મારા જેલના અનુભવો – ૬

‘બૅરેકમાં રાત્રે ધાબળો ઓઢાડીને તમને ખૂબ મારશે’

Sabarmati Central Jailભરતે મને એની પાસે બોલાવીને સલાહ આપી એ દરમ્યાન બપોરના ભોજનનો સમય થઈ ગયો હતો. હું હજુ નવી બૅરેક્સના યાર્ડમાં હતો. કઈ બૅરેકમાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નહોતું. જેલના રસોડામાંથી દાળનું કેન, બટાકાના શાકનું કેન અને રોટલીની થપ્પીઓ તથા ભાતનો ઢગલો મૂકેલી મોટી એલ્યુમિનિયમની ટ્રે આવી ગઈ હતી. ખાવા માટેની થાળીઓ નવા આવેલા કાચા કેદીઓ પાસે નહોતી એટલે બધાને રોટલીની ઉપર શાક નાખીને પીરસવામાં આવ્યું. બનાવટી પાસપોર્ટ પર શારજાહ જતાં પકડયેલો શ્રેણુ અને એનો દોસ્ત અશોક પોતાનું જમવાનું લઈને મારી પાસે આવ્યા. અશોકે ભાંગેલી હિન્દીમાં કહ્યું,

‘સા’બ, ખાના…’

મને કકડીને ભૂખ લાગી હતી. મજબૂરીથી થઈ રહેલા ઉપવાસનો ચોથો  દિવસ ચાલી રહ્યો હતો. પણ ભોજન જોઈને ભૂખ મરી જતી હતી.

‘નહીં, ભૂખ નહીં…’ મેં કહ્યું. એ બન્ને મહદેવના ઓટલે બેસી જમવા માંડ્યા. મારે પાણી પીવું હતું . નજીકમાં ક્યાંય પીવાના પાણીની વ્યવસ્થા દેખાતી નહોતી. નવા કાચા કેદીઓ  ભોજન પતાવી નજીકના નળ પર જઈ હાથ ધોઈને એ જ નળમાંથી પાણી પી લેતા હતા.

*                                                                        *                                                                   *

કલાકેક પછી ભરત પાછો આવ્યો. આ વખતે ભરતની સાથે વીસ-બાવીસ વર્ષનો એક યુવાન હતો. એના હાથમાં પાણીની બોટલ હતી. સેવન-અપની ખાલી થઈ ગયેલી પ્લાસ્ટિકની બોટલ પર કપડું સીવીને એના પર પાણી છાંટી અંદરનું પાણી  ઠંડું રહે એવી ટ્રક-ડ્રાઈવરોવાળી વ્યવસ્થા એણે પોતાના માટે કરી લીધી હતી. મેં લગભગ વીસ કલાક પહેલાં કોર્ટરૂમમાં પાણી પીધું હતું. ભરતે એ છોકરા સાથે મારી ઓળખાણ કરાવી,

‘આ આકાશ છે. એની ઓફિસમાં કોઈકે ફ્રોડ કર્યો અને આળ એના પર આવ્યું…’

મેં આકાશ સાથે હાથ મિલાવીને તરત જ એને પૂછ્યું,

‘મને તારી બોટલમાંથી એક ઘૂંટડો પાણી આપશે?’

એણે મને બોટલ ધરી દીધી. મેં વિવેકમાં માત્ર એક જ ઘૂંટડો પાણી પીને બોટલ પાછી આપી દીધી. થોડી વાર રહીને ફરી એની પાસે પાણી માગ્યું. આ વખતે બે-ત્રણ મોટા ઘૂંટડા પી લીધા.  તરસ મટતી નહોતી. આકાશ અને ભરત વાતોએ વળગ્યા હતા. મારું ચિત્ત આકાશની બોટલમાં હતું. મેં ફરી બોટલ માગી અને પૂછ્યું,

‘બધું પાણી પી જઉં?’

આકાશે હસીને કહ્યું, ‘પી જાઓ, ખાલી થઈ જશે તો બીજું ભરી આપીશ તમને…’

એ પછીના અડધા કલાક દરમ્યાન આકાશ મારા માટે ત્રણવાર બોટલ ભરી આવ્યો. ત્રીજીવાર મને કહે,

‘સૌરભભાઈ, તમારે જેટલું પાણી પીવું હોય એટલું પીઓ. પણ જેલના પાણીથી તરસ નહીં છિપાય અહીં પાણીને ચોખ્ખું કરવા કેમિકલ નાખે છે…’

હું આકાશની સામે કોરી નજરે જોઈ રહ્યો. એને ખબર નહોતી કે મેં છેલ્લે ક્યારે પાણી પીધું હતું.

ક્યાંકથી  વોર્ડર આવી ચડ્યો. ભરતને ધમકાવવા માંડ્યો,

‘અહીં વાતો નહીં કરો. આમને એમની જગ્યાએ જઈને બેસવા દો. પેટી કારકૂનને કામ કરવા દો…’

ભરતે મને કહ્યું, ‘આ પેટી કારકૂન  આજના નવા કેદીઓને બૅરેકની ફાળવણી કરશે. આમ તો તમને છ નંબરમાં જ મોકલશે… પણ કંઈ કહેવાય નહીં…’

મેં પૂછ્યું, ‘તમે બંને ક્યાં છો ?’

‘અમે ત્રણ નંબરમાં છીએ… તમને ત્યાં નહીં ફાવે,’ ભરતે જતાં જતાં કહ્યું.

હું પાછો નવા કેદીઓની બબ્બેની જોડીમાં ઊભડક બેસી ગયો.

k

નવી બૅરેકમાં આવેલા શંકર મંદિર તરીકે ઓળખાતા મહાદેવના ઓટલાની બાજુમાં બૅરેકની પેટી એટલે કે નાનું ઢાળિયું મૂકેલી વહીવટી જગ્યા છે. ગૂગલ-અર્થના સૌજન્યથી મળેલી આ તસવીરમાં જામરના ટાવરવાળું ત્રિકોણિયા મેદાન બતાવતા લાલ તીરની દાંડીની ડાબી તરફના સફેદ ચોરસ જેવા વિસ્તારમાં ગાંધી ખોલી છે, સરદાર યાર્ડ એની ઉપર છે.

અડધોએક કલાક થયો હશે. દરેક નવા કેદીને પેટી કારકૂન બૅરેક ફાળવીને એક જાડો ધાબળો અને સ્ટેનલેસ સ્ટીલની એક થાળી આપીને ચોપડામાં અને લાલ કાર્ડમાં નોંધણી કરતો હતો. મારો વારો આવવાની હજુ વાર હતી. પેટી કારકૂનની બાજુમાં ઊભેલા એક જૂના કેદીએ મને નામથી બોલાવ્યો,

‘સૌરભ શાહ ?’

‘હા…’

‘ત્યાં કેમ બેઠા છો ? અહીં પાળી પર આવો, આરામથી બેસો…’

મેં વોર્ડર તરફ ઈશારો કર્યો. પેલા કેદીએ વોર્ડરને કહ્યું, ‘એમને અહીં આરામથી બેસવા દો.’

વોર્ડરે સંમતિ આપી. હું ઊભો થઈને પેટી પાસે ગયો. જૂના કેદીએ કહ્યું,

‘સવારે મેં તમને જોયા હતા…’

‘ક્યાં?’

‘તમે ઈન્સ્પેક્ટર રાઠોડને મળવા આવ્યા હતા… હું એમની સાથે ચાલતો હતો.’

‘હં…’

‘મારું નામ હેમંત નગીનદાસ મોદી.’

મેં એની સાથે હાથ મિલાવ્યા અને પૂછ્યું,

‘તમે એ જ એડવોકેટ હેમંત મોદી જેમના પર ખૂનનો આરોપ છે અને હમણાં જ તમે મેજિસ્ટ્રેટની એક્ઝામ પાસ કરી… છાપામાં વાંચ્યું છે તમારા વિશે…’

‘હા, એ જ. લેખિત પાસ કરી છે. મૌખિકનું રિઝલ્ટ હવે આવશે.’

‘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તમારા વિશે કાર્ટૂન પણ બનાવ્યું હતું!’ મેં કહ્યું. એક કેદી ચટાપટાવાળો યુનિફોર્મ પહેરીને જજની ઊંચી ખુરશી પર બેઠો હોય એવું ઠઠ્ઠાચિત્ર હતું.

‘ હા,’ હેમંત મોદીએ કહ્યું, ‘જુઓ, તમને હેરાન કરવા અહીંના લોકો  ભળતી જ બૅરેકમાં નાખી દેશે જ્યાંથી બદલી કરાવવાનું મુશ્કેલ થઈ જશે…’

‘કેમ?’ મને સમજ નહોતી પડી રહી કે હેમંત મોદી શું કહી રહ્યો છે.

‘તમને આ લોકો એવી બૅરેકમાં મૂકશે જ્યાં પહેલી જ રાત્રે તમારા પર ધાબળો ઓઢાડીને તમને ખૂબ મારવામાં આવશે.’ હેમંત બોલી રહ્યો હતો. હું ચૂપચાપ સાંભળતો હ્તો.

‘માર્યા પછી તમારા જ હાથે ચિઠ્ઠી લખાવવામાં આવશે.’

‘શેની ચિઠ્ઠી?’

‘તમારા ઘરવાળા પાસેથી પચ્ચીસ-ત્રીસ હજાર રૂપિયા પડાવવાની ચિઠ્ઠી…’

‘મારે શું કામ આપવા પડે?’

‘પ્રોટેક્શન મની. જેલમાં તમને કોઈ હેરાન ના કરે એની ખંડણી…’

‘હું ક્યાંથી લાવું આટલા બધા પૈસા?’

‘તમને જે કેસમાં ફિટ કરવામાં આવ્યા છે તેની અહીં બધાને ખબર હોવાની, છાપામાં બધું જ આવે છે. એટલે કેટલાક કેદીઓ તમારી પાસેથી પૈસા માગશે…’

હું ચિંતામાં પડી ગયો. મારી ધરપકડ કરવામાં આવી ત્યારે મારે ઘર ચલાવવાના સાંસા હતાં અને મિત્રોની મદદથી હું ‘વિચારધારા’ના નવા અંકો પ્રગટ કરવાની તૈયારી કરતો હતો . મારું ટેન્શન વધી ગયું. જેલમાં ધકેલાવાની આપત્તિ ઓછી હોય એમ આ એક નવી મુસીબત ઊભી થઈ રહી હતી. મેં વિચાર કરી લીધો કે મારે શું કરવું છે.

મેં હેમંતને કહ્યું, ‘મને જ્યાં મૂકે ત્યાં, હું  ચિઠ્ઠી લખી આપવાનો નથી.  જે થવાનું હોય તે થાય…’

‘તમને કશું નહીં થાય, સૌરભભાઈ.’ હેમંતે મારો હાથ પકડીને આશ્વાસન આપ્યું. ‘સવારે તમને જોયા પછી મેં અને રાઠોડસાહેબે તમારા વિશે ચર્ચા કરી. તમને અમારી સાથે જ રાખવાના છીએ. પેટી કારકૂનને  વાત કરી  છે. અહીં બૅરેક નંબર છમાં મૂકાવવા માટે બે હજાર રૂપિયાનો રેટ ચાલે છે.’

‘બે હજાર…’

‘નીચેથી ઉપર સુધી વહેંચાઈ જાય… મેં હાએ હા કરીને તમારી ગોઠવણ પાકી કરી લીધી છે… જેલવાળાઓ પત્રકારથી ડરતા હોય છે…’

‘થેન્ક્યુ…’ મેં હેમંતનો કોઈ લાગણી વિના આભાર માન્યો. ખંડણી, બૅરેકની ફાળવણી, ખાયકી- આ બધાંનો અનુભવ એક સાથે થઈ જતાં અનેક વિચારો મારા મગજમાં અટવાતા હતા. આજે રવિવાર હતો. મંગળવારે મારી જામીનઅરજીની સુનાવણી હતી. અડતાળીસ કલાકનો જ સવાલ હતો. કોઈક રીતે આ બે દિવસ જેમ તેમ નીકળી જાય.

હેમંત પેટી કારકૂન સાથે દલીલો કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો. મને આ માણસ ભરોસો કરવા જેવો લાગી રહ્યો હતો. પણ સાથે જ ભરતે આપેલી સલાહ વારંવાર યાદ આવતી હતી: આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા.

થોડી વાર થઈ એટલે હેમંતે મને પૂછ્યું, ‘તમને એન્ટ્રી વખતે એક લાલ કાર્ડ આપ્યું હશે…’

‘હા…’

‘લાવો…’

મેં પાટલૂનના ખિસ્સામાં સાચવીને મૂકેલું પોસ્ટકાર્ડ સાઈઝનું પતકડું કાઢ્યું. સવારે એ મળ્યું ત્યારે જેલરની હાજરીમાં વોર્ડરે કહ્યું હતું કે આને સાચવીને રાખવાનું છે, ખોવાઈ જશે તો બીજું નહીં મળે…

મેં કાર્ડ હેમંતને આપી દીધું. હેમંતે પેટી કારકૂન પાસે એમાં બૅરેક નંબર લખાવી દીધો. કારકૂને કાર્ડની પાછળ પણ કંઈક લખ્યું. બૅરેક ફાળવણીની વિધિ પૂરી થઈ.

હેમંતે કાર્ડ મારા હાથમાં પાછું મૂકતાં કહ્યું, ‘તમને છ નંબરમાં ગોઠવ્યા છે. મારી અને રાઠોડસાહેબ સાથે તમે સલામત છો. બીજા ઘણા ભણેલાગણેલા લોકો છે. તમને વાંધો નહીં આવે. જઈએ ?’

મેં કહ્યું, ‘મારે થાળી અને ધાબળો લેવાનાં બાકી છે.’

‘એની જરૂર નહીં પડે. આપણી પાસે ત્યાં બધી જ સગવડ છે. તમારા કાર્ડની પાછળ  મેં નોંધાવી દીધું છે કે તમે થાળી-ધાબળો નથી લીધાં.’

હું હેમંતની સાથે બૅરેક નંબર છ તરફ ચાલ્યો.

(ક્રમશ:)

‘મારા જેલના અનુભવો’નાં અગાઉનાં પ્રકરણો તેમ જ ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી મુલાકાત સાબરમતી જેલમાં વીતાવેલા ‘એ ૬૩ દિવસો…’ વાંચવા અહીં ક્લિક કરો.

12 comments for “મારા જેલના અનુભવો – ૬

 1. Neha Manoj Joshi.
  July 25, 2009 at 8:47 PM

  Saurabh bhai, this would be really a very difficult condition as every one was a stranger….upon whom one can trust? How could u stay for so many days without food with such a mental strees?

 2. sudhir patel
  July 26, 2009 at 1:39 AM

  આ તો સાવ નવા જ અનુભવની વાત છે – અને એ પણ સૌરભ શાહની કલમે મળશે! આ વાત તો માંડીને સાંભળવી પડશે! આભાર.
  સુધીર પટેલ.

 3. vipul pandya
  July 31, 2009 at 3:10 PM

  Saurabha bhai…jail na tamara anubhav vanchi ne kamkamati vyapi jay chhe…..jo ke mahi padya te mahasukh jane….tamara par kevi viti hase te tame j janta haso…..god bless u sir…..

 4. Chirag Panchal
  August 3, 2009 at 3:05 PM

  aa vakhate part 7 kem vanchva na malyo?

 5. Gaurang Bhatt
  August 4, 2009 at 12:33 PM

  Sir, where is the August 1st episode? No.7.

 6. Andy
  August 5, 2009 at 7:57 AM

  HI,

  When next parts of ” Mara Jail Na Anubhavo” will be published ???

  Eager to read next ones..

  • August 7, 2009 at 8:57 PM

   Chirag, Gaurang and Andy,
   Thanks for your concern.
   Read the next chapter on next Sunday i.e. on 9th august.
   And also read tomorrow about the reasons for not uploading it on the last Sunday.

   • Envy
    August 9, 2009 at 1:38 PM

    Saurabhji,
    I couldnot see any note, for not uploading the last week’s
    piece of ‘Mara jail na…’
    And, I hope today we can read further!!

 7. sudhir patel
  August 8, 2009 at 7:49 AM

  સૌરભભાઈ, આપની સ્પષ્ટતા બદલ આભાર!
  હું પણ આગળના પ્રકરણની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.
  સુધીર પટેલ.

 8. કલ્પેશ સથવારા
  January 26, 2010 at 5:12 PM

  નમસ્કાર સૌરભભાઇ આપના બ્લોગની પહેલી મુલાકાત માં જ મારા જેલ ના…. એક જ બેઠકે વાંચી ગયો. આપ પર શું વિત્યું હશે તે સમજી શકાય તેમ છે. આપ ની કલમ નાં વખાણ કરું કે આપની સહનશકિત ના તે જ સમજી શકાતુ નથી કારણ કે હું માનું છુ કે આ લખતી વખતે આપે ફરી વખત આ બધી જ યાતના ઓ યાદ કરી ને ફરી સહન કરવું પડ્યું હશે. આ મુશ્કેલ સમયે આપ નું સમૂળુ પરિવર્તન કરી દીધુ હશે. તમે જે રીતે આ મુશ્કેલ સમય પસાર કરી ગયા તેમ આ બાબત ને લગતો આગળ નો સમય પસાર કરી જશો. ભગવાન આપને આ મુશ્કેલ સમય સહન કરવાની શકિત આપે જે પ્રાર્થના.

  કલ્પેશ સથવારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *