કમબખ્ત ઈશ્ક: ઝીરો ફિગર,માઇનસ સ્ટોરી

હિંદી સિનેમા જોવાના અને બનાવવાના અનેક હેતુઓમાંનો એક છે- મનોરંજન, અઢી કલાકનો પલાયનવાદ, ટાઈમપાસ (આ ગુજરાતી શબ્દ છે, મૂળ અંગ્રેજી પાસ ટાઈમ).

`કમબખ્ત ઈશ્ક’ આ જ હેતુથી બનેલી ફિલ્મ છે. હેતુ કંઈ ખોટો નથી.  ખાટલે મોટી ખોડ એ છે કે ન તો એમાં મનોરંજન છે, ન ઍસ્કેપિસ્ટ સિનેમાનો બુદ્ધિ બાજુએ મૂકીને જોવાનો રોમાંચ, ન તો તમારો સમય એ સારી રીતે પસાર કરી આપે છે.

વિરાજ શેરગિલ (અક્ષય કુમાર) અને સિમ્રિતા (કરીના કપૂર) બેઉ પોતપોતાનાં કારણોસર લગ્નપ્રથામાં માનતાં નથી. વિરાજ નવી નવી છોકરીઓ સાથે ફરવામાં માને છે અને કોઈ પણ છોકરી રાત્રે એને ‘F’ વર્ડ કહે છે ત્યારે ચિડાઈ જાય છે (વિરાજ માટે ‘F’ વર્ડથી એટલેકે ફ્યુચર શબ્દથી શરૂ થતું વાક્ય ત્રાસજનક છે- ફ્યુચર મેં હમ શાદી કરેંગે, ફ્યુચર મેં હમ બચ્ચે પૈદા કરેંગે…) જ્યારે સિમ્રિતાને પુરુષજાત માટે નફરત છે (ઓહ, સો પ્રેડિક્ટેબલ. બટ વૉટ્સ ધ રિઝન?)

વિરાજ હૉલિવુડમાં સ્ટન્ટમૅન છે, સિમ્રિતા ડૉક્ટર-સર્જ્યન છે અને ‘સાઈડ’માં મૉડેલિંગ પણ કરે છે. સિમ્રિતાની ફ્રેન્ડ કામિની (અમૃતા અરોરા) છે અને વિરાજનો ફ્રેન્ડ લકી (આફતાબ શિવદાસાની) છે. હીરો-હીરોઈન પોતપોતાનાં મિત્રની શાદી રોકવા અને પછી તોડવા પેંતરા રચે છે. એમાં ને એમાં વિરાજ -સિમ્રિતા એકમેક સાથે ભટકાયા કરે છે.

ફિલ્મોમાં જોગાનુજોગ બને, વારંવાર બને પણ તે ગળે ઉતરે એવા હોય. કમ સેકમ ફિલ્મ જોતી વખતે તો પ્રેક્ષકને એવું ન જ લાગે કે આ દિગ્દર્શક-વાર્તાલેખક મને મુરખ બનાવી રહ્યો છે. `કમબખ્ત ઈશ્ક’ના કો-ઈન્સિડન્સીસ એવા જ , મુરખ બનતાં હોવાનો અહેસાસ કરાવતા, છે.

ઈન્ટરવલ સુધીનું રેટિંગ

star_s

અક્ષય-કરીના જેવા ટોચના સ્ટાર્સ, હૉલિવુડના ઈંડિયન સ્ટન્ટમૅનનો સબ્જેક્ટ, લૅવિશ બજેટ ઉપરાંત સિલ્વેસ્ટર સ્ટેલોન  અને ડિનિસ રિચાર્ડ્‍સ જેવા ત્યાંના સ્ટાર્સની ખાસ્સી એવી લાંબી હાજરી- આથી વધુ શું જોઈએ? પણ દિગ્દર્શક સાબિર ખાને નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આપેલી આ તમામ તક વેડફી નાખી છે.

હૉલિવુડના એક્‌શન સીન્સની દિલધડકતા દેખાડતાં ચારથી વધુ દ્રશ્યો અક્ષયકુમારે કર્યાં છે પણ એના કર્યા પર રીતસર પાણી ફરી વળે છે, છેલ્લા એક્‌શન સીનમાં ધસમસતું પાણી આવે છે એમ.

જાવેદ જાફરી (કેસવાની) અમેરિકાને લૅન્ડ ઑફ ઑપોર્ચ્યુનિટીઝ માનીને બીજાઓ પર કેસ કરવાની તક શોધતો રહે છે અને હું તને સ્યુ કરીશ કારણકે હું સુવ્વર છું- જન્મતાંની સાથે જ મેં સુ સુ કરવાને બદલે મારા બાપે ડૉક્ટરને સ્યુ કર્યો તે જોયું- એવું કહ્યા કરે છે.  ઈન્ટરેસ્ટિંગ બનવાની શક્યતા ધરાવતું એક આખું પાત્ર વેડફાઈ ગયું.

બોમન ઈરાની પાસે એક જ સીનમાં અને ત્રાસજનક કામ દિગ્દર્શકે કરાવ્યું છે

સેકન્ડ હાફનું રેટિંગ

star_s

માસી (કિરણ ખેર) દ્વારા સિમ્રિતાને મળેલું લકીચાર્મ મંગલમ્‌ ભગવાન વિષ્ણુ, મંગલમ્‌ ગરુડધ્વજનો મંત્ર દર કલાકે બોલે છે. એક વખત ઑસ્કાર એવૉર્ડ સમારંભના સ્થળ કોડાક થિયેટરમાં ટોરસ એવોર્ડ મેળવનાર અક્ષયકુમાર સ્ટેજ પર હોય છે ત્યારે આ મંત્ર સાંભળીને ઑડિયન્સમાં બેઠેલા જૅક નિકોલ્સન વગેરેને લાગે છે કે આ ભારતનું રાષ્ટ્રગીત હશે એમ માનીને જમણો હાથ ડાબી છાતીએ મૂકીને ઊભા થઈ સૌ સલામી આપે છે!

પ્લેનમાં વિરાજનો  મિત્ર-કમ-મૅનેજર વિન્દુ દારાસિંહ જોરથી બોલી ઊઠે છે- હાયજૅક! અને તમામ પૅસેન્જરો ગભરાઈને નીચા વળી જાય છે. વિન્દુ પોતાના મિત્રની નજીક આવીને કહે છે: જૅક! હાય!

અમેરિકનોની મજાક ઉડાડવાની દેશીઓને મજા પડી ગઈ છે. ‘ન્યૂયોર્ક’માં પણ આવી મજાકો હતી. ઠીક છે- હસવા ખાતર ભલે હસીએ. પણ એ દેશ જેટલા મજબૂત રાષ્ટ્ર બનીએ પછી બીજાના પર હસીએ તો જરા વધારે સારા લાગીએ.

`કમબખ્ત ઈશ્ક’: ફાઈનલ રેટિંગ

star_s

સંગીતમાં અનુ મલિકે, પાર્શ્વ સંગીતમાં સલીમ સુલેમાને અને નૃત્યદિગ્દર્શનમાં વૈભવી મર્ચન્ટે પોતાની પાસે હતી એટલી તમામ ‘સી’ ગ્રેડ સામગ્રી નડિયાદવાલા ધ ગ્રેટના  નોટ સો ગ્રેટ પૌત્રને પધરાવી દીધી છે.

મોંઘો કાગળ, ઉત્તમ મુદ્રણ, આકર્ષક મુખપૃષ્ઠ અને ટોચના પ્રકાશનગૃહનો સાથ લઈને બનેલા પુસ્તકમાં કચરપટ્ટી લેખો/કવિતા/નવલકથા છપાય અને વાચક તરીકે તમને જે કંઈ થાય એવો જ અનુભવ લેવા `કમબખ્ત ઈશ્ક’ જોઈ આવો, અમારું શું જાય એમાં!

અક્ષય-કરીના આંખને ઠારે તેવા દેહના માલિક છે. આ ફિલ્મમાં અક્ષયના સ્ટંટ્‌સ સિવાય અભિનયમાં ઝાઝો દમ નથી. કરીનાનું ઝીરો ફિગર ડાયેટિશ્યન્સ અને જિમ-ટ્રેનર્સનો ધંધો નિઃશંક વધારી રહ્યું છે. બાકી ‘સ્ટારકાસ્ટ’ની અભિનયક્ષમતા માટે જેટલૂં લખીએ એટલું વધારે!

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોના રિવ્યુઝ વાંચવા અહીં ક્લિક કરો.

4 comments for “કમબખ્ત ઈશ્ક: ઝીરો ફિગર,માઇનસ સ્ટોરી

 1. pinak
  July 3, 2009 at 3:41 PM

  Thanks for first day first show.. 8 varsh thi talkies ma koi film joi nathi to 10 min ma batava badal aabhar saheb…

 2. Mona Kanakia
  July 3, 2009 at 5:45 PM

  fantastic! i njoyed readg your film reviews!its so correct!Franly u save lot of ppls money!haha ha lol!

 3. July 6, 2009 at 10:33 PM

  તદ્દન સાચું લખ્યું. હું પણ અહીં ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો માં જોવા ગયો હતો. જોઇને લાગ્યું કે ગાજ્યા મેઘ વરસ્યા નહીં. હૉલિવુડના કલાકારો પાસે કામ કરાવવાની તક હતી પણ “કમબખ્ત” દિગ્દર્શકે વેડફી નાંખી.

 4. Neha Joshi
  July 17, 2009 at 5:36 PM

  Thanx a lot….for saving my money and most precious time. Truely speaking…reading ur film review is more entertaining…
  Thanx again!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *