ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા

લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે.

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ચોથો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના બાકીના ૩ લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)

bharatiya_janata_party_714115ગાડરિયો પ્રવાહ કે લોલેલોલ કરવી જેવા રૂઢિપ્રયોગો ઓછી ભણેલી કે અર્ધ સુધરેલી પ્રજાને ઉતારી પાડવા વપરાતા આવ્યા છે. ગાડરિયા પ્રવાહ પરની મૉનોપોલી હકીકતમાં કોની છે એનો ખ્યાલ ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બર પછી આવ્યો. કોની? અંગ્રેજી પ્રેસની.

રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ બાબરીધ્વંસ જેવી ઘટના માટે શા માટે એકસરખા વિચારો વ્યક્ત કર્યા અને દરેક અંગ્રેજી અખબારના લગભગ દરેક કટારલેખક, લેખલેખક કે અગ્રલેખલેખક શા માટે એકના એક મુદ્દાઓ વિશે એકની એક દલીલોનું પુનરાવર્તન કરતા હશે એવો પ્રશ્ન જાગે ત્યારે એમની ૧૩ ડિસેમ્બર ’૯૨ની આવૃત્તિમાં, બાબરીધ્વંસના બરાબર એક સપ્તાહ પછી છપાયેલા, તંત્રી દિલીપ પાડગાંવકરના આ શબ્દોમાંથી અંગ્રેજી પ્રેસની માનસિકતા શોધવી સહેલી પડશે. ‘વડાપ્રધાન પછી દેશનો સૌથી મોટો, મહત્વનો અને શક્તિશાળી માણસ ટાઈમ્સનો તંત્રી છે’ (સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઑફ ધ કન્ટ્રી- આ શબ્દો પાડ્ગાંવકરના પોતાના જ છે! એક ઇન્ટર્વ્યુમાં એ આવું હાસ્યાસ્પદ વિધાન કરી બેઠેલા!) એવી ભ્રમણામાં સિરિયસલી રાચનારા પાડગાંવકરે લખ્યું હતુ : ‘અંગ્રેજી બોલતો શિષ્ટ શહેરી વર્ગ છેલ્લી એક સદીથી થઈ રહેલા સામાજિક સુધારાઓની બાબતમાં તેમ જ દેશની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન મોખરે રહ્યો છે.’

ખરેખર ? લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને આવા ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. અંગ્રેજી સિવાયની ભાષામાં લખીને કે બોલીને જેઓ પોતાને અભિવ્યક્ત કરે છે કે જેઓ શહેરી જીવ નથી કે જે આ સમાજના છેક ઉપલા સ્તરના નથી કે જેમની ગણના વિશિષ્ટ, સુસંસ્કૃત એવા ભદ્રલોકમાં થતી નથી એવા લોકો પ્રત્યેનો અછૂત વ્યવહાર આ ઇંગ્લિશ સ્પીકિંગ અર્બન એલિટે પહેલેથી જ રાખ્યો છે અને બરાબર આ જ અભિગમ અયોધ્યા ઘટના દરમ્યાનના એમનાં લખાણો તથા વિચારોમાંથી ટપકતો રહ્યો. તેઓ ભૂલી ગયા કે ભારતની ૭૪.૩ ટકા ગ્રામીણ પ્રજામાંથી અંગ્રેજી દૈનિકો કે સામયિકો વાંચનારા કેટલા? એનસીએઇઆરના એક રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ભારતની માત્ર ૨.૦૩ ટકા ગ્રામીણ વસ્તીએ અંગ્રેજી દૈનિકો ક્યારેક ક્યારેક (રિપીટ ક્યારેક ક્યારેક) વાંચ્યા છે. અંગ્રેજી મૅગેઝિનોની બાબતમાં આ ટકાવારી થોડીક વધારે ૩.૮૪ ટકા. (અંગ્રેજી મૅગેઝિનોમાં ફિલ્મી ગોસિપનાં સામયિકો તથા રેસિપી અને મેકઅપ – ભરતગૂંથણની ટિપ્સ આપતાં મહિલા સમયિકો પણ આવી જાય. ) સવાર – સાંજ તંદૂરી ચિકન અને મટન મસાલા ખાનારો માણસ દાળઢોકળીનાં ગુણઅવગુણ વિશે પ્રવચનો ફટકારે ત્યારે એના બોલવામાં કેટલી વિશ્વસનીયતા હોય ? કેટલાને એની વાત પર ભરોસો બેસે ?

બાબરી ઘટના પછી ટાઈમ્સ સહિતનાં રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોએ એવી પરિસ્થિતિ સર્જી કે જો તમે મુસલમાન તરફી હો તો જ સેક્યુલર, બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ ગણાવ. હિન્દુતરફી વાત કરો તો તરત જ તમારે કપાળે કોમવાદનો ડામ દેવામાં આવે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે ભૂતકાળમાં ઇમરજન્સી અને અંતુલેની ઘટનાઓ જેવી ડઝનબંધ બાબતોમાં રાષ્ટ્રનો અવાજ ઓળખ્યો છે, પરંતુ અયોધ્યાની બાબતમાં એક્સપ્રેસે ઊંચા સાદે ગાઈને ટાઈમ્સને કહ્યું હતું કે મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમા…રા. રાષ્ટ્રની મોટાભાગની સમસ્યાઓ સમયે પ્રગતિશીલ વિચારધારા અપનાવતા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની આ ઉજ્જ્વળ પરંપરાનો ભંગ થયેલો જોઈને કેટલાય વાચકોને પોતાનો વિશ્વાસઘાત થયો હોય એવું લાગ્યું હતું. એ વાચકોએ તંત્રી સમક્ષ પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી હતી.

મહાત્મા ગાંધીના ન જન્મેલા વિચારોનો કૉપીરાઈટ પોતાની પાસે હોય એવા અંદાજમાં કોલકાતાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના એડિટર-ઇન-ચીફ સી. આર. ઇરાનીએ લખ્યું હતું : ‘રાષ્ટ્રપિતા આજે હયાત હોત તો એમણે કહ્યું હોત કે મસ્જિદ ફરીથી બાંધવી જ જોઈએ અને બની શકે તો જે હિંદુઓએ તોડી છે એમના દ્વારા જ બંધાવી જોઈએ.’

કોલકાતાના તેજસ્વી દૈનિક ‘સ્ટૅટ્સમેન’માં એ ગાળા દરમ્યાન શચિ સહાય જેવા પ્રતિભાશાળી તંત્રીની વિદાય પછી અખબારી મૅનેજમેન્ટનો અનુભવ ધરાવતા સી. આર. ઇરાની એડિટર – ઈન – ચીફ બન્યા હતા. એમણે સાતમી ડિસેમ્બરે પહેલા પાને પોતાની કૉલમ ‘કૅવિયૅટ’ (પ્રતિરોધ)ના સ્લગ હેઠળના લેખમાં મથાળું બાંધ્યું : ‘સ્વપ્નભંગ’. ( શું કોઈએ એવું સ્વપ્ન જોયું હતું કે ભારત એક ઇસ્લામિક રાષ્ટ્ર બનશે અને અયોધ્યા ઘટના પછી ઈરાનીસાહેબને રિયલાઇઝ થયું કે હવે એ શક્ય નથી ? ). મહાત્મા ગાંધીના ન જન્મેલા વિચારોનો કૉપીરાઈટ પોતાની પાસે હોય એવા અંદાજમાં શ્રીયુત ઇરાનીએ લખ્યું હતું : ‘રાષ્ટ્રપિતા આજે હયાત હોત તો એમણે કહ્યું હોત કે મસ્જિદ ફરીથી બાંધવી જ જોઈએ અને બની શકે તો જે હિંદુઓએ તોડી છે એમના દ્વારા જ બંધાવી જોઈએ.’ મહાત્મા ગાંધીના નામનો આટ્લો બેફામ ઉપયોગ ભારતના કોઈ તંત્રીએ હજુ સુધી કર્યો નહોતો. આ જ રીતે ગાંધીજીનું નામ વાપરવાનું ચાલુ રહ્યું તો કાલ ઊઠીને કોઈ એમ પણ કહેશે કે ૧૯૪૮ ની ત્રીસમી જાન્યુઆરીએ સાંજે બ્લૅક બૅરેટા નંબર ૬૦૬૮૨૪ –પી માંથી ત્રણ ગોળીઓ છૂટ્યા પછી બાપુ ‘હે રામ’ નહીં પણ ‘યા અલ્લા’ બોલ્યા હતા.

બહુ મોડેથી ડહાપણની દાઢ ફૂટતી હોય એમ છેક ચાર અઠવાડિયાં પછી, ૩ જાન્યુઆરી ૧૯૯૩ના રવિવારની આવૃત્તિમાં દિલ્હીના ‘પાયોનિયર’ દૈનિકે હિંદુ વિચારધારાને જસ્ટિફાય કરતાં ભાજપના તે વખતના ઉપપ્રમુખ કે. આર. મલકાનીને ટાંકીને એક લેખમાં કહ્યું : ‘હિંદુ ધર્મના કેટલાંક સંતો – મહંતોએ ભારતીય બંધારણ વિશે થોડાંક વિવાદાસ્પદ વિધાન કર્યાં હશે, પણ એમનું રાજકીય મહત્વ શૂન્ય છે. ભાજપ પ્રજાસતાક રાષ્ટ્રનિર્માણ કરવા માગતો નથી એ વાત સ્પષ્ટ છે એટલે આવું બોલતા સાધુ – સંતોનું કોઈ વજન ભાજપની નીતિ પર પડવાનું નથી.’

‘હિંદુસ્તાન ટાઈમ્સે’  અયોધ્યાની ઘટનાના છેક બાવીસમા દિવસે, ૨૮ ડિસેમ્બરે, લાલકૃષ્ણ અડવાણીનો એક નાનકડો ઇન્ટર્વ્યુ છાપ્યો. જેમાં અડવાણીએ કહ્યું, ‘મુસ્લિમોએ સમજવું જોઈએ કે ભાજપ મુસ્લિમોનો વિરોધ નથી કરતો, પણ મુસ્લિમ પ્રજાનો વૉટ બૅન્ક તરીકે થતા ઉપયોગનો વિરોધ કરે છે.’

‘હિંદુસ્તાન ટાઈમ્સે’ પણ અયોધ્યાની ઘટનાના છેક બાવીસમા દિવસે, ૨૮ ડિસેમ્બરે, પોતાની એડિટોરિયલ નીતિથી વિરુદ્ધ જતો લાલકૃષ્ણ અડવાણીનો એક નાનકડો ઇન્ટર્વ્યુ છાપ્યો. ચંદન મિત્રને આપેલી મુલાકાતમાં અડવાણીએ કહ્યું, ‘મુસ્લિમોએ સમજવું જોઈએ કે ભાજપ મુસ્લિમોનો વિરોધ નથી કરતો, પણ મુસ્લિમ પ્રજાનો વૉટ બૅન્ક તરીકે થતા ઉપયોગનો વિરોધ કરે છે. ધાર્મિક નીતિનિયમોના આધારે સરકાર ચલાવવાની નીતિ ભારતમાં ચાલી શકે જ નહીં અને ૧૯૫૦માં ભારતે જે બંધારણનો સ્વીકાર કર્યો છે તે જ બંધારણના સિદ્ધાંતોને સાનુકૂળ હોય એવી નીતિ વડે આ દેશની સરકાર ચાલી શકે.’

આવા અપવાદો જૂજ હતા. ભાજપના ખભા પરનું હિન્દુ બકરું વાસ્તવમાં તો કોમવાદી કૂતરું છે એવું વાચકોના મગજમાં ઠસાવતાં રહેવાનો અંગ્રેજી દૈનિકોનો, આ દિવસોમાં, પ્રયત્ન રહ્યો જે આજની તારીખેય ચાલુ છે.

આવાં અંગ્રેજી દૈનિકો સામે રંગ રાખ્યો હતો ‘મુંબઈ સમાચારે’. અગિયારમી ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ તંત્રી જેહાન દારુવાલાની સહી સાથે પ્રગટ થયેલા ફ્રંટ પેજનું ઍડિટનું મથાળું હતું : ‘લઘુમતી કોમે સાચા અર્થમાં રાષ્ટ્રનાં સંતાનો થવાની જરૂર.’ આ જલદ તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું : ‘હિન્દુ રાષ્ટ્રવાદીઓની ધીરજની પણ મર્યાદા છે, સહનશક્તિની પણ હદ હોય છે… જૂના રીતરિવાજમાંથી મુક્ત થઈને રાષ્ટ્રને પ્રગતિને પંથે લઈ જવાનું છે. આ કાર્યમાં જો કોઈ પણ લઘુમતી કોમ પોતાના ધર્મના નામે અવરોધ ઊભા કરે તો કોઈ પણ સરકારે તે ચલાવી લેવું નહીં જોઈએ અને મક્કમતાથી કામ લેવું જોઈએ. આજે દેશમાં સમાનતા અને એકતા માટે સમાન નાગરિક કાનૂન (કૉમન સિવિલ કોડ) લાવવાનો છે. એક જ દેશમાં જુદી જુદી કોમ માટે જુદા જુદા કાયદા હોઈ શકે જ નહીં. ’

‘મુંબઈ સમાચાર’ની આ નીતિ મોટા ભાગના વાચકો માટે આનંદ સમાન (તો  કેટલાકના માટે આશ્ચર્ય સમાન  પણ) હતી. વાચકોના અભિનંદનપત્રોથી તે વખતે ‘મુંબઈ સમાચાર’નું એડિટ પેજ છલકાઈ ગયું હતું. રાજકોટમાં ‘ફૂલછાબ’ના તે વખતના તંત્રી હરસુખ સાંઘાણીએ આ તંત્રીલેખના કેટલાક અંશનું પુનર્મુદ્રણ કર્યું તો ત્યાંના વાચકો પણ સાંઘાણીસાહેબને અભિનંદન આપવા લાગ્યા હતા. મુંબઈના ચુસ્ત બિનસાંપ્રદાયિક સાંધ્ય દૈનિક ‘આફ્ટરનૂન’ના તંત્રી બહેરામ કૉન્ટ્રાક્ટરે પણ આખા તંત્રીલેખનો અંગ્રેજી તરજૂમો એમના એડિટ પેજ પર અતિથિ કોલમ તરીકે છાપ્યો હતો. જો કે , ગોધરાકાંડ પછી ‘મુંબઈ સમાચાર’ની કૉલમોમાં સેક્યુલર ઝનૂનીઓ દ્વારા હિન્દુદ્વેષ અને મુસ્લિમવહાલ છલકાયું હતું.

ભારતનું સદ્ ભાગ્ય છે કે આ દેશ પર કોણ રાજ કરશે એનો નિર્ણય કરતી હિન્દુસ્તાનની ૭૫ ટકા ગ્રામીણ પ્રજામાંના ૯૭.૯૭ ટકા લોકો અંગ્રેજી અખબારો અને સેક્યુલરવાદી ભાષાકીય છાપાં નથી વાંચતા.

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.

2 comments for “ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?

  1. krishnkant nevaniya
    July 3, 2009 at 3:59 PM

    સૌરભભાઇ, આપના આ લેખનાં વખાણ કરું એટલાં ઓછા છે.
    કેમ કે જ્યાં સુધી હિન્દુ પોતે પોતાનો દુશ્મન રહેશે ત્યાં સુધી હિન્દુ નુ હિત જોખમમાં જ છે.

  2. July 4, 2009 at 10:39 AM

    દંભી બિનસામ્પ્રદયિકતા ભાજપી નેતાઓમાં પણ ભરેલી છે. લઘુમતિ મતો મેળવવા તેઓ બહુમતિ હિન્દુની અવગણના કરી રહ્યા છે. ૫રિણામ ૨૦૦૯ની ચુટણીમાં મળી ગયું છે. પણ હજુ સુધરવાનું નામ લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *