‘શૉર્ટકટ’:પતલી ગલીની તકલાદી સફળતા

અમૃતા તા રાવ

અમૃતા રાવ: નમણી, રૂપાળી અને સેક્સી હોવા છતાં ફિલ્મની ગ્લમરમાં એના તરફથી ભાગ્યે જ ઉમેરો થાય છે

શેખર (અક્ષય ખન્ના) એક સ્ટ્રગલિંગ ફિલ્મદિગ્દર્શક છે અને રાજુ (અર્શદ વારસી) એનો મતલબી દોસ્તાર તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જુનિયર આર્ટિસ્ટ છે જેને અભિનયનો ‘અ’ આવડતો નથી છતાં ખ્વાબ જુએ છે સુપરસ્ટાર બનવાના. માનસી (અમૃતા રાવ) સુપરસ્ટાર છે.

રાજુ ટૂંકા રસ્તે મોટી સફળતા પામવાના પેંતરા રચે છે જેમાંથી રચાય છે કોમેડી ફિલ્મ ‘શોર્ટકટ: ધ કોન ઇઝ ઓન’. શેખર પ્રામાણિકતાથી સંઘર્ષ કરતો રહે છે જેમાંથી રચાય છે ‘શોર્ટકટ’નો ઈમોશનલ ટ્રેક.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની રુથલેસનેસ અને બનાવટી ગ્લેમરના વિષય પર અનેક ફિલ્મો આવી જેમાંથી ભાગ્યે જ તમને ‘કાગઝ કે ફૂલ’ અથવા ‘ઓમ શાન્તિ ઓમ’ જેવી ક્લાસિક અથવા સુપરહિટ ફિલ્મો પ્રાપ્ત થઈ. બહુ લપસણો અને દરેક ફિલ્મકલાકારને આકર્ષે એવો આ વિષય છે. એક મહેનતુ, ટેલન્ટેડ અને નિષ્ઠાવાન ફિલ્મકાર તરીકે નામના મેળવી ચૂકેલા ગુજરાતીઓના ગૌરવસમા નીરજ વોરાએ સંવાદલેખક/પટકથાલેખક/વાર્તાલેખક તરીકે અનેક સફળ ફિલ્મો આપી છે. દિગ્દર્શક તરીકે ‘શોર્ટકટ’માં નીરજ વોરા ધાર્યું નિશાન સર નથી કરી શક્યા જેમાં સૌથી મોટો વાંક અનિલ કપૂર પ્રોડક્શન્સ તરફથી મળેલા લિમિટેડ બજેટનો છે.

નીરજ વોરા અને અનિલ કપૂર જેવાં ખમતીધર નામ સાથે વાર્તાકાર તરીકે અનીસ બાઝમી જેવા અત્યંત સફળ ફિલ્મલેખક જોડાય, જાવેદ અખ્તર જેવા તેજસ્વી ગીતકાર અને શંકર-અહેસાન-લોય જેવી સફળ સંગીતકારત્રિપૂટી જોડાય ત્યારે ફિલ્મ નક્કી ઊંચા સ્તરની જ બનવાની હોય. પરંતુ એવું થતું નથી. ગીત-સંગીત વિભાગમાં સૌએ કરવા ખાતર થોડું કામ કરીને દિગ્દર્શક-નિર્માતાને પધરાવી દીધું છે.

નાના બજેટને કારણે આ ફિલ્મે અક્ષય ખન્ના અને અમૃતા રાવ જેવાં નોન-એક્ટર્સને લીડ રોલ આપવાં પડ્યાં છે. મર્યાદિત સમયને કારણે, ફિલ્મ ઝડપથી પૂરી કરી નાખવાની ઉતાવળમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને ટિકુ તલસાણિયા લાંબા રોલ હોવા છતાં વેડફાઈ જાય છે. અર્શદ વારસી તો ખૈર પેરેલલ રોલમાં છે પણ  નોન એક્ટર તરીકેની એક્ટિંગ કરવી અર્શદના બસની વાત નથી!

ઈન્ટરવલ પહેલાંનું રેટિંગ:

star_sstar_s

ફિલ્મની વાર્તા પ્રોમિસિંગ છે એટલે મધ્યાંતર સુધી તમે રાહ જુઓ છો કે કદાચ સેકન્ડ હાફમાં ફિલ્મ ઉંચકાય. કમનસીબે એવું બનતું નથી.

જિનિયસ જો સફળ ન થાય તો લોકો એને પાગલ જ કહેવાના અને પાગલ જો સફળ થઈ જાય તો લોકો એને જિનિયસ તરીકે વધાવી લેવાના એવો બોધપાઠ નિર્માતા તોલાની (ટીકુ તલસાણિયા) શેખરને આપે છે એ વાત આ ફિલ્મને પણ લાગુ પડે છે. નીરજ વોરાએ સફળ દિગ્દર્શક તરીકે નામના મેળવવા હજુ એક ફિલ્મ બનાવવી પડશે. નીરજ માટે આશ્વાસન એટલું જ છે જે શેખર ફિલ્મના અંતે કહે છે: ‘કોઈની પાસેથી તમે એની તક છિનવી શકો, એની આવડત નહીં.’

ઈન્ટરવલ પછીનું રેટિંગ:

star_sstar_s

ShortKutઅમૃતા રાવ નમણી, રૂપાળી અને સેક્સી હોવા છતાં ફિલ્મની ગ્લમરમાં એના તરફથી ભાગ્યે જ ઉમેરો થાય છે. આરંભના આયટમ સોન્ગમાં અનિલ કપૂર વત્તા સંજય દત્ત ‘આયટમબોય્ઝ’ તરીકે ઉમેરાયા હોવા છતાં (કદાચ એટલે જ) ગીતનું વાતાવરણ વૃદ્ધાશ્રમની યાદ અપાવે એવું છે. થાઈલેન્ડમાં શૂટ થયેલાં કેટલાંક દ્રશ્યો અને ક્લાઈમેક્‍સ થાગડથીગડવાળાં છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી અશોક મહેતા જેવા હોનહાર કસબીએ કરી છે એવું માન્યામાં નથી આવતું.

અનિલ કપૂરે ફિરોઝ ખાન (‘કુરબાની’વાળા નહીં, ‘તુમ્હારી અમૃતા’વાળા) જેવા ટેલન્ટેડ દિગ્દર્શક અને દર્શન જરીવાળા જેવા પ્રતિભાવંત અભિનેતાને લઈને સુપ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર દિનકર જોષીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પરથી પ્રેરણા પામી ગાંધીજી-હરિલાલ વચ્ચેના સંઘર્ષની કથા કહેતી ફિલ્મ બનાવવાનો એમ્બિશ્યસ અખતરો કર્યો હતો. આ વખતે કમર્શ્યલ અખતરો કર્યો છે. બેઉ અખતરાઓ પછી કહી શકાય કે અભિનેતા અનિલ કપૂરની જેમ નિર્માતા અનિલ કપૂરનું ભાવિ પણ ધૂંધળું છે.

‘શોર્ટકટ’નું ઓવરઓલ રેટિંગ:

star_sstar_s

ગઝલગાયક જગજિત સિંહ કહેતા હોય છે કે, ‘પહેલે જ ધડાકે પાઘડી પરફેક્‍ટ બંધાય એવું જવલ્લે બને અને સંગીતમાં સુરનું પણ એવું જ છે.’

હિંદી સિનેમાનું પણ એવું જ છે.

બાકી કોણ કહેશે કે ઈન્ડસ્ટ્રીનાં ટોચનાં નામ જે ફિલ્મ સાથે સંકળાયાં હોય તે ફિલ્મ બિલો અવરેજ પણ બની શકે.

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોના રિવ્યુઝ વાંચવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *