મારા જેલના અનુભવો – ૩

પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે: ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર

પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે એવું મેં અનુભવ્યું: ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર.

સૌથી પહેલો તબક્કો ભયનો. પોલીસ રિમાન્ડની વાતો વાંચી, સાંભળી કે સિનેમામાં બધાએ જોઈ હોય છે. પોલીસ તમારી સાથે એવો જ વર્તાવ કરશે તેનો ડર ધરપકડની પહેલી જ ક્ષણથી તમારા મન પર છવાઈ જાય છે. બીજો તબક્કો શરમનો. દુનિયામાં લાખો-કરોડો લોકો કોઈ કલંક વિના ઈજ્જતથી જીવે છે અને માત્ર તમારા પર આવડું મોટું આળ? તમારા ભૂતકાળની તમામ સારી વાતો ભૂંસાઈને હવે માત્ર આ કલંક જ તમારી સાથે આજીવન રહેવાનું છે એવા વિચારથી તમે લાજના માર્યા ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં એવી મનોસ્થિતિમાં મૂકાઈ જાઓ છો. ત્રીજો તબક્કો અપમાનનો. પોલીસ હિરાસતમાં નહોતા ત્યારે સમાજમાં લોકો તમને બિરદાવતા, આસપાસની વ્યક્તિઓ અદબથી તમારી સાથે વાત કરતી. કસ્ટડીમાં નાનામાં નાનો પોલીસ કર્મચારી પણ તમારું ફટ દઈને અપમાન કરી શકે છે. તમારી ખ્યાતિ, તમારું સ્ટેટસ, તમારી ગુડવિલ — અહીં એની કિંમત રતિભાર હોતી નથી. ચોથો તબક્કો બદનામીનો. લોકોને જ્યારે જાણ થાય છે કે પોલીસે તમારી ધરપકડ કરી છે ત્યારે સાચું શું છે અને ખોટું શું છે તેની ખાતરી કર્યા વિના સૌ કોઈ વિચારતું થઈ જાય છે કે ધુમાડો છે તો આગ પણ હશે. બીજાઓ વિશેની કોઈપણ પ્રકારની નૅગેટિવ બાબતને સાચી માની લેવાની ઉતાવળ કરીને નિર્ણય પર પહોંચી જવું બધાને ગમતું હોય છે. જે પ્રતિષ્ઠા-આબરૂ બંધાતાં ત્રણ-ત્રણ દસકા લાગ્યા હોય તે ત્રણ સેકન્ડમાં બદનામીમાં રગદોળાઈ જતી હોય છે. અંતિમ તબક્કો તિરસ્કૃત થવાનો. આ ગાળામાં ભલભલા લોકો તમારો સાથ-સંગાથ છોડી દેતા હોય છે. ગરમાગરમ બાફેલા બટાટાને હાથમાંથી પડતો મૂકે એમ તરછોડી દેતા હોય છે. લોકો માનતા થઈ જાય છે કે આ વ્યક્તિ સાથેનો અમારો સંબંધ ચર્ચાશે તો અમને પણ એના છાંટા ઉડશે.

આ પાંચેય તબક્કાઓનો અનુભવ મારી ધરપકડના ૪૮ કલાકમાં લઈ ચૂક્યો હતો. રવિવારે સાંજે મારા બે દિવસના રિમાન્ડ પૂરા થતા હતા. મને ફરી એક વાર અદાલતમાં લઈ જવાનો હતો. રવિવારે સવારે હું ગાયકવાડ હવેલીની ક્રાઈમ બ્રાન્ચના પહેલા માળની પીએસઆઈની કેબિનમાં ચૂપચાપ બેઠો હતો ત્યાં જ હુકમ થયો : ‘નીચે સાહેબ બોલાવે છે.’ બે જાપ્તાવાળા મને ભોંયતળિયાની કચેરીમાં લઈ આવ્યા. ટેબલની પાછળ ઈન્સ્પેક્ટર ગખ્ખર(?) બેઠા હતા. એમની બાજુમાં બે બહેનો અને એક ભાઈ ઊભાં હતાં. ગખ્ખર સાહેબે મને પૂછ્યું,’ તમે આ લોકોને ઓળખો છો?’

‘ના.. કેમ?’

‘આ લોકો ફરિયાદ લઈને આવ્યા છે કે તમે બનાવટી વિઝા ઉપર લોકોને પરદેશ મોકલવાનું કૌભાંડ ચલાવો છો અને વિદેશ મોકલવાનું વચન આપીને તમે એમની પાસેથી રૂપિયા પડાવ્યા છે..’

‘અમારી પાસેથી જ નહીં, સાહેબ.. બીજા ડઝનબંધ માણસો પાસેથી આ માણસે લાખો રૂપિયા પડાવ્યા છે.. બહુ મોટું રેકેટ ચલાવે છે.. ‘ એક બહેન બોલ્યાં.

હું અવાચક થઈ ગયો. આ વળી કયું નવું લંગર મારા ગળામાં નાખવામાં આવી રહ્યું હતું.

મેં ધીરેથી કહ્યું,’ બહેન, તમારી બ્ભૂલ થતી હશે.. હું પત્રકાર છું અને ‘વિચારધારા’…’

તરત જ બીજાં બહેને ઝંપલાવ્યું, ‘બસ, આ જ માણસ છે.. સુરત બસ સ્ટેશન પર હાથમાં ‘વિચારધારા’ લઈને બધાને ફોરેન મોકલવાનું પ્રોમિસ આપીને છેતરપિંડી કરતો હતો. આનું નામ સૌરભ શાહ છે. અમે સુરતના છાપાંમાં એનો ફોટો જોયો એટલે જ ભાજપના સમાજ સુરક્ષા સમિતિના સભ્યને લઈને તમારી પાસે આવ્યા છીએ… એને તમે સુરત પોલીસમાં સોંપી દો, આખું કૌભાંડ બહાર આવી જશે..’

મને હજુ વધુ ફસાવવાની આ કઈ નવી તરકીબ હતી તે હું સમજી શક્યો નહીં. પણ પી.આઈ.ગખ્ખર પામી ગયા કે ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. એક કૉન્સ્ટેબલને બોલાવી એમણે કહ્યું, ‘આ સુરતના મહેમાનોને ચા પીવડાવીને વિદાય કરો..’

એમના ગયા પછી મેં પી.આઈ.ગખ્ખરને કહ્યું,’ સાહેબ, હજુ બીજા કેટલા આરોપ બાકી છે!’

* * *

એ દિવસે બપોરે પોલીસપાર્ટી સાથે મને મારા ધરે તપાસ માટે લાવવામાં આવ્યો. મારાં અને મેઘાનાં માતા-પિતા મારા સમાચાર જાણીને મુંબઈ-વડોદરાથી રાતોરાત અમદાવાદના મારા ઘરે આવી ગયાં હતાં. મારી સાથે આવેલા પોલીસો તેમનું કામ કરતા ગયા. પ્રવેશદ્વાર કઈ દિશામાં છે, બારીદરવાજા કઈ તરફ છે, કેટલા રૂમ છે, ઘરમાં શું શું છે, મકાની ચારેય દિશાઓમાં કઈ કઈ ઈમારતો-રેલવે લાઈન છે વગેરેનું પંચનામું તૈયાર કરીને કાગળિયાં તૈયાર કરી લીઘાં. ક્રાઈમ બ્રાન્ચનાં બાથરૂમ-સંડાસ ગંદકીથી ઉભરાતાં હતાં એટલે મારાથી વપરાતાં નહોતાં. મારા ઘરના બાથરૂમનો હું ઉપયોગ કરી શકું? મેં પૂછ્યું. એક કૉન્સ્ટેબલને મારી સાથે ઉપરના બેડરૂમમાં મોકલવામાં આવ્યો. બાથરૂમ ચેક કરીને બહાર આવી મારા બુકસેલ્ફ પરનાં પુસ્તકો જોતાં જોતાં એણે કહ્યું, ‘જાઓ જઈ આવો, નહાવું હોય તો ઝડપથી નહાઈ પણ લેજો…’

નહાઈને મેં વાળ લૂછ્યા ત્યારે ટુવાલ પર કાળા ધાબા પડી ગયા. ઉતાવળે નહાવામાં માથું ધોવાનું બાકી રાખ્યું હતું. ગઈ કાલે ફિંગર પ્રિન્ટ્સ લેવાયા પછી માથા પર લૂછી નાખેલા હાથમાંની કાળી શાહી આજે ટુવાલ પર આવી ગઈ હતી. હું ઝડપભેર તૈયાર થઈને નીચે આવી ગયો. મારા પિતા સાથે પાંચેક મિનિટ વકીલો વિશે વાત કરીને નક્કી કર્યું કે સાંજે એમણે મેઘા સાથે કોર્ટમાં આવી જવું.

એ દિવસે સાંજે મને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ નંબર એકમાં રજુ કરવામાં આવ્યો. રવિવાર હોવાને કારણે હોલિડેનો ચાર્જ સંભાળનારા મેજિસ્ટ્રેટ હતા. કોર્ટમાં લઈ જતાં પહેલાં શાહીબાગ પંદર નંબર બંગલામાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર અભય ચુડાસમા સમક્ષ હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં આવ્યો ત્યારે કોર્ટરૂમની બહાર મારા મિત્રો અને સગાંવહાલાઓની ભીડ હતી. બહારગામથી પણ ઘણા આવ્યા હતા.

મેજિસ્ટ્રેટની ચૅમ્બરમાં સુનાવણી થઈ. પોલીસે વધુ બાર દિવસના રિમાન્ડ માગ્યા. મારા વકીલે જામીન અરજી દાખલ કરી. કોર્ટે અરજી વાંચીને ફગાવી દીધી અને વધુ બાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા. ચૅમ્બરની બહાર નીકળ્યો ત્યાં સુધીમાં કોર્ટના ઓર્ડર વિશે સૌને જાણ થઈ ગઈ હતી. બધાનાં મોઢાં પડી ગયાં હતાં. વડોદરાથી આવેલા એક મિત્રે કહ્યું, ‘તમે ચિંતા નહીં કરતા. આ સંકટમાં હનુમાન ચાલીસાનો પાઠ કરજો. તમારો વાળ પણ વાંકો નહીં થાય.’

હજુ બાર દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે એ વિચારથી હું ગૂંગળાઈ ગયો હતો. પોલીસની કસ્ટડીમાંથી ઘરે પાછો જવા તલસતો હતો. પોલીસ મને રોજેરોજ પોતાની કચેરીએ બોલાવીને પોતાને સંતોષ થાય એટલી પૂછપરછ કરી લે તેની સામે મને ક્યાં કોઈ વાંધો હતો. હું કોઈ બદમાશ, લફંગો કે ખૂની-આતંકવાદી નહોતો. વડા પ્રધાનના હાથે નિર્ભીક અને રાષ્ટ્રનિષ્ઠ લેખન બદલ પુરસ્કાર મેળવી ચૂકેલો ગુજરાતનો લેખક-પત્રકાર હતો. પણ મારી દલીલો કોર્ટ સુધી પહોંચી નહોતી. મારા બેગુનાહીપણાની સાબિતીઓ પણ અદાલત સમક્ષ મૂકાઈ નહોતી. મેં પોલીસની પરવાનગી લઈને મેઘા સાથે વાત કરી.

‘આજે જે નવા વકીલને તમે લઈ આવ્યા એણે જામીન અરજી તૈયાર કરવામાં કોઈ મહેનત જ નહોતી કરી. આમ કેમ થયું? પહેલી વખત જે વકીલ આવ્યા હતા તે કેમ ના આવ્યા? મેં તમને લોકોને જે વકીલોનાં નામ આપ્યાં હતાં એમનો સંપર્ક કેમ ના કર્યો?’ મેં પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો હતો.

મેઘાએ લાચારીના અવાજે જણાવ્યું, કોઈ વકીલ આપણી બ્રીફ લેવા તૈયાર નથી. પહેલી વાર આવેલા વકીલે પણ ફરી આવવાવી ના પાડી દીધી છે.’

હું સમસમી ગયો. મેં મિત્રો તરીકે જેમને સાચવ્યા હતા એ તમામ વકીલો એક યા બીજું બહાનું કાધીને પાણીમાં બેસી ગયા હતા. મારા પત્રકારત્વ અને લેખન માટે આદર વ્યક્ત કરનારા વકીલ મિત્રો પણ મારાથી દૂર થઈ ગયા હતા. મારું વિશાળ સંબંધજગત ઝડપભેર સંકોચાઈ રહ્યું હતું. આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટ કરતાં પકડાય છે ત્યારે એમની જમાતમાંથી ટોચના અડધો ડઝન ધારાશાસ્ત્રીઓ એમની બ્રીફ લેવા પડાપડી કરતા હોય છે. જ્યારે અહીં અડધો ડઝન એડવોકેટ્સ મને નકારી ચૂક્યા હતા. શું હું બૉમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓ કરતાં પણ વધુ ખૂનખાર થઈ ગયો હતો? હું સમજી નહોતો શકતો કે આવું શા માટે બની રહ્યું છે.

* * *

એક મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશ્નર ઑફ પુલિસ (એસીપી) મુલિયાણાએ મને એમના ઍરકંડિશન્ડ દફતરમાં બોલાવ્યો. હું ચંપલ બહાર ઉતારીને કેબિનમાં પ્રવેશી હાથ જોડી ઊભો રહ્યો. મુલિયાણા સાહેબે કહ્યું, ‘ચંપલ ઉતારવાની જરૂર નથી અને ઊભા નહીં રહો, બેસો.. રિલેક્સ..’

મુલિયાણા સાહેબ સાહિત્ય અને પત્રકારત્વના જાણકાર હતા. હરકિસન મહેતાની નવલકથાઓના ચાહક હતા. મારી સાથે એમણે હરકિસન મહેતાની અનેક જાણીતી નવલકથાઓ વિશે ચર્ચા કરી. મેં એમને કહ્યું કે હરકિસન મહેતા વિશે મેં એક પુસ્તકનું સંપાદન કર્યું છે. પછી ‘રેશમડંખ’ નવલકથા વિશે વાત નીકળી. એમનું માનવું હતું કે એ નવલકથા હરકિસન મહેતાની હતી. મેં કહ્યું કે હરકિસનભાઈના અવસાન પછી આ વાર્તા લખાઈ છે અને મહેશ યાજ્ઞિક એના લેખક છે. પણ મુલિયાણા સાહેબ પોતાની જીદ પર અડગ હતા. બહુ દલીલોના અંતે મેં નમતું જોખ્યું અને નમ્રતાપૂર્વક કહ્યું, ‘તમારી વાત સાચી છે, સાહેબ. એ નવલકથા મહેશ યાજ્ઞિકની નહીં પણ તમે કહો છો એમ હરકિસન મહેતાની જ છે…’

પોલીસ તમારી પાસેથી ધારે તે કબૂલ કરાવી શકે છે.

* * *

મારા વધારાના ૧૨ દિવસના રિમાન્ડ ૨૬ જૂનના રોજ પૂરા થતા હતા પણ ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ વહેલા પૂરા કરી મને ૨૨ જૂનના શનિવારે જ કોર્ટમાં હાજર કરી દીધો એટલે હું ખૂબ ખુશ હતો. મારા મિત્રની સલાહથી મેં રોજ પોલીસ કસ્ટડીમાં સવાર-બપોર-સાંજ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તુમ રક્ષક કાહુ કો ડરના. મારા પરિવાર વતી મોરારિબાપુને ફોન ગયો ત્યારે એમણે કહ્યું હતું ‘હું હનુમાનજીને પ્રાર્થના કરીશ.’ આજે શનિવાર હતો અને કોર્ટમાં મેં સૌને હનુમાનજીનો પ્રસાદ વહેંચ્યો હતો. છૂટ હિ બંદી મહા સુખ હોઈ. આજે ક્રાઈમ બ્રાન્ચની બંદીમાંથી છુટવા મળે તે જ મારા માટે મહા સુખ હતું.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જી.એમ.પટેલની કોર્ટ નંબર ૧૧માં એકાએક સળવળાટ થયો. સૌ કોઈ સાવધ થઈ ગયું. મેજિસ્ટ્રેટની ચૅમ્બરનો દરવાજો ખુલ્યો. પોલીસો સહિત બધાએ ઊભા થઈને મેજિસ્ટ્રેટને માન આપ્યું. સાહેબે ડાયસ પરની ઊંચી મરૂન ગાદીવાળી ખુરશી પર સ્થાન ગ્રહણ કર્યું. ખુરશીની પાછળ ભારત સરકારના રાજચિહ્નના સિંહો દેખાતા હતા. સાહેબના બેઠા પછી બધા પોત-પોતાની જગ્યાએ પાછાં બેસી ગયાં. ક્રાઈમ બ્રાન્ચે રજુઆત શરૂ કરી. આરોપીની ધરપકડ પછી ૨૪ કલાકમાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યો ત્યારે બે દિવસના રિમાન્ડ મેળવાયા. એ પછી વધુ ૧૨ દિવસના રિમાન્ડ મળ્યા. પણ હવે આરોપીને કસ્ટડીમાં રાખવાની જરૂર રહી નથી. પૂછપરછ પૂરી થઈ ગઈ છે. એટલે પાંચ દિવસ અગાઉ જ અમે એના રિમાન્ડ પૂરા કરી છીએ.

ક્રાઈમબ્રાન્ચની રજુઆત પૂરી થઈ એટલે મારા વકીલે ઊભા થઈને મારી જામીન અરજી કોર્ટ સમક્ષ મૂકી. વીતેલા દિવસોમાં હું સક્ષમ વકીલોને મારા મિત્રોની મદદથી મારા વતી લડવા માટે મેળવી શક્યો હતો. મેજિસ્ટ્રેટ સાહેબ મારી જામીન અરજી વાંચી રહ્યા હતા. ત્યાં જ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું, ‘સાહેબ, આ જામીન અરજીની સુનાવણી થાય પછી જ આપ ઓર્ડર આપો એવી વિનંતી છે.’

મેજિસ્ટ્રેટ સાહેબે બે દિવસ પછી સુનાવણીની તારીખ આપી. આજે શનિવાર. રવિ, સોમ ને મંગળ. મંગળવારે સાંજે ચાર વાગ્યે જામીન અરજીનું હિયરિંગ થશે એવી તારીખ પડી છે એ જાણીને મેં મારી બાજુમાં બેઠેલા પોલીસ કૉન્સ્ટેબલને પૂછ્યું,

‘આ તો મુદત પડી. મંગળવાર સુધી મારે પાછા પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે?’

‘ના, તમારા પોલીસ રિમાન્ડ તો પૂરા થઈ ગયા છે’, કૉન્સ્ટેબલ હડમતસિંહ સિસોદિયાએ કહ્યું.

‘તો શું હવે મારે ઘરે જવાનું?’

‘ના, જ્યુડિશ્યલ કસ્ટડીમાં.’

‘એટલે?’

‘એટલે જેલમાં જવાનું.’

‘જેલમાં? મારે?’

‘હા. સાબરમતી સેન્ટ્રલ જેલમાં.’

Ahmedabad Central Jailહું સડક થઈ ગયો. કોર્ટરૂમમાં સોપો પડી ગયો હતો. ૧૨મી જૂનથી ૨૧મી જૂન સુધીના પોલીસ રિમાન્ડની કાળી ડિબાંગ નવરાત્રિની યાતના જાણે ઓછી હતી ત્યાં આ જેલ! કોર્ટમાં અન્ય સંબંધીઓ ઉપરાંત મારા પિતા અને મેઘાનાં મમ્મી પણ હાજર હતાં. મેઘા સ્તબ્ધ હતી. મેં મેઘાને કહ્યું, ‘તમે લોકો ચિંતા નહીં કરતાં. હવે આપણી પાસે સારા લૉયર છે. મંગળવારે હિયરિંગ છે અને જામીન મળી જશે…’

‘બે-ત્રણ દિવસનો જ સવાલ છે..’ કૉન્સ્ટેબલ સિસોદિયાએ મને ધરપત આપી, ‘જામીન મળી જશે એટલે તમે છુટ્ટા. જોકે, જેલમાં રહેવાનું તમારા જેવા માટે જરા…’

પોલીસ કસ્ટડીમાં મારા માટે ઘરેથી આવતાં કપડાં અને ટૂથબ્રશ વગેરેના સામાનની પ્લાસ્ટિકની થેલી મેં મેઘાને આપી દીધી હતી. સિસોદિયાના કહેવાથી મેં એ પાછી લઈ લીધી.

કોર્ટના મકાનની બહાર નીકળતી વખતે સિસોદિયાએ મને આગળ લઈ જતાં મેઘાને કહ્યું, ‘તમે બાપુજી સાથે પાછળ રહેજો…’ પછી ઝડપથી પગથિયાં ઉતરતાં મને કહ્યું, ‘મારી સાથે તમે પણ દોડજો…’ મેં ઉતાવળે પગલાં ભર્યાં ત્યાં સામે જ પ્રેસ ફોટોગ્રાફરો અને ટીવી કૅમેરામેનોનું ટોળું દેખાયું. પોલીસની માનસિકતા હું સમજતો હતો. પણ હું કોઈ ક્રિમિનલ નહોતો કે મારે કોઈનાથી મોઢું છુપાવવું પડે. પોલીસના આગ્રહ છતાં હું એકદમ ધીમા અને શાંત પગલે ચાલતો પોલીસની સુમોમાં ગોઠવાયો. ફોટોગ્રાફરો અને કૅમેરામેનો પોતાનું કામ કરતા રહ્યા. પોલીસની સુમોની પાછળ મારી ગાડીમાં ડ્રાયવર ભરતભાઈ મારા પિતાને અને મેઘાનાં મમ્મીને લઈને આવી રહ્યા હતા. જેલમાં જતાં પહેલાં મારે મેઘા સાથે થોડી વાતો કરવી હતી. પરંતુ મેઘા પણ એમની સાથે હતી. ઘી કાંટાથી સુભાષબ્રિજ થઈને સાબરમતી જેલ સુધીનો રસ્તો પળભરમાં પૂરો થઈ ગયો. મારું ચિત્ત બહેર મારી ગયું હતું. પોલીસની સુમો જેલના કમ્પાઉન્ડમાં આવીને ઊભી રહી. મારી ગાડી અમારાં પેરન્ટ્સ સાથે કંપાઉન્ડની બહાર રોકી દેવામાં આવી હતી. જેલનાં લોખંડી સળિયાવાળા ઊંચા દરવાજાની ઉપરના અર્ધ ગોળાકારમાં ગુજરાતીમાં લખ્યું હતું : ‘અમદાવાદ મધ્યસ્થ જેલ’ એની ઉપર અંગ્રેજીમાં સ્થાપના વર્ષ લખ્યું હતું: ૧૮૯૧-૯૪. જેલની ઊંચી વાદળી દીવાલોને જોતાં હાથમાંની થેલી સાથે હું સુમોમાંથી નીચે ઉતર્યો. પેલે પાર ઊભી રહેલી ગાડીમાંથી મેઘા ઉતરી. કંપાઉન્ડની વચ્ચે આવેલા ફુવારા જેવા વર્તુળમાં ગોઠવેલી ચાર સિંહની રાજમુદ્રા વટાવી લગભગ દોડતી મારી પાસે આવી. મેં એને હિંમત આપતાં કહ્યું, ‘ત્રણેક દિવસનો જ સવાલ છે… જેલમાં થોડાક ઈન્ટરવ્યુ લઈશ, જેલની જિંદગી વિશે જાણીશ… બે-ત્રણ રાત ક્યાં પસાર થઈ જશે, ખબર પણ નહીં પડે… પત્રકાર તરીકે બસ આ જ એક અનુભવ લેવાનો બાકી હતો…’

પણ જેલનો તોતિંગ દરવાજો ઓળંગીને બંદીગૃહના અંધારિયા પ્રદેશમાં પહેલો પગ મૂકતાં જ મને લાગ્યું કે હું તૂટી રહ્યો હતો, મારી દુનિયાથી સાવ વિખૂટો અને એકલો પડી ગયો હતો. તે વખતે મને ખબર નહોતી કે આ ત્રણ દિવસનો કારાવાસનો અંત આવે અને મુક્ત હવાનો શ્વાસ ફરી લઈ શકું તે માટે મારે બીજા ૬૩ દિવસ સુધી જેલમાં રાહ જોવાની હતી.

(ક્રમશઃ)

‘મારા જેલના અનુભવો’નાં અગાઉનાં તેમ જ નવાં પ્રકરણો ઉપરાંત ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી મુલાકાત
સાબરમતી જેલમાં વીતાવેલા ‘એ ૬૩ દિવસો…’ વાંચવા અહીં ક્લિક કરો.

14 comments for “મારા જેલના અનુભવો – ૩

 1. અલકેશ પટેલ
  July 5, 2009 at 10:48 AM

  આતંકવાદીઓને તેમની જમાતમાંથી મળતી વકીલોની સહાય અને આપણા વકીલોની મોં ફેરવી લેવાની માનસિક્તાની વાત એકદમ સાચી છે, અને મને લાગે છે કે કદાચ આ તફાવતને કારણે જ રાષ્ટ્રવિરોધી તત્વો ”નિર્દોષ” છૂટી જતા હોય છે. અને હા એ પણ ના ભૂલવું જોઈએ કે તેમને છોડાવવા માટે જેઠમલાણીઓ, મહેશ ભટ્ટો, સેતલવાડો, સરદેસાઈઓ ”ખુલ્લેઆમ – હિંમતપૂર્વક” દલીલો અને બચાવ કરવા મેદાને પડે છે કેમકે તેમના માટે આ માનવઅધિકાર (હી હી હી) નો પ્રશ્ન હોય છે. તમારા માટે કોઈ વકીલ શા માટે બ્રિફ હાથમાં લે, કેમકે આ ઉપર જણાવ્યા એવા સમૂહે તમારી ન્યાયી હિન્દુત્વની વાતોને સમાજ માટે નુકસાનકારક છે એવું ગળા ફાડી ફાડીને ગાઈ-વગાડીને કહ્યું હોય છે. એની વે… ઈશ્વર એ લોકોને સદબુદ્ધિ આપે.

 2. Dr.Dinesh Rawal
  July 5, 2009 at 6:27 PM

  Namaskar,
  Jel na anubhavo(Pustak)Kharidvu padshe…………

 3. pravin
  July 5, 2009 at 9:45 PM

  ઓહ……..!!!

 4. July 6, 2009 at 9:17 AM

  વાત વાતમાં જેલ કે જેલરોડનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ પણ ખરેખર જેલની દુનિયા કેવી હોય એનો પરિચય થતો જાય છે.

 5. Envy
  July 6, 2009 at 11:20 AM

  Mr. Saurabhji,
  It is good that an able pen is writing about exp (unnatural though) of jail and police. Hope, after this type of sordid exp. you start a fight to get justice for the unpreviledged poor who are harrassed by police and jail authority (we cant talk about criminals in jail at this time as it is long fight again) like putting on hand cuffs on undertrials even after Supreme court’s verdict, providing facilities they are entitled to, allowing them legal help and behaving in human manner with persons etc (reg behaviour with women is a larger issue altogather)
  Police are notorious legal criminals not only in India but many parts of world.
  Thnx for your articles on jail exp,kudos.

 6. PINKE
  July 6, 2009 at 12:52 PM

  JAIL NA ANUBHAVO MA EK NAVI DUNIYA JANAVA MALE CHHE.

 7. Malav Thakkar
  July 6, 2009 at 12:58 PM

  sir,

  first of all congrats.today i searched your website
  we are always with u ,

  Malav Thakkar
  Sanket Suthar
  Chaula Limbachiya

 8. Jitu
  July 6, 2009 at 10:43 PM

  જ્યારે આખી મશિનરિ તમારી વિરુદ્ધ ગોઠવાઈ જાય તો કેવું નિસહાય લાગે તેની કલ્પના થઈ.

 9. July 7, 2009 at 10:50 AM

  ભગવાન કોઈ દિવસ દુશ્મન ને પણ જેલ ના અનુભવ ના કરાવે !!

 10. July 7, 2009 at 3:35 PM

  I am speechless! I cannot believe this could happen to an eminent, innocent journalist like you in this age. I admire your courage and resilience, and above all, your objectivity in describing your trauma. Allow me to say that Mrs. Shah and the rest of your family also deserve compliments. What stands out in the narrative is your fortitude and belief in yourself. Well done. And hats off to you.

 11. Dipti
  July 7, 2009 at 8:42 PM

  hi saurbh tamara aatala hradaydravak anubhav lokone ‘majedar’ lagya a mane na gamyu, jailma pan tame kevi rite manne majboot rakhyu a janavsho…

 12. Bhavesh Jani
  July 9, 2009 at 2:48 PM

  યાદ કૈક એવુ આવે છે કે “મારી વ્યથા ને તે શાયરી સમજી લીધી” તમારા અનૂભવ જાણે કૉઇ વાર્તા લાગે છે.

 13. djvakil45
  July 14, 2009 at 5:11 PM

  YOU ARE RIGHT… OUR OWN TURNS FACE WHEN WE ARE IN DIFFICULTIES.. OF COURSE, IT IS A PART OF LIFE.. EVERY BODY IS HIDING HIS FACE, WILL NOT TALK , WILL NOT COME FORWARD.. OF COURSE IT IS LIFE…

 14. Nirlep - qatar
  July 28, 2011 at 5:12 PM

  stunning & shocking….read it without a blink of eyes..:( – God Bless You.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *