મારા તંત્રીઓ:૨ પરિચય ટ્રસ્ટની ખુલ્લી હવાદાર બારી: યશવંત દોશી

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની આ શ્રૄંખલાના પ્રથમ લેખમાં હસમુખ ગાંધી વિશે તમે વાંચ્યું. આજે યશવંત દોશી વિશે વાંચો અને કાલે હરકિસન મહેતા વિશે.

યશવંત દોશી પાસેથી ભાષાની સ્વચ્છતા શીખવા મળી, હરકિસન મહેતા પાસેથી અભિવ્યક્તિની સ્પષ્ટતા અને હસમુખ ગાંધી પાસેથી વૈચારિક સજ્જતા શીખવા મળી.

યશવંત દોશી

યશવંત દોશી

‘જુઓ ભાઈ, મહિને ત્રણસો રૂપિયા મળશે. સાંતાક્રુઝથી ચર્નીરોડ સુધીનો પાસ અને બપોરે ઑફિસમાં ચા અને નાસ્તો…’ એ ન મળતા હોય તોય જિંદગીની એ પહેલવહેલી નોકરી માટે તરત હા પાડી દીધી હોત. જોકે, તે વખતે ખ્યાલ નહોતો કે ચા સાથે નાસ્તો પણ આપતી એ ઑફિસ પત્રકારત્વની કારકિર્દી માટે મારી તાલીમશાળા બની રહેશે. ચર્નીરોડ સ્ટેશનેથી મરીનડ્રાઈવના દરિયા સાથે ચાલતાં ચાલતાં ગર્લ્સ હૉસ્ટેલની હરિયાળી આવે. તારાપોરવાલા ઍક્વેરિયમની માછલીઓ અને હૉસ્ટેલમાં રહેતી જળપરીઓ વચ્ચેથી જતી એક નાનકડી, ડેડ એન્ડ ધરાવતી, ગલી તમને પરિચય ટ્રસ્ટની ઑફિસ તરફ લઈ જાય.

તે વખતે પરિચય ટ્રસ્ટનાં બે કામ, ‘ગ્રંથ’ નામનું પુસ્તકોના રિવ્યુનું માસિક પ્રગટ કરવાનું અને ‘પરિચય પુસ્તિકા’ ને નામે જનરલ નૉલેજ તથા વર્તમાન વિષયો પર નાનકડી પુસ્તિકાઓ પ્રગટ કરવાનું. વચ્ચે થોડો સમય નિરંજન ભગતના તંત્રીપદે સરસ મઝાનું ‘સાહિત્ય’ ત્રૈમાસિક પણ પ્રગટ થયું. પરિચય ટ્રસ્ટની હવાદાર ઑફિસમાં તંત્રી યશવંત દોશીની કેબિન એટલે મિની મહાબળેશ્વર. ખુલ્લાશ પણ એટલી જ્. વિચારોની ખુલ્લાશની વાત કરું છું.

૧૯૭૮ની સાલમાં યશવંત દોશીએ ‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા‘ માટે મને સંપાદકીય સહાયકની કામગીરી માટે મંજૂર ન રાખ્યો હોત તો શક્ય છે કે તે વખતની મારી પરિસ્થિતિ મને કોઈક એવી પ્રકાશન સંસ્થામાં લઈ જાત જ્યાં જતાંવેંત પત્રકારત્વના મારા ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હોત અને હું પાછો કૉમર્સ કૉલેજમાં જઇ ભણવાનું શરૂ કરી દેત. એવું થયું હોત તો હુંકદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો હોત, પત્રકાર તો ન જ થયો હોત (એ કોણ બોલ્યું કે તો વાચકો પર મોટો ઉપકાર થયો હોત).

‘ગ્રંથ’ મહિને એક વાર પ્રગટ થતું એટલે સંપાદનને લગતાં કામ પછી ખાસ્સો એવો સમય વધે. આ સમયમાં સર્ક્યુલેશન અને ડિસ્પેચનાં કામથી માંડીને રુટિન ઑફિસવર્ક કરવાની પણ તક મળે. ‘પરિચય પુસ્તિકા’માં ની કેટલીક અંગ્રેજીમાં લખાઈને આવે. ધીમે ધીમે ટ્રાન્સલેશનનું કામ પણ આવડી ગયું. પત્રકારત્વ તો શું નોકરીની દુનિયામાં જ નવો એટલે ભૂલો વારંવાર થયા કરે. યશવંતભાઈ ભૂલો સુધારી લે પણ ટોકે નહીં. યશવંતભાઈ ‘ગ્રંથ’ માટેનું જે મૅટર તૈયાર કરીને આપે એની વિગતો નોંધી, આંગડિયાનું કવર બનાવીને અમદાવાદ નવજીવન પ્રેસમાં મોકલવાનું કામ મારાભાગે આવતું. આ બધું જ મૅટર હું વાંચતો, ખાસ તો યશવંતભાઈએ રંગીન પેન વડે કરેલા સુધારા અને વધારા જોતો અને સમજવાની કોશિશ કરતો. પરિચય ટ્રસ્ટમાં યશવંત દોશીએ મારા માટે એકસાથે અનેક દુનિયાઓ ખોલી આપી. ‘ગ્રંથ’ની ઑફિસ એટલે રોજ નવાં નવાં પુસ્તક તો આવે . સાહિત્યકારો અને પત્રકારોની અવરજવર હોય. થોડા મહિના વીત્યા પછી યશવંતભાઈ ક્યારેક પાઅડધો કલાક પોતાની  પાસે બેસાડીને જાતજાતના વિષયો પર ચર્ચા કરવાનું પ્રોત્સાહન આપતા. જે સ્કૂલમાં અડધી ચડ્ડીમાં દસ વર્ષ ગાળ્યાં હોય એ સ્કૂલના ક્લાસરૂમોમાં મોટા થઈ ગયા પછી જઈએ ત્યારે જેવી હૂંફાળી ફીલિંગ થાય એવી જ લાગણી આજે પરિચય ટ્રસ્ટની ઑફિસમાં જઈ ચડું ત્યારે થાય છે.

‘ગ્રંથ’નો ફેલાવો ક્યારેય હજાર- પંદરસો નકલથી આગળ વધ્યો નહીં. છેલ્લા તબક્કાએ તો માંડ આઠસો નકલ જતી હતી. ઓછા ફેલાવાનો અફસોસ નકામો છે, કારણ કે જેમને એમાં રસ હતો એમના સુધી તો એ પહોંચતું જ હતું. ૧૯૮૬ માં ‘ગ્રંથ’ બંધ પડ્યું. ‘ગ્રંથ’ જેટલું જીવ્યું તેટલું, પૂરા સાડાબાવીસ વર્ષ, ભરપૂર જીવ્યું. એના જૂના અંકોની ફાઈલો વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે યશવંત દોશીનું એડિટિંગ કેટલું ધબકતું હતું. ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ’થી માંડીને સુરેશ જોષીના ‘એતદ્’ સુધીના ઉત્તમ સમગ્રી પ્રગટ કરતાં સામયિકો પણ વત્તે ઓછે અંશે વાડાબંધીમાં માનતાં હતાં અને એને પોષતાં હતાં.  ‘ગ્રંથ’ આ બાબતમાં સુખદ અપવાદ રહ્યું જેનો સંપૂર્ણ યશ યશવંત દોશીને જાય.

* * * * *

2 comments for “મારા તંત્રીઓ:૨ પરિચય ટ્રસ્ટની ખુલ્લી હવાદાર બારી: યશવંત દોશી

  1. July 9, 2009 at 10:39 AM

    બહુ જ સરસ માહિતિ.રજૂઆત પણ અસરકારક. ગમ્યું.

  2. Rakesh Thakkar
    July 9, 2009 at 5:17 PM

    તમારા વિચારો સાથે અનુભવના વાક્યો ગમે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *