જીવનના સારાંશના દિવસો

સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાં‍શી-બાણુંનું , કશો ફરક પડતો નથી.

સારાંશના દિવસોલાંબુ જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલાં વર્ષના આયુષ્યને લાંબુ કહેવું અને કેટલાંને ટૂંકુ ગણવું? રાજ કપૂર સિક્સટી માઈનસની ઉંમરે ગુજરી જાય છે ત્યારે લાગે છે કે કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો? એ પછી સત્યજિત રાય સિક્સટી પ્લસની ઉંમરે અવસાન પામે છે અને એ જ સવાલ ફરી થાય છે. સ્મિતા પાટીલનું અર્લી થર્ટીઝમાં અવસાન થયું હતું ત્યારે પણ આવો જ સવાલ થયો હતો. અઠ્યોતેર વર્ષે ગુજરી જતી વ્યક્તિ જીવન અધૂરું છોડીને જતી રહી છે એવી લાગણી જન્માવી શકે છે અને બત્રીસમા વર્ષે અવસાન પામનારી વ્યક્તિ જીવનને શક્ય હતું એટલું તમામ આપી દીધું હોવાનો સંતોષ એના સ્વજનોને આપતી જઈ શકે છે. ઝિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં એવું આનંદે એના બાબુમોશાયને કહ્યું ત્યારે બડી ઝિંદગીની વ્યાખ્યા સૌ કોઈ પોતપોતાની રીતે કરી લેશે એવું એણે વિચાર્યું હશે. એક પછી એક વર્ષગાંઠો વીતતી જાય અને જૂનાં કેલેન્ડરો તથા જૂની ડાયરીઓની પસ્તી જીવનમાં વધતી જાય એવી લાંબી જિંદગી કોને જોઈએ છે ? કોઈપણ ભોગે અસ્તિત્વ ટકાવી રાખવું, બે હાથ જોડીને યાચક બનીને, કાલાવાલા કરીને મહેરબાનીઓ ઉઘરાવીને જીવ્યા કરવાથી કદાચ છ, સાત, આઠ કે નવ, દાયકાનું આયુષ્ય પસાર થઈ જાય અને વડીલોએ આપેલા દીર્ઘાયુ થવાના આશીર્વાદ સાચા પણ પડે, પરંતુ એવી લાચારીથી કોણ જીવવા માગે છે ? દુનિયામાં સૌથી સુખી માણસ એ છે, જેને ઉપરથી કહેવામાં આવે છે કે ચોવીસ કલાક પછી તારું મોત છે ત્યારે એ એવા વિચારોમાં ન અટવાઈ જાય કે આગામી અંતિમ કલાકોમાં મારે કયાં કયાં કામ આટોપી લેવાં જોઈએ. જેનાં તમામ કામ આટોપાયેલાં હોય અને અધૂરા રહી જતા કામથી કોઈનેય તકલીફ ન થવાની હોય એ માણસ સૌથી સુખી. આવા સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેરનું, કશો ફરક પડતો નથી.

જીવીએ ત્યાં સુધી કામ કરીએ અને કાયમ પથારીવશ રહેવું પડે એવી માંદગી આવે એના કરતાં મોત સારું એવી ઇચ્છા ઘણાંને હોય, પણ માણસની દરેક ઇચ્છા પૂરી થવા માટે જન્મતી નથી, કેટલીક ઇચ્છાઓ અધૂરી જ રહી જવા માટે સર્જાતી હોય છે, જેથી માણસને અહેસાસ થતો રહે કે એણે અપૂર્ણતાઓ વચ્ચે જ જીવવાનું છે અને એમાં જ પોતાનું પૂર્ણ વિશ્વ રચવાનું છે. પરવશતા ક્યારેય ગમતી નથી. માનસિક ખુમારીને ટીચી ટીચીને એનો ભૂક્કો બોલાવી દે છે આ પરવશતા. કશી જ ખબર નથી હોતી કે પાછલી જિંદગી કેવી જવાની છે. પાછલી જિંદગી જેને કહી શકાય એટલાં વર્ષો બચ્યાં છે કે નહીં એની પણ ક્યાં ખબર હોય છે ? અને એટલે જ માનસિક સલામતી આપનારાઓનો વેપાર ધમધોકાર ચાલે છે. વેપાર વીમા કંપનીઓનો, વેપાર મોક્ષનો માર્ગ બતાવતા ધર્મગુરુઓનો અને વેપાર તબીબી જગતનો. પાછલી ઉંમરની સલામતી માટે માણસે આગલી ઉંમરનાં કેટલાં વર્ષો વેડફી નાખવા જોઈએ ? જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં સાજામાંદા થઈએ ત્યારે કામ આવે એ માટેની મૂડી જમા કરવા માણસે જિંદગીનાં વચલાં વર્ષોમાં દિવસરાત કામ કરીને શરીર તોડી નાંખવું જોઈએ?

પણ જેને વચલાં વર્ષો માનીને ચાલીએ છીએ એ મધ્યવય જ જિંદગીનો અંતિમ તબક્કો પુરવાર નહીં થાય એની ખાતરી શી ? કુદરતના કોઈ પણ એક સૌથી મોટા રહસ્ય વિશે તમને પૂછવામાં આવે તો તમે કયું રહસ્ય ગણાવો? કુદરતમાં રહેલા સૌથી મોટા એક ફ્રસ્ટ્રેશન વિશે પૂછવામાં આવે તો તમે કઈ કારમી હતાશાનું નામ આપો? માનવીનું આયુષ્ય. માણસ જન્મે ત્યારે એના શરીરના કોઈ એક અંગ પર માણસની એક્સપાયરી ડેઇટ્ પણ લખેલી આવવી જોઈએ. – દવાની શીશી પર લખી હોય છે એવી. ઘણા બધા પ્રશ્નો એકસામટા ઊકલી જાય. ફિલ્મ શરૂ થતાં પહેલાં સેન્સર બોર્ડના સર્ટિફિકેટમાં તમને જણાવવામાં આવે છે કે તમારે કેટલા ઘંટા અને કેટલી મિનિટ એ ફિલ્મ માણવાની છે (કે સહન કરવાની છે) માણસને ભગવાન પાસેથી કમસેકમ એટલું જાણવાનો તો હક્ક છે જ કે પોતે કેટલાં વર્ષ સુધી આ પૃથ્વી પર જીવવાનો છે. પ્લાનિંગ કરવાની ખબર પડે જેને કારણે દરેકેદરેક માણસને પોતાનું આયુષ્ય કેટલું છે એ વિશે ખબર પડી જાય તો જિંદગી વિશેના એના વિચારોમાં, બીજાઓ સાથેની વર્તણૂંકમાં કેટલો અને કેવો ફરક પડે? એક આખી સાયન્સ ફિક્શન લખી શકાય આ વન – લાઈનર પ્લોટ પર.

માણસની સૌથી મોટી જે અસલામતી છે એ જ એનું સૌથી મોટું આશ્વાસન છે. એનું નામ છે આવતીકાલ. આવતીકાલનો વિચાર મનમાં ફફડાટ પેદા કરે છે. અને આ પેદા થયેલો ફફડાટ આવતીકાલે ભૂંસાઈ જશે એવો વિચાર આવે છે ત્યારે કોઈ પીઠ પસવારીને આશ્વાસન આપતું હોય એવી લાગણી જન્મે છે. જેને કારણે અને જેના માટે મનમાં અસલામતી હોય એનામાં જ તમને આશ્વાસન આપવાની ક્ષમતા હોય છે.

મરાઠી નવલકથાકાર રાજેન્દ્ર બનહટ્ટીની નવલકથા ‘અખેરચી આત્મકથા’નો સુંદર ગુજરાતી અનુવાદ શકુંતલા મહેતાએ કર્યો છે. ‘આખરની આત્મકથા’ ત્રાણું પૂરાં કરીને ચોરાણુંમા વર્ષમાં પ્રવેશી ચૂકેલા અને છતાં ભરપૂર જીવન જીવવા માગતા એક વૃદ્ધની નવલકથા છે. નવલકથામાં એક જગ્યાએ વાર્તા નાયક કહે છે : ‘નોકરી કરી ત્રીસ વર્ષ, પેન્શન ખાઉં છું પાંત્રીસ વર્ષથી… ચોરાણુંમું વર્ષ બેઠા પછી ઝીણા અક્ષરે છાપેલું દેખાતું નથી. ટાઈમ્સના મથાળા પરથી જ બધું સમજાઈ જાય. માહિતીનો સાર સમજાય છે એટલું પૂરતું છે. હવે સારાંશના જ દિવસો છે. સવિસ્તર માહિતીનું કામ પણ શું છે?’

રાજેન્દ્ર બનહટ્ટીએ જે અવસ્થાને જીવનના સારાંશના દિવસો જેવી અદભૂત ઉપમા આપી તે અવસ્થામાં માણસે શું વિચારવાનું રહેશે? એ જ કે જે દિવસોના સાર સમી અવસ્થા ભોગવી રહ્યા છીએ એ દિવસોમાં, જીવનના મધ્યાહ્નમાં, જે કંઈ કર્યું તે બધું જ કરવું શું જરૂરી હતું ? શું શું જરૂરી હતું – શું શું જરૂરી નહોતુ. સારાંશના દિવસોમાં જાતને પૂછવાનો સવાલ એના ક્રિયાપદનો કાળ બદલીને થોડોક વહેલો પૂછી લીધો હોત તો ? અત્યારે જે કંઈ કરીએ છીએ એમાંનું શું શું કરવું જરૂરી છે ? શું શું જરૂરી નથી ? શક્ય છે કે અત્યારે આ સવાલો પૂછાઇ જાય અને જવાબ મેળવવાની મથામણ શરુ થઈ જાય તો સારાંશના દિવસો આવે ત્યારે કશું પૂછવાપણું રહે જ નહીં.

આ લેખ તમને ગમ્યો ? તો ’બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને  હવે પ્રગટ થનારા ‘સાઠ પછીનો સૂર્યોદય ’ પુસ્તકમાં પ્રગટ થશે.

3 comments for “જીવનના સારાંશના દિવસો

 1. July 7, 2009 at 9:04 AM

  તમે તો અમારા મનની વાત કરી નાખી.ટૂંકી પણ જોરદાર રજૂઆત. મજા પડી.

 2. July 7, 2009 at 10:38 AM

  કેટલીક ઇચ્છા ઓ અધુરી રહી જવા માટે સર્જાતી હોય છે !! આ વાક્ય ગમ્યું અને હકીકત પણ છે. ઘણી વખત આવું બને છે અને આપને કશું જ કરી નથી શકતા.

 3. Hiten Bhatt
  July 7, 2009 at 1:00 PM

  maja padi….Saurabhbhai, kyarek Dr. Kothari vishe pan lakho ne…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *