ખુશવંત સિંહનું જાહેર એલાન

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે. આગામી દિવસોમાં ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ એક નવી લેખમાળા પોસ્ટ કરવાનો વિચાર છે:’સેક્યુલરવાદીઓ શા માટે સેકુલરવાદી હોય છે’.મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ની નવી એડિશનમાં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)

ખુશવંત સિંહે એ વખતે જાહેર એલાન કર્યું હતું કે
અડવાણી વગેરના મોઢાં કાળાં કરી એમને ભરબજારે ફેરવવા જોઈએ

ખુશવંત સિંહ: શીખ હોવામાં ગૌરવ અનુભવતા આ સિનિયર-લોકપ્રિય પત્રકાર-લેખક હિન્દુત્વના મુદ્દે સેક્યુલર બની જાય છે!

ખુશવંત સિંહ: શીખ હોવામાં ગૌરવ અનુભવતા આ સિનિયર-લોકપ્રિય પત્રકાર-લેખક હિન્દુત્વના મુદ્દે સેક્યુલર બની જાય છે!

ગાડરિયા પ્રવાહની વાત કરી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બનેલી ઘટના અંગે પ્રતિભાવ આપતી વખતે અંગ્રેજી અખબારો ઘેંટાના ટોળાની જેમ ઊંધું ઘાલીને એકની એક વાત કેવી રીતે દોહરાવતા રહ્યાં એ વિશે ગઈ કાલે વાત કરી. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ: રવિવાર, ૨૭ ડિસેમ્બર ૧૯૯૨ની રંગીન પૂર્તિમાં મદ્રાસ ‘ધ હિન્દુ’ (નામથી છેતરાવા જેવું નથી. સેક્યુલર દૈનિક હિન્દુએ હિન્દુત્વની વિચારધારાને ખૂબ વખોડી છે.) દૈનિકે વીતેલા વર્ષની ઘટનાઓ વિશેના એક સ્ટાન્ડર્ડ વાર્ષિક સરવૈયામાં લેખનું મથાળું બાંધ્યું: એનસ હૉરિબિલિસ અર્થાત્ એક ભયાનક વર્ષ. એ રવિવારની આસપાસના દિવસ દરમ્યાન બીજાં કુલ છ રાસ્ટ્રીય અંગ્રેજી દાઇનિકોએ વીતેલા વર્ષનું સરવૈયું કાઢતાં તંત્રીલેખ, વિશેષ લેખ કે પ્રાસંગિક લેખના વિભાગનું મથાળું (અયોધ્યાના સંદર્ભમાં ) બાંધ્યું હતું: એનસ હૉરિબિલિસ. આ રૂઢિપ્રયોગ એક વાર ઈંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથે વાપર્યો ત્યારથી અખબારોની જીભે ચઢી ગયો. લેટિન ભાષાનો મૂળ શબ્દપ્રયોગ છે: એનસ મિરાબિલિસ અર્થાત્ અદભૂત વર્ષ. ડચ પ્રજા સથે જે સાલમાં અંગ્રેજોએ યુદ્ધ કર્યું તે સાલ (ઈ. સ. ૧૬૬૬) ઇંગ્લેન્ડના ઇતિહાસમાં એનસ મિરાબિલિસ તરીકે પ્રચલિત છે.

અંગ્રેજી પ્રેસના ગાડરિયા પ્રવાહમાં અચ્છા અચ્છા પત્રકારો પણ ઘસડાયા હતા. અમૃતસરનું સુવર્ણમંદિર આતંકવાદીઓનો અડ્ડો તથા એમનું શસ્ત્રગાર બની ગયું ત્યારે સરકારે ઑપરેશન બ્લ્યુસ્ટારનું વાજબી પગલું ભરવું પડ્યું હતું. એ વખતે લોકપ્રિય કટારલેખક અને વિદ્વાન લેખક ખુશવંત સિંહે પણ લશ્કર મંદિરમાં જાય જ કેમ એમ કહીને સરકારનો સખત વોરોધ કરી પોતાને મળેલા ખિતાબો ફગાવી સરકારનું અપમાન કર્યું હતું. ૧૯ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રગટ થયેલી ખુશવંત સિંહની ખૂબ વંચાતી કૉલમ *** મૅલિસ ટૂવર્ડ્સ વન ઍન્ડ ઑલમાં એમણે મુસ્લિમોને પાનો ચડાવે એવા પ્રત્યાઘાત આપતાં લખ્યું હતું: દુનિયાભરના રેડિયા અને ટીવી પત્રકારોને હું એમ કહું છું કે ‘રવિવારની એ રાત્રે અનેક શોકગ્રસ્ત હિન્દુ કુંટુંબનાં રસોડાંઓમાં ચૂલા સળગ્યા નથી. અને મુસ્લિમોએ એક વાતની ખાતરી રાખવી જોઈએ કે ઇસ્લામ ફિર ઝિંદા હોતા હૈ હર કરબલા કે બાદ. કરબલાની કત્લેઆમ જેવી દુર્ઘટનાઓ બાદ ઇસ્લામ ધર્મને એક નવી જિંદગી મળી છે. અડવાણી, જોશી, સિંઘલ, દાલમિયાં કે પેલી બે સાધ્વી જેવા કોમી ઘૃણા ફેલાવતા લોકોને જેલમાં પૂરીને હીરો બનાવી દેવા કરતાં સૌથી યોગ્ય શિક્ષા તો એ જ લેખાશે, જ્યારે એમના મોઢાં કાળાં કરીને એમને ભરબજારે ફેરવવામાં આવશે.’

ખુશવંત સિંહે માત્ર હિન્દુઓના જ નહીં, સમગ્ર રાષ્ટ્રના આદરણીય એવા અડવાણી ઇત્યાદી નેતાઓ વિશે આવા ઉદગારો લખ્યા ત્યારે પાડ માનો ભગવાનનો કે હિન્દુઓએ ઉશ્કેરાઈને, દલિતોએ અરુણ શૌરી સાથે કર્યો હતો એવો, સુલૂક કરીને એમના મોઢા પર ડામર ચોપડ્યો નહીં. બચી ગયા.

ભાજપે ક્યારેય મુસ્લિમોને ભારતમાં નાગરિકો તરીકે ઊતરતી કક્ષાના કે સેકન્ડ ક્લાસ સિટિઝન ગણ્યા નથી તેમ જ નહીં ગણે એવી ખાતરી પણ ઉચ્ચારી છે, વારંવાર. આમ છતાં મુસ્લિમોને ઉશ્કેરવા ઇન્ડિયન એક્સપ્રેસના ભૂતપૂર્વ તંત્રી એસ. નિહાલ સિંહે કોલકાતાના ટેલિગ્રાફ દૈનિકમાં ૩૧ ડિસેમ્બર ’૯૨ ના રોજ વાઈડ ઍંગલ કૉલમના મથાળામાં ભાજપને હિન્દુ પત્તાંની જોડમાંના જોકર તરીકે ઓળખાવીને લખ્યું હતું: ‘ સત્તા મેળવવા ભાજપની નીતિના ઘડવૈયાઓ દેશના ફરી ભાગલા પાડતા પણ અચકાશે નહીં. કારણ કે ભારતના ૧૦ કરોડ મુસલમાનો ભાજપના રાજ નીચે રહીને નાગરિકો તરીકેનું સેકન્ડ ક્લાસ સ્ટેટ્સ સ્વીકારવા તૈયાર નહીં હોય. આવી પરિસ્થિતિમાં મુસ્લિમો ક્યાં જશે?’

ખુશવંત સિંહ અને નિહાલ સિંહ પછી વધુ એક નામી પત્રકારનો દાખલો લઈએ. પત્રકારમાંથી કૉગ્રેસ – આઇના પોલિટિશિયન બનેલા અને સંસદની ચૂંટણીમાં હારી ગયા પછી પાછા પત્રકાર બનેલા તથા અંગ્રેજી પત્રકારોની નવી પેઢીમાં એક જમાનામાં જેમનું નામ આદરપૂર્વક લેવાતું એવા ટેલિગ્રાફ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી તથા એશિયન એજના મુખ્ય તંત્રી એમ. જે. અકબરે તે વખતે ટેલિગ્રાફમાંની પોતાની નિયમિત કટાર ‘બાયલાઈન’ માં ૩ જાન્યુઆરી ’૯૩ ના રોજ ભાજપની નીતિનો તદ્દન અવળો અર્થ કાઢતાં લખ્યું: ‘હિન્દુ ભારતનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું છે. જેમના ધર્મનો ઉદય ભારતની ભૂમિમાં નથી થયો એવી વિદેશી લઘુમતીને કેવી રીતે સાચવવી એ વિશે પણ વિચારણા થઈ રહી છે… આ એ ભારત છે, જ્યાં એકાએક કોમવાદને માનભર્યું સ્થાન મળી રહ્યું છે. આવા નેતાઓ અને વર્તમાનપત્રો છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને હિન્દુ રાજકારણના નવા ઇતિહાસના બનાવ તરીકે ઊજવી રહ્યા છે.’

એમ. જે. અકબરના આ સૂરની પશ્ચાદભૂમાં અલ્લાહો અકબરનો ગર્ભિત નારો સાંભળી શકનારા વાચકો સહમી ગયા હતા. અંગ્રેજી દૈનિકોએ સતત આ જ રીતે પોતાનાં લખાણોમાં હિન્દુત્વની કલ્પનાને ઝૂડી ઝૂડીને અધમૂઈ કરી નાખી હતી. શામ લાલ જેવા અત્યંત આદરણીય પત્રકાર પણ સ્યુડો સેક્યુલરિઝમના આ સપાટામાંથી બાકાત રહ્યા નહોતા. ૨ જાન્યુઆરી ’૯૩ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં એમણે કહ્યું: ‘એક રાજકીય પક્ષ તરીકે ભાજપનો મુખ્ય હેતુ હિન્દુઓનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો છે. ભાજપને બહુ જલદી ખબર પડી જશે કે સામાન્ય મતદારને પોતાના કોમવાદી અસ્તિત્વ કરતાં વધારે રસ સલામતીભર્યું જીવન જીવવામાં છે.’

૩૦ ડિસેમ્બરે ‘હિન્દુ’માં પ્રેમ શંકર ઝાએ લખ્યું હતું, ‘ઝનૂની કોમવાદીઓએ ફેંકેલા પડકારને ઝીલવા કૉંગ્રેસે પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવું પડશે. ‘હિન્દુ’ ના પ્રકાશકો તરફથી પ્રગટ થતા ‘ફ્રન્ટલાઇન’ પખવાડિકના તંત્રી એન. રામે તો મુંબઈના દૈનિક ઑબ્ઝર્વમાંની પોતાની નિયમિત કટાર ‘વ્યુ પૉઇન્ટ’માં જાહેર કરી દીધું હતું, ‘ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુત્વમાં વિશ્વાસ ધરાવતી ભારતની બહુમતી પ્રજા ભાજપની નીતિઓનો વિરોધ કરે છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ પણ ૧૦ ડિસેમ્બરના તંત્રીલેખમાં જાણે તમામ હિન્દુઓ તરફથી પાવર- ઑફ- ઍટર્ની મળી ગયો હોય એમ લખ્યું હતું. ‘મુસ્લિમ દેશોને અમે ખાતરી આપીએ છીએ કે અયોધ્યાની ઘટનાની માત્ર ભારત સરકારે જ નહીં , પરંતુ આ દેશની બહુમતી પ્રજાના સભ્યોએ પણ કડકમાં કડક ભાષામાં ટીકા કરી છે.’

જુઠ્ઠાણું હતું આ, હડહડતું જુઠ્ઠાણું હતું.

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.

3 comments for “ખુશવંત સિંહનું જાહેર એલાન

 1. krishnkant nevaniya
  July 7, 2009 at 4:13 PM

  ખુબ સરસ તમારા બધા લેખો દરેકે દરેક હિન્દુ વાનચે અને હિન્દુત્વ નિ સાચિ પરિસ્થિતિ નો ખ્યાલ કેલવે એવિ શુભેચ્ચા.

 2. deven patel
  August 11, 2009 at 4:30 PM

  ખુબ સારો લેખ

 3. anilsutaria
  July 27, 2011 at 9:23 PM

  નમસ્કાર સૌરભભાઈ,હું ૧૯૯૪-૯૫ માં જયારે મુંબઈ હતો,ત્યારે ત્યાંના એક સાંધ્ય અખબાર માં આપની ફતવા વિષેની કોલમ આવતી, અને તેનાથી અમે ખુબજ પ્રભીવિત હતા અને રોજ અમે અખબારના આવવાની રાહ જોતા,પછી મુંબઈથી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું,અને જે વૈચારિક નાતો હતો ઈ તૂટી ગયો હતો ,પરંતુ આજે તમારો બ્લોગ મળ્યો ખુબ જ આનંદ થયો, આપ જેવા નિર્ભીક પત્રકારોની ભારતીય સમાજને ખુબજ જરૂર છે,અડચણોથી નાસીપાસ થયા વિના ચાલુ રાખો, હિન્દી ફિલ્મનું ગીત છે ને રુક જાના નહિ તું કહી હારકે ,કાંટોપે ચલકે મિલેંગે છાયે બહાર કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *