જૂનું ઘર ખાલી કરતાં

કશુંક છૂટે છે ત્યારે જે છૂટે છે તેની યાદ સતાવતી રહે છે, પણ બદલામાં જે મળે છે તેની પ્રાપ્તિની ઘોર અવગણના થાય છે..

જૂનું ઘર તમારાં સપનાંઓને ઉછેરતું ઘર હતું એટલે એ છોડવાનું તમને ગમતું નથી, પણ ભલા માણસ, તમે સમજતા નથી કે નવું ઘર તમારાં સપનાં સિદ્ધ થઈ ગયાં છે તેની ખાતરી આપતું ઘર છે .

જૂનું ઘર તમારાં સપનાંઓને ઉછેરતું ઘર હતું એટલે એ છોડવાનું તમને ગમતું નથી, પણ ભલા માણસ, તમે સમજતા નથી કે નવું ઘર તમારાં સપનાં સિદ્ધ થઈ ગયાં છે તેની ખાતરી આપતું ઘર છે .

કવિએ જૂનું ઘર ખાલી કરવાની વેદના ગાઈ છે. નવું ઘર વસાવવાના ભોગે એ વેદના ગવાઈ છે. અહીં ‘ઘર’ એટલે ઘર કરતાં કંઈક વિશેષ કવિને અભિપ્રેત છે એવું ફોડ પાડીને કહીશું તો પ્રચ્છન્નની મઝા મુખરિત થઈને વિખેરાઈ જશે. કશુંક છૂટે છે ત્યારે જે છૂટે છે તેની યાદ સતાવતી રહે છે, પણ સામે જે મળે છે એની પ્રાપ્તિની ઘોર અવગણના થાય છે. શું કારણ હશે ? માણસનો મૂળભૂત જીવ ઉદાસીનો છે. આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે એવું કવિએ ગાયું. વેદના, પીડા, ઉદાસી, કરુણતા આ તમામ લાગણીઓ માણસના મનની કાયમની લાગણી છે. ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ આ બધું ઉપરથી છંટાતું હોય છે. સતત આનંદમાં રહેવું એ પ્રકૃતિ નથી, પણ વિકૃતિ છે. સતત ગાંભીર્યભાવ રાખવો એ જ સાહજિક છે. વચ્ચે વચ્ચે આનંદ, ઉમંગ ઇત્યાદિ આવતાં રહે તે ઈષ્ટ છે અને એટલે જ તહેવારોની શોધ થઈ, ઉજવણીઓની પ્રથા પડી.

રોજબરોજની ઘટમાળમાંથી મુક્તિ મળે, ઉદાસીનો સાતત્યભાવ ઘડીભર વિરમે એટલા સારુ કંઈક સુઘટના બને ત્યારે ઉજવણીઓ થાય છે. અથવા સામાજિક સ્તરે તહેવારો ઊજવાય , જેથી ગાંભીર્યને તોડીને, એમાંથી બહાર આવીને, આનંદિત થઈએ, ઉલ્લાસિત થઈએ. આનંદ સાહજિક નથી અને સતત આનંદની અવસ્થાની શોધ મૃગજળ સમાન છે. માણસ શાંત હોઈ શકે, શાંતિનું સપૂર્ણ સાતત્ય પણ શક્ય નથી. વેદન–પીડા તથા આનંદ-ઉલ્લાસ આ બેઉ પરિસ્થિતિઓમાં કેળવાયેલું મન ધરાવતી વ્યક્તિ કેટલીક શાંત રહી શકે, પરંતુ માણસની મૂળભૂત પ્રકૃતિ પીડાની છે, આનંદની નહીં.

વેદનાનો આ સ્થાયી ભાવ તમને ભવિષ્યની તકના ખૂલતા દરવાજા દેખાડવાને બદલે જૂના ત્યજી દેવાયેલા ઘરના બારણાંપર લટક્તું તાળું સતત તમારી આંખ સામે રાખવાને મજબૂર કરે છે.

જૂનું ઘર તમારાં સપનાંઓને ઉછેરતું ઘર હતું એટલે એ છોડવાનું તમને ગમતું નથી, પણ ભલા માણસ, તમે સમજતા નથી કે નવું ઘર તમારાં સપનાં સિદ્ધ થઈ ગયાં છે તેની ખાતરી આપતું ઘર છે . તમને જેની ખોટ સાલે છે તે માત્ર નકશાની ખોટ સાલે છે- યાત્રાના આરંભથી અંત સુધીના પડાવો દર્શાવતો નકશો. ક્યારેક તમે એકીટશે તાક્યા કરતાએ નકશો .નકશો તાકવાનું એ સુખ છીનવાઈ ગયું હોય એવું તમને લાગે છે, કારણકે તમારો એ નકશો જૂના ઘરમાં છૂટી ગયો છે. પીડાને ત્વચાની જેમ વળગી રહ્યા છીએ એટ્લે ઉદાસીની આ ઘડી જે વાસ્તવમાં તો બૅન્ડવાજાં વગાડીને વધામણાં ખાવા જેવી છે એનો અહેસાસ થતો નથી.

સૌથી ઊંચા પર્વતના શિખરે પહોંચીને પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું સુખ જેને મળી રહ્યું હોય એ પર્વતારોહક પ્રાપ્તિની એ ઘડીને માણશે કે પછી ક્યારેક આવું સપનું જોયું હતું પણ હવે એ જોઈ નહીં શકાય એવો અફસોસ વ્યક્ત કરશે ?

નવા ઘરમાં જૂની જગ્યાએ જોયેલાં સપનાંનો નકશો નથી, સાકાર થઈ ચૂકેલાં સપનાંનાં જીવંત ચિત્રો છે; પણ નિશ્ચિત તહેવારો વિના કે ઉજવણીદિન વગર આવી જતો આનંદ તમને અજાણ્યો લાગે છે. અજાણ્યાનો ડર લાગવો જોઈએ એવી તાલીમ મળી છે એટલે આ આનંદને મનમાં પ્રવેશ ન મળે એ રીતની કિલ્લેબંધી કરી રાખી છે.

પણ ક્યારેક એવો તબક્કો આવે છે, જ્યારે સ્વભાવ પર બાઝેલાં તમામ પ્રદૂષણો ધોવાઈ જાય છે. દુનિયાનાં ડહાપણો અને જગતની વ્યવહારુ વાતો કેટલી ખોટી, જુઠ્ઠી તથા બનાવટી છે એની ખાતરી થઈ જાય છે. જૂનું ઘર ખાલી કરવાનું એક્માત્ર કારણ નવું ઘર વસાવવાનું છે. આ વસવાટ મળે એટલે જ કશુંક છોડી દેવાનું હોય છે. વેદનાના ખાબોચિયામાં ઠંડક મળતી હોય તોય એમાં ભેંસની જેમ પડ્યા રહેવાનું ના હોય.

દોડતા તોખારની પીઠ પરનું પ્રસ્વેદ બિંદુ સમગ્ર ખાબોચિયાની જળરાશિ કરતાં અનેકગણું મૂલ્યવાન છે. નકશો અગત્યનો છે. નકશા કરતાં વધુ અગત્યનો છે અંતિમ પડાવ પર પહોંચી ગયાનો અનુભવ. લોકો કદાચ તમારા આ પડાવને નહીં જુએ. અહીં સુધી પહોંચીને તમે ત્યજી દીધેલા નકશાની ગેરહાજરીની જ નોંધ લીધા કરશે. ઠીક છે, પણ તમે તો, કવિએ જ્યાં પૂરું કર્યું ત્યાંથી શરુ કરો. એક કાવ્ય લખો : ‘નવું ઘર વસાવતાં…’

આ લેખ તમને ગમ્યો ? તો ’બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘પ્રિય જિંદગી ’ પુસ્તકમાં પ્રગટ થયો .

1 comment for “જૂનું ઘર ખાલી કરતાં

  1. July 5, 2009 at 3:30 AM

    જૂનું ઘર ખાલી કરી નવું ઘર વસાવવા સુધીની યાત્રા સુખદ રહી. Very Positive.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *