‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ ૭ કેમ ડીલે થયું?

ગયા બુધવારે રક્ષાબંધનનો દિવસ હતો. એના ચાર દિવસ પહેલાંના શનિ-રવિ-સોમ સુરત-નાસિક-કલ્યાણ-મુંબઈ જઈને પાછો આવ્યો . સુરતમાં અમારા જૂના કૌટુંબિક મિત્ર ડૉ. પ્રવીણભાઈ શાહ, ડૉ. માલતીબહેન શાહ અને એમનાં પુત્રી ડૉ. રૂપલ શાહને મળ્યો. પ્રવીણભાઈને મળીને આંખ ભરાઈ આવી. એમની ૬૦મી વર્ષગાંઠે સુરતના ગાંધી સ્મૃતિ સભાગૃહમાં પાર્થિવ ગોહિલનાં ગીતોનો સંગીત જલસો કર્યો હતો. પ્રવીણભાઈની ૭૦મી વર્ષગાંઠ આવી રહી છે. એથીય મોટો જલસો કરી શકીએ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ૭૦મી જ નહીં, ૭૫મી અને ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી શકીએ એવું ઈશ્વર પાસે માગું છું. મહાવીર હોસ્પિટલના સાતમા માળની લૉબીની લિફ્ટ પાસે માલતીબેન અમને વળાવી રહ્યાં હતાં ત્યારે સૌની આંખો ભીની હતી.

સુરતથી નાસિક જતાં સાપુતારા થઈને જવું પડે. સાંજ ઢળતી હતી. ચાનો સમય વીતી ગયો હતો. સાપુતારાના લેક પાસે ધુમ્મસ છવાયું હતું. ઝરમર વરસાદ હતો. મુંબઈ-ગુજરાતથી સહેલાણીઓનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એ સૌએ વીકએન્ડ સાપુતારામાં મનાવવાના ભવ્ય પ્લાન્સ બનાવ્યા હશે. અમને કોઈ ભવ્ય પ્લાન બનાવ્યા વિના તદ્દન ફોગટમાં કુદરતની મહેર માણવા મળી!

લેકની સામે રાજસ્થાની ચા અને અમેરિકન મકાઈ (દેશી મકાઈ ક્યાં ખોવાઈ ગઈ? કોનું કાવતરું છે આ) ખાઈપીને આગળ વધ્યાં.

બીજે દિવસે નાસિકમાં બહેનને ત્યાં પપ્પા-મમ્મીને મળ્યો. ઓપરેશન પછી પપ્પાની તબિયત સુધારા પર છે. બે કલાકની વાતોમાં અનેકવાર પપ્પા ખડખડાટ હસે છે. વજન ઓછું થઈ ગયું છે. જીવવાનો ભાર પણ હળવો કરી નાખ્યો છે. જીવન આખું જે વાંચ્યું-વિચાર્યું તેનો નિષ્કર્ષ એમને પ્રસન્ન રાખે છે.

સાંજે નાસિકથી કલ્યાણ અને બીજે દિવસે કલ્યાણથી મુંબઈ. મિત્રોને, જૂના અને અડીખમ રહેલા મિત્રોને, મળવા જેવું સુખ દુનિયામાં બીજું એકેય નથી. સોમવારે સાંજે મેઘાને મુંબઈ એના ઘરે મૂકીને મધર-ઈન-લૉની વિદાય લીધી ત્યારે મારો ડૉગ-ઈન-લૉ મને ગાડી સુધી નીચે વળાવવા આવ્યો. એનું નામ સ્કૉચ છે. મેઘાના ભાઈએ આ નામ રાખ્યું છે જે અત્યારે લેહ-લદ્દાખના પ્રવાસે ગયો છે . સ્કૉચની ફ્રેન્ડ લઈશું તો એનું નામ વ્હીસ્કી રાખીશું એવું એ કહે છે. પણ મેઘાનાં મમ્મી આઈસ્ક્રીમનાં શોખીન છે. એ સ્કોચના નવા સાથીનું નામ બટર રાખવા માગે છે.

સ્કોચ પાંચ વર્ષનો થઈ ગયો છે અને મને બરાબર જાણે છે એટલે વહાલ કરવા નજીક આવે છે. મને એના વહાલનો પણ ડર લાગે છે. એ કદાવર છે. બચ્ચનજીએ પોતાના ગ્રેટ ડેન સાથેનો ફોટો એમના બ્લૉગ પર મૂક્યો હતો. સ્કોચ પણ ગ્રેટ ડેન છે. એ બેઉ પગે ઊભો થઈ જાય તો મારા કરતાં ઊંચો લાગે. સ્કોચ પ્રાઈવસીમાં માને છે. એનો ફોટો બ્લૉગ પર મૂકવાની મને એણે ના પાડી છે.

સોમવારે સાંજે પોણા પાંચ વાગ્યે મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યો. અમારા ભરતભાઈ એક કુશળ ડ્રાયવર હોવા ઉપરાંત સારી કંપની પણ છે. સવાદસ વાગ્યે ભરૂચ પહોંચી ગયા. હાઈવે પર ‘પાવનરાજ’માં કાઠિયાવાડી ભોજન. એના માલિક અને માલિકપુત્ર અમારા સ્નેહી છે. આગ્રહ કરીને જમાડે છે.

હાઈવેની યાત્રા મને હંમેશાં ગમે છે. ભરૂચથી વડોદરા વચ્ચે ત્રણ નવા બ્રિજ તૈયાર થઈ ગયા છે. પોણો કલાકમાં જ રસ્તો કપાઈ ગયો. વડોદરા-અમદાવાદનો એક્સપ્રેસ હાઈ-વે સડસડાટ ડ્રાઈવિંગ માટે સલામત છે. એક વાગ્યે અમદાવાદ શહેરમાં પ્રવેશી ગયા. ત્રણેક વર્ષ અગાઉ હું અને ભરતભાઈ માત્ર સાત કલાકમાં મુંબઈથી અમદાવાદ આવ્યા હતા.

આ વખતના લંબાઈ ગયેલા વીક-એન્ડની ફળશ્રુતિરૂપે હન્ડ્રેડ પર્સેન્ટ સંતોષ મળ્યો. લગભગ ૬૫ કલાકની ટોટલ યાત્રાના ૩૦થી ૩૨ કલાક, અલમોસ્ટ અડધોઅડધ, કારમાં ગાળ્યા. બીજા દિવસે એક જ કામ કરવાનું હતું. આરામ. ‘મારા જેલના અનુભવો’નું ૭મું પ્રકરણ અપલોડ કરવાનું મુલતવી રાખવું પડ્યું તે આ વીક-એન્ડને કારણે.

પણ ત્રીજા દિવસે એટલે કે બુધવારે રક્ષાબંધનના દિવસે, મેં જે કર્યું તે નર્યું ગાંડપણ હતું. ટોટલ મેડનેસ, ભયંકર પાગલપન.

એની વાત પછી.

3 comments for “‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ ૭ કેમ ડીલે થયું?

 1. M.D.Gandhi, U.S.A.
  August 12, 2009 at 10:32 PM

  આજેજ આ લેખમાળા વાંચવાનું શરુ કર્યું છે.

 2. pravin
  August 17, 2009 at 10:38 AM

  પ્રકરણ ૮ કેમ ડીલે થયું? પ્રભુ, અમે જેલ યાત્રાનાં અનુભવોનાં બંધાણી થઈ ગયા છે, એટલે કૃપા કરીને પ્રકરણ ૮ મુકો

 3. djvakil45
  August 29, 2009 at 6:04 PM

  of course there is a point in your reasoning.. we have to honour your honour sir.. but we wish that this should not happen again as we are impatient without your jailpravas story..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *