બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના બાકીના બે લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથીDSC02923 ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)

કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના પહેલા પાને તા. ૧૩-૧૨-૧૯૯૨ના રોજ વર્ષા વેંકટેશ અને પૂનમ નારંગ નામની છોકરીઓએ લખેલો પત્ર છપાયો. તંત્રી સી.આર. ઈરાનીને ખુશખુશાલ કરી દેનારા આ પત્રમાં લાલ કૃષ્ણ આડવાણીને સંબોધીને કહેવાયું હતું :‘ ડિયર મિસ્ટર અડવાણી, તમારા આવેશમય હિન્દુત્વે રાષ્ટ્રના રહ્યા સહ્યા હિન્દુઈઝમના છેલ્લા અવશેષો પણ ધોઈ કાઢ્યા છે… તમારે કારણે આજે કોઈ હિન્દુ શરમનો માર્યો માથું ઊંચું કરી શકે એમ નથી …. ચારસો વર્ષ જુનું ઐતિહાસિક સ્મારક તોડી પાડીને તમને શું મળ્યું ?… એ રામની જન્મભૂમિ છે તેથી શું થઈ ગયું ? … ત્યાં હજારો વર્ષ પહેલાં (એમ જ ) મંદિર હતું તેથી શું થઈ ગયું? ત્યાં રામની મૂર્તિ તો હતી જ ને ? અને એની પૂજા પણ થતી હતી જ ને? …. મિસ્ટર અડવાણી, તમારું હિન્દુત્વ ગંદા પોલિટિક્સમાંથી ગંધાય છે… વિદ્યાર્થીજગત તમને ક્યારેય માફ નહીં કરે. અમને ડેમોક્રેટિક સેક્યુલર, સોશિયલિસ્ટ રાષ્ટ્રના નાગરિક હોવાનું ગૌરવ છે. યસ સર. સેક્યુલર. સેક્યુલરિઝમ અમારા અસ્તિત્વનો એક ભાગ છે… તમારી આજને ખાતર તમે અમારી આવતીકાલ રોળી નાખવાની ધૃષ્ટતા કરી છે…આ હક્ક તમને કોણે આપ્યો, મિસ્ટર અડવાણી ? તમારી પાસે અમારા માટે કોઈ જવાબ છે ?’

‘સ્ટેટ્સમેન’ના અનેક વાચકો પાસે આનો જવાબ હતો. આ પત્ર પ્રગટ થયાના ચાર દિવસ બાદ, ૧૭ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ દેબુ ચૌધરી નામના એક વાચકે પત્ર લખીને કહ્યું : ‘મને લાગે છે કે મારી પાસે વર્ષા વેંકટેશ અને પૂનમ નારંગ માટે જવાબ છે… ૧૯૪૬માં જ્યારે હું આ બન્નેની ઉંમરનો હતો ત્યારેઅ મેં પણ એમની જેમ જ સેક્યુલર – ડેમોક્રેટિક અને સોશિયલિસ્ટ ભારતનું સ્વપ્ન જોયું હતું. પણ ૧૯૪૭ મેં જે જોયું તે આ છોકરીઓ સ્વપ્નમાં પણ નહીં જોઈ શકે. મેં જોયું હતું કે અમારા સેક્યુલર નેતાઓએ, નહેરુ સહિતના નેતાઓએ, ભારતના ભાગલા થવા દીધા. દેશની આઝાદી પછી આપણા સેક્યુલર ડેમોક્રેટિક બંધારણે આકાર લીધો, જેમાં બિન-મુસ્લિમ સેક્યુલરો માટે એક કાયદાઓ હતા અને મુસ્લિમો માટે જુદા. મુસ્લિમો માટે ચાર પત્નીઓ હતી, બાકીનાઓ માટે એક. ખરા ભારતીયો માટે કોઈ કાયદાઓ નહોતા… અને આ રીતે જ આખી પેઢી ઊછરીને મોટી થઈ, જે પેઢીમાં સિંધ છોડી શરણાર્થી બનીને ભારત ચાલ્યો આવેલો લાલ કૃષ્ણ અડવાણી નામનો એક માણસ પણ હતો … આ છોકરીઓ જેમ જેમ મોટી થતી જ્શે તેમ તેમ એમને સમજાતું જશે કે આ દેશમાં તમારી ન્યુસ ન્સ વેલ્યુ જેટલી વધારે એટલી જ તમારી મહત્તા વધારે. એમને સમજાશે કે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મનો ઉદય થયો અને હિંસક માર્ગે એનો પ્રસાર થયો અને અંગ્રેજી ભાષાના સૌથી દંભી શબ્દ ‘સેક્યુલર ’નો જન્મ થયો એના કેટલાય કાળ પહેલાં હિન્દુત્વની પવિત્ર સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી.’ બુઝુર્ગ દેબુ ચૌધરીના પત્રની સાથોસાથ અમિતા રાય, આર. કૃષ્ણા અને એ. બોઝના પત્રો પણ છ્પાયા હતા. જેમાં ‘સ્ટેટ્સમેન’ના તંત્રીનાં છોડિયાં ફાડી નાખવામાં આવ્યાં. ૨૮ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ જે.કે. બસુએ આ પત્રોના અનુસંધાનમાં ઉમેર્યું : ‘બે અજાણી છોકરીઓના પત્રને ‘ભારતના ભવિષ્યના અવાજ’માં ખપાવીને એને પહેલે પાને છાપવાનું કૃત્ય અનૈતિક છે. દેશની બહુમતી પ્રજા જ્યારે આવા સેક્યુલરિઝમની વિરુદ્ધમાં હોય ત્યારે ફાસીવાદી શાસનતંત્ર દ્વરા કે પછી તળિયા વિનાના લોટા જેવા (પ્લાયેબલ) અખબારો દ્વારા આવી વાતો આ પ્રજાના ગળામાં ઠાંસી ન શકાય. ’

વાચકોના પત્રોના વિભાગનો કેટલાકે દુરુપયોગ પણ કર્યો. ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ના તંત્રી દિલીપ પાડગાંવકરે ૧૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ ડરતાં ડરતાં એક નાનકડો પીસ મુસ્લિમોને બે હળવી ટપલી મારતો લખ્યો હતો. હસમુખ ગાંધીની ભાષામાં પાડગાંવકરે મુસ્લિમોને લવિંગ કેરી લાકડીએ ફટકારવાનું નક્કી કર્યું હતું. બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવી ચડેલા મુસ્લિમો પણ અત્યારની પરિસ્થિતિ માટે જવાબદાર છે અને હિન્દુ – મુસ્લિમે ભારતની એક સંસ્કૃતિના છડીદાર બનીને હળીમળીને રહેવું જોઈએ એવું મોળું મોળું, મુસ્લિમોની ટીકારૂપે, પાડગાંવકરે લખ્યું. પણ આટલી અમથી ટપલીથી વિખ્યાત મુસ્લિમ કોમવાદી તથા ધર્મઝનૂની સૈયદ શાહબુદ્દીનનું લોહી ઊકળી ઊઠ્યું. એમણે પાડગાંવકરને લખેલા અને ૨૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ છપાયેલા જડબાતોડ પત્રમાં જણાવ્યું : ‘બાબરી તૂટી એના કરતાંય વધારે દુ:ખ તમારો આ લેખ વાંચીને મને થયું… ભારતીય મુસ્લિમો કોઈકાળે કૉમન સિવિલ કોડ નહીં સ્વીકારે. આવો કાયદો શરિયતની વિરુદ્ધ છે.’ ટપલીના જવાબમાં શાહબુદ્દીનની લપડાક ખાધા પછી તંત્રીશ્રી પાડગાંવકર મુસ્લિમોનું નામ લેવાનું ભૂલી ગયા. એટલું જ નહીં, શાહબુદ્દીનની આડકતરી માફી માગવામાં આવી હોય તેમ ૨ જાન્યુઆરી ૧૯૯૩ ના ‘ટાઈમ્સ’ના ફર્સ્ટ એડિટમાં દર્શન અને નમાજ વિશે નુકચેતીની કરતાં લખાયું,  ‘બાબરી મસ્જિદ તૂટવાને કારણે ઘવાયેલી મુસ્લિમોની લાગણી વાજબી છે… અને દર્શનની છૂટ અપાયા પછી નમાઝ પઢવા જતાં મુસ્લિમોને જો છેલ્લી ઘડીએ સદબુદ્ધિને સૂઝી ન હોત તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જાત… , વાસ્તવમાં તો મુસ્લિમોની ‘સદબુદ્ધિ’ ને કારણે નહીં , પરંતુ સલામતી દળોની બીકને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બચી ગઈ હતી.’

સામાન્ય પ્રજાની એક લાક્ષણિકતા છે કે તે ઈતિહાસને ભૂલી જાય છે. પોતે જેનો એક હિસ્સો હતા એવા નજીકના ભૂતકાળમાં બની ચૂકેલી ઐતિહાસિક ઘટનાઓને પણ લોકો ભૂલી જાય છે. એમને યાદ માત્ર એટલું જ રહે છે જેટલું પ્રચાર માધ્યમોના વિકૃત પડઘમો દ્વારા એમના કાન પાસે વગાડવામાં આવે છે. તમને ગમે કે ન ગમે, સ્યુડો સેક્યુલરવાદીઓ પાસે મજબૂત પ્રચાર માધ્યમો છે.

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *