પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું

વાચકો જેમ અલગ અલગ માથાંના હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે

writerલેખકોએ વાચકોના દરેક પત્રનો જવાબ લખીને મોકલવો કે નહીં? ઉમાશંકર જોશી ભાગ્યે જ કોઈના પત્રનો જવાબ આપતા. આમ છતાં ક્યારેક ઉમાશંકર એમના કેટલાક નિકટના મિત્રોને પણ લખતા જે ગુજરાતી સાહિત્યનો એક અંશ બની જતા. લેખકોએ વાચકોના પત્રોનો જવાબ આપવો કે નહીં? કેટલાક લેખકો અત્યંત ચોકસાઈપૂર્વક પોતાને મળતી ટપાલના જવાબમાં ટૂંકો તો ટૂંકો પણ પત્ર લખતા હોય છે. કાં તો સાદો પોસ્ટકાર્ડ હોય, કાં મોંઘા ભાવની સ્ટેશનરી હોય. કેટલાક લેખકો રોજ મળતી ટપાલમાંથી ખરેખર અલગ તરી આવતી એકાદ બે ટપાલનો ઉત્તર આપતા હોય છે. કેટલાક પોતાને મળતી તમામ ટપાલ વાંચીને એને બાજુએ મૂકી દેતા હોય છે. કેટલાક લેખકોને વાચકોની ટપાલ ઉઘાડવાની કે ઉઘાડીને વાંચવાની ફુરસદ કે ઈચ્છા– આ બેઉ નથી હોતાં. વાચકો જેમ અલગ અલગ માથાનાં હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે.

ચન્દ્રકાન્ત બક્ષી, રજનીકુમાર પંડ્યા અને પ્રિયકાંત પરીખના વાચકો પાસે એમના પ્રિય લેખકોએ લખેલા પત્રો તમને મળી આવશે. હરીન્દ્ર દવે ભાગ્યે જ એમના વાચકોને વળતો જવાબ લખતા. નિરંજન ભગત ચાહકોના પત્રોના જવાબ આપે છે. મોટા લેખકોમાંથી જેઓ ગાંધી યુગના હતા એમાનાં લગભગ તમામ સૌજન્ય ખાતર વળતા ઉત્તરરૂપે બે લીટીનું પોસ્ટકાર્ડ વાચકને લખી દેતા. નવી પેઢીના લેખકોમાંથી અશોક દવે એવા લેખક છે, સુન્દર મરોડદાર અક્ષરે પોતાના વાચકોને જવાબ લખે છે. બકુલ ત્રિપાઠીના અક્ષરો અશોક દવે કરતા સામા છેડાના. એમનો પત્ર વાંચવા માટે સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે પત્રનો છતો છેડો કયો અને ઊંધો છેડો કયો. ખુશવંતસિંહ નેવું વર્ષની ઉંમરે પણ પોતાને મળતા એકેએક વાચકોના પત્રનો જવાબ લખતા.

આ લેખકો એવું માને છે કે વાચક આપણને યાદ કરીને પાંચ–પંદર મિનિટ વાપરીને પત્ર લખતો હોય (કે લખતી હોય) એના માટે આપણે બે–પાંચ મિનિટ પણ ન ફાળવીએ તો એ અવિવેક કહેવાય. આની સામે બીજા કેટલાક લેખકો માનતા હોય છે કે તમે લેખક હો તો તમારું કામ પુસ્તકો દ્વારા લોકો સુધી પહોંચવાનું છે, તમે સંગીતકાર હો તો તમારા સંગીત દ્વારા અને અભિનેતા હો તો તમારા અભિનય દ્વારા લોકો સુધી પહોંચવાનું છે. કળાના આવા કોઈ પણ માધ્યમને બાદ કરીને સીધેસીધા લોકો સુધી પહોંચવાની જરૂર નથી. અર્થાત્ વાચક, શ્રોતા કે પ્રેક્ષક સાથે પત્રવ્યવહાર, રૂબરૂ મુલાકાત કે ફોન પર વાતચીત કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ વાચકો, શ્રોતા કે પ્રેક્ષકોની નિસ્બત લેખક, સંગીતકાર કે અભિનેતાની કળા સાથે હોવી જોઈએ, નહીં કે એના અંગત જીવન કે અંગત વિચારો સાથે.

કેટલાક લેખકો નરી આળસને કારણે વાચકોના પત્રોના જવાબ નથી આપતા. કેટલાક લેખકો વાચકોને આપેલા જવાબની ફોટોકોપી કે કાર્બન કોપી પોતાની પાસે રાખી મૂકે છે. તેઓ એવા ભ્રમમાં હોય છે કે પોતાના મરી ગયા પછી પોતે લખેલા પત્રોનું સંપાદન થશે અને પત્રસાહિત્યમાં એ સંપાદન અમર બની જશે. કેટલાક લેખકોને વહેમ હોય છે કે વાચકને પોતાનો પત્ર મળશે એટલે એ ગાંધીજીના પત્રની જેમ અડોશપડોશમાં બતાવશે અને મિત્રોને કહેતો ફરશે કે જોયું ફલાણા લેખકે મને પત્ર લખ્યો. આ લેખકોનું એક મીઠું દિવાસ્વપ્ન હોય છે કે પોતાના મૃત્યુનાં પચાસ વર્ષ પછી પોતે લખેલા પત્રોનું લંડનમાં જાહેર લિલામ થશે અને લાખો પૌંડમાં આ પત્રો વેચાશે.

લેખકોએ વાચકોના પત્રોનો જવાબ આપવો જોઈએ? સીધો સવાલ. હા કે ના? હા. આપવો જોઈએ. કોઈક તમને કેમ છો કહે તો ગમે એવા બિઝી હો, ગમે એવા મૂડમાં હો કે ગમે તે વિચારોમાં ખોવાયેલા હો – તમારે વળતા વિવેકરૂપે બે શબ્દો બોલવા જ જોઈએ. પત્રોનું પણ એવું જ. એકસામટા દસ – દસ પત્રો અલગ અલગ નામે લખીને પોસ્ટ કરતા વાચકોને કે પછી નિયમિતરૂપે દર અમુક દિવસે તમારી ખોટેખોટી પ્રશંસા કરતા ચાંપલા, વાયડા, વેવલા અને બાયલા જેવા લખાણો લખવામાં ઉસ્તાદ એવા વાચકોને કે પોતાની ખોટી બહાદુરી દેખાડવા માત્ર કરવા ખાતર તમારી ટીકા કરીને તમારી ખબર લઈ નાખવા માગતા વાચકોને તમે સંપૂર્ણપણે ઉવેખો તો ચાલે. એમના પત્રોનાં પરબીડિયાં ખોલ્યા વિના તમે મોકલનારના નામ પરથી પારખી જતા હો તો બંધ પરબીડિયું સીધેસીધું કચરાપેટીમાં પધરાવી દો તો પણ તમે કોઈ મોટો (કે નાનો) ગુનો નથી કરતા પણ આવા વાચકોના પત્રો માંડ દસેક ટકા હોય છે. આટલા નગણ્ય સંખ્યાના વાચકોને કારણે તમે બાકીના, ખૂબ સચ્ચાઈથી કે ભારે નિષ્ઠાપૂર્વક પોતાના વિચારોને કે પોતાની લાગણીને પત્ર દ્વારા તમારા સુધી પહોંચાડવા માગતા વાચકોને અન્યાય ન કરી શકો. તમે બિઝી છો એ બહાનું ક્ષુલ્લક બની જાય છે.

પત્રો પછી ફોન. વાચકોના અને બીજાઓના. બહુ ઓછા લોકોને ફોન વાપરતાં આવડે છે. માણસ પાસેનો ફોન એની પોતાની સુવિધા માટે છે, ફોન કરનારની નહીં. જાહેર ઓફિસો, હોસ્પિટલો કે અન્ય એવાં સ્થળોની વાત જુદી છે. મોટાભાગના લોકોને ગમે તે સમયે ફોન કરવાની આદત હોય છે. સામેવાળી વ્યક્તિનો આ કામ કરવાનો સમય છે કે બે ઘડી આરામ કરવાનો સમય છે એની એમને સહેજ પણ ચિંતા નથી હોતી.

પત્રોની જેમ ફોનવાળા વાચકોમાં પણ છાશવારે ફોન કર્યા કરતા વાચકોને વધુમાં વધુ ત્રીસ સેકન્ડમાં પતાવી નાખો તો ચાલે. અવિવેક લાગે તો ભલે. વાચકમાં પણ એટલો વિવેક હોવો જોઈએ. કારણ ગમે તેટલું મજબૂત હોય, તમારાથી રોજ કે દર બીજે દિવસે લેખકને ફોન ન થાય. ક્યારેક આવતા વાચકોના ફોન પર મિનિટ બે મિનિટ વાત થાય, એથી વધુ નહીં. લેખકોથી ક્યારેય ફોન પર વાચકો સાથે જીભાજોડી ન થાય. કેટલાક વાચકો લેખકોને ઉશ્કેરવામાં વિકૃત આનંદ લેતા હોય છે. એમની જાળમાં ફસાઈ જવાને બદલે એકાદ સૌજન્યભર્યા વાક્ય સાથે નમસ્કાર કહીને વધુ કોઈ દલીલ સાંભળ્યા વિના ફોન મૂકી દેવો.

અને વાચકો સાથે રૂબરૂ મુલાકાત? જેમને જિંદગીમાં ક્યારેય મળ્યા ન હો એવા વાચકોનો અચાનક કોઈક ઠકાણે ભેટો થઈ જાય તો બરાબર છે, પણ અગાઉથી સમય નક્કી કરીને તેઓ તમને મળવા માગતા હોય તો ? તો બને ત્યાં સુધી એમની માગણીને ટાળવી. કારણ ? કારણ એ જ કે વાચક્ને નિસબત માત્ર લેખકનાં લખાણો સાથે જ હોય. જેમ તમને સારી રસોઈ જમાડતી રેસ્ટોરાંના શેફ્ના ઘરે જઈને તમે એની સાથે મૈત્રી નથી કરતા એવૂં જ અહીં પણ. ફરક ખાલી એટલો જ કે આ રસોઈયો  તમારા તનની નહીં, મનની તંદુરસ્તી માટે રસોઈ બનાવે છે!

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘કંઇક ખૂટે છે’ પુસ્તકમાં પ્રગટ થયો.)

આ લેખ તમને ગમ્યો? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

1 comment for “પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું

  1. dilip mehta
    July 31, 2009 at 10:42 PM

    varas na ochhama ochha 500 lekhe 10varas lagi patro lakhya ane etla j lagbhag jawabo malya!! output shu? to ke khadhu pidhu ne raj karyu!!! varta puri.atla samay ma 50 sara lekho lakhine ek saru pustak samaj ne api shakayu hot evi lagni thay chhe!!!samaj gayo tel leva, khud ne pan pustak lakhya no sacho santosh thayo hot!!!!tem chhata haju pan kagal lakhvani chal etle ke adat , talaveli chhut ti nathi!!! etle to a mail lakhu chhu baki to bhojiyo bhai ane ganvano chhe!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *