દિગ્દર્શકે ફિલ્મમાં લીધો નથી. કારણ જે હશે તે. પણ સીડીમાં એ છે. એક પ્રેમી પોતાના પ્રેમને ખાતર ભગવાન સાથે પણ અલમોસ્ટ ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે, ભગવાનને ટોણો પણ મારે છે અને માગેલું મળી જાય તો ભગવાન તારું ભલું થશે એવા આશીર્વાદની લાલચ પણ એ ઉપરવાળાને આપી શકે છે. ખરેખર, પ્રેમ જેન્યુઈન પાગલો જ કરી શકે, બીજાઓ બહુ બહુ તો પ્રેમની વાતો કરી શકે.

માંગા જો મેરા હૈ,જાતા ક્યા તેરા હૈ

મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી

કૈસા ખુદા હૈ તુ,બસ નામ કા હૈ તુ

રબ્બા જો તેરી ઈતની સી ભી ના ચલી

ચાહીયે જો મુઝે,કર દે તુ મુઝકો અતા

જીતી રહે સલ્તનત તેરી,જીતી રહે આશિકી મેરી

દે દે મુઝે ઝિન્દગી મેરી,તેનુ દિલ દા વાસ્તા

રબ્બા આયા દર પે યાર કે,સારા જહાં છોડછાડ કે

મેરે સપને સંવાર દે,તેનુ દિલ દા વાસ્તા

અજ્‌જ દિન…ચડેયા… તેરે રંગ વરગા…આ…

અજ્‌જ દિન ચડેયા તેરે રં…ગ… વરગા…આ…

અજ્‌જ દિ…ન…ચડેયા…તેરે રંગ વરગા…આ…

દિન ચડેયા… તેરે રંગ વરગા…

અજ્‌જ દિન ચડેયા…

સલામ, રાહત ફતેહ અલી ખાન અને સલામ, ઈર્શાદ કામિલ! ઍન્ડ અ બિગ હગ ટુ પ્રીતમ ચક્રવર્તી!

દૂધ-ખાંડ વગરની કાળી ચા પીનારા વીરસિંહની ફિલસુફી છે કે તાકાત માટે દૂધશૂધ પીઓ, લસ્સીવસ્સી પીઓ, ચામાં શું કામ દૂધ નાંખવાનું- અહીં તો પંજાબ માર ખાઈ ગયું.

જય વર્ધન સિંહને વિધાઉટ શ્યુગર-મિલ્કવાળી બ્લૅક કૉફી પીતાં જોઈને મીરાં ‘યક્‌…!’ કરે છે અને કહે છે, ‘છોકરીઓને ઈમ્પ્રેસ કરવા તું બ્લૅક કૉફી પીએ છે!’

જય કહે છે, ‘પણ તું તો ઈમ્પ્રેસ થઈ રહી હોય એવું લાગતું નથી!’

પણ હરલીન વીરસિંહની કાળી ચાથી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. ઈન્ટરવલ જે દ્રશ્યમાં પડે છે તે દ્રશ્યમાં હરલીન પોતાના માટે કાળી ચા બનાવીને ભાવતી ન હોવા છતાં પીતી રહે છે! ઈન્ટરવલ પછી મીરાં (ઉર્ફે દીપિકા, ‘ઓસો’ની શાંતિ) પણ ‘વન બ્લૅક કૉફી, પ્લીઝ…’નો ઑર્ડર આપવાની છે.

‘લવ આજ કલ’નો ફ્રાઈડે રિવ્યુ કરતી વખતે મેં લખ્યું હતું: ‘…ફરક હોય તો માત્ર એટલો જ કે જય બ્લૅક કૉફી (વિધાઉટ સ્યુગર અને મિલ્ક)નો ચાહક છે, વીર પોતે જુવાન હતો ત્યારથી  બ્લૅક ટી (વિધાઉટ સ્યુગર અને મિલ્ક) પીએ છે. જનરેશન ગૅપને કારણે સર્જાતી પ્રેમ વિશેની સમજણમાં બસ, માત્ર આટલો જ ફરક છે- ચા અને કૉફી જેટલો. સ્યુગર અને મિલ્કની કમી ત્યારે પણ હતી, આજે પણ છે…’

પ્યારમાં ક્યારેક મિલનની મીઠાશની કમી હોય તો પણ ચલાવી લેવું. વિરહનો કડવો સ્વાદ દૂર કરવા એકમેકના સંપર્કસમા દૂધની કમી હોય તો પણ વાંધો નહીં– મહત્‍વનું શું છે? દૂધ-સાકર કે પછી જે ઓરિજિનલ તત્વ છે તે. દૂધ-ખાંડના અભાવ જેવા સંઘર્ષના દિવસો-વર્ષો વીતી ગયા પછી પ્રેમનો મૂળ સ્વાદ, મૂળ રંગ જીવનને મળતો હોય છે. વૅલ, કાળી ચા અને બ્લૅક કૉફીના પ્રતીકને તમે તમારી રીતે ઈન્ટરપ્રીટ કરી લેજો. દિગ્દર્શકે આ ખૂબસૂરત પ્રતીકને બિલકુલ બોલકું થવા દીધું નથી તો પછી હું શું કામ ચ્યુંઈંગ ગમની જેમ એનું અર્થઘટન લંબાવીને આટલી સરસ વાતને ચૂંથવાની જાહિલગીરી કરી રહ્યો છું?

‘લવ આજ કલ’માં આવું જ એક બિલકુલ સાયલન્ટ પણ ઘણું જ મહત્વનું પ્રતીક છે? ક્યું? યાદ કરો અને આવતીકાલ સુધી આપના આ જાહિલ દોસ્તને રજા આપો. જ્યાંસુધી આ જાડ્ડીભમ્મ પેનમાં ઈન્ક છે ત્યાં સુધી આ લેખશ્રેણી લખાતી રહેશે. યે વાદા રહા. અથવા તો યે અપણી ધમકી રહી!

7 comments for “‘લવ આજકલ’: ફરી એકવાર-૩

 1. pravin
  August 16, 2009 at 9:08 AM

  Great review, મઝા આવી ગઈ, હજુ મેં જોયું નથી પણ હવે તો જોવું, જોવું, જોવુંજ પડશે. Thanks for such a great review મઝા આવી ગઈ

 2. jay vasavada
  August 16, 2009 at 8:19 PM

  ફિર ક્યા હુઆ..?

  • સૌરભ શાહ
   August 16, 2009 at 9:31 PM

   Wait till tmr!

  • darshan
   October 20, 2009 at 1:48 PM

   oh my god…simply outstanding review…………

   i always read reviews of most of the writters in gujarati, hindi and english…. ane film na symbolism olakhva ma hu jay vasavada sir tamne expert maanu chhu….pansaurabh bhaie je rite review karyo chhe…… e joi ne mane laage chhe ke tamne sollid competition malvaani chhe…..albattt healthy competition…;)

   saurabh sir…i hv no words to appriciate this review…awesome

 3. Urvin B Shah
  August 17, 2009 at 11:30 AM

  તમે તો અમને નવી જેલ માં કેદ કરી લીધા તમારા જેલના અનુભવો લવ આજ કલ માં અટકી પડે તે ન ચાલે!. આમાં પણ મજા જ આવે છે. હાલવા દ્યો.

 4. Hetal
  August 17, 2009 at 11:56 AM

  સોરભ સર્

  જેલ ના અનુભવો -૮ માટે કાલે આખો દિવસ રાહ જોઇ.
  જો વાદા કિયા વોહ નિભાના પડેગા

 5. naresh and meena
  August 17, 2009 at 5:36 PM

  સોરભ ભાઇ….ખુબ સ ર સ ………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *