સંતાનોની લાગણીઓ કેવી રીતે સમજીશું

બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે

મારામાં કોઈ સારી લાગણી ઉદ્‍ભવે એને કારણે હું આપોઆપ સારો થઈ જતો નથી અને કોઈના માટે ખરાબ લાગણી જન્મે તો એના કારણે હું આપોઆપ ખરાબ પણ થઈ જતો નથી. હું સારો કે ખરાબ ત્યારે જ છું, જ્યારે એ લાગણીનું સભાન કે અભાનપણે અમલીકરણ થાય છે.

મારામાં કોઈ સારી લાગણી ઉદ્‍ભવે એને કારણે હું આપોઆપ સારો થઈ જતો નથી અને કોઈના માટે ખરાબ લાગણી જન્મે તો એના કારણે હું આપોઆપ ખરાબ પણ થઈ જતો નથી. હું સારો કે ખરાબ ત્યારે જ છું, જ્યારે એ લાગણીનું સભાન કે અભાનપણે અમલીકરણ થાય છે.

ઇમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ, નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. સાયકૉલોજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે એક ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. એક વિષય તરીકે શાળાના પહેલા ધોરણથી જ એ શીખવવામાં આવે અને ઓછામાં ઓછું બારમા ધોરણ સુધી આ વિષય ફરજિયાત શીખવવામાં આવે. શક્ય હોય તો સ્નાતક કક્ષાએ પણ એને ફરજિયાત અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવે.

ગણિતમાં એક વત્તા એક ગણતાં શીખવવામાં આવે અને ભૂગોળમાં ટુંડ્ર પ્રદેશની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવે અને પાણીપતના યુદ્ધમાં હારનાં કારણો શીખવવામાં આવે એમ લાગણીશાસ્ત્રમાં શું શું શીખવવામાં આવે?

સૌથી પહેલાં બાળકને પોતાની લાગણીઓ ઓળખતાં શિખવાડાય. આ – ગુસ્સો – કહેવાય. આ – હતાશા – છે. કે આનંદના આટલા પ્રકાર છે. બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે. કોઈકને ભેટી પડવાનું મન થવું એ જેટલું સાહજિક છે એટલી જ સ્વાભાવિક છે કોઈના માથામાં બેટ મારીને એને લોહીલુહાણ કરી નાખવાની લાગણી. પણ જેમ કોઈકને ભેટી પડવાની ઇચ્છા થાય તો તમે એમ કરતા નથી (મોટા થયા પછી, ધેટ ઇઝ) કે કરી શકતા નથી, એ જ રીતે કોઈના માથા પર બેટ પછાડી શકાતું નથી. તો પછી આવા ગુસ્સાનું શું કરવું ? સામાવાળાએ કરેલી બદમાશીનો બદલો કેવી રીતે વાળવો ? સમસમીને બેસી રહેવું કે બીજો ગાલ ધરવાની સલાહ યાદ કરવી ?

મોટા થયા પછી આપણને આવડતું નથી હોતું કે આપણા ગુસ્સાને, આપણી ઈર્ષ્યાને, આપણા લાલચીપણાને કેવી રીતે મૅનેજ કરવાં. મોટા થયા પછી પણ આપણને ખબર હોતી નથી કે ક્યાંક જવા માટે ટ્રેન ન મળતી હોય ત્યાં રિક્ષા, બસ, ખાનગી વાહન ગમે તે રીતે જઈ શકાય એમ જો જીવનમાં આપણને હૂંફ ન મળતી હોય કે દોસ્તી ન મળતી હોય કે વડીલનું વાત્સલ્ય ન મળતું હોય તો એવા સંજોગોમાં શું કરવું ? ખટક્યા કરતા અભાવને પંપાળતાં બેસી રહેવું ? કે પછી એ અભાવને ભરવાની કોશિશ કરવી ? કઈ રીતે કોશિશ થાય ? ક્યાં ક્યાં કોશિશ થાય ?

મોટા થયા પછી પણ આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવતાં મુશ્કેલી પડતી હોય તો ઇમોશનલી બિલકુલ આશ્રિત હોય એ ઉંમરનાં બાળકોને કેટલી તકલીફો પડતી હશે, પોતાની લાગણીઓને મૅનેજ કરવામાં.

પંદર – વીસ – પચીસ વર્ષથી જે બંગલો મૅનેજ થયો ન હોય એને બે-અઢી દાયકા બાદ ફરી રહેવાલાયક બનાવવો હોય તો કેટલી મહેનત પડે ? વેલ મેઇન્ટેઇન્ડ મકાનમાં આવી તકલીફ નથી રહેતી. લાગણીઓને મૅનેજ કરવી જોઈએ એવી સભાનતા વિના જ બાળક મોટું થઈ ગયા પછી ટીન એજર બને છે ત્યારે સૌપ્રથમ વાર એ અનુભવે છે કે એના લાગણીતંત્રના તાર બહુ ગૂંચવાઈ ગયા છે. આ બધી ગૂંચ પહેલેથી જ બહુ દૂર થતી રહી હોત તો ટીન એજમાં મૂંઝવતી લાગણીઓને સમજી શકાઈ હોત, આ લાગણીઓ સાથે કામ પાર પાડવામાં સરળતા પડતી હોત. ટૂંકમાં, લાગણીઓને  કેવી રીતે મૅનેજ કરવી એ અંગેની પાયાની જાણકારી મળી ગઈ હોત.

મનમાં ઉદ્‍ભવતી ગુસ્સો કે ઈર્ષ્યા જેવી નકારાત્મક ગણાતી લાગણીઓનું સર્જાવું સાહજિક છે એ વાત સમજતાં સમજતાં માણસના વાળ ધોળા થઈ જાય છે. ગુસ્સો આવવો કે ઈર્ષ્યા થવી કે એવી જ અન્ય તમામ, નૅગેટિવ ગણાતી લાગણીઓ થવી, સાહજિક છે એ વાત બાળક સ્વીકારતાં શીખે તો જ એને આગળ શિખવાડી શકાય કે ગુસ્સો શાંત કેવી રીતે કરવો, ઈર્ષ્યા ન થાય તે માટે શું કરવું. એને બદલે માબાપ તરીકે કે શિક્ષક તરીકે આપણે કહીએ છીએ શું : ગુસ્સો ન થાય, એક વખત કહી દીધું ને. સીધો હુકમ. તારું રમકડું એને રમવા આપ. સીધો હુકમ. પોતાનું રમકડું બીજાને રમવા ન આપવું – આ લાગણી બાળકમાં સાહજિક હોઈ શકે છે. કોઈક બાળકને એવી લાગણી ન થતી હોય અને એ સામેથી બીજાં બાળકોને પોતાનાં રમકડાં રમવા આપે તો ઉત્તમ જ છે પણ મોટાભાગનાં બાળકો નથી આપી શકતાં. એમને આપણે સીધો હુકમ કરીએ (કે પછી સમજાવીએ છીએ) કે બીજાને રમવા આપ તો જાણેઅજાણે બાળકને મનમાં લાગે છે કે રમકડું રમવા ન આપવાની લાગણી ઉદ્‍ભવે તે ખોટું કહેવાય, પોતાનામાં એટલી ખોટ છે, પોતાનું વ્યક્તિત્વ એટલું ખરાબ છે. વાસ્તવમાં, બાળકને સમજ પડવી જોઈએ કે આવી લાગણી ઉદ્‍ભવે તેમાં કશું ખોટું નથી, ખોટું માત્ર એ લાગણીનું અમલીકરણ કરવામાં છે. લાગણીના ઉદ્‍ભવ અને અમલીકરણ વચ્ચેનો આ ભેદ બિલકુલ સ્પષ્ટ છે અને એ જાતે સમજીને બાળકને સમજાવવા જેવો છે.

મારામાં કોઈ સારી લાગણી ઉદ્‍ભવે એને કારણે હું આપોઆપ સારો થઈ જતો નથી અને કોઈના માટે ખરાબ લાગણી જન્મે તો એના કારણે હું આપોઆપ ખરાબ પણ થઈ જતો નથી. હું સારો કે ખરાબ ત્યારે જ છું, જ્યારે એ લાગણીનું સભાન કે અભાનપણે અમલીકરણ થાય છે. તમે એમ ન કહી શકો કે મારામાં ખરાબ લાગણી ઉદ્‍ભવવી જ ન જોઈએ. કારણ કે એક તો એ સાહજિક છે. મોટર હોય તો એનું ટાયર પંક્ચર થવાનું જ. પંક્ચર સાહજિક છે. એને રિપેર કરાવી લેવાની સમજ હોવી જોઈએ. પંક્ચર્ડ ટાયરવાળી ગાડી ચલાવવાથી થનારા નુકસાન અંગેની જાણકારી હશે તો જ પંક્ચર રિપેર કરાવવાનું મહત્તવ સમજાશે. બીજું, માની લો કે મારામાં કોઈ પણ ખરાબ લાગણી ઉદ્‍ભવતી જ નથી, માત્ર સારી સારી લાગણીઓ જ જન્મે  છે. આમ છતાં જ્યારે વર્તન કરવાનો વખત આવે છે ત્યારે મારું વર્તન સ્વાર્થી કે ગુસ્સાભર્યું કે ઈર્ષ્યાળુ હોઈ શકે છે, બિલકુલ હોઈ શકે છે. મનમાં જે લાગણી દેખીતી રીતે ઉદ્‍ભવતી જ નથી ( આપણને એવું લાગે છે કે એ ઉદ્‍ભવતી નથી) એવી લાગણીઓ પણ સબ–કોન્શિયસમાં ક્યાંક તો છુપાયેલી પડી હોઈ શકે.

(કાલે વાંચો: ‘દેવના દીધેલ માથે પડેલ બની જાય ત્યારે’)

આ લેખ તમને ગમ્યો ? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે, ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં, લખાયો અને  હવે પ્રગટ થનારા ‘ઉંમરના એવા વળાંક પર’ પુસ્તકમાં પ્રગટ થશે.)

2 comments for “સંતાનોની લાગણીઓ કેવી રીતે સમજીશું

  1. HARSHA SHETH
    July 20, 2009 at 10:36 AM

    મજાનો આર્ટિકલ.

  2. કલ્પેશ સથવારા
    January 31, 2010 at 5:39 PM

    આર્ટિકલ સારો છે. પરંતુ લાગણીઓનુ મેનેજ્મેંટ કેમ કરવું તેની વિસ્ત્રુત છણાવટ આપના લોકો ને મળવાના વિશાલ અનુભવોનો ઉપયોગ કરી લખશો તથા બિજા મિત્રો પણ કમેંટ માં આપના અનુભવો વહેઁચે એ વિનઁતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *