ફિલ્મો જોવી અને રિવ્યુ લખવા

શોટગન મુરુગન

`ઓમ શાન્તિ ઓમ’માં જુનિયર આર્ટિસ્ટનો રોલ કરતો  શાહરૂખ ખાન સુપર સ્ટાર દીપિકા પદુકોણને ઇમ્પ્રેસ કરવા શોટગન મુરુગન બનીને બનાવટી શૂટિંગ કર્યા પછી દીપિકાને કહે છે: ‘મેરે કો શૂટિંગ કે બારે મેં હર ચીઝ અચ્છી લગતી હૈ – ઍક્શન, લાઇટ્સ, કૉશ્ચ્યુમ, ઑટોગ્રાફ…’

હિન્દી ફિલ્મો જોવાની બાબતમાં અમને બધું જ ગમે છે – મોટો પડદો, ડૉલ્બી સાઉન્ડ, થિયેટર્સ, પોસ્ટર્સ, ઇન્ટરવલ, ઑડિયન્સ – બધું જ.

ફિલ્મ ગમે તેવી હોય (એટલે કે ના ગમે તેવી હોય તો પણ), ફિલ્મ જોવાનો અનુભવ દર વખતે ગમે છે. ફિલ્મો જોવી એ મારા માટે ટાઇમ પાસ નથી, વ્યવસાય પણ નથી, પૅશન છે. અને હિન્દી ફિલ્મસંગીત વિશે હું લખી ચૂક્યો છું કે આ ગીતો દરેક ભારતીયની ન લખાયેલી રોજનીશીનાં પાનાં છે.

‘ઉપકાર’ અને  ‘આનંદ’  જેવી ફિલ્મો  રિલીઝ થતી તે જ અઠવાડિયે જોવાતી થઈ ગઈ હતી. સ્કૂલમાં હતો ત્યારે ડાયરી લખતો. કઈ ફિલ્મ, ક્યારે જોઈ, ક્યાં જોઈ એની નોંધ રાખતો  (ના, કોની સાથે જોઈ એની નોંધ રાખવી પડે એટલી ઉંમર નહોતી). દસમું પાસ કર્યા પછી ફિલ્મો જોયાની નોંધ કરવી વગેરે બાલિશ લાગવા માંડ્યું એટલે એ બધી ગણતરીઓ છોડી દીધી અને ફિલ્મો જોવાનું બમણા જોરથી શરૂ કરી દીધું.

સ્કૂલમાંથી કૉલેજમાં પ્રવેશતાં પહેલાં ‘ભુવન શોમ’, ‘અંકુર’ જેવી આર્ટ ફિલ્મો ગમતી થઈ ગઈ હતી. આ ટ્રેન્ડનો ખોટો લાભ ઉઠાવવા લાગેલાઓને પણ પાછળથી ખૂબ ઓળખ્યા. કૉલેજના દોસ્તારોને બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મો જોવામા રસ ના હોય એટલે એકલા જ ‘મિનરવા’ વગેરેમાં ગુરુદત્ત કે દેવ આનંદની ફિલ્મો જોવાતી. આ રીતે શરૂ થયેલી ફિલ્મ યાત્રા મને ૨૨ વર્ષની ઉંમરે ‘ચિત્રલેખા’માં  ફિલ્મોના રિવ્યુ લખતો કરી દેશે એની કલ્પના પણ મને નહોતી!

વધુ કાલે.

1 comment for “ફિલ્મો જોવી અને રિવ્યુ લખવા

  1. Pancham Shukla
    July 27, 2009 at 4:09 PM

    ‘લક’નો રિવ્યુ, એના ઉપરની ચર્ચા અને આજે આ બેક્ડ્રોપ બધું જ મારા માટે સાવ નવું જ છે. કોઈ અગોચર કેડે ઊગેલી લીલી દુર્વાની ઘ્રાણજ સુગંધના સળવળાટ જેવું માદક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *