તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો છઠ્ઠો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાનો બાકીનો એક લેખ ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે.
મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)

Ayodhyathi Godharaકોઈ જાતની સંપાદકીય જવાબદારી વિના રાગદ્વેષયુક્ત તંત્રીલેખો અને પૂર્વગ્રહપીડિત લેખો છાપ છાપ કરીને તમારા દૈનિક ‘પાયોનિયર’ દ્વારા પત્રકારત્વની વેશ્યાગીરી (આ જ શબ્દ અંગ્રેજીમાં હતો. પ્રોસ્ટિટ્યુશન) થઈ રહી છે, જેને કારણે કંઈ કેટલાય ગોડબોલેએ તમારું છાપું વાંચવાનું બંધ કરી દેશે. એટલે સારું છે કે અંગ્રેજી વર્તમાનપત્ર વાંચનારા લોકોથી જ આ દેશના સંસદસભ્યો કે વિધાનસભ્યો ચૂંટાતા નથી. ભારતની પ્રજા, મૂક હિન્દુ બહુમતી ધરાવતી પ્રજા, જરૂર પોતાનો અવાજ ઉઠાવશે અને તમને મહેતાઓને, બોઝોને, નકવીઓને અને ખાસ કરીને તો પેલી રાધિકા રામશેષનને બરાબરનો પાઠ ભણાવશે.’

૩જી જાન્યુઆરી ૧૯૯૩ના રોજ નવી દિલ્હીથી તે વખતે વિનોદ મહેતાના તંત્રીપદે પ્રગટ થતા ‘પાયોનિયર’ દૈનિકમાં આઠમા પાને ‘વંદે માતરમ્’ ના ઉપનામે એક વાચકનો પત્ર છપાયો હતો.

આ પત્રમાં ગોડબોલે નામના એક વાચકનો ઉલ્લેખ છે તે કોણ? ૨૫ ડિસેમ્બર ૧૯૯૨ના ‘પાયોનિયર’માં ‘બાયસ્ડ, વિશ્યસ અને સ્યુડો’ અર્થાત્ એકતરફી, ઝેરીલું અને દંભી એવા મથાળા હેઠળ એસ. એ. ગોડબોલે નામના એક વાચકનો પત્ર બૉક્સ આઇટમ બનાવીને તંત્રીએ છાપ્યો હતો. પત્રમાં મરાઠીભાષી શ્રીયુત ગોડબોલેએ ગળ્યું ગળ્યું બોલવાને બદલે તીખી તમતમતી ભાષામાં લખ્યું હતું: ‘અયોધ્યાની ઘટના પછી તમારા દૈનિકે નિષ્પક્ષતાનો દેખાવ ફગાવી દીધો હોય એવું લાગે છે. તમે રાધિકા રામશેષનના એકતરફી રિપોર્ટ્સ તો છાપો જ છો, અધૂરામાં પૂરું નિખિલ ચક્રવર્તી, એન.જે. નાનપોરિયા અને અજય બોઝ જેવા સ્યુડો સેક્યુલરિસ્ટના અને ઇકબાલ મસૂદ તથા સીમા મુસ્તફા જેવાં હાડોહાડ કોમવાદીઓના લેખો પણ અમારા માથે ફટકારો છો. તંત્રી તરીકે તમે કમળાવાળી આંખે બધું જ પીળું જુઓ છો. સુધીર દરના કાર્ટૂનો દિન બર દિન વધુ ઝેરીલાં અને પૂર્વગ્રહયુક્ત બનતાં જાય છે. વાચકોના પત્રો પણ તમારા બાયસ મુજબના જ છાપો છો. અગાઉ મુસ્લિમ નેતાગીરીનો સરકારની અને ન્યાયતંત્રની ટીકા કરતો મારો પત્ર તમે બ્લૅક આઉટ કરી નાખ્યો. એ પહેલાં હસબંસ મુખિયા જેવા ખાઈબદેલા ઇતિહાસકારના જુઠ્ઠાણાંને ખુલ્લા પાડતો મારો પત્ર પણ તમે ન છાપ્યો. બીજા વાચકો તરફથી આવતા આવા તો કેટલાય હિન્દુતરફી પત્રો તમારી કચરાટોપલીમાં પધરાવાતા હશે. એની સામે એલ. કે. અડવાણી મૃત્યુ પામ્યા છે એવી મજાક કરતા, અત્યંત ગંદી રીતે લખાયેલા પત્રો તમે છાપ્યા કરો છો. મને ખાતરી છે કે તમારા અસંખ્ય હિન્દુ વાચકો ધીમે ધીમે મારા જેવું જ પગલું ભરશે. મારા છાપાંવાળાને તો મેં કહી જ દીધું છે કે કાલથી મારા ઘરમાં ‘પાયોનિયર’નું એક પાનું પણ નહીં જોઈએ.’

આ પત્રની નીચે તંત્રીની નોંધ હતી: ‘શ્રી ગોડબોલેને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે, પણ અમે માનીએ છીએ કે અમે નિષ્પક્ષ છીએ. ઍન્ટી બીજેપી હોવું એટલે કંઈ ઍન્ટી હિન્દુ હોવું એવું નહીં. ‘પાયોનિયર’ના વાચક તરીકે અમને શ્રી ગોડબોલેની ખોટ સાલશે.’

બહુમતી વાચકોની લાગણીને સમજ્યા કર્યા વિના જે તંત્રીઓ વાચકોના એક ચોક્કસ, તદ્દન મિનિસ્ક્યુલ, અલ્પસંખ્યક મતને ચગાવી ચગાવીને છાપે છે તે તંત્રીઓ અંતે તો પોતાના છાપાની જ ઘોર ખોદતા હોય છે. આજે નહીં તો કાલે એમનું છાપું ચિરનિદ્રામાં પોઢી જતું હોય છે.

અયોધ્યાની ઘટના બાદ ત્રીસ દિવસ દરમ્યાન ભારતનાં પ્રમુખ અડધો – પોણો ડઝન અંગ્રેજી દૈનિકોમાં તથા મૅગેઝિનોમાં કુલ દોઢ હજારથી વધુ વાચકોના પત્રો છપાયા. આમાંના અડધોઅડધ પત્રો આ ઘટના તેમ જ એને કારણે ઊભી થયેલી સમસ્યા તથા પરિસ્થિતિ વિશે ટિપ્પણ કરતા હતા. શરૂઆતના એક અઠવાડિયા સુધી આમાંના કોઈ અખબારે ગોડબોલે જેવા વાચકોના પત્રો છાપ્યા નહીં. કેટલાંક અખબારોમાં તો બીજા જ દિવસથી, સાતમી ડિસેમ્બરથી જ, છાપાની સ્ક્યુલર નીતિનાં વખાણ કરતા અને હિન્દુઓને કોમવાદી ગણાવતા પત્રોનો મારો શરૂ થઈ ગયો હતો. એ અઠવાડિયા દરમ્યાન આ લખનાર સહિત અનેક વાચકોના મનમાં ભ્રમણા પેદા કરવામાં આવી કે આ અંગ્રેજી અખબારોનાં તંત્રીલેખોને તેમ જ એના રાજકીય વિવરણ લેખોને તમામ વાચકોનું સમર્થન છે, પણ સમય વીતતો ગયો એમ તંત્રીઓ પોતે પણ બહુમતી વાચકોના પત્રોના ધસમસતા પ્રવાહને ખાળી શક્યા નહીં.

૧૩ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકમાં તંત્રી સી. આર. ઈરાનીની નોંધ સાથે પહેલા પાને લીડની આઈટમરૂપે પાંચ કૉલમ પહોળી જગ્યા રોકતો એક પત્ર મસમોટી બૉક્સ આઈટમરૂપે છપાયો હતો. વાચકોના પત્રનો દુરુપયોગ તંત્રીઓ કે કિન્નાખોર પત્રકારો કઈ હદ સુધી કરી શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘સ્ટેટ્સમેન’ના પહેલા પાને છપાયેલો એ પત્ર છે. તંત્રીએ નોંધમાં લખ્યું હતું : ‘બારમી ડિસેમ્બરની વહેલી સવારે એક જુવાન છોકરી મને મળ્યા વિના કે પાછળથી ફોન કરીશ એવું પણ કહ્યા વિના આ પત્ર મારા ઘરે મૂકી ગઈ. કૉલેજમાં ભણતી હોઈ શકે એવી બે યુવતીઓની સહીથી હાથે લખાયેલા આ પત્રમાં એમના હૃદયમાંથી ઉઠેલી ચીસ વ્યક્ત થઈ છે. એ આખો પત્ર અમે અહીં પ્રગટ કરીએ છીએ અને હું માનું છું કે ‘સ્ટેટ્સમેન’માં પહેલી જ વાર વાચકોનો પત્ર આ રીતે છપાઈ રહ્યો છે. સાંભળો, મિસ્ટર અડવાણી, સાંભળો કે ભારતનું ભવિષ્ય તમને શું કહી રહ્યું છે!’ (આશ્ચર્યચિહ્ન ઈરાનીનું છે.)

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *