માબાપ બનવાની કળા

આદર્શ સંતાનોની વ્યાખ્યાઓ બહુ સરસ રીતે બંધાઈ.
પણ આદર્શ મા-બાપની વ્યાખ્યાનું શું?

ભૂલો ભલે બીજું બધું મા–બાપને ભૂલશો નહીં એવાં ભજનો ગાઈને સંતાનો સમક્ષ માતાપિતાનો મહિમા તો આપણે ગાયો. પરંતુ શું ક્યારેય એક સારાં મા-બાપ થવાનો સભાન પ્રયત્ન આપણે કર્યો? શ્રવણે એનાં આંધળાં માતાપિતાની સેવાચાકરી કઈ રીતે કરી એની ઘણી ગાથાઓ ગવાઈ. આદર્શ સંતાનોની વ્યાખ્યાઓ બહુ સરસ રીતે બંધાઈ. પણ આદર્શ મા-બાપની વ્યાખ્યાનું શું? જન્મ આપીને સંતાનોને આપમેળે ઊછરવા છુટ્ટાં મૂકી દેનારાં મા-બાપ ઠેકઠેકાણે મળશે. એક યુવાન દીકરીએ પોતાના ફિલસૂફ પિતાને કહ્યું કે અમે તમારી ‘ભૂલ’ છીએ ત્યારે દીકરી માત્ર જોક નહોતી કરતી. આદર્શ મા-બાપ એ છે કે સભાનતાપૂર્વક આ ‘ભૂલ’ના માર્ગમાં આવનારી આડઅસરોને વેગળી રાખે.

બાળકો માટે મા-બાપને સૌથી મોટી ચિંતા એ રહેતી હોય છે કે તેઓ મોટાં થઈને અમારાં જેવાં ન બની જાય તો સારું. દરેક મા-બાપ પોતાની ઊણપોથી વાકેફ હોય છે, એટલે જ જેમ ગુરુ પોતાના શિષ્યને પોતાના કરતાં સવાયો બનાવવાની ખ્વાહિશ રાખે એમ જાગ્રત મા-બાપ પણ સંતાનોમાં પોતાના વ્યક્તિત્વની નબળાઈઓ ઊતરી ન આવે એનું સતત ધ્યાન રાખે છે.

બાળકો માટે મા-બાપને સૌથી મોટી ચિંતા એ રહેતી હોય છે કે તેઓ મોટાં થઈને અમારાં જેવાં ન બની જાય તો સારું. દરેક મા-બાપ પોતાની ઊણપોથી વાકેફ હોય છે

બાળકો અને ઘરે આવતાં દરેક પ્રકારના મહેમાનો વચ્ચે ઇન્ટરએક્શન જરૂરી નથી. આપણાં બાળકો અતડાં દેખાશે એવી ચિંતા રાખવાની બિલકુલ જરૂર નથી. આપણે પોતે પણ જરા ગુમાની દેખાઈએ તોય કોઈ વાંધો નહીં. પણ બાળકોને ગમે તેની સાથે હળવામળવા કે રમવારઝળવા ન મૂકી દેવાય. ઘણી વખત મહેમાનો પરાણે બાળકોને પોતાની પાસે બોલાવે છે. મા-બાપ પણ ‘અંકલને જેક ઍન્ડ જિલ સંભળાવો, બેટા’ જેવું વાયડું વેવલું બોલીને ફરમાઈશ કરતાં હોય છે. મહેમાન બાળકને ખુશ કરવા એના હાથ પકડે, ક્યારેક ગલીપચી કરે, ખોળામાં લઈને રમાડે, કુદાવે. બાળકને આ બધું ગમે એ જરૂરી નથી. આવા મહેમાનો બાળકોને ઘણી વખત ત્રાસરૂપ લાગે છે. ઘણી વખત મહેમાન આ આપીશ કે તે આપીશ જેવી લાલચો આપીને બાળકને ફરવા લઈ જાય છે. આવું આપણ ન કરવા દેવું જોઈએ. બાળક ઘણી વાર આને કારણ લોભી અને લાલચુ બને છે. મા-બાપ પાસેથી ન મળતી વસ્તુ બીજેથી મેળવવાનો પ્રયત્ન કરે છે. અને પરિણામે પોતાનું વ્યક્તિત્વ હલકું બનાવે છે.

ઘરમાં જેવું વાતાવરણ હોય એવા જ સંસ્કાર બાળકો પર પડે એ વાતમાં સહેજે અતિશયોક્તિ નથી. વધુ પડતી કાળજી લેનારા મા-બાપ સંતાનોને ભીરુ બનાવી દે. ઝાડ પર નહીં ચડતો, પાણીમાં નહીં પડતો, કુદકા નહીં મારતો જેવી લાખો સૂચનાઓથી બાળક અંદરખાનેથી ડરપોક બની જાય. ત્રણ વર્ષના બાળકને અંધારા ઓરડામાં જવાનો ડર લાગતો હોય તો એ ઓરડામાં ચોક્કસ જગ્યાએ ચૉકલેટ મૂકીને બાળકને લઈ આવવાનું કહેજો. સામાન્ય રીતે અંધકારથી ડરતું બાળક નિર્ભય બની ચૉકલેટ લઈ આવશે. અંધકારથી ડરવા જેવું નથી એની એને ખાતરી થઈ જશે.

મકાનના કમ્પાઉન્ડમાં કે સ્કૂલમાં માર ખાઈને આવેલા દીકરાને મા-બાપ જો મારામારી નહીં કરવા સમજાવશે તો દીકરો ક્યારેય બહાદુર નહીં બને. ‘એણે તને માર્યું હોય તો તારે એને મારી લેવાનું પણ રડતાં રડતાં મારી પાસે નહીં આવવાનું’ એવું કહેનાર મા-બાપ બાળકને ઝનૂની બનવાના પાઠ નથી આપતા, માત્ર પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે. મોટા થઈને બિઝનેસમાં કે વ્યવહારુ સંબંધોમાં કોઈ તમારા સંતાનનું અહિત કરી જાય તો તે વખતે તેને નાનપણમાં તમે આપેલી શિખામણો કામ આવવાની છે.

બાળકમાં વિશ્વાસ રાખીએ. તને નહીં આવડે, તું ખરાબ કરીશ, તું હજુ નાનો છે કહીને આપણે છોકરાઓને હતોત્સાહ કરી નાખીએ છીએ. બાળકને સતત પ્રોત્સાહન મળતું રહે એ માટે મા-બાપે સામે ચાલીને પ્રયત્નો કરવાની જરૂર છે. બાળકની સર્જનશક્તિ ખીલવવા આ વાત ખાસ અગત્યની છે.

બાળકોને કોઈની પાસે એક ચીજ જોઈને દેખાદેખીથી એની માગણી કરવાની ટેવ હોય એ સ્વાભાવિક છે. બાળક જે માગે તે અપાવી દેવું કે કડક બનીને ના પાડવી ?

બાળકોને કોઈની પાસે એક ચીજ જોઈને દેખાદેખીથી એની માગણી કરવાની ટેવ હોય એ સ્વાભાવિક છે. દરેક મા-બાપ માટે આ મૂંઝવણભરી પરિસ્થિતિ છે. બાળક જે માગે તે અપાવી દેવું કે કડક બનીને ના પાડવી ? આનો સૌથી વ્યવહારુ ઉકેલ જરા લાંબો છે પણ વધારે અસરકારક છે. બાળકને ઘરમાં સતત સંતોષી વાતાવરણ મળ્યું હશે તો એ ક્યારેય ખોટી માગણીઓ અને જીદ નહીં કરે. રમકડાંની દુકાનમાં ખૂબ રમકડાં જોયા પછી મા-બાપ કહે કે આપણે અહીંથી કશું નથી લેવું, બીજી દુકાનમાં જઈએ ત્યારે બાળકે કશુંક ખરીદવાની બિલકુલ જીદ ન પકડી હોય એવું પણ બનતાં જોયું છે. માત્ર એનો ઉછેર એકદમ સંતોષી વાતાવરણમાં થયો હોવો જોઈએ. નર્સરી, કેજી કે સ્કૂલમાં જતું બાળક ઘરે અવીને ‘જિજ્ઞેશ પાસે જે છે એ મને પણ જોઈએ’ એવું કહે એ સ્વાભાવિક છે. આવા વખતે એ ચીજ જો ખરેખર ઉપયોગની હોય તો બાળકને અપાવવી જોઈએ અને બિનજરૂરી હોય કે આર્થિક રીતે પોસાય એવી ન હોય તો પુખ્ત વ્યક્તિને સમજાવતા હો એ જ રીતે બાળકને સમજાવી શકો કે શા માટે એ ખરીદવી જરૂરી નથી.

બાર વર્ષની ઉંમર સુધીમાં બાળકોને મા-બાપે વાર્તાઓ કહેવી જોઈએ. મોટાભાગના મા-બાપને એમાં રસ નથી. તેઓ કહે છે કે અમને સમય નથી. વાસ્તવમાં વાર્તા કહેવા માટે ખાસ સમય અને શક્તિ ખર્ચવા જોઈએ એવું ઘણા મા-બાપ સમજતાં જ નથી. બાળકની ચિત્ત્સૃષ્ટિ વાર્તાઓના કથનથી જ વિકસતી હોય છે. બાળકની ઉંમર મુજબ એને કહેવાની વાર્તાઓ બદલાવી જોઈએ. બે થી ચાર વર્ષના બાળકો માટે ગિજુભાઈની વાર્તાઓ શ્રેષ્ઠ છે. ચાર થી છ વર્ષની ઉંમરના બાળકો માટે લાભશંકર ઠાકર, ઘનશ્યામ દેસાઈ કે ઉદયન ઠક્કરની બાળવાર્તાઓ ઉત્તમ છે. છ થી નવ વર્ષના બાળકો માટે બકોર પટેલથી માંડીને મિયાં ફુસકી સુધીના પાત્રો એમના મિત્ર સમાન છે. નવ થી બાર વર્ષના, પૂર્વકિશોરવસ્થાનાં બાળકો માટે જુલે વર્ન અને એચ. જી. વેલ્સની સાહસકથાઓ તથા વિજ્ઞાનકથાઓ શ્રેષ્ઠ છે. તેરમા વર્ષે ટીનએજર બની જતાં છોકરા-છોકરીને વીનેશ અંતાણીની વાર્તાઓ અને રમેશ પારેખની કવિતાઓમાં રસ પડવા માંડે છે કારણ કે આ ટીનએજરો પુખ્ત સમજ ધરાવતાં થઈ ગયાં હોય છે.

બાળકોને કઈ રીતે ઉછેરવાં એની કોઈ એક ચોક્કસ થિયરી ન હોઈ શકે. ટ્રાયલ અને ઍરર પદ્ધતિએ ઘણી બધી વિચારણાઓને ભેગી કરીને મા-બાપે નક્કી કરવાનું હોય કે પોતાના સંતાન માટે શ્રેષ્ઠ શું છે.

આ લેખ તમને ગમ્યો? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

3 comments for “માબાપ બનવાની કળા

 1. July 7, 2009 at 11:08 PM

  બહુ ઉપયોગી અને અગત્યનો લેખ. બાળકોને કઈ રીતે ઉછેરવા એની કોઈ એક ચોક્કસ થિયરી ન હોઈ શકે…..ઘણી બધી વિચારણાઓને ભેગી કરીને મા-બાપે નક્કી કરવાનુ હોય કે પોતાના સંતાન માટે શ્રેષ્ઠ શું છે.

 2. Envy
  July 8, 2009 at 9:54 AM

  A person can be father or mother for which he/she dont have to do much but, to be a parent of value- needs much more than that.
  Moreover, it is wrong to say how to mould children but instead should glide them gently towards good virtues and better understanding by way of leading to reading (the most important tool for parents) and you can find the kid become a responsible person.

 3. July 8, 2009 at 5:57 PM

  હેલ્લો સર્,
  રોજ સવરે તમારા લેખ વાચ્વા તત્પ્ર્ર હોઉ ચ્હુ.મારા માતે આ બૌજ અમુલિયે ચ્હે.
  આ લેખ વાચિસ તો મારે બિજા કોઇ વાચ્વાનુ રેહ્તુ નથિ.અને
  તમ્રારો આભર કેવિ રિત્રે માન્વો અ મને ખબ્રર નથિ.

  થન્ક્સ્,
  આર્યમાન્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *