દેવના દીધેલ માથે પડેલ થઈ જાય ત્યારે

બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો પણ જોખમી ઉપાય છે

0બાળકો પાછળ તમે ગમે એટલી મહેનત લો છતાંય મોટા થઈને તેઓ મા-બાપ જેવાં જ બની જતા હોય છે. તમારાં બાળકોને તમે ગમે એટલા સારા સંસ્કાર આપવાની કોશિશ કરશો, છેવટે તો એ તમારા જેવાં જ બનવાનાં!

દરેક માતાને , પિતાને હોંશ હોય છે કે પોતાનું સંતાન પોતાના કરતાં વધુ સારું બને, કમસે કમ પોતાની નબળાઈઓ અને પોતાના વ્યક્તિત્વની ખામીઓ એનામાં ઉતરી ન આવે. આપણી અનેક ખામીઓમાંની એક છે-  જીદ જે વખત જતાં પ્રેસ્ટિજ ઈસ્યુ, વટનો સવાલ વગેરેમાં પરિણમે છે.

બાળકો માટેની સૌથી મોટી ફરિયાદ હોય છે કે એ જીદ્દી છે. બાળહઠ સાથે પનારો પાડવો આસાન નથી. બાળકો એકબીજા સાથે રમતા હોય અને બીજું જેનાથી રમે છે એ જ રમકડું પોતાને જોઈએ છે. એવી જીદથી માંડીને જમતી વખતે અમુક વાનગી ખાવી અને અમુક ન જ ખાવી એવી ધરાર જીદ પકડવી કે પછી રસ્તે ચાલતાં દુકાનમાં કે ફેરિયા પાસે જોયેલી કોઈ વસ્તુ અપાવી દેવા માટેની હઠ પકડવા સુધીની અનેક જીદોનો મા-બાપ તરીકે તમે સામનો કર્યો છે અથવા તો બાળક તરીકે તમે એવી જીદ કરી ચૂક્યા  છો.

બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો, સરળ, પણ અત્યંત જોખમી ઉપાય છે. ખાધે પીધે સુખી એવાં કુટુંબોમાં મા-બાપની માનસિકતા એવી થઈ ગઈ હોય છે કે બાળક જે માગે તે એને અપાવી દેવું, બિચારાને કોઈ વાતે ખોટ પડવી ન જોઈએ, ભગવાને આ બધું આપ્યું છે તે શા માટે, વાપરવા માટે જ ને. આવા તર્કથી તેઓ નાનપણથી જ બાળકની ક્ષુલ્લક માગણીઓથી માંડીને ગેરવાજબી માગણીઓને પણ પોષતા રહે છે. ક્યારેક બાળક રડવા માંડે તો ઘરમાં કકળાટનું વાતાવરણ ન સર્જાય એવા આશયથી મા-બાપ બાળકની જીદને વશ થઈ જતાં હોય છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જીદની બાબતમાં કે કશીક વસ્તુ પ્રાપ્ત કરવાની બાબતમાં બાળકનું મન પુખ્ત વયની વ્યક્તિના મનની જેમ જ વર્તતું હોય છે અથવા તો કહો કે આ બાબતમાં પુખ્ત વયની વ્યક્તિ બાળકની જેમ જ વર્તન કરતી હોય છે.

મોટા માણસને પણ જાહેરખબરો જોઈને, દુકાનોના ડિસ્પ્લે જોઈને કે પછી ઓળખીતી વ્યક્તિની પાસે કોઈ ચીજ જોઈને મન થઈ આવતું હોય છે કે પોતાની પાસે પણ એવી વસ્તુ હોવી જોઈએ. ક્ષમતા હોય અને તરત એ વસ્તુ ખરીદાઈ પણ જાય તોય સોએ પચાસ કિસ્સાઓમાં તમે જોયું હશે કે એ વસ્તુ ઘરમાં આવતાં જ એના પરનો તમામ મોહ ઊતરી જાય છે. મનમાં છૂપી રીતે તમે કબૂલ પણ કરતા હો છો કે આ ખરીદી તમારી ભૂલ હતી.  બીજા સમક્ષ એવી કબૂલાત કરવાની કોઈ જરૂર પણ નથી હોતી કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી હોતું. વસ્તુ ખરીદવાની ક્ષમતા ન હોય ત્યારે પુખ્તવયની વ્યક્તિ મનને સમજાવી શકતી હોય છે કે આટલી આવકમાં મારાથી આ કિંમતની ચીજ ન ખરીદી શકાય.

બાળક આ સમજતું નથી. બાળક માટે મા-બાપ સર્વસત્તાધારી ઈશ્વર જેવાં છે, માગો તે ચીજ ત્યારે ને ત્યારે હાજર કરી આપવાની મા-બાપમાં શક્તિ છે એવું બાળક માનતું ન થઈ જાય એ બહુ જરૂરી છે. સાવ નાનું બાળક જીદે ચડે ત્યારે એનું ધ્યાન ખૂબીપૂર્વક એને રસ પડે એવા કોઈક બીજા જ વિષય તરફ દોરવાની યુક્તિ જાણીતી છે અને અસરકારક છે.

બાળકનો જીવ ખરેખર એ ચીજમાં ચોંટી ગયો હશે તો એ ફરી ફરીને એની માગણી કરશે, દિવસો પછી પણ માગણી કરશે. આવા વખતે મા-બાપની ક્ષમતા અને બાળકની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. ત્રણ વર્ષનું બાળક બે પૈડાંની સાયકલ માગે કે આઠ વર્ષનું સંતાન મોપેડ માગે ત્યારે મા-બાપની ક્ષમતા હોય તે છતાં એને એ ન અપાવાય.

નાનપણથી બાળકને એક વાતની ટેવ પાડવી જોઈએ કે પોતાને જે ચીજ મેળવવાની ઈચ્છા થાય છે તે ચીજ મળશે જ એ જરૂરી નથી. મોટા થયા પછી આવી તાલીમ આપવા બદલ તમારું સંતાન તમારો આભાર માનશે. સિગારેટની જાહેરખબરોમાં ‘મને જે જોઈએ છે તે હું મેળવીને જ રહું છું’ એવું એક વાક્ય મોટા અક્ષરોમાં આવતું હતું. આવું કહેવામાં કે માનવામાં  ખુમારી નથી પણ ગાંડપણ છે.

કોઈ પણ માણસને એ જે કંઈ ઈચ્છે છે તે બધું જ મળતું નથી. એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. મને જે કંઈ જોઈતું હતું તે બધું જ મળી ગયું છે, માગ્યા કરતાં વધુ મ્ળ્યું છે એવું, બોલવામાં-સાભળવામાં સારું લાગે છે, પણ આવું ત્યારે જ બોલાતું હોય છે, જ્યારે માણસને ખાતરી થઈ ગઈ હોય કે જે મળ્યું છે એથી વધુ મળવાની કોઈ તક કે કોઈ શક્યતા બાકી રહી નથી.

બાળકને અભાવની આદત પણ પડવી જોઈએ. આવશ્યક ચીજો વિના પણ ચલાવી લેતાં આવડવું જોઈએ. અને આ તાલીમ મા-બાપ સિવાય બીજું કોઈ ન આપી શકે. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રહો એવું ગાઈને બાળકને માનસિક લાડ લડાવીએ, પણ ભૌતિક લાડ લડાવીને એ જે માગે તે હાજર કરી દઈએ છીએ ત્યારે એ મોંએ ચડી જાય છે અને મોટા થયા પછી એનાં દુષ્પરિણામો એણે પોતે જ ભોગવવાનાં આવે છે, જેના માટે સંપૂર્ણપણે મા-બાપ જ જવાબદાર હોય છે.

આ લેખ તમને ગમ્યો ? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે, ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં, લખાયો અને  હવે પ્રગટ થનારા ‘ઉંમરના એવા વળાંક પર’ પુસ્તકમાં પ્રગટ થશે.)

10 comments for “દેવના દીધેલ માથે પડેલ થઈ જાય ત્યારે

 1. Shishir
  July 21, 2009 at 12:08 PM

  સુંદર લેખ..
  અભિનંદન…..

 2. sudhir patel
  July 26, 2009 at 1:31 AM

  ખૂબ જ સરસ અને સચોટ વાત !
  ખરેખર નવાં બનતા મા-બાપોએ આ કાળજી રાખવી જોઈએ અને પોતાને જો સૂઝ ન હોય તો સૌરભભાઈ જેવાનાં લેખો/પુસ્તકો વાંચી માહિતી મેળવી પાણી પહેલા પાળ બાંધતા શીખી જવું જોઈએ!
  સુધીર પટેલ.

 3. રઝિયા મિર્ઝા
  August 4, 2009 at 7:06 PM

  ખરેખર ખુબજ સુઁદર અને સમજ્વા લાયક લેખ.

 4. MANISH G. SHAH
  March 31, 2017 at 5:12 PM

  Saurabh bhai.

  Like it very much. Pl give your contact number. I wish to buy some of your best book.

 5. Sharad Shah
  April 2, 2017 at 12:46 PM

  સૌરભભાઈ, આપણે કાર ચલાવવી હોય, નોકરી કરવી હોય, કમ્પ્યુટર ચલાવવું હોય કે અન્ય કાંઈ પણ કરવું હોય તો તે વિષયે જ્ઞાન અને અનુભવ મેળવવો પડે છે. પરંતુ છોકરા પેદા કરવા અને તેનો કેમ ઊછેર કરવો તે માટે કોઈ જ્ઞાન કે અભ્યાસની જરુર નથી. અણ્ઘડ મા-બાપ જ્યારે બાળકોનો ઊછેર કરતાં હોય ત્યારે આવું જ બને. જે આપણા મા-બાપ આપણને શિખવી ગયા તે આપણે આપણા બાળકોને શિખવીએ. અને આપણને ખબર પણ નથી હોતી કે આપણ આપણા જ બાળકોની ભિતર ઝેરનુ સિંચન કરી રહ્યા છે. એક દાખલો આપું કદાચ મારી વાત પકડાય.
  થોડા દિવસ અગાઊ, મારો પૌત્ર દોડા દોડી દોડી કરતા ખુરશી સાથે ભટકાયો અને માથામાં વાગ્યું. વાગતાની સાથે તેણે ચીસ પાડી અને ભેંકડો તાણી રડવાનુ શરુ કર્યું. તરત્ તેની દાદી અને તેની મમ્મી દોડી ગયા અને પૌત્રને ઊપાડી લીધો અને ક્યાં વાગ્યું? કેમ કરતા વાગ્યું? તેવા સવાલો બાદ જ્યારે પૌત્રએ કહ્યું કે ખુરશી વાગી એટલે તરત જ દાદીમાએ કહ્યું,” ચાલ આપણે ખુરશીને હત્તા કરી દઈએ.” હું પણ દોડીને ત્યાં ગયો હતો અને માથામાં સહેજ ચીરો પડેલ જોઈ ડેટોલ લઈ આવી તેના ઘા પર મલમ પટ્ટી કરી અને બધું શાંત થયું પછી મેં મારી પત્ની (દાદીમા)ને કહ્યું કે, આમાં વાં ખુરશીનો ક્યાં હતો કે તું ખુરશીને હત્તા કરવાનુ કહે છે? મારી પત્ની કહે, બાળકને એમ જ શાંત કરાય. તેની વાત ખોટી છે પણ દરેક મા-બાપ આમ જ કરે છે તે પણ હકિકત જ છે. આવા વહેવાર દ્વારા આપણે જ બાળકેને શિખવીએ છીએ કે ભલે ભુલ એની હોય તો પણ તે ન જોઈ બીજાનો વાંક કાઢવો. હવે આ બાળક જીંદગીભર તેની ભુલ જોઈ જ નહીં શકે. તેના જીવનમાં કાંઈ પણ ખોટું થશે તો તે સદા બીજાનો જ વાંક કાઢશે. અને આપણે જોઈએ છીએ કે ૧૦૦માંથી ૯૦ લોકોને પોતાનો વાંક ક્યારેય નથી દેખાતો. મોટાભાગના તેમના દુખો માટે બીજાને જ જવાબદાર ગણે છે. અને તેની પાછળ મૂળ કારણ પણ આવું જ હોય છે, ખોટા સંસ્કારનુ સિંચન.

 6. પ્રવિ
  April 3, 2017 at 5:40 PM

  આ લેખ વાંચીને તરત જ યાદ આવ્યું કે આ લેખનો સાર ક્યાંક વાંચ્યો છે. શોધખોળ કરતાં વેબ ગુર્જરી પર ફરી પહોંચી. ગયા વર્ષે માર્ચમાં “ના થી નવી શરૂઆત” એ લેખ મુકાયેલો હતો. એ લેખના એક ફકરામાં લેખિકા પૂર્વી મોદી મલકાણે જે લખ્યું છે તે જ અક્ષરે અક્ષર વાતને અહીં સૌરભ ભાઈએ બીજા શબ્દોમાં અહીં મૂકી છે. આથી મારે એમ કહેવું પડશે કે પૂર્વીબેન સૌરભભાઈ માટે પ્રેરણારૂપ બન્યા છે. અહીં એ પ્રશ્ન ન કરવો કે સૌરભ ભાઈ પહેલા આ વિચાર પૂર્વીબેને કેમ લખ્યો. લેખકો હંમેશા એકબીજા માટે આ રીતે પ્રેરણરૂપ બને છે ત્યારે નાના-મોટા લેખકોનો ભેદ ભુલાઈ જાય છે. મૂળ લેખની ચોકસાઇ કરવી હોય તો વેબ.ગુ પર જવું.

  • April 3, 2017 at 6:05 PM

   કયો લેખ ક્યારે લખાયો તેની વિગતો જાણી તમે? Please ask the other writer first and then i will prove who wrote it first and how many years, rather decades before!

 7. પ્રવિ
  April 4, 2017 at 9:49 PM

  ભાઈ, તમે ક્યાં છાપામાં લખો છો એની તો ખબર નથી, પણ આ નેટ-બોક્સમાં મળતા મેઈલ થકી તમારા લેખો હું વાંચતી હોઉ છુ. ને આ લેખની લિન્કેય હમણાં જ થોડા દિવસ પહેલા મેઈલબોક્સમાં મળી હતી. તેથી મને એમ કે આ તાજો લેખ છે. અહીં તારીખ જોવાની ફુરસત લીધી ન હતી. અહીં પરદેશમાં અમને હવે ગુજરાતી વાંચવા મળે એ જ મારે માટે મોટી વાત. તેથી મને એમ કે જેમ જેમ લેખ લખાતા જાય તેમ તેમ તમે કે ખત્રિ સાહેબ મુક્તા હશો. હવે સવાલ એ છે કે જો આ લેખ બહુ જૂનો હોય તો એની લિન્ક મને હમણાં કેમ મળી? વાત આહી કેવળ પ્રેરણાની હતી, તેથી ઉપર મે લખ્યું તું કે લેખકો એકબીજાને માટે પ્રેરણારૂપ બને તે બહુ સરસ વાત છે. પણ એ વાત છે કે તમે આ વાત સમજી શક્યાં નથી એમ મને લાગે છે. તમને મારા ઉપરના ને આ જવાબથી ખરાબ લાગ્યું હોય તો માફી માંગુ છુ. એ જવાબ એક વાંચક નો હતો હવેથી કદાચ વાંચક રહીશ પણ જવાબ નહીં મળે.

  • April 4, 2017 at 10:07 PM

   So now be responsible as a reader. Do not let your responses go in any direction without showing matured behaviour.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *