‘લવ આજકલ’: ફરી એકવાર-૨

(‘લવ આજકલ’: ફરી એકવાર વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો)

‘યે દૂરિયાં’ ગીત વખતે નંબર પડે છે. (ફિલ્મના ટાઈટલ્સ આવે એને ગામમાં અમારા જમાનામાં આ રીતે એક્સપ્રેસ કરતા — નંબર પડે છે). ટાઈટલ્સ વખતે ફિલ્મના આગામી દૃશ્યોની ઝલક જોવા મળે છે. આ દૃશ્યો મુખર નથી. એટલે જ કૌતુક ઊભું કરે છે.

સાંજે પાંચ વાગ્યે સૈફ-દીપિકા કૉફી હાઉસમાં મળે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં રિશી કપૂર એની સ્ટાફર બાર્બરાને સૂચના આપી રહેલા દેખાય છે. સૈફ-દીપિકાને ખબર છે કે શું કામ મળી રહ્યા છે. પ્રેક્ષકને માત્ર આછો અંદાજ છે અને આશા છે કે જે ધારીએ છીએ એવું ના થાય તો સારું.

સૈફનું પાત્ર ‘જબ વી મેટ’ની કરિના જેવું છે. બહુ બોલે છે. દીપિકા ‘જબ વી મેટ’ના શાહિદની જેમ કમ્પેરેટિવલી ખામોશ વ્યક્તિત્વ ધરાવે છે. વાત કરતાં કરતાં દીપિકા સૈફનો હાથ પોતાના બે હાથ વચ્ચે દબાવી લે છે. સૈફ ઈમોશનલ થવાની અણી પર છે પણ વાત ફંટાવી દેતાં કહે છે –‘યે સાલી ટ્રાફિક… પાર્કિંગની જગ્યા પણ નથી મળતી. ગાડી કો જેબ મેં લેકે ઘૂમે ક્યા?’

દીપિકા અહીં એક સરસ વાત કરે છે — ‘સારે કપલ સમજતે હૈ કિ વો સ્પેશયલ હૈ — મતલબ વો ઉતને હી સ્પેશયલ હૈ જિતને દૂસરે કપલ…’

સૈફ કહે છે કે તું તો જઈશ ઈન્ડિયા, પાછી પણ નહીં આવે.. નેટ પર ચૅટ કરીશું, એકબીજાને મેઈલ કરીશું, કૉલ કરીશું…

અને બેઉ જણ સહમત થાય છે કે હવે ઝઘડા થશે તો કેવા? તું નિયમિત મેઈલ નથી કરતો, ફોન નથી કરતો.. આ વખતે દીપિકા કહે છે કે અએકબીજાનું જે સારું પાસું છે તે તો આપણી પાસે નહીમ હોય, હશે આ ઝઘડા…
આ વખતે બેકગ્રાઉન્ડમાં રિશી કપૂર એક ક્લાયન્ટને કહે છે — મે’મ તમે અમારી જિન્જર કૂકીઝ ટ્રાય કરી છે? ઈટ્સ અ હાઉસ સ્પેશ્યાલિટી.

સૈફ છેવટે કહે છે કે હમેં બ્રેકઅપ કર લેના ચાહિએ, તુમ્હેં ક્યા લગતા હૈ?

દીપિકાના એક્સપ્રેશન્સ જબરદસ્ત છે. એ નથી ઈચ્છતી કે બ્રેકઅપની વાત થાય. પણ સૈફના પ્રપોઝલ પછી મનોમન નિર્ણય બદલી નાખે છે — ‘હા, મને પણ એવું જ લાગે છે…’

સૈફને હાશ થાય છે. પૂછે છે — ‘તું પણ એવું જ વિચારીને આવી હતી?’

‘ક્યા ફરક પડતા હૈ?’ દીપિકા બોલે છે. એ જુઠ્ઠું નથી બોલતી કે હા, હું પણ પહેલેથી જ બ્રેક-અપનું વિચારીને આવી હતી. એ એવું પણ કહેવા નથી માગતી કે હું તો નહોતી ઈચ્છતી પણ તારી મરજી છે તો ભલે, બ્રેક-અપ કરી લઈએ.

મૈં તુમ્હેં બહોત.. પૂરી તરહ મિસ કરનેવાલા હું’ સૈફ કહે છે. દીપિકા ડચકારો કરીને આંખ મીંચે છે અને કહે છે — ‘મને ખબર છે…’ દીપિકા સારી અભિનેત્રી છે, જો કોઈ સારો દિગ્દર્શક એને મળે તો, ઈમ્તિયાઝ અલી જેવો, એની પ્રતીતિ હવે ખાતરીમાં પલટાઈ જાય છે.

બ્રેક-અપ પાર્ટી પ્લાન થાય છે. ‘તું ઈત્થે કી કરે…’ રિશી કપૂર હાથમાં વાનગીની ટ્રે ઊંચકીને સ્ટાફને સૂચના આપે છે પણ એમનો ચહેરો દેખાતો નથી. આમ કુલ ચાર દૃશ્યો રિશી કપૂરનાં થયાં — બિલકુલ સબડ્યુડ.

પાર્ટીમાં ડાન્સ કરતી વખતે અને એ પછીની વાતમાં જ્યારે સૈફ કહે છે, ‘ફરી મળીશું, તું વેકેશનમાં લંડન આવીશ ત્યારે… ટચમાં રહીશું.. ઈન્ટરનેટ, ઈમેઈલ, ચૅટ, ચૅટરૂમ, ફોન્સ, એસ.એમ.એસ…’ — આ બેઉ વખતે દીપિકાની આંખો કહ્યા કરે છે કે એ સૈફથી છુટી થવા નથી માગતી. વિદાય લેતી વખતે દીપિકા ભેટી પડે છે. બ્રેક-અપ કન્ફર્મ થઈ જાય છે.

ફિલ્મની પહેલી જ પંદરવીસ મિનિટમાં હીરો-હીરોઈન છુટાં પડી જાય અને હજુ તો બે કલાકની વાર્તા બાકી હોય એવું છેલ્લે કઈ ફિલ્મમાં જોયું હતું? ફ્લૅશબૅકવાળી ફિલ્મો આમાંથી બાદ કરી નાખવાની. યાદ આવે છે કોઈ? મને નથી આવતી.

બ્રેક-અપ પાર્ટી પછી સૈફ એક બ્લેક કૉફીનો ઓર્ડર આપે છે. કિચન બંધ થઈ ગયું છે. કૉફી હાઉસનો માલિક રિશી કપૂર હવે રિયલ એન્ટ્રી મારે છે… — કિચન આપણું જ છે, ખોલી દો… પાર્ટી ચાલુ છે, જેને જે જોઈએ તે મગાવો! અને સૈફ પાસે આવીને પૂછે છે —

‘બ્રેક અપ કર લિયા? ક્યોં?’

‘સર, પર્સનલ મેટર હૈ…’

સૈફને રિશી તરફથી આવી રહેલું એક અજનવબીનું ઈન્ટ્રુઝન ખૂંચે છે. એક તબક્કે તો કહી દે છે, ‘રહેવા દો તમારી કૉફી, નથી જોઈતી’ અને ઊભો થઈ જાય છે.

રિશી એને સંભાળી લે છે. કહે છે કે, ‘તમારા બંનેની ઘણી વાતો મારા કાને પડતી…’ (હવે ખ્યાલ આવે છે પેલી ચાર સબડ્યુડ એન્ટ્રી શા માટે દિગ્દર્શકે પ્લાન કરી?) સૈફ સમજતો નથી કે રીશીને શા માટે મારામાં રસ પડે છે. રિશી કહે છે, ‘તુમ મુજે બહોત અચ્છે લગતે હો..’ એટલું જ નહીં સૈફમાં એને પોતાના ભૂતકાળની છાયા દેખાય છે. કહે છે કે મારી જવાનીમાં હું પણ તારા જેવો જ ‘ખતરનાક કિસમનો હૅન્ડસમ’ હતો.

અહીં મારે ફિલ્મની વાત સહેજ અટકાવીને રિવ્યુ વિશે લખવું છે. મારા પહેલા રિવ્યુમાં જે વાત મેં ગોપિત રાખી હતી તે લગભગ બધા જ રિવ્યુઅરોએ પ્રગટ કરી દીધી છે કે રિશી કપૂરના ફ્લૅશબૅકના ટ્રેકમાં રિશીનો રોલ સૈફ (શીખ વીર સિંહનો, દાઢી પઘડી સાથેનો) કરે છે. ફિલ્મ જોતાં પહેલાંની ક્યુરિઓસિટી વેલ્યુ આને કારણે ખતમ થઈ જતી હોય છે. રિવ્યુમાં આખી વાર્તા ખોલીને મૂકી દેવાની ના હોય. દિગ્દર્શકની ખૂબીઓને વખાણવા માટે ફિલ્મની આવી મધુરતાઓ રિવ્યુમાં ઠાલવી દેવાની ના હોય. કેટલાક અંગ્રેજી રિવ્યુમાં તો ફિલ્મના અંતે રિશી કપૂરની વાઈફ હરલીન કૌર તરીકે નીતુ સિંહ ત્રીસ સેકન્ડના સ્પેશયલ એપિયરન્સમાં આવીને દિગ્દર્શકે પ્રેક્ષકોને સુખદ સરપ્રાઈઝ આપ્યું છે એવું પણ જણાવી દેવાયું! આવી બધી વાતો કહીને ફિલ્મના ફ્રેશ, વર્જિન એક્સપિરિયન્સમાંથી કશુંક ઓછું કરી નાખીશું એવો વિચાર સુદ્ધાં ફિલ્મસમીક્ષકોને નથી આવતો. હું પણ અત્યારે આ લખીને જેમણે ‘લવ આજકલ’ હજુ સુધી જોઈ નથી કે એવા રિવ્યુ પણ નથી વાંચ્યા એમનો ગુનેગાર બનું છું. પણ એક તો આ મારો ફ્રાઈડે ફર્સ્ટ શોનો રિવ્યુ નથી. બીજીવારનો, અલમોસ્ટ અઠવાડિયા પછીનો રિ-રિવ્યુ છે. બીજું, મને જે વાત ખટકતી હતી તે મારે તમને કહી દેવી હતી કે આવી રીતે વાચકોની મજા બગાડી નાખવાનો રિવ્યુઅરને હક્ક નથી અને મેં ભૂતકાળમાં નવા રિલીઝ થયેલા ફિલ્મ-નાટક-પુસ્તકના રિવ્યુમાં ક્યારેય એવું કર્યું નથી કે કરવાનો પણ નથી. વેલ આ વાત અહીં પૂરી. ‘લવ આજકલ’ની વાત ચાલુ છે.

રિશી કપૂરના આગ્રહથી સૈફ રિશીની કારમાં બીજે દિવસે એરપોર્ટ જાય છે. અધરવાઈઝ સૈફ નહોતો જવાનો. દીપિકા કહે છે, ‘મને હતું જ તું આવશે મને વિદાય કરવા.’ પછી દીપિકા રિશીને પૂછે છે, ‘અંકલ એવું કેમ હશે કે…’ નહીં એ ડાયલોગ હિન્દીમાં જ વાંચો, ‘ચાહે જિતની બાર બાય કહ દિયા હો, જાને સે પહલે એક આખરી બાર મિલના ઝરૂરી ક્યોં હોતા હૈ…’

અને એરપોર્ટ પર સ્ટીમ એન્જિનના અવાજો સંભળાય છે. રિશી કપૂર યાદ કરે છે. હરલીન દિલ્હી છોડીને હાવડા મેલમાં કલકત્તા જતી હતી. દિલ્હી કેન્ટોન્મેન્ટના સ્ટેશન પર દોડી રહેલો યુવાન વીર સિંહ યાને કિ રેટ્રોલૂક ધરાવતો સૈફ.

વાત બાકી છે.

5 comments for “‘લવ આજકલ’: ફરી એકવાર-૨

 1. jaywant pandya
  August 13, 2009 at 11:53 PM

  તમારો આ રિ-રિવ્યૂ વાંચીને, તમે જે લહેકાથી આ લવસ્ટોરી વર્ણવી, સૌરભભાઈ, તે પરથી જૂની યાદ તાજા થઈ આવી. એ ટીનએજનો ગાળો હતો. ૯૧-૯૨નું વર્ષ. ‘અભિયાન’ (જેમાં હું અત્યારે કામ કરું છું)માં તમે લવસ્ટોરીની હરીફાઈ રાખી હતી. દર વખતે એક લવસ્ટોરી આવે ને પછી અંત સસ્પેન્સ. અંત ન હોય. નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા હોય. અને સિચ્યુએશન પર કઈ શાયરી બંધ બેસે છે તે પણ એકાદ પ્રશ્નમાં પૂછ્યું હોય.
  એ શાયરી પરથી જ તો ખબર પડી હતી કે ‘દિલ હૈ કિ માનતા નહીં’માં ‘તૂ પ્યાર હૈ કિસી ઔર કા’ એ શાયરી મૂળ કંઈક પાકિસ્તાની શાયરની છે (નામ યાદ નથી). પણ એ બહુ મજેદાર સિરિઝ હતી. આવું કંઈક અહીં…?

 2. jay vasavada
  August 14, 2009 at 2:52 AM

  હ્મ્મ્મ્મ્…જામે છે…btw, થિયેટરમાં એક્લા ફિલ્મ જોવાન જલ્સા મેં બહુ કર્યા છે..ક્યારેક્..મારા જ કિન્નર જેવ મિત્રો નિ સથે..દો દેીવાને શહર મેં…;)

 3. SALIL DALAL(TORONTO)
  August 14, 2009 at 5:09 AM

  સૌરભભાઈ, યાદ આવે છે ‘સંવાદ’નો ઇન્ટરવ્યુ?
  તેમાં નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલની ફિલ્મ ‘ચક્ર’સળંગ ત્રણ શો; ૧૨ થી ૩, ૩ થી ૬ અને ૬ થી ૯,માં જોયાની અને પછી રાત્રે નસીરને મંચ ઉપર બે અંગ્રેજી નાટકોમાં એક્ટિંગ કરતા જોયા માણ્યાની મેં વાત કરી હતી.
  પણ ફિલ્મો માટેના ગાંડપણની એ શરૂઆત નહતી. તમારી ‘લવ આજકલ’ વિષેના ગાંડપણની વાત વાંચીને….. ‘આયા હૈ મુઝે ફિર યાદ વો જાલીમ, ગુજરા ઝમાના બચપન કા… .’ (એટલે કે ઠેઠ ૧૯૬૭ના દિવસો)
  બરાબર એસ.એસ.સી.ની ફાઈનલ પરીક્ષાના દિવસો અને મેટીની શોમાં ‘નયા દૌર’ જોયું અને દિલીપ કુમારની એક્ટિંગથી એટલા બધા પ્રભાવિત (ના ના ખરેખર તો મોહિત!) થઇ જવાયું કે ત્રણના શોમાં નવું આવેલું ‘રામ ઔર શ્યામ’ પણ જોયું. પછી તો એ ક્રમ સળંગ ચાર દિવસ ચાલ્યો. રોજ ૧૨ થી ૬ સુધી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણા રામ દિલીપ સા’બના સાનિધ્યમાં હોય!
  ત્યારે થીયેટર સિવાય કોઈ રીતે ફિલ્મ જોવાની સગવડ નહિ. ફિલ્મના ‘લવ’ માટે ‘આજકલ’ ઉપલબ્ધ વિકલ્પો કેટકેટલા છે……સી ડી , ડીવીડી , ઓન લાઈન…. છતાં તમે થીયેટરમાં વારંવાર કોઈ પિક્ચર જોવા જાવ છો એ તે માધ્યમ પ્રત્યેનો લગાવ વધુ મક્કમતાથી વ્યક્ત કરે છે અને તેથી આ તો સમસુખીયાનો નાનકડો રાજીપો જ છે!
  જય સિનેમા!!

 4. pravin
  August 14, 2009 at 4:49 PM

  સૌરભભાઈ, “નંબર પડે છે” આ એક જ વાક્યથી ભુતકાળનાં દીવસો યાદ આવી ગયા, તમારો રીવ્યુ મજેદાર હતો અને રી રીવ્યુ કદાચ તેના કરતા પણ ચઢીયાતી રીતે ફીલ્મ જોવાની ઉત્કંઠા જગાવે તેમ છે, આભાર અને અભિનંદન

 5. jay vasavada
  August 15, 2009 at 2:38 AM

  salilbahi, i feel wat u feel :P…i have done like this often, just today 1 on dvd n 2 in cniema hall em 3 films joi..its normal natural routine for us..:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *