તમારું જ છે, તમને અર્પણ

લેખકો માટે પોતાના પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં સ્વજનો યાદ આવે કે સમજ ન પડે કોને અર્પણ કરવું

૧૯૦૩

૧૯૦૩માં હિંમતલાલ ગણેશજી અંજરિયાએ કરેલું અર્પણ. (સૌજન્ય: ‘બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’, ઇમેજ પબ્લિકેશન્સ.)

પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય- અમુકને, અને લેખકના મનની કેટલી બધી વાત કહેવાઈ જાય. લેખકો માટે પોતાનાં પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં બધાં સ્વજનો યાદ આવી જાય કે સમજ ન પડે કોને અર્પણ કરવું. ક્યારેક સ્વજનોમાંથી એકેય વ્યક્તિ નિકટ ન લાગે  જેને પોતાનું સર્જન અર્પણ કરી શકાય. લેખક કે કવિના સર્જનકાળના આરંભનાં પુસ્તકોમાં સૌથી વધુ અર્પણ માતા–પિતાને થયાં છે. ત્યારબાદ પત્નીને.

ચાળીસના દાયકામાં પન્નાલાલ પટેલે ‘મળેલા જીવ’ નવલકથા ‘સ્વર્ગસ્થ બાપુને તથા બાને – ’ અર્પણ કરી હતી. એંશીના દાયકામાં ઉદયન ઠક્કર, હેમન શાહ , મુકુલ ચોક્સી જેવા યુવાન કવિઓએ પણ પોતપોતાના કાવ્યસંગ્રહ માતાપિતાને કે બેમાંથી એકને અર્પણ કર્યા હતા. લગભગ દરેક સાહિત્યકારે પત્નીને એક પુસ્તક અર્પણ કર્યું છે. ઇરવિંગ વૉલેસની મોટા ભાગની નવલકથાઓ પત્ની સિલ્વિયા વૉલેસને અર્પણ થઈ છે. ફાધર વાલેસ અને રજનીશજીએ પોતાનાં પુસ્તકો કોઈનેય અર્પણ નથી કર્યાં.

સંતાનોને પણ અર્પણ થતાં હોય છે. વિઠ્ઠલ પંડ્યાએ ‘બુકાની બાંધેલા રસ્તા’ નવલકથા એમના પુત્રો ચિ. અશોક, ચિ. રાજેશ, ચિ. સંજયને અર્પણ કરી છે. ગુણવંત શાહનો નિબંધસંગ્રહ ‘વિચારોના વૃંદાવનમાં’ એમનાં સંતાનો મિની, અમી તથા વિવેકને અર્પણ થયો છે. ઘનશ્યામ દેસાઈની બાળવાર્તાઓનાં પુસ્તકો પુત્ર નિરામયને અર્પણ થયાં છે.

૧૯૨૧ માં કનૈયાલાલ મુનશીએ ‘પૃથિવીવલ્લભ’ નવલકથા રા. ભાઈ કૃપાશંકર આચાર્યને ‘વર્ષોની મૈત્રીના અનેક પ્રસંગોનાં સંભારણાંમાં’ અર્પણ કરી હતી. ચં. ચી. મહેતાએ ‘આગગાડી’ નાટક ૧૯૩૪માં ‘સ્નેહી ભાઈ પરાગજીને’ અર્પણ કર્યું હતું. અનિલ જોશીએ ‘પવનની વ્યાસપીઠ’ નિબંધસંગ્રહ ઘનશ્યામ દેસાઈ અને ઊર્મિ દેસાઈને અર્પણ કર્યો છે. હરીન્દ્ર દવેએ ‘કૃષ્ણ અને માનવસંબંધો’ શીર્ષકનો અધ્યાત્મ ગ્રંથ ‘શ્યામની આ કથા મહોરી સાંનિધ્ય ઘનશ્યામના’ કહીને ઘનશ્યામ દેસાઈને અર્પણ કર્યો છે. જગદીશ જોશીએ ‘વમળનાં વન’ કાવ્યસંગ્રહ ‘પ્રિય સુરેશ દલાલ’ને અર્પણ કર્યો છે. સુરેશ દલાલે ‘તારીખનું ઘર’ કાવ્યસંગ્રહ ‘હરીન્દ્ર દવે તથા જયાબહેન’ને અર્પણ કરતાં લખ્યું છે : ‘હવે ક્યાં શબ્દોની સરહદમહીં સ્નેહ વસતો’. સુરેશ જોષીએ ‘કિંચિત્’ નિબંધસંગ્રહ પોતાના કઝિન પ્રિય ભૂપેન્દ્રને અર્પણ કર્યો છે. સુરેશ જોષી અને ઉમાશંકર જોશી બેઉ ઉત્તમ કક્ષાના સાહિત્યકારો, પણ બેઉની સાહિત્યિક વિચારધારા સામસામા છેડાની. કાચબા અને સસલા વચ્ચેની સ્પર્ધાનો સંદર્ભ એકદમ ગર્ભિત રાખીને અસ્થમાના દર્દથી પીડાતા સુરેશ જોષીએ પોતાનો વિવેચનસંગ્રહ ‘અરણ્યરુદન’ ઉમાશંકર જોશીને અર્પણ કર્યો છે અને નીચે વ્યંગ્યમાં લખ્યું છે : ‘બટ અ ટોર્ટોઇઝ શેકન બાય અસ્થમા ગોઝ ઓન પ્રોટેસ્ટિંગ’.

ભોલાભાઈ ગોલીબાર (તંત્રી : ‘ચંદન’ સાપ્તાહિક)ની એક નવલક્થાનું શીર્ષક છે ‘ભૂતપલીત’ . આ હોરર નવલકથા પહેલાં ભોલાભાઈએ ચંદ્રકાન્ત બક્ષીને અર્પણ કરવાનું વિચાર્યું, પણ છેક છેલ્લી ઘડીએ બીક લાગી એટલે વિચાર ફેરવી તોળીને એમણે આપના વિશ્વાસુને ભાવપૂર્વક અર્પણ કરી દીધી. જો કે, થોડાંક વર્ષ બાદ ભોલાભાઈની હિંમત ખૂલી ગઈ એટલે એમણે પોતાની તાજી નવલકથા ‘શૈતાન’ ચંદ્રકાંત બક્ષીને અર્પણ કરી.

એક બહુ યાદગાર પંક્તિ રાધેશ્યામ શર્માએ ‘ફેરો’ નવલકથામાં લખી છે : ‘જેમનાથી પ્રભાવિત થયા વિના જેમને રંગે રંગાયો તે સુરેશ જોષીને અને જેમના રંગે રંગાયા વિના જેમનાથી પ્રભાવિત થયો તે નિરંજન ભગતને.’

મોરારજી દેસાઈની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’ ૧૯૭૨માં પ્રગટ થઈ ત્યારે મોરારજીભાઈએ એ પુસ્તક કોઈનેય અર્પણ ન કરવાનું મુનાસિબ માન્યું હતું. જોકે, મોરારજીભાઈનું વ્યક્તિત્વ જોતાં લાગે છે કે એમણે અર્પણ કર્યું હોત તો લખ્યું હોત : ‘મને જ… ’ બકુલ ત્રિપાઠીએ ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ ‘મારી સામેના દર્પણને’  અર્પણ કર્યું છે.

મૈત્રેયીદેવીની નવલકથા ‘ન હન્યતે’નો ગુજરાતી અનુવાદ એક દાયકા પહેલાં પ્રગટ થયો ત્યારે અનુવાદક નગીનદાસ પારેખે અર્પણપાના પર ‘પ્રિય ભાઈશ્રી ઝીણાભાઈ તથા સૌ. વિજયાબહેન દેસાઈને’ લખીને આ પુસ્તક મિસ્ટર ઍન્ડ મિસિસ ‘સ્નેહરશ્મિ’ને અર્પણ કર્યું હતું. આ મુદ્દા પર યશવંત દોશીએ પોતાના વિચારો ‘ગ્રંથ’ માસિકની ‘ટાંચણપોથી’ કૉલમમાં પ્રગટ કર્યા હતા. યશવંતભાઈનું મંતવ્ય હતું કે ‘અર્પણ પણ પુસ્તકનું અવિભાજ્ય અંગ છે. નેહરુની આત્મકથા મૂળ અંગ્રેજીમાં પ્રગટ થઈ તે પહેલાં થોડા જ સમય ઉપર તેમનાં પત્ની કમલાદેવી અવસાન પામેલાં. નેહરુએ પુસ્તક અર્પણ કર્યું છે – ‘ટુ કમલા હુ ઇઝ નો મોર’ અને મહાદેવભાઈએ એના અનુવાદમાં આ અર્પણનો પણ (સુંદર) અનુવાદ કર્યો છે – સ્મૃતિશેષ કમલાને.’ મહાદેવભાઈ દેસાઈએ કમલા નેહરુને બદલે અનુવાદનું પુસ્તક પોતાની પત્ની કે મનગમતી બીજી કોઈ વ્યક્તિને અર્પણ કર્યું હોત તો નેહરુની લાગણીને ચોક્કસ અન્યાય થયો ગણાત.’ યશવંતભાઈની આ વાત સાથે કોઈપણ સહમત થાય જ.

અર્પણમાં વ્યક્ત થતી લાગણીઓ પુસ્તક પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી બદલાઈ જાય તો ? આ સવાલ દેખાય છે એટલો કાલ્પનિક નથી. પુસ્તક છપાઈ રહ્યું હોય અને બાઇન્ડિંગ ન થયું હોય એ ગાળામાં લાગણીઓ બદલાય તો તો અર્પણનું પાનું બદલી શકાય કે રદ કરી શકાય. ગુજરાતીમાં આવું બન્યાના દાખલા જોયા છે. પણ અહીં સવાલ છપાઈ ગયા પછી બદલાતી લાગણીઓનો છે. ૧૯૭૧માં ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ અમૃતલાલ યાજ્ઞિક, નગીનદાસ સંઘવી અને ગુલાબદાસ બ્રોકરને અર્પણ થયો હતો. પરંતુ વર્ષો વીતતાં આ ત્રણેય વડીલો સાથે ક્રમશ: મહાયુદ્ધો અને/અથવા મિનીયુદ્ધો બક્ષીએ કર્યાં.

ગુજરાતીમાં કોઈ જાણીતા સાહિત્યકારે લગ્ન પછી સ્ત્રીમિત્ર/ પ્રેમિકાને પુસ્તક અર્પણ કરીને જાહેરમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હોય એવું જાણમાં નથી. પ્રીતીશ નંદીએ પોતાનાં લગ્ન પછી પ્રગટ થયેલો અંગ્રેજી કાવ્યસંગ્રહ પોતાની ભૂતપૂર્વ ગુજરાતી પ્રેમિકા અને મશહૂર નૃત્યાંગના મલ્લિકા સારાભાઈને અર્પણ કર્યો હતો. ગુજરાતી સાહિત્યકારોનાં પુસ્તકોનાં અર્પણોમાં જેટલી લાગણી પ્રગટ થાય છે એટલી જ અપ્રગટ રહી જાય છે.

છૂટક નિબંધો–લેખો (કે બ્લોગ પરની આવી પોસ્ટ) અર્પણ કરવાની પ્રથા હજુ શરૂ થઈ નથી. એવી કોઈ પ્રથા હોત તો આ પીસ કોને અર્પણ કર્યો હોત ?

પ્રિય વાચક, તમને.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘કંઇક ખૂટે છે’ પુસ્તકમાં પ્રગટ થયો.)

આ લેખ તમને ગમ્યો? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

1 comment for “તમારું જ છે, તમને અર્પણ

 1. Envy
  July 12, 2009 at 6:22 PM

  Saurabhji,
  I think you start the tradition now….on blog or net.
  The idea is not bad…you will become trendsetter for that, you can
  dedicate good article to some one who has become a force in your life!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *