મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની આ શ્રૄંખલાના પ્રથમ લેખમાં હસમુખ ગાંધી વિશે અને બીજામાં યશવંત દોશી વિશે તમે વાંચ્યું. આજે વાંચો હરકિસન મહેતા વિશે.

યશવંત દોશી પાસેથી ભાષાની સ્વચ્છતા શીખવા મળી,
હરકિસન મહેતા પાસેથી અભિવ્યક્તિની સ્પષ્ટતા અને
હસમુખ ગાંધી પાસેથી વૈચારિક સજ્જતા શીખવા મળી.

હરકિસન મહેતા

‘સવાલ એ પૂછું કે હરકિસન મહેતા, તમારે ફરી એકડે એકથી સાઠ ગણવાનું આવે તો તમે એ જ રીતે જીવો કે જુદી રીતે જીવો? જે ભૂલો કરી છે એની સાથે જીવો કે ભૂલો છોડીને જીવો?’

તમને ખબર છે કે ચંદ્રકાન્ત બક્ષી અમારે ત્યાં ‘સ્પીડબ્રેકર’ કૉલમ લખે છે એના અમે અઠવડિયે કેટલા રૂપિયા આપીએ છીએ?’

૧૯૮૨ ના ડિસેમ્બરમાં, મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનને અડીને આવેલી જનરલ પૉસ્ટ ઑફિસ પાસેના વજુ કોટક માર્ગ પરની ‘ચિત્રલેખા’ની તે વખતની માળિયા જેવી ઑફિસમાં મને પૂછવામાં આવ્યું.

‘ હા, પંચોતેર ’

‘ અને તમે ‘મુખવાસ’ શરૂ કરવાના બક્ષી કરતાં બમણા પૈસા માગો છો ? ’

‘ હા, દોઢસો… ’

છેવટે એક કૉલમના સવાસો રૂપિયાના ભાવે તોડ કરીને ‘મુખવાસ’ લખવાનું શરૂ કર્યું. હરકિસન મહેતા છેવટ લગી કહેતા રહ્યા કે આ છોકરો લખે સારું પણ એનું મોઢું બહુ મોટું !

ત્રણ વર્ષ પછી, ૧૯૮૫ માં, હરકિસનભાઈએ મારી સૌ પ્રથમ નવલકથા ‘વેર વૈભવ’ ચિત્રલેખામાં ધારાવાહિક પ્રગટ કરવાનું આમંત્રણ આપ્યું ત્યારે છેલ્લે પુરસ્કારની વાત નીકળી. પૂછે કે કેટલા રાખીશું ? મેં કહ્યું ‘પ્રકરણદીઠ સવા રૂપિયો.’

મારું લૉજિક સીધું હતું : ‘મુખવાસ’ શરૂ કરાવતી વખતે હરકિસનભાઈ મને પત્રકાર તરીકે બ્રેક નહોતા આપી રહ્યા. પત્રકારત્વમાં તો હું ‘નિખાલસ’, ‘પ્રવાસી’ કે ‘ગ્રંથ’માં હતો ત્યારથી મારા ગજા જેટલું કામ કરતો જ આવ્યો હતો. જ્યારે ‘વેર વૈભવ’ પ્રગટ કરીને હરકિસનભાઈ મને નવલકથાકાર તરીકે સૌપ્રથમ વાર વાચકો સામે મૂકી રહ્યા હતા. હરકિસનભાઈ એ વખતે તો કંઇ બોલ્યા નહીં પણ મારું લૉજિક એમના ગળે નહોતું ઊતર્યું એની જાણ મોડેથી થઈ. રૉયલ્ટીની જે રકમ મળી તે ‘ચિત્રલેખા’માં હરીન્દ્ર દવેની, મારી શરૂ થઈ તે પહેલાં છપાયેલી, નવલકથા માટે અપાઈ એટલી હતી. હરકિસનભાઈ ક્યારેય ‘ચિત્રલેખા’ માટે લખતા પત્રકાર કે લેખકના મોઢે એનાં વખાણ  કરતા નહીં. એ એમની તંત્રી તરીકેની સ્ટાઈલ. ‘વેરવૈભવ’ની રૉયલ્ટીનો એ ચૅક મારે મન નવલકથાકાર હરકિસન મહેતાની સ્ટાઈલ હતી. એ ચૅક મારે મન હરકિસન મહેતાએ કરેલા મોંફાટ વખાણ હતાં.

હરકિસન મહેતા માટે તમે બહારગામનું એસાઈન્મેન્ટ કરવા ગયા હો ત્યારે રોજ સવારે આઠના ટકોરે તમારી હૉટેલની રૂમમાં મુંબઈથી કૉલ આવે : ‘કેમ ભા…ઈ, ચા પીધી ? ’ અને પછી પાંચ મિનિટ સુધી પૂછતા રહે : ‘કોઈ અગવડ તો  નથીને , અહીં ન ફાવતું હોય તો વધુ સારી હૉટેલમાં જતા રહો, ખાવાનું બરાબર ધ્યાન રાખજો, સ્વેટર સાથે લીધું છે ને… ’તમને થાય કે ટ્રંક-કૉલનું મીટર ચડતું હશે એટલે કામની વાતો ઝડપથી જણાવી દેવી જોઈએ. પણ પેલી પાંચ મિનિટ પૂરી થયા પછી જ તેઓ કામની વાત કરે. આ રીતે લાડ લડાવતા તંત્રી માટે તમે રાતના ત્રણ વાગ્યા સુધી ઉજાગરા કરો છતાં થાકો નહીં એમાં શી નવાઈ.

હરકિસન મહેતાની અનેક શક્તિઓમાંથી જેની સૌથી વધુ ઈર્ષ્યા આવે એવી શક્તિ કઈ ? એમની એકાગ્રતા. ગુજરાતી વાચકોના હૈયામાં દંતકથાના પાત્રની જેમ વસી ગયેલી તુલસીના પાત્રવાળી એમની નવલકથા ‘જડ ચેતન’ છપાઈ રહી હતી એ ગાળામાં હું ‘ચિત્રલેખા’ માટે રિપોર્ટિંગ કરતો. એક દિવસ રિપોર્ટ લખતાં લખતાં કોઈ મુદ્દા પર અટવાયો અને ટેબલ પરથી ઊઠીને એમની કેબિનમાં જઈ ચડ્યો. મેં જોયું કે સાહેબ ‘જડ ચેતન’નું પ્રકરણ લખી રહ્યા હતા. તરત જ મેં કહ્યું , ‘ સૉરી, પછી આવું છું.’ એમણે કાગળ પર લખાતું વાક્ય પૂરું કરીને ફકરો અધૂરો મૂકી દીધો. ‘બોલો, શું કામ હતું? ’ અને અડધો કલાક સુધી રિપોર્ટના મુદ્દા વિશે ચર્ચા કરી. પાછળથી ખબર પડી કે એમનું તો આવું જ . નવલકથા લખાતી હોય ત્યારે દિલ્હીથી એસ. વેંકટનારાયણનો ફોન આવે કે એકાઉન્ટસમાંથી કીર્તિભાઈ વાઉચરો પર સહી કરાવવા આવે કે ભરત કાપડિયા છેલ્લી ઘડીએ આવી પડેલી જાહેરખબર માટે જગ્યા માગવા આવે કે કોઈ દુર્ઘટનાનું રિપોર્ટિંગ કરીને ભરત ઘેલાણી આવે. આવ્યા કરે. વચ્ચે વચ્ચે પ્રકરણ પણ લખાતું જાય. આખું ચેપ્ટર છપાય ત્યારે વાંચનાર એટલી તન્મયતાથી વાંચે એને લાગે કે લેખકે ખંડાલા જઈને એક જ બેઠકે આખું પ્રકરણ લખ્યું હશે. મગજમાં દોડતા વિચારોને અને આસપાસની પરિસ્થિતિને સ્વિચ ઑન-સ્વિચ ઑફ કરવાની કરામત આ હદે હસ્તગત હોય એવા સર્જકો વિશે સાંભળ્યું હતું, જોયા આ એક જ.

હસમુખ ગાંધીની જેમ હરકિસન મહેતા પણ સ્પષ્ટવક્તા અને આખાબોલા. પરંતુ એક મોટો ફરક. હરકિસનભાઈ ધ્યાન રાખે કે ક્યાં આખાબોલા થવા જેવું છે અને ક્યાં નરો વા કુંજરો વા કરવા જેવું છે.

હરકિસન મહેતાની જૂની કે નવી નવલકથાઓ વાચકો એકસરખા રસથી હજુ પણ વાંચે છે એનું મુખ્ય કારણ મને લાગ્યું છે પ્લૉટની ગૂંથણી. પાત્રોના તાણા સાથે સંજોગોના વાણા વણીને તેઓ ગજબની કલ્પનાસૃષ્ટિ ઊભી કરે છે. એમની નવલકથાઓમાં આ તત્વ મને હંમેશા ગમ્યું છે અને ન ગમતું તત્વ ? એમનું કોઈ વડીલ પાત્ર સૂત્રાત્મક વાક્યોથી ઉપદેશ આપતું હોય કે સ્ત્રી પાત્રો લાગણી વ્યક્ત કરવામાં અતિરેક કરી બેસે ત્યારે કથાની ભાષા મોળી પડી જતી લાગે. ‘ચિત્રલેખા’ માટે ‘વેર વૈભવ’ પછી ‘જન્મો જનમ’ લખી ત્યારે કોઈ વાચક મને અભિનંદન આપતાં કહે છે કે, ‘તમારી લખવાની સ્ટાઈલ હરકિસન મહેતા જેવી જ છે’ ત્યારે હું તરત એ અઠવાડિયાનું પ્રકરણ ફરી વાંચીને મારી ભૂલો સુધારવા બેસી જતો.

મને સતત લાગ્યું છે  કે હરકિસન મહેતાએ કરવા જેવું એક કામ ક્યારેય ન કર્યું. એમણે ‘ચિત્રલેખા’ના સંપાદકીય માળખાને સર્ક્યુલેશનના આંકડાની ગુલામીમાંથી મુક્તિ ન અપાવી. કોઈ પણ સફળ ફોર્મ્યુલાને ખલેલ ન પહોંચાડવાનાં કારણો સ્વાભાવિક અને સમજી શકાય એવાં હોય છે. પણ વ્યક્તિ કે સમાજની જેમ મૅગેઝિનની પણ આંતરિક ઊર્ધ્વગતિ થવી અનિવાર્ય છે. ચોખ્ખી ભાષામાં કહીએ તો ‘ચિત્રલેખા’નાં બહારનાં રૂપરંગ બદલાયાં, લખનારાઓ પણ બદલાયા પરંતુ એના એડિટોરિયલ માળખાનો આકાર, લેખના વિષયની પસંદગીના માપદંડ અને રજૂઆતની શૈલી મહદંશે એનાં એ જ રહ્યાં. શકય છે કે આ વાત કોઈને મન ‘ચિત્રલેખા’ના પ્લસ પૉઇન્ટ જેવી લાગતી હોય.

ક્યારેક આશ્ચર્ય થાય કે હરકિસનભાઈ ડઝનબંધ પ્રવૃત્તિઓમાં સાતત્ય શી રીતે સાચવી શક્તા હશે. એમની એક એક કામગીરી બીજાઓ માટે એક એક ફુલટાઈમ જોબ જેવી હોઈ શકે. એમને વધુ નજીકથી જુઓ ત્યારે આ નવાઈ ઝાઝી ટકતી નહીં. હરકિસનભાઈ કોઈપણ પ્રકારના, સ્વભાવના કે કક્ષાનામાણસો પાસેથી પોતાનું ધાર્યું કામ કઢાવી શકતા. સામેની વ્યક્તિમાં પોતાના મૅગેઝિન માટે ઉપકારક થાય એવું શું છે એ તેઓ તરત પારખી લે અને પછી એ ઉપયોગી પાસા સાથે જ નાતો રાખે. સામેવાળાના સ્વભાવમાં રહેલા ખાંચા કે એની કામ કરવાની પદ્ધતિમાં રહેલી ખામીઓ સાથે એમને કોઈ નિસબત નહોતી. હરકિસન મહેતાની સફળતાનાં અનેક રહસ્યો છે. આ એમાંનું એક છે.

૧૯૮૮ માં એમની ષષ્ટિપૂર્તિની ઉજવણે પ્રસંગે સુવેનિયર પ્રગટ કરવાનું નક્કી થયું ત્યારે એ માટે એમની મુલાકાત લેવાની જવાબદારી મને સોંપવામાં આવી. સત્તર પાનાંના એ ઇન્ટરવ્યુ પછી મેં એમને છેક છેલ્લો સવાલ પૂછ્યો : ‘તમારે પોતે હરકિસન મહેતાની મુલાકાત લેવાની હોય તો તમે છેલ્લો સવાલ એમને કયો પૂછો ?’

હરકિસનભાઈએ સ્મિત કરીને કહ્યું, ‘સવાલ તો કહું પણ એનો જવાબ તમને નહીં આપું…’ અને ખુલ્લા મને હસી લીધું. પછી પૂરઝડપે દોડતી પ્રીમિયર વનવનએઇટની બારીની બહાર પસાર થઈ રહેલા શિવાજી પાર્કના વિશાળ મેદાન પર એક ઊડતી નજર નાખીને કહે : ‘સવાલ એ પૂછું કે હરકિસન મહેતા, તમારે ફરી એકડે એકથી સાઠ ગણવાનું આવે તો તમે એ જ રીતે જીવો કે જુદી રીતે જીવો ? જે ભૂલો કરી છે એની સાથે જીવો કે ભૂલો છોડીને જીવો ? તમે જેના ભોગે પ્રાપ્ત કર્યું છે તે એના ભોગે જ પ્રાપ્ત કરો કે ઓછું પ્રાપ્ત કરીને, જેનો ભોગ લીધો છે એ ન લો ? આ બધી જ વાતોના ખુલાસા મારી જાત પાસે માગું, જેનો કોઈ જ ખુલાસો મારી પાસે નથી ! ’

3 comments for “મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર

 1. Chirag Panchal
  July 10, 2009 at 2:10 PM

  ખૂબ સરસ માહિતીસભર લેખ છે. હરકિસનભાઇના સ્વભાવ અને તેમની કાર્યપદ્ધતિ વિશે તો તેમની સાથે કામ કરી ચૂકેલ આપ જેવી વ્યક્તિ જ જણાવી શકે. ક્યારેક અશ્વિની ભટ્ટ વિશે પણ થોડી માહિતી અહી વાંચવા મળશે તેવી આશા સહ શુભેચ્છા.

 2. Envy
  July 11, 2009 at 7:24 AM

  Bravo and kudos to you for projecting by presenting this giant editor’s unknown facets of life before us.
  Reg last Q- though he said he wont ans but still he answered in the
  question itself by saying he dont have all clarifications of his lfe’s
  mistakes and misdeeds…a truely, wonderfully, confessing person.
  It is not bad to mistake in life or use someone for your benefit coz we are all human being but, we should admit that and cofess too!
  Thnx again.

 3. December 21, 2015 at 11:59 AM

  Lovely.. khub sundar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *