મારા જેલના અનુભવો – ૫

‘આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા’

જેલના રસોડામાંથી ચાનું કૅન આવ્યું એટલે વૉર્ડરે બધાને ગઈ કાલે ધોઈને મૂકેલી થાળીઓ લાવવાનું કહ્યું. દરેક થાળીમાં એણે એક-એક પવાલું ચા રેડી આપી. પીળીટોપીવાળાઓ પાસે પોતાના પ્યાલા હતા. મેં થાળીમાં ચા પીવાનું માંડી વાળ્યું. એક ટંક ભોજન સિવાયના ઉપવાસનો ચોથો  દિવસ શરૂ થઈ ગયો હતો

સાબરમતી સેન્ટ્રલ જેલસવારના થોડુંક અજવાળું થયું ત્યાં મારી આંખ ઉઘડી ગઈ. સાબરમતી સેન્ટ્રલ જેલની આફ્ટર બૅરેકમાંની પ્રથમ રાત્રિ વીતી ચૂકી હતી. મારા માથા નીચેનું પોટલું સલામત હતું. ચંપલની ખબર નહોતી. હું બેઠો થઈ ગયો. નવા કેદીઓમાંના મોટા ભાગના સૂતા હતા. પીળી ટોપીવાળા પાકા કેદીઓએ બૅરેકના ખૂણા પરના બાથરૂમ-સંડાસ વાપરવાનું શરૂ કરી દીધું હતું.

મારી પાસે ટુથબ્રશ હતું પણ પેસ્ટ અને ઉલિયું જડતી જમાદારે ફેંકાવી દીધાં હતાં. જેલમાં ચા મળતી હશે તો પાણીથી બ્રશ કરીને ચા પીશ એવું વિચારતો હતો ત્યાં જ એક કેદી વૉર્ડરે લાકડીના ગોદા મારીને નવા કેદીઓને ઉઠાડ્યા. અમને બધાને બબ્બેની જોડીમાં ઉભડક બેસાડીને ગણતરી કરી લીધી. ગઈ કાલે રાત્રે ‘આવક’ની સામે લખેલા આંકડા સાથે આજ સવારની ગણતરી મેળ ખાતી હતી. હાજરી લઈને વૉર્ડરે કહ્યું,’ પેલી ચોકડીમાં જઈને મોઢું ધોઈ લો, પછી બધાને ચા આપવાની છે.’

જેલના રસોડામાંથી ચાનું કૅન આવ્યું એટલે વૉર્ડરે બધાને ગઈ કાલે ધોઈને મૂકેલી થાળીઓ લાવવાનું કહ્યું. દરેક થાળીમાં એણે એક-એક પવાલું ચા રેડી આપી. પીળીટોપીવાળાઓ પાસે પોતાના પ્યાલા હતા. મેં થાળીમાં ચા પીવાનું માંડી વાળ્યું. એક ટંક ભોજન સિવાયના ઉપવાસનો ચોથો દિવસ શરૂ થઈ ગયો હતો.  પાણી પીધે પણ બાર કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો.

આફ્ટરબૅરેકનો લોખંડનો દરવાજો ખુલી ગયો હતો. બહાર ચંપલના ઢગલામાંથી મારાં ચંપલ શોધીને પહેરી લીધાં. મારા પોટલા સાથે બૅરેકની લોબીના ઓટલાના કિનારે બેસી ગયો. સાબરમતી સેન્ટ્રલ જેલની આ મારી પહેલી સવાર હતી અને જેલમાં શરૂ થયેલો પહેલો રવિવાર હતો. અજવાળું થઈ ચૂક્યું હતું. મારી સામે એક લાંબો ટાવર હતો જેમાં જામર ગોઠવેલું જેથી જેલમાંથી કોઈ મોબાઈલ ફોન વાપરી ના શકે.

બીજી તરફ વિશાળ ત્રિકોણિયા મેદાન હતું જ્યાં અડધી બાંયનો સફેદ લાંબો ઝભ્ભો અને સફેદ પાયજામો પહેરેલા પાકા કેદીઓ મૉર્નિંગ વૉક લઈ રહ્યા હતા. કોઈનાય કપડાં ચટાપટાવાળા નહોતા અને કોઈનીય છાતી પર કે પીઠ પર કેદી નંબર લખેલો નહોતો. થોડાક કેદીઓ યુનિફૉર્મને બદલે સાદાં કે રંગીન કપડાંમાં હતા. આવા બે કાચા કેદીઓને હું શિસ્તબદ્ધ ચાલે વૉક કરતાં જોઈ રહ્યો હતો ત્યારે માંગીલાલ (ખૂન, આજીવન) મારી પાસે આવીને બેઠો. પેલા બે કેદીઓમાંના એકની ઊંચાઈ અને ઉંમર મારાં જેટલાં લાગતાં હતા. ચહેરાથી અને બોડી લેંગ્વેજથી એ સારા, સંસ્કારી ઘરના માણસ લાગતા હતા. એની સાથે ચાલતા બીજા કેદીની ઊંચાઈ ચારેક ઈંચ ઓછી હતી અને એ પણ સારા ઘરનો અને દસેક વર્ષ નાનો લાગતો હતો.

માંગીલાલે મને કહ્યું, ‘પેલા ઊંચા માણસને તમે ઓળખો છો?’

મેં કહ્યું,’ ના…’

‘પોલીસ ઈન્સપેક્ટર રાઠોડ છે. સોહરાબુદ્દીન ઍનકાઉન્ટર કેસમાં અંદર આવ્યા છે.’

‘એ કેસમાં તો ડેપ્યુટી ઈન્સપેક્ટર જનરલ ડી. જી. વણઝારા અને બીજા અફસરો પણ આ જ જેલમાં  છે ને…’

‘હા, વણઝારા એન્ડ કંપની જમણી તરફ ગાંધી ખોલી દેખાય છે ? તેની પાછળના સરદાર યાર્ડમાં છે. રાઠોડને વણઝારા સાથે મૂકી શકાય એમ નહોતા એટલે આ બાજુ મૂકવામાં આવ્યા છે…’

એક પોલીસ ઈન્સપેક્ટરને  જેલમાં કેદી તરીકે જોઈને અહીં કોને મળવું, કોને પૂછવું, કોની સાથે અહીંના નિયમો વિશે વાત કરવી એની મારી મૂંઝવણ એકાએક અને અનાયાસે ટળી ગઈ. મારું પોટલું માંગીલાલને સોંપી હું ઊભો થયો.  લગભગ દોડતો એમની પાસે પહોંચ્યો

એક પોલીસ ઈન્સપેક્ટરને  જેલમાં કેદી તરીકે જોઈને અહીં કોને મળવું, કોને પૂછવું, કોની સાથે અહીંના નિયમો વિશે વાત કરવી એની મારી મૂંઝવણ એકાએક અને અનાયાસે ટળી ગઈ. મારું પોટલું માંગીલાલને સોંપી હું ઊભો થયો.  લગભગ દોડતો એમની પાસે પહોંચ્યો.

‘એક્સક્યુઝ મી, આપ ઈન્સપેક્ટર રાઠોડ છો ?’ મેં એમની સાથે અંગ્રેજીમાં વાતચીત શરૂ કરી.

‘યસ’, રાઠોડે સ્મિત વિનાના પણ શાંત ચહેરે મને માપી લેતાં કહ્યું.

‘મારે તમને મળવું છે. થોડીક વાતો કરવી છે. કેવી રીતે મળી શકાય?’ મેં પૂછ્યું.

‘જરૂર… પણ અત્યારે તમને આફ્ટરમાં મૂકવામાં આવ્યા છે. બપોર સુધીમાં તમને બૅરેકની ફાળવણી કરી દેવામાં આવશે, પછી મને મળજો. હું નવી બૅરેક નંબર છમાં છું…’

‘થેન્ક્યુ,’ કહીને મે વિચાર્યું કે આનો મતલબ એ કે મારે હવે આ ખૂનીઓની બૅરેકમાં ઝાઝું રહેવાનું નથી.

* * *
કોણ જાણે કેમ પણ ઈન્સપેક્ટર રાઠોડને મળીને મારું અડધું ટેન્શન દૂર થઈ ગયું. આફ્ટર બૅરેકમાં પાછા આવીને માંગીલાલ પાસેથી મારું પોટલું લઈ હું ફરી બૅરેકના ઓટલે બેસી ગયો. કલાક પછી અમને નવા કેદીઓને બબ્બેની જોડીમાં ચલાવીને જેલના પાછલા, લાકડાના દરવાજાની બાજુના જડતીરૂમની સામે આવેલી પતરાની કોટડીમાં લઈ જવામાં આવ્યા. અત્યારે ત્યાં ટેબલખુરશી ગોઠવાઈ ગયાં હતાં. એક વૉર્ડરે સૂચના આપવાનું શરૂ કર્યું, ‘ચંપલ ઉતારીને બધા લાઈનબંધ ઊભડક બેસી જાઓ.’ પછી વારાફરતી દરેકને ઊભા કરીને પ્રશ્નો પૂછ્યા,

‘નામ? કઈ કલમ લાગી છે? જેલ ઑફિસમાં શું જમા કરાવ્યું છે?’

રજિસ્ટ્રેશનનો પૂર્વાર્ધ ગઈ કાલે પૂરો થયો હતો, આજે ઉત્તરાર્ધ પણ પત્યો. દરેક કેદીને પોસ્ટકાર્ડની સાઈઝનું લાલ પતકડું આપવામાં આવ્યું. એમાં જેલમાં પ્રવેશ્યાની તારીખ, કઈ કલમ હેઠળનો આરોપ છે અને સાથે કેદીનું નામ તથા એનો રજિસ્ટ્રેશન નંબર લખીને યુ.ટી.જેલરે સહી કરી હતી… મારા લાલ કાર્ડ પર મારો કેદી નંબર લખ્યો હતો: ૫૭૦૯.

બધા કેદીએ વારાફરતી ઊભા થઈને જવાબ આપ્યા. બાજુની ભીંત પર ફુટપટ્ટી દોરી હતી. ત્યાં જઈને ઊભા રહેવાનું. ઊંચાઈ મપાઈ જાય પછી શર્ટ કાઢીને ટેબલ પાસે ઊભા રહેવાનું. ગઈ કાલે ચોપડામાં ચહેરા-નિશાનીની જે નોંધ લેવાઈ હતી એની સાથે તાળો મેળવવાનો જેથી ખાતરી થાય કે જે કેદીની પ્રવેશ વખતે નોંધણી થઈ છે તે જ જેલમાં આવ્યો છે કે એના નામે બીજો કોઈ બંદી થવા આવ્યો છે. રજિસ્ટ્રેશનનો પૂર્વાર્ધ ગઈ કાલે પૂરો થયો હતો, આજે ઉત્તરાર્ધ પણ પત્યો એટલે દરેકને પોસ્ટકાર્ડની સાઈઝનું લાલ પતકડું આપવામાં આવ્યું. એમાં જેલમાં પ્રવેશ્યાની તારીખ, કઈ કલમ હેઠળનો આરોપ છે અને સાથે કેદીનું નામ તથા એનો રજિસ્ટ્રેશન નંબર લખીને યુ.ટી.(અંડર ટ્રાયલ) જેલરની સહી કરી હતી.

‘આ કાર્ડ તમારે જીવની જેમ સાચવવાનું છે. ખોવાઈ જશે કે ફાટી જશે તો બીજું નહીં મળે,’ વૉર્ડરે બધાને સૂચન આપી. મારા લાલ કાર્ડ પર મારો કેદી નંબર લખ્યો હતો: ૫૭૦૯.

વૉર્ડરની સૂચનાઓ પૂરી થતાં જ યુ.ટી.જેલર શ્રીમાળીનું આગમન થયું. જેલરને માન આપવા અમારે સૌએ ઊભા થઈને ‘નમસ્તે’ કરવાનું હતું. અમે સૌએ શાળાના આજ્ઞાંકિત વિદ્યાર્થીઓની જેમ ઊભા થઈને ‘નમસ્તે’ કહ્યું અને પાછાબધા કેદીની જેમ ઊભડક બેસી ગયા. વૉર્ડરની સૂચના મુજબ દરેક કેદીએ પોપટની જેમ પોતાની વિગતો બોલી જવાની હતી. મારો વારો આવ્યો:

‘સૌરભ અશ્વિનકુમાર શાહ, ૪૦૬-૪૨૦, પૈસા નથી, ચાંદીની વીંટી જમા છે,’ હું બોલી ગયો. જેલરે ચશ્માં ઊંચાં કરીને મારી સામું જોયું.

‘પત્રકાર છો?’ એણે પૂછ્યું.

‘જી, સાહેબ..’ મેં કહ્યું. છેલ્લા આઠ-દસ દિવસમાં મુંબઈ અને ગુજરાતભરનાં છાપાંઓમાં અને ટીવીની ચૅનલો પર મારી ધરપકડના અને જામીન અરજીઓ રિજેક્ટ થવાના સમાચાર આવી ચૂક્યા હતા. જેલમાં જવાના સમાચાર પણ ગઈ કાલના કે આજ સવારના છાપામાં આવી ગયા હશે એવું મેં માની લીધું. જેલરે વધુ કશું પૂછ્યું નહીં.

લાલ ટિકિટ લઈને અમને સૌને ફરી પાછા બબ્બેની જોડીમાં ચલાવીને આફ્ટર બૅરેકની બાજુમાં આવેલી ન્યુ બૅરેક્સ યાર્ડમાં લઈ જવાનો હુકમ થયો. સવારના દસ-અગિયાર વાગી ગયા હશે. રાતના અંધકારમાં ન દેખાયેલાં મકાનો હવે સ્પષ્ટ દેખાતાં હતાં. જડતી રૂમ અને પતરાની બીજી કોટડીની વચ્ચે જેલ ઑફિસના મકાનનો લાકડાનો તોતિંગ પાછલો દરવાજો હતો. એક વોર્ડરની પાછળ ચાલતાં ચાલતાં જોયું કે આ દરવાજાથી શરૂ થતા પાકા રસ્તાની ડાબી બાજુ ચારે તરફથી બંધ મહિલા જેલ હતી અને જમણી તરફ ‘તિલક યાર્ડ’નું પાટિયું વંચાતું હતું. જેલની બહારની મુખ્ય દીવાલો લગભગ પચ્ચીસ ફીટ ઊંચી હતી.  એના પર છ ફીટ સુધી ઈલેક્ટ્રિક કરંટ પસાર કરતા વાયરો હતા. હું જે રસ્તે ચાલી રહ્યો હતો તે રસ્તાની બરાબર સામે બેઠા ઘાટનું એક ગોળાકાર મકાન હતું. એની દીવાલ પર લખ્યું હતું:

‘અમદાવાદ મધ્યસ્થ જેલ આપનુ હાર્દિક સ્વાગત કરે છે.’

હાર્દિક સ્વાગત !  જેને આ લખવાનું સૂઝ્યું હશે તે સરકારી અમલદારમાં ગજબની સેન્સ ઑફ હ્યુમર હોવી જોઈએ. જોકે, જોડણીની ચીવટવાળા કોઈ મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકારને જેલ થઈ હોત તો એણે સરકારી અફસરને કહ્યું હોત કે ‘આપનું’માં ‘નું’ ઉપર અનુસ્વારનું ટપકું કેમ નથી ચીતરાયું!

Caption

ગૂગલ-અર્થના સૌજન્યથી મળેલી આ તસવીરમાં જામરના ટાવરવાળા ત્રિકોણિયા મેદાનના તીરની દાંડીની ડાબી તરફના સફેદ ચોરસ જેવા વિસ્તારમાં ગાંધી ખોલી છે, સરદાર યાર્ડ એની ઉપર છે.

ગોળ મકાનની બહાર અર્ધગોળાકાર પગથિયાંની વચ્ચે ઊભેલો  ધ્વજસ્તંભ દેખાતો હતો. ત્યાંથી ડાબી તરફ વળી જતાં બીજી એક નાની સડક શરૂ થતી હતી. સડકની બેઉ બાજુએ બે નાનાં ખુલ્લાં મેદાન હતાં. ડાબી તરફના મેદાનમાં કાળજીપૂર્વક કાપેલી ઘાસની બિછાત હતી. એના છેવાડે ઓપન-એર થિયેટરનું સ્ટેજ હતું. જમણી તરફના મેદાનમાં વિશાળ વૃક્ષ હતાં. આગળ ચાલતાં જેલનું રસોડું આવ્યું. એને અડીને જ બેકરીનું મકાન હતું. હજુ ચાલવાનું હતું. જામરના ટાવરવાળું ત્રિકોણિયા મેદાન આવી ગયું. ત્યાંથી આફ્ટર બૅરેક સામે જ દેખાતી હતી. આફ્ટરની બાજુમાં એક નાનકડા દરવાજામાથી અમને નવી બૅરેક્સના યાર્ડમાં લઈ જવામાં આવ્યા. યાર્ડમાં બેઠા ઘાટના લાંબા ગૅરેજ જેવી ચાર બૅરેક્સ હતી. મારે આમાંની જ કોઈ એક બૅરેકમાં રહેવાનું હતું ? ખબર નહોતી. કોની સાથે રહેવાનું હતું ? એ પણ ખબર નહોતી.

માત્ર પુરુષો માટેની આ જેલના યાર્ડની દીવાલ પર બે મોટાં પાટિયાં ચીતરીને લટકાવેલાં હતાં. એક પાટિયા પર એઈડ્સથી બચવા શું શું કરવું તેની સૂચનાઓ ગુજરાતીમાં લખી હતી. બીજા પાટિયા પર ગુપ્ત રોગોનાં લક્ષણો અને ચિહ્નો સમજાવતા મુદ્દાઓ હતા.

વૉર્ડરે અમને ખુલ્લી જગ્યામાં એક ઝાડ પાસેની દીવાલ સરસા જોડીમાં ઉભડક બેસાડ્યા. માત્ર પુરુષો માટેની આ જેલના યાર્ડની દીવાલ પર બે મોટાં પાટિયાં ચીતરીને લટકાવેલાં હતાં. એક પાટિયા પર એઈડ્સથી બચવા શું શું કરવું તેની સૂચનઓ ગુજરાતીમાં લખી હતી. બીજા પાટિયા પર ગુપ્ત રોગોનાં લક્ષણો અને ચિહ્નો સમજાવતા મુદ્દાઓ હતા.

એક વોર્ડરે નવા કેદીઓમાંથી વારાફરતી બબ્બે જણના હાથમાં ઝાડુ આપીને યાર્ડમાંથી પાંદડાં વગેરેનો કચરો વળાવવાનું શરૂ કર્યું. મારો વારો આવ્યો.  હું ઝાડુ લેવા ઊભો થયો. વોર્ડરે કહ્યું, ‘તમે બેસી જાઓ, તમારી પાછળનાઓને આવવા દો…’

એ વખતે મને લાગ્યું હતું કે મારી સાથે વિવેકી વર્તન કરીને મને સાચવવામાં આવી રહ્યો છે. પણ થોડા વખત પછી જાણ થઈ કે જેલમાં કોઈ પણ કાચા કેદી (અર્થાત જેનો ગુનો હજુ સાબિત થયો નથી પણ જામીન ન મળવાને કારણે જેને જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે એવા કેદી, જેને અંગ્રેજીમાં અંડર ટ્રાયલ પ્રિઝનર કહે છે તેવા) પાસે કશું જ કામ કરાવી શકાતું નથી. આવાં કે અન્ય તમામ કામ સખત મજૂરી સાથેની સજા પામેલા પાકા કેદીઓએ કરવાનાં હોય છે.

મને જયાં બેસાડવામાં આવ્યો હતો તેની સામે જ એક મોટા પીપળાની નીચે કામચલાઉ ચોરસ ઓટલો બાંધીને શંકર ભગવાનના લિંગની સ્થાપના કરવામાં આવી હતી. કેટલાક કાચા કેદીઓ હાથમાં પાણીની લોટી કે પ્લાસ્ટિકનું ટંબલર લઈને મહાદેવની પૂજા કરવા માટે પોતાનો નંબર લગાવીને ઓટલા પર બેઠા હતા. ઊભડક બેસીને મારા પગ દુઃખવા આવ્યા હતા. હું ઉભો થવા ગયો પણ વૉર્ડરે મને પાછા બેસી જવાનું કહ્યું. ત્યાં જ એક કેદીએ વૉર્ડરને કહ્યું, ‘એમને મારી પાસે અવવા દો..  હું ઓળખું છું એમને..’

હું ઊભો થઈને એની પાસે ગયો.

‘તમે સૌરભ શાહ છો ? છાપામાં તમારો ફોટો જોયો હતો. ૪૨૦માં પકડાયા છો?’ એ કેદીએ મને પૂછ્યું.

મેં માથું ધુણાવ્યું.

‘મારું નામ ભરત..’ એણે મારી સાથે હાથ મેળવ્યો, ‘હું પણ તમારી જેમ જ ચીટિંગ અને ઠગાઈના કેસમાં આવ્યો છું…’ મેં એને બોલવા દીધો. એણે કહ્યું, ‘સૌરભભાઈ, અહીં ગમે તેવાની સાથે તમે વાત નહીં કરતા… તમારા ઘરનું સરનામું તો કોઈનેય નહીં આપતા..’ ભરતે મને જેલજીવનનો પહેલો પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું, ‘આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ મૂકતા નહીં…’

થોડા દિવસ પછી મને ખબર પડી કે આ ભરત અને એની પત્ની અમદાવાદના પરિમલ ગાર્ડન કે લૉ ગાર્ડનમાં જઈ સિનિયર સિટિઝન સાથે મૈત્રી કરી એમનું સરનામું મેળવી એમના ઘરે પહોંચી જતાં અને વૃદ્ધોનો વિશ્વાસ મેળવી એમનાં નાણાંનું રોકાણ કરાવી આપવાના બહાને ખોટા દસ્તાવેજો બનાવી પૈસા પોતે પડાવી લેતાં એવા આરોપ હેઠળ પકડયો હતો. થોડા જ દિવસોમાં એના પર ઠગાઈના વધુ કેસ થયા અને ‘પાસા’ના કાયદા હેઠળ પકડીને એનો પોરબંદર જેલમાં બદલી કરવામાં આવી.

જો કે, એની સલાહ સાચી હતી. આ જ સલાહ ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવતા પેલા સિનિયર સિટિઝનોને પણ મળી હોત તો!

(ક્રમશઃ)

‘મારા જેલના અનુભવો’નાં અગાઉનાં પ્રકરણો તેમ જ ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી મુલાકાત સાબરમતી જેલમાં વીતાવેલા ‘એ ૬૩ દિવસો…’ વાંચવા અહીં ક્લિક કરો.

5 comments for “મારા જેલના અનુભવો – ૫

 1. Jitu
  July 19, 2009 at 1:46 PM

  જો ૨૦૦૮માં કાચા કેદીની હાલત આવી થતી હોય તો આઝાદીની લડત વખતે રાખેલા કેદીઓની british govt.ની જેલમાં શું હાલત થઈ હશે!

 2. pravin
  July 19, 2009 at 5:10 PM

  સૌરભભાઈ, આજે આ વાંચીને તમારી તે વખતની મનોસ્થિતિની કલ્પના નથી કરી શકતો અને આજે આ યાદ કરતી/લખતી વખતે પણ તમે કેવો અનુભવ કરતા હશો તેવી કલ્પના કરું છું ત્યારે ધ્રુજારી આવી જાય છે. મારી તમામ સહાનુભૂતિ તમારી સાથે છે.

 3. Shishir
  July 21, 2009 at 12:13 PM

  જેલના અનુભવો અઠવાડિયામાં બે વખત ના આપી શકો?
  રવિવારથી રવિવાર થોડું દૂર પડી જાય છે.

 4. djvakil45
  July 21, 2009 at 4:41 PM

  i do like your pen.. the way you have expressed your self is simply wonderful.. this is not a story but it is a fact, it teaches us the way we should behave in future.. your advise of ” address” is a real helpful hint. thanks & keep writing..

 5. Ram
  July 23, 2009 at 6:48 PM

  સૌરભ ભાઇ,

  તમારા જૈલ ના અનુભવો વાન્ચ્યા, મે પ્રકરન -૫ પહેલા વાન્ચ્યુ હતુ પછિ બધા જ પ્રકરણ શોધીને એક જ બેઠકે વાન્ચી નાખ્યા. આ કોમેન્ટ હુ બીજા દિવસે લખી રહ્યો છુ.

  એક જ લાઈન લખીશ.
  આ લખી રહ્યો છુ એની આગળની રાત્રે હુ ઉઘી ના શક્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *