બાન્દ્રા-વરલી સીલિન્ક:ક્યા પાયા,ક્યા ખોયા

images-bandraworlisea2_domain-bમુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટ પર ઉતરીને તમારે બાય રોડ ચર્ચગેટ કે ફોર્ટ જવું હોય તો માહિમ કોઝવે પર આવીને હવે તમને બે ચોઇસ મળવાની છે. સ્વાભાવિક રીતે જ તમે ૫૦ રૂપિયાનો ટોલ ભરીને ઝડપથી વરલી પહોંચી જવા નવી સી લિન્કના ભવ્ય સમુદ્ર-સેતુ પર પસંદગી ઉતારવાના છો. મુંબઈના ટ્રાફિકથી બચવાનું આ શાણપણભર્યું પગલું હશે.

પણ સમય બચાવવા જતાં તમે શું શું ગુમાવશો તેની ખબર છે તમને ?

હવે તમને લેડી જમશેદજી રોડ નહીં મળે. આ એ માર્ગ છે જેના સિટીલાઇટ સિનેમાની સામે દીનાથવાડીમાં તમે જિંદગીનાં પ્રથમ ૧૭ વર્ષ વીતાવ્યાં. આ એ માર્ગ છે જે તમને દાદરના શિવસેના ભવન સુધી લઈ જતો જેની બાજુમાં ‘પ્રકાશ’ છે. ‘પ્રકાશ’ના અસલી મરાઠી દહીં મિસળ, પાતળ ભાજી, બટાટાપુરી (જે સાબુદાણાવડાની સંવર્ધિત આવૃત્તિ ગણાય) અને પિયૂષ માણવાનો લહાવો હવે તમારે ગુમાવવો પડવાનો. લેડી જમશેદજી  ઊર્ફે એલ. જે. રોડ પર સિટીલાઇટ સિનેમા પહેલાં માટુંગા રોડ સ્ટેશન તરફ જતાં જે જંકશન આવે તેની ડાબી તરફનો એટલે કે સ્ટેશન તરફનો રસ્તો તમને ‘ઠાકુર આણી કંપની’ની દુકાને લઈ જાય. ઠાકુરમાં જાતજાતનાં લોણચાં મળે. લોણચું એટલે અથાણું. મરચાંનું, કેરીનું, લીંબૂનું અને મિક્સડ. લસણની સુકી ચટણી મળે-  કોપરું નાખેલી. કાળા તલમાંથી બનાવેલું તલકૂટ મળે જે ખાખરા સાથે જીરાળુની અવેજીમાં ખાઈ શકો. નમકીન પાણીમાં આથેલી આખી નાની કાચી કેરી મળે જેને મરાઠીમાં બોર કેરી કહે. આ બધું જ કાચની અલગ અલગ બરણીઓમાં જોઈને તમારા મોઢામાંથી પાણી ટપકે. હવે તો પ્લાસ્ટિકની થેલીઓ આવી ગઈ. બાકી, ‘અમારા જમાના’માં પડિયા-પતરાળા જેમાંથી બને તે ખાખરાનાં પાન (સૂકાયેલાં નહીં પણ લીલાં)માં ચસોચસ બાંધીને ઘરે લઈ જવાનું.

‘ઠાકુર’થી સ્ટેશન જતાં ‘ગૌરીશંકર’ ચના ભંડાર આવે જેની ડબલ સેવપુરી સ્કુલેથી પાછા ફરતાં ખાવાની. ડબલ સેવપુરી એટલે સિંગલ પ્લેટમાં મૂકેલી બમણી સેવપુરી. પૈસા પણ બમણા. ફાયદો એટલો કે બીજી પ્લેટ ખાવા માંટે લાઈનમાં ઊભા ન રહેવું પડે. ‘ગૌરીશંકર’ની બાજુમાં બંગાળી મીઠાઈઓની દૂકાન ‘સંદેશ’. આ દૂકાનમાં રસગુલ્લાં ખાતાં પહેલાં શિંગોડાં ખાવાનાં. શિંગોડાં એટલે તમે જેને સમોસાં કહો છો તે. આ સમોસાં કરતાં પણ સ્વાદિષ્ટ એની સાથે મળતી અનલિમિટેડ ઘટ્ટ મીઠી ચટણી.

‘ગૌરીશંકર’ની સામેના ખૂણે ‘ગંગાવિહાર’. ત્યાંનાં ઈડલી-ડોસા (ગુજરાતમાં આપણે એને ઢોંસા કહીએ છીએ) અને ટોમેટો ઑમલેટ (જેની સાથે ટોમેટો કેચપ, ગ્રીન ચટણી ઉપરાંત ઝીણા સમારેલા કાંદા, લીંબુની ચીરી અને અડધી સ્લાઈસ બ્રેડ ફ઼્રી મળે; એક્સ્ટ્રા પૈસા આપો તો એક ચમચી બટર- ઑમલેટ પર ચોપડવા માટે- પણ મળે).

એલ.જે. રોડના જંક્શનથી ડાબી તરફ વળવાને બદલે જમણે જાઓ તો ખૂણા પર  ‘શોભા’ આવે. ‘ગંગાવિહાર’ની આ લક્ઝુરિયસ આવૄત્તિ. ‘શોભા’માં નવી આયટમ- લીમડાનો વઘાર કરેલા મદ્રાસી સ્ટાઈલના ટોમેટો સૂપની. શોભાથી કૅડલ રૉડ જવાય. એનું નવું નામ સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ. ભારતના મહાન સપૂત વિનાયકરાવ સાવરકરજીનું નિવાસસ્થાન આ જ માર્ગ પર, વિશાળ  શિવાજી પાર્કની બરાબર સામે. હવે અહીં એમની સ્મૄતિઓનું સંગ્રહસ્થાન અને ગ્રંથ સંગ્રહાલય છે . આ પવિત્ર સ્થળની સામે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાની નીચે શિવસેનાનાં ભજીપાંઉ મળે. ભજીપાઉં એટલે ભાજીપાઉં નહીં  (મુંબઈની સરસ મઝાની પાઉંભાજી ગુજરાતમાં આવીને ભાજીપાઉં શું કામ બની ગઈ એ વિષે કોઈ ભાષા સંશોધક પ્રકાશ પાડી શકે ?). બટાટાનાં અને કાંદાની લાંબી કતરણમાંથી બનાવેલાં કરકરાં ભજીયાં સાથે પાઉં અને પાણી જેવી પાતળી મીઠી ચટણી. પાઉંમાં લસણ સહિતનો અષ્ટમ્‌-પષ્ટમ્‌ મસાલો ભભરાવેલો હોય. લાઈન ઘણી લાંબી હોય. રાત્રે તમારે ઑર્ડર આપીને શિવાજી પાર્કની કોઈક નજીકની ક્રિકેટ- પીચ (જેના પર ક્યારેક અજીત વાડેકર અને સુનીલ ગાવસ્કરે પ્રેક્ટિસ કરી હશે) પર બેસીને રાહ જોયા કરવાની. તમારો વારો આવે ત્યારે કાગળમાં વીંટાળેલાં ભજીપાઉં અને ચાની રકાબીમાં રેડી આપેલી મીઠી ચટણી લઈ આવવાની.

સાવરકરજીના સ્મારકથી થોડેક આગળ એ જ ફૂટપાથ પર ‘સન્માન’ આવે- એ અમારું સ્મારક. ‘સન્માન’માં અમે જિંદગીનો પહેલો બિયર પીધો હતો જેનો કડવો  સ્વાદ ભગાડવા માટે મગાવેલા મંચિંગનું બિલ બિયરના બિલ કરતાં બમણું થયેલું.

કૅડલ રૉડના છેવાડે પ્રભાદેવી પર સિદ્ધિ વિનાયકનું મંદિર. ત્યાંથી પસાર થતાં મનોમન હાથ જોડીને દુંદાળા દેવને પ્રાર્થના કરીએ કે ભગવાન સૌને સદ્‌બુદ્ધિ આપો, બિયર પીનારાઓને થોડી વધારે (બિયર નહીં સદ્‌બુદ્ધિ) આપો.

પ્રભાદેવીથી સેન્ચુ‍રી બઝાર આવો એટલે બેંગૉલ કૅમિકલની બાજુમાં 25-‘સંગમ’ જે ચંદ્રકાન્ત બક્ષીનું ઘર…

બાન્દ્રા-વરલી સી લિન્ક લઈને તમારે સમયની બચત કરવાની છે અને આ બધું જ ગુમાવવાનું છે.

`પર્સનલ ડાયરી’ના બીજા લેખો વાંચવા અહીં ક્લિક કરો

123

4 comments for “બાન્દ્રા-વરલી સીલિન્ક:ક્યા પાયા,ક્યા ખોયા

 1. sanjay shah
  July 23, 2009 at 2:21 PM

  Sahebji, Mumbai kadach puru karata jindagi nikali jay ane ghanu pachi pan rahi jay, aa-to aa jamana ni navi duniya che, We must appreciate.
  -sanjay

 2. pravin
  July 28, 2009 at 5:43 PM

  great પણ આ શ્રાવણ મહીના માં તમે તો મોં માં પાણી આવી જાય તેવો પાપી લેખ લખ્યો છે. (પણ હવે જ્યારે મુંબઈ જઈશ ત્યારે આ બધું ચોક્કસ ખાઈશ)

 3. sanjay vaidya
  July 28, 2009 at 9:34 PM

  શ યાર, તમે પન્!
  આવુ કરવાનુ!!

 4. sanjay vaidya
  July 28, 2009 at 9:36 PM

  ઉપરથી બક્ષિ બાબુનુ ઘર યાદ કરાવી દેવાનુ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *