વરસાદ તમને નડે છે કે તમે વરસાદને

મુંબઈનો વરસાદમુંબઈનો વરસાદ માણવો હોય તો છત્રી ઘરે મૂકી દેવાની. એક વિન્ડચીટર સાથે લઈ લેવાનું અને ગોલ્ફ શૉર્ટ્સ અથવા બર્મ્યુડા પહેરીને નીકળી પડવાનું. બાબુલનાથથી ચોપાટી આવીને ક્વીન્સ નૅકલેસના છેક છેવાડે દેખાતી ઑબેરોય તરફ ચાલ્યા કરવાનું.

ન તો આ પ્રત્યક્ષ મિલનની ઝંખનાની સિઝન છે, ન વિરહની આગમાં સળગવાની. ચોમાસું એકલા રહેવાની ઋતુ છે, જલસાથી એકલા રહેવાની. સાથે હોય તો બસ વીતેલા સમયની ભીનાશનું અને આગામી દિવસોની કુમાશનું ભાથું.

સમજાતું નથી કે વરસાદ કેવી રીતે કોઈની મઝા બગાડી શકે. એ ન તો કોઈનું બગાડવા આવે છે, ન સુધારવા, એ તો બસ આવે છે. તમે એની સાથે ગમે એવો લુખ્ખો વહેવાર કરશો, એ તમને ભીંજવ્યા વગર નહીં રહે.

વરસાદની મૌસમ મિલનની ઋતુ છે કે વિરહની ? કવિઓએ પોતપોતાની રીતે વરસાદને ગાયો છે. ન તો આ પ્રત્યક્ષ મિલનની ઝંખનાની સિઝન છે, ન વિરહની આગમાં સળગવાની. ચોમાસું એકલા રહેવાની ઋતુ છે, જલસાથી એકલા રહેવાની. સાથે હોય તો બસ વીતેલા સમયની ભીનાશનું અને આગામી દિવસોની કુમાશનું ભાથું.

નસીબદાર છીએ કે વરસાદ શહેરમાં પણ આવવાની તસ્દી લે છે. બાકી, હરેક વખત એણે ટ્રાફિકમાં અટવાયેલા અને ટ્રેનની ભીડમાં સપડાયેલા લાખો શહેરીઓના મોઢેથી મણ મણની સાંભળવી પડતી હોય છેં. છતાં ઉદાર મન રાખીને એ આ અપમાન ભૂલી જાય છે અને બીજા વરસે ફરી પાછો આવે છે. જાણે છે કે આ વર્ષેય, પોતાના કોઈ વાંક ગુના વગર, માત્ર મ્યુનિસિપલ ઠેકેદારોની ચોરી ચપાટીને કારણે પોતે બદનામ થઈ જવાનો છે.

મુંબઈનો વરસાદ માણવો હોય તો છત્રી ઘરે મૂકી દેવાની. એક વિન્ડચીટર સાથે લઈ લેવાનું અને ગોલ્ફ શૉર્ટ્સ અથવા બર્મ્યુડા પહેરીને નીકળી પડવાનું. બાબુલનાથથી ચોપાટી આવીને ક્વીન્સ નૅકલેસના છેક છેવાડે દેખાતી ઑબેરોય તરફ ચાલ્યા કરવાનું. ભરતીનો સમય હોય અને પવન ફૂંકાતો હોય તો ઔર મઝા આવવાની. ઑબેરોય, ઍર–ઇન્ડિયા, ઍક્સપ્રેસ ટાવર, ઍમ્બેસેડરના મથાળે ફરતી ચકરડી રેસ્ટોરાં, વાનખેડે સ્ટેડિયમ, અનેક લૅન્ડમાર્કસ જતી વખતે દેખાવાનાં અને ઑબેરોયથી પાછા આવતી વખતે નજરની સામે દૂર એક છેવાડે રાજભવન અને બીજી તરફ વિસ્તરતી વાલ્કેશ્વરની ભવ્ય ઊંચી મહેલાતો. ‘વ્યાપાર’ કે ‘મૉનોપોલી’ની રમતમાં માત્ર સાડાચાર હજારમાં મળતું વાલકેશ્વર, હકીકતમાં તમારે આખેઆખું ખરીદી લેવું હોય તો કેટલા પૈસા જોઈએ?

ચાલવા ન જવું હોય તો બીજો રસ્તો છે. બહુમજલી મકાનના સત્તરમા માળની બાલક્નીમાં ઊભા રહેવું અથવા તો જુહુ બીચના છેવાડે આવેલા બંગલાની લૉન પર ઢાળેલા ફાઈબર ગ્લાસના છાપરા નીચે ખુરશી નાખીને ટપક ટપકના ધોધમાર અવાજો સાંભળતાં રહેવું.

વરસાદમાં તમે ગમે ત્યાં જઈ શકો. પહાડો પર, દરિયાકિનારાઓ પર કે જંગલોમાં. હિલ સ્ટેશન પરના ડાક બંગલામાં મોડી રાતે ભારે સખત વરસાદ, રૂમમાં ભેજવાળા લાકડાની ગંધ, ફર્નિશિંગ્સ અને અપહોલ્સ્ટરીઝમાંથી આવતી બટાઈ ગયેલી વાસ અને બહાર ચોકીદારે સળગાવેલા તાપણા પર મૂકેલી એલ્યુમિનિયમની કીટલીમાં ઊકળતી ચાની વરાળ. વીનેશ અંતાણીની નવલકથા જેવું લાગે. નીચે ખીણમાં દેખાતું ધુમ્મસ અને પહાડનાં વાદળો ક્યારે એકબીજામાં ભળી જાય છે તેની સરત રહેતી નથી. ઘાસની ખુશ્બોવાળી ઝાકળભીની તાજી હવાનો માદક નશો. કુદરત એકસામટાં કેટલાં ઍરફ્રેશનર્સ ઠાલવી નાખતી હશે.

તિથલ, ઉભરાટ, નારગોળ કે ઉમરગામના દરિયાકિનારે વરસાદમાં જવાય. જુહુ કે ચોપાટી જેવી ભીડ નહીં અને ભરપૂર સ્વચ્છતા. કંપનીમાં જો કોઈ હોય તો, સુરેશ દલાલની કવિતાના શબ્દોમાં, સાવ એકલો દરિયો. એકલો હોય એ જ બીજા એકલાઓને સારી રીતે સાથ આપી શકે. ચોમાસામાં છેક સુધી ભીની રહેતી દરિયાની રેતીમાં પોચા પોચા સ્પ્રિંગ પગલે ઝડપભેર ચાલી નાખ્યા પછી અચાનક તમને ક્ષિતિજનું બૅકગ્રાઉન્ડ બનાવીને ફ્રેમની બહાર નીકળી આવ્યું હોય એવું મેઘધનુષ્ય દેખાય. તરત ઊભા રહીને તમે લાનાપીલીભૂવાજા ક્રમ પ્રમાણે જ છે કે નહીં એ ચૅક કરી લો અને આગળ વધો.

રણથંભોર કે કૉર્બેટ પાર્ક કે ઊટી પાસે મદુમલાઈની સૅંન્ક્ચ્યુ‍અરીના જંગલોમાં વરસાદ દરમિયાન ખરી મઝા તમારી જીપ કાદવમાં ફસાઈ જાય ત્યારે આવે.  ફોર વ્હીલ ડ્રાઈવથી પણ ગાડી બહાર ન નીકળે ને આ બાજુ અંધારુ ઘેરાવા માંડે ત્યારે ગાઈડ ટૉર્ચનો પ્રકાશ પોતાના ઘડિયાળના કાંટા પર છાંટીને કહે : સરજી, લાયન કા ડિનર ટાઈમ હો ગયા. તમારી ભૂખ ત્યાં ને ત્યાં મરી પરવારે.

વરસાદમાં ક્યાંય ન જવું હોય અને તમારે તમારી સાથે જ રહેવું હોય તો સ્ટડીરૂમમાં ઘૂસી જવાનું. ચારે કોર પુસ્તકો, વચ્ચે તમે ,બહાર વરસાદ અને સીડી પર મહેંદી હસન અથવા ગુલામ અલી અને સાથે પીવામાં (ના, ઍન્ટિક્વિટી નહીં. આ શું આખો દહાડો એ જ પીધા કરવાનું) ઇંગ્લિશ ટી, ઉકાળેલા પાણીમાં બનાવેલું ચાનું માઈલ્ડ લિક્યોર. સાથે માત્ર એક ટેબલ સ્પૂન જેટલું સ્કિમ્ડ મિલ્ક પ્લસ દોઢ ટી સ્પૂન સ્યૂગર. આવી ચા વરસાદમાં ગમે એટલી પીઓ, હાનિ નહીં. વિકલ્પરૂપે ક્યારેક લીલી ચાની લાંબી પત્તીઓ અને/અથવા ફુદીનાનાં પાંદડા પણ નાખી શકાય. અને ના, ઇલાયચી બિલકુલ નહીં. તમે ચા બનાવી રહ્યા છો, શીખંડ નહીં.

ઊંચા ગ્લાસમાં ચા ભરીને એની ચુસકી લેતાં લેતાં શું કરવાનું ? વીતેલા સમયની સ્મૃતિથી અને આગામી દિવસોની કલ્પનાથી હવે થાક્યા હો તો વાંચવાનું. વરસાદમાં ઓલ્ડ વેસ્ટર્ન ક્લાસિક્સ વાંચવાની હોય  (રેલપ્રવાસમાં કરન્ટ થ્રિલર્સ અને બેસ્ટ સેલર્સ વાંચવાની હોય, ઉનાળામાં દરિયાઈ સાહસકથાઓ અને શિયાળામાં સોફ્ટ–મૅચ્યોર્ડ રોમાન્સ‍ની નવલકથાઓ વાંચવાની હોય. આ સિવાયના દિવસોમાં છાપામાં મરણનોંધો વાંચવાની હોય). ગૉન વિથ ધ વિન્ડ, સન્સ ઍન્ડ લવર્સ, ડૅવિડ કૉપરફિલ્ડ, ડૉક્ટર ઝિવાગો, ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ… બસ આટલું વાંચતાંમાં તો દિવાળી આવી જશે.

મુંબઈમાં વરસાદ આવે, ખૂબ બધો આવે ત્યારે માનવું જોઈએ કે નસીબદાર છીએ. ચોમાસામાં જ લાગે છે કે સિઝન બદલાઈ. બાકી, મુંબઈમાં ઍરકન્ડિશન્ડ ઋતુ સિવાય બીજી કોઈ મૌસમ છે જ ક્યાં.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘પ્રિય જિંદગી’ પુસ્તકમાં પ્રગટ થયો.)

આ લેખ તમને ગમ્યો? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

2 comments for “વરસાદ તમને નડે છે કે તમે વરસાદને

 1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
  July 11, 2009 at 9:33 PM

  બસ સૌરભભાઈ,આ લેખથી તમારી સૌરભ ચારેકોર ફેલાઈ ગઈ સમજો.હવે તમારા લેખો વાંચવા પડાપડી ના થાય તો મને કહેજો.હું પડી જઈશ અને વાગે તો દવા-દારુને ડૉક્ટરનું બીલ તમને નહીં મોકલાવું.લેખ વાંચવાની ધમાલમાં જોજોને કેટલાયનાં કોમ્પ્યુટરો ડસ્ટબિનમાં ગાર્બેજ ના થઈ જાય.મારા કોમ્પ્યુટર માટે તો મેં અત્યારથી ચોકીદાર રાખી દીધો છે.ગભરાતા નહીં,આનું બીલ પણ તમને નહીં મોકલાવું.
  લ્યો,આવા સરસ લેખ માટે સહુથી પહેલાં અભિનંદન આપવાનું ભૂલી જ ગયો.મોડું તો મોડું,પણ સ્વીકારજો અને માફ પણ કરજો.
  હવે આટલેથી અટકતા નહીં.

 2. Hetal
  July 28, 2010 at 4:05 PM

  ગયા વીક એન્ડ માં લોનાવાલા પાસે આવેલ લોહ્ગઢ નામ ના કિલ્લા પર ટ્રેકિંગ કર્યું હતું..વરસતા વરસાદ માં ૧૮ કિલોમીટર ચાલવું, એ પણ પ્રિયપાત્ર સાથે, અને ચા -બાફેલી મગફળી અને મકાઈ ની ઉજાણી …. મઝા પડી ગઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *