‘કમીને’: ફાહિદ કપૂર અને વિફાલ ભારદ્વાજનું ફુરફુરિયું

મકબૂલ’, ‘બ્લ્યુ અમ્બ્રેલા’ અને ‘ઓમકારા’ જેવી અબોવ એવરેજ ફિલ્મના સર્જક અને આલા દરજ્જાના સંગીતકાર વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ ‘કમીને’ અંડરવર્લ્ડની આંટીઘૂંટીમાં અટવાતા બે જુડવા ભાઈઓ (શાહીદ કપૂર)ની કહાની છે.

બેમાંનો એક ચાર્લી ‘સ’ની જગ્યાએ ‘ફ’ બોલે છે અને બીજો ગુડ્ડુ હકલાય છે. ‘પૈસા કમાવવાના બે રસ્તા છે: એક શોર્ટ કટ અને બીજો છોટા શોર્ટ કટ’ — આ થીમવાક્યને આધારે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે બીજા ત્રણ લેખકોની મદદ લઈને સ્ક્રીનપ્લે તૈયાર કર્યો છે. કથાબીજની ક્રેડિટ કોઈક પાંચમાની છે.

ઘોડાની રેસના પંટરમાંથી બુકી બનીને કરોડો રૂપિયા કમાવાના ખ્વાબ જોતો ચાર્લી પોતાની પાસે જે હતું તે પણ ગુમાવી દે છે. અચાનક એક દિવસ એના હાથમાં દસ કરોડ રૂપિયાનું કોકેન આવી જાય છે. એની મુસીબતોની શરુઆત થાય છે.

હકલો ગુડ્ડુ શર્મા ભોળો છે. એ જેને પ્રેમ કરે છે તે મરાઠી કન્યા સ્વીટી (પ્રિયંકા ચોપરા)નો ભાઇ ભોપે (અમોલ ગુપ્તે) રાજકારણી-ગુંડો છે. બહેન યુપીના કોઈ યુવાન સાથે ઈન્વોલ્વ્ડ છે એ વાત પ્રદેશવાદી ભોપેને મંજૂર નથી. એઈડ્સવિરોધી એન.જી.ઓ. સાથે સંકળાયેલા ગુડ્ડુની આપત્તિઓની શરુઆત ભોપેને કારણે થાય છે.

‘કમીને’ની પ્રથમ દસ મિનિટ એક મોટા સર્જકની એમ્બિશ્યસ ક્રાઈમ થ્રિલરના આરંભનો અહેસાસ કરાવે છે. વાર્તા આગળ વધતી જાય છે. બે ધમાલ ગીતો આવે છે: રાત કે ઢાઈ બજે અને બીજું ગીત ઢેન ટેણેન..

ઈન્ટરવલ સુધીનું રેટિંગ:

આમ તો ફર્સ્ટ હાફની પાછલી ત્રીસ મિનિટમાં જ ફિલ્મ ફસડાઈ પડે છે. ઈન્ટરવલ પછી સાવ છત્તીપાટ થઈ જાય છે. ફિલ્મનાં બે ઉપરોક્ત ગીતો સીડી પર માણવાની જે મઝા આવે છે તે ફિલ્મની મઝામાં કશો જ ઉમેરો કરતાં નથી. અંન્ડરવર્લ્ડની પ્રવૃત્તિઓ ઝાંખા પ્રકાશમાં જ થાય અને તો જ ફિલ્મનું એટમોસ્ફિયર બને એવા પ્રિમાઈસીસ પર ચાલીને દિગ્દર્શકે આખી ફિલ્મ અધખુલ્લા ભંડકિયામાં શૂટ કરી હોય એવી લાગે એટલા પ્રકાશમાં ફિલ્માવી છે. આંખો માટે ત્રાસ છે. ઢગલાબંધ પાત્રો, કોઈ રેફરન્સ વગર આવી ચડતાં પાત્રો દિમાગને કસરત કરાવે છે.

‘કમીને’ની કથા જેમ જેમ આગળ વધે છે એમ વધુ ને વધુ ગૂંચવાતી જાય છે. પ્રેક્ષકો રાહ જુએ છે કે અંતમાં આ તમામ ગૂંચવણો ઉકેલાશે. પણ કોમેડી ફિલ્મમાં જેમ દોડાદોડી અને પકડાપકડી અને પાઈફાઈટિંગથી અંત આવે એમ અહીં પણ બધા જ પાત્રો-પોલીસો ભેગા થઈને કોમિક લાગે એવો અંત લાવે છે.

ફિલ્મના સેકન્ડ હાફનું રેટિંગ:

શાહીદ કપૂરને ખાતરી થઈ ગઈ હશે કે ‘સ’નો ‘ફ’ બોલીને કે હકલાઈને એક્ટિંગનાં નવાં શિખરો સર કરી શકાય છે એવા વહેમમાં ના રહેવું જોઈએ. પ્રિયંકા ચોપરા પાસે અધકચરી મરાઠી બોલાવડાવીને એને પૂરી મરાઠણ બનાવી શકાતી નથી. અમોલ ગુપ્તેએ ‘તારે ઝમીં પર’ જેવી અદ્‍ભુત ફિલ્મ લખી હતી, શરૂમાં દિગ્દર્શન પણ એમને સોંપવામાં આવ્યું હતું પણ પાછળથી આમિર ખાને દોર પોતાના હાથમાં લઈ લીધો. અમોલ ગુપ્તે લખનકાર્યમાં જ આગળ વધે એવી શુભેચ્છા.

વિશાલ ભારદ્વાજ ક્યા પ્રકારની ક્રાઈમ ફિલ્મ બનાવવા માગે છે એ બાબતમાં સ્પષ્ટ નથી. ક્યારેક રિયાલિસ્ટિક તો ક્યારેક કમર્શ્યલ, ક્યારેક આર્ટીશાર્ટી તો ક્યારેક ડેવિડ ધવન ઈશ્ટાઈલ, ક્યારેક અધકચરાં પાત્રો તો ક્યારેક બિનજરૂરી લાંબાં દ્રશ્યો, ક્યારેક ફાલતુ હ્યુમર તો ક્યારેક હસ્યાસ્પદ તત્વચિંતન.

આ ફિલ્મનું સંગીત અને પાર્શ્વસંગીત એકમાત્ર જમાપાસું છે– લગ્નમાં જમવા ગયા હો અને કેસરબદામપિસ્તાઈલાયચીયુક્ત  શીખંડ, માત્ર શીખંડ જ, દોઢ કિલો જેટલો તમારી થાળીમાં પીરસવામાં આવે અને તમને જમવામાં જેટલો આનંદ, સંતોષ થાય એટલો જ ‘કમીને’ જોવામાં આવે છે. ગુલઝારસાહેબ પરમ પૂજ્ય છે, પરમ આદરણીય છે. એમના વિશે કશુંય ઘસાતું લખતાં જીવ નથી ચાલતો. ‘કમીને’નાં ગીતોનું સર્જન કરવામાં એમને મઝા આવી હોય તો એ મઝા એમને મુબારક.

સારી સ્ક્રિપ્ટ હાથમાં ન આવે ત્યાં સુધી, ગમે એટલો મોટો પ્રોડ્યુસર મળી જાય કે મોટાં હીરોહીરોઈન સાઈન થઈ જાય તો પણ, ફિલ્મ બનાવવી ન જોઈએ એવું ફિલ્મ સર્જકો ક્યારે સ્વીકારશે? સવાલ પ્રેક્ષકોના પૈસા-સમયનો નથી. અમે તો દીવાના છીએ. સો-બસો રૂપિયા કે અઢી-ત્રણ કલાક અમારા માટે જીંદગી આખીના સંદર્ભમાં કોઈ માયનો નથી રાખતા. પણ સાહેબ, તમારી તો સમગ્ર ગુડવિલ અને કરિયર– બેઉ સ્ટેક્સ પર મૂકાય છે.

કમીને’ નું ફાઈનલ રેટિંગ:

11 comments for “‘કમીને’: ફાહિદ કપૂર અને વિફાલ ભારદ્વાજનું ફુરફુરિયું

 1. Amit Panchal
  August 14, 2009 at 1:49 PM

  Kaminey requires patience and attention but the pay off is more than worth it.

 2. pravin
  August 14, 2009 at 4:59 PM

  Thanks

 3. jay vasavada
  August 15, 2009 at 2:33 AM

  કમિને noir dark satire જોનરની ફિલ્મ છે.આવિ ફિલ્મો નાના સ્કેલ પર આપણે ત્યાં બહુ બની છે. પણ ઓછી જોવાઇ છે. એક ચાલિસ કિ લાસ્ટ લોકલ, સન્કટ સિટી મુસાફિર, ૯૯, વૈસા ભી હોતા હૈ પાર્ટ ટુ, ઇસ રાત કિ સુબહ નહિ, ઓયે લકી ઓયે, લવ કે લિયે કુછ ભી કરેગા…શ્રીધર રાઘવન્ કે અનુરાગ કશ્યપ્ કે પછી ક્વાન્ટિન ટેરેન્ટીનો બનાવે છે એ પ્રકારની new age ફિલ્મોમાં વિશાલની એક ઉમદા પેશ્કશ્ કમિને છે.આવી ફિલ્મો હોલીવુડ માં ઓછી બને છે-બોરાટ કે લિટ્લ મિસ સનશાઇન જેવા અપવાદો સિવાય પણ ઇરાન, મેક્સીકો, કોરિઆ, ઇટાલી, જર્મની, જાપાન, સ્પેન વગેરે દેશોમાં ખુબ બને છે..

  • Hetal
   August 15, 2009 at 4:49 PM

   જય સર
   મારા જેવા વાચકો આ subject પર વધારે જાનવા માગતા જ હેશે . તમારા special review માટે wait કરિયે છે

   • jay vasavada
    August 16, 2009 at 8:17 PM

    હા હેતલ, આવતા રવિવારે..સ્પેક્ટ્રોમાં…

    • Hetal
     August 17, 2009 at 11:46 AM

     Thank you sir 🙂

 4. jay vasavada
  August 15, 2009 at 3:12 AM

  કમિને જુદા જ ગ્રામરની ફિલ્મ છે. જેમ શરબતના માપદન્ડથી શરાબ ન ચાખી શકાય્ એવું જ ક્ંઇક્. એડિટિંગ , લાઇટિંગ, પટકથા…બધી જ રિતે એનું non linear structure n intertextual tribute n spoofy absurdity of characterisation etc ઉત્તમ છે..આવો પ્રયાસ ‘ટ્શન્ માં થયેલો, પણ એ સફ્ળ નહોતો…કમિને કે દેવ ડી. એનાથી ઘણી વધુ accomplished product છે…if not the best or nevrbefore…

 5. sudhir patel
  August 15, 2009 at 7:37 AM

  સ નો ફ કરીને રિવ્યુનું શિર્ષક આબાદ બાંદ્યું છે! ફિલ્મ નહીં જોઈએ, પણ રીવ્યુનો આનંદ માણ્યો.
  સુધીર પટેલ.

 6. Urvin B Shah
  August 15, 2009 at 4:37 PM

  એક પર એક ફ્રી! રવિવારે ગુ.સ. નથી વંચાવાનું, આજે જયબાબુ મળી ગયા. સાહેબો, સંતોશ સિવનની બીફોર ધ રેઈન જોઇ? વધારે વાચવુ ગમશે.

  • jay vasavada
   August 16, 2009 at 8:18 PM

   નથી જોઇ.. જોવી છે…આભાર્..

 7. mahesh
  February 3, 2010 at 5:19 PM

  કમિને જોવી હતી પણ હવે રીવ્યુ વાંચ્યા બાદ નથી જોવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *