બહુ બિઝી છો, આજકાલ?

જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે,જે ખરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું ગમતું હોય છે.

કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ગમે. આજકાલ શ્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને કહીએ છીએ ત્યારે કોઈકને મળવા નથી માગતા એવું નથી, આપણે પોતાને જ મળવા માગતા નથી. જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે, જે ખરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનુ ગમતું હોય છે. આ પણ એક પ્રકારનો પલાયન છે. ઍપોઇન્ટમેન્ટ ડાયરી ભરચક કરી નાખવાથી કોઈ સમસ્યા સૂલઝી જતી નથી.

દિવસરાત કામ કરતાં રહેવાથી કે આખો  દિવસ ભાગદોડ કરી મૂકવાથી નક્કી કરેલું લક્ષ્ય નજીક આવી જશે એવી ભ્રમણા થાય છે.

દિવસરાત કામ કરતાં રહેવાથી કે આખો  દિવસ ભાગદોડ કરી મૂકવાથી નક્કી કરેલું લક્ષ્ય નજીક આવી જશે એવી ભ્રમણા થાય છે. દિવસની શરૂઆત જ એક્સલરેટર પર પગ દબાવીને થાય છે: અરે બાપરે, આજે બહુ મોડું થઇ ગયું- ઊઠતાંની સાથે જ ઘડિયાળ તરફ જોતાં મોંમાંથી ઉદ્‍ગાર સરી પડે છે અને પછી? બધું તાબડતોબ. ચા, છાપું, બાથરૂમ, કપડાં, નાસ્તો અને બૅગ ભરીને સીધા ઑફિસની દિશામાં દોડવાનું. ઑફિસમાં ફોન પર કોઈક બે-પાંચ મિનિટ શાંતિથી તમારી સાથે તમારા વ્યયસાય સિવાયની વાત કરવાની ઈચ્છા ધરાવતું હોય ત્યારે- હમણાં ખૂબ કામમાં છું, એક કામ કરીએ,આપણે શાંતિથી મળીએ ક્યારેક- કહીને તમે એમને ટાળો છો. પાકી ખબર છે કે નજીકના ભવિષ્યમાં તમે એમને મળવાની બિલકુલ ઈચ્છા ધરાવતા નથી. જોકે, પેલી વ્યકિત પણ પોતાના કલાકો ખર્ચીને તમને મળવા નથી માગતી, માત્ર તમારી બે-પાંચ મિનિટ જ જોઈતી હતી એને. આજે અને અત્યારે જ, પણ કામનું સખત દબાણહોવાના બહાના હેઠળ એટલી મિનિટો પણ તમે નથી આપતા.

ઑફિસમાં બધું જ ઝડપથી થવું જોઈએ. પેલી ફાઈલ હમણાંને હમણાં જોઈએ. આ ફોન કેમ નથી લાગતો. ચાવાળાને આવતાં આટલી વાર કેમ લાગી- બદલી નાખો એને. કેટલું બદલીશું? ક્યાં સુધી બદલતાં રહીશું?

ઑફિસમાં બધું જ ઝડપથી થવું જોઈએ. પેલી ફાઈલ હમણાંને હમણાં જોઈએ. આ ફોન કેમ નથી લાગતો. ચાવાળાને આવતાં આટલી વાર કેમ લાગી- બદલી નાખો એને. કેટલું બદલીશું? ક્યાં સુધી બદલતાં રહીશું?

ઑફિસમાં બધું જ ઝડપથી થવું જોઈએ. પેલી ફાઈલ હમણાંને હમણાં જોઈએ. આ ફોન કેમ નથી લાગતો. ચાવાળાને આવતાં આટલી વાર કેમ લાગી- બદલી નાખો એને. કેટલું બદલીશું? ક્યાં સુધી બદલતાં રહીશું? ફૉર અ ચેંજ, જાતને જ થોડીક બદલવાનું નક્કી કરીએ.

આળસનો વિકલ્પ ગળાડૂબ કામ કે ઝડપની તીવ્રતા નથી. આખો દહાડો કામ વિના બેસી રહેવું એટલે પોતાનામાં રહેલી શકિતઓનો અનાદર કરવો. આવું કરવામાં માણસ પોતે જ પોતાની નજરમાંથી ઉતરી જાય છે, પણ કામ કરતી વખતે ઘડીભરની ફુરસદ ન મળે એ વળી શું? આઠ – આઠ કલાક સુધી સ્પીડોમીટરનો કાંટો ૧૧૦-૧૨૦ વચ્ચે ધ્રુજ્યા કરે એવી ઝડપ રાખીને ક્યાં જવાનું? જીવનમાં ટાળી શકાય એવા અકસ્માતો દરેક કામની સ્પીડને નૉર્મલ કર્યા પછી જ ટાળી શકાતા હોય છે. મગજમાં એક સાથે ચાર ટ્રેક પર પૂર ઝડપે ટ્રાફિક દોડી રહયો હોય એવી લાગણી ઉદ્‍ભવે ત્યારે જરાક થોભીને ઊંડો શ્વાસ લઈને વિચારી શકાય કે આ બધી દોડધામ જરૂરી ખરી? દોડધામ વિના આ જ કામ થઈ શકે? કદાચ વધારે સારી રીતે થઈ શકે.બધાને સંતોષ આપીને થઈ શકે. બિન જરૂરી ગતિને કાબૂમાં લઈને સૌથી મોટો સંતોષ પોતાની જાતને આપી શકાય છે.

દિવસનો એક-એક કલાક પૂર્વનિર્ધારિત કામ પાછળ ખર્ચી નાખવો જરૂરી નથી. ચોવીસ કલાકમાં વચ્ચે અલ્પવિરામ જેવા ગાળા આવ્યા કરવા જોઈએ, જેમાં કશું જ અગાઉથી નક્કી કરેલું કરવાનું નથી હોતું. જાતે જ ઉભું કરેલું કામનું દબાણ જાતે જ ઓછું કરી શકાય. થોડા સમયમાં ખૂબ બધું કામ કરી નાખવાનો સ્વભાવ માણસને ઝડપથી નિચોવી નાખે છે, ખાલી કરી નાખે છે. વચ્ચે આવતા અલ્પવિરામને કારણે સતત અંદર કશુંક ઠલવાતું રહેશે. આવા સતત અને નક્કર ઈનપુટ વિના એક વખત એવો આવશે, જ્યારે કશું જ આઉટપુટ નહી મળે અને જો મળશે તો તે ફિક્કું અને મૂલ્યવિહીન હશે.

કયારેક પોતાના નહીં, બીજાનાં કામ માથે લઈને બિઝી થઈ જવાનું ગમે છે. કેટલાક લોકો ગામ આખાના રામણદીવા હાથમાં લઈને ફરે છે. બડા ઉત્સાહથી આજુબાજુની ડઝનબંધ વ્યકિતઓનાં નાનાંમોટાં કામ ચોક્સાઈપૂર્વક કરી આપે છે. બદલામાં મળતી શાબાશીઓથી એમનું પેટ ભરાઈ જાય છે. પોતે કેટલી બધી વ્યકિતઓને ઉપયોગી થઈ રહ્યો છે એવો સંતોષ મેળવવાનો એમને નશો થઈ જાય છે. બીજા લોકોને આવા માણસોનું ઝાઝું મૂલ્ય હોતું નથી. નવરો છે એટલે કરી જ આપે ને અમારું કામ એવું વિચારીને તેઓ ઉપરછલ્લા શબ્દોથી એની કદર કરે છે.આવા લોકો પોતે બીજાઓ માટે બહુ ઉપયોગી છે એવા ભ્રમમાંથી ત્યારે જ બહાર આવે છે, જ્યારે પોતાને બીજાઓનું કામ પડે અને આસપાસનાં બધા જ માણસો એક યા બીજું બહાનું કાઢીને છટકી જાય. આવું ભ્રમનિરસન થયા પછી સર્જાતી કડવાશનો સ્વાદ જિંદગીભર જીભ પર રહે છે.

બીજાનાં કે પોતાનાં કામમાંથી ફુરસદ નથી મળતી એવું લાગે ત્યારે ચેતી જવાનું હોય. કામ અનિવાર્ય છે તો ફુરસદ પણ કોઈ રસ્તામાં પડેલી ચીજ નથી. એ તો એક દુર્લભ જણસ છે. જેની પાસે ફુરસદ જ ફુરસદ હોય એવો કામગરો માણસ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત ગણાવો જોઈએ. તમે જોયું હશે કે જે માણસ કશું જ કામ કરતો નથી એ હંમેશા ફરિયાદ કરતો રહે છે કે ફુરસદ નથી, પણ જે માણસ નિયમિત અને આયોજનબદ્ધ રહીને ખૂબ કામ કરે છે એ ધારે ત્યારે ફુરસદનો સમય કાઢી શકે છે.

ફુરસદ અથવા નિરાંત એટલે સમયની મોકળાશ એવું મનાય છે. પણ નિરાંત એટલે વાસ્તવમાં મનની મોકળાશ. હાથમાં ગમે એટલો ફાજલ સમય હોય છતાં નિરાંત ન અનુભવતા હો એવું બને. દિવસો અને અઠવાડિયાંઓ સુધી ચોવીસ કલાક કામમાં રહો, દોડધામ કરતા રહો અને એકસાથે પાંચ અલગ અલગ કામ હાથમાં લઈને દરેકની ડેડલાઈનને પહોંચી વળવાની કોશિશ કરતા હો છતાં મનમાં એવું વાતાવરણ જાળવી રાખી શકાય છે કે તમારી પાસે ફુરસદ છે.

ગાલિબના મિસરા પરથી ગુલઝારે લખેલી ગઝલ જેવી રાતદિવસની ફુરસદ દિલ ઢૂંઢવા નીકળે છે, પણ મળતી નથી. કામની જેમ આરામને મુલતવી રાખવામાં પણ  જોખમ છે. શારીરિક વ્યસ્તતા દરમિયાન કદાચ શરીરને પૂરતો આરામ ન આપી શકાય, મનને જરૂર નિરાંત આપી શકાય.

એ માટે સૌથી પહેલાં ઉચાટને વિદાય આપવી પડે. કશુંક કામ બાકી હોય અને તે નહીં થાય તો શું થશે એવો ધ્રાસકો દિલમાં પડે તો એને તાર્કિક વિચારો દ્વારા પાછો વાળી દેવો પડે. કામની બાબતમાં તમને પોતાને ખાતરી હોય કે તમારામાં પૂરેપૂરી કાર્યનિષ્ઠા છે, સિન્સિયારિટી છે તો પછી કામ પૂરું થવાની બાબતમાં ઉચાટ રાખવાની જરૂર હોતી નથી.

એકાદ ટકો કામ એવાં હોય હોય, જેને પૂરાં કરવામાં બે મિનિટનોય વિલંબ કરો તો ઊથલપાથલ મચી જાય બાકીનાં મોટા ભાગનાં કામ પૂરાં કરવાની સમય મર્યાદામાં કોઈ નિશ્ચિત ડેડલાઈન જેવી ચોક્કસ પાતળી રેખા નથી હોતી કે તમે કહી શકો કે ઘડિયાળનો કાંટો બાર પરથી ખસ્યો કે તરત જ તમારું અત્યાર સુધીનું નહીં કરેલું કામ હવે તમે કરવા બેસશો તો પણ એનો કોઈ અર્થ નહીં સરે. નવ્‍વાણું ટકા કામ માટે ડેડલાઈન નહીં પણ એક ચોક્કસ સમયગાળો, ડેડઝોન હોય છે. ડેડઝોન દરમિયાનના સર્જનાત્મક દબાણ હેઠળ કામ કરવાની મઝા જબરજસ્ત હોય છે. તમને ખબર છે કે તમારે આ સમયપ્રદેશને કેટલા કલાક, દિવસ કે મહિનામાં પાર કરવાનો છે. કામ કરવા પડનારા વિચારનું સ્પીડોમીટર તમને એકસોએંશીની સ્પીડ બતાવે છે, છતાં તમે આજુબાજુ દેખાતાં મનોહર દ્રશ્યો જેવું વાતાવરણ મનમાં સર્જીને નિરાંત મનના, ફુરસદ જ ફુરસદ જેની પાસે હોય એવા, હલવાફુલ બની શકો છો.

જેમને એકસાથે અનેક કામ કરવાની ટેવ નથી પડી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે છે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા તથા અંધાધૂધીમાં આવે છે.

જેમને એકસાથે અનેક કામ કરવાની ટેવ નથી પડી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે છે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા તથા અંધાધૂધીમાં આવે છે.

જેમને એકસાથે અનેક કામ કરવાની ટેવ નથી પડી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે છે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા તથા અંધાધૂધીમાં આવે છે. જે કામ માટે ઉતાવળ કે અધીરાઈ થઈ રહી છે એ કામ નહીં થયું તો ખરાબમાં ખરાબ પરિણામ શું આવી શકે એમ છે એવો વિચાર કરી લેવાથી સમયની મોકળાશ ન હોય ત્યારે પણ માનસિક મોકળાશ નામે નિરાંત જન્મતી હોય છે. સમય સાથે મારામારી કરીને કોઈ પણ ભોગે બધું જ કામ પૂરું કરી નાખવાની ઉતાવળને કારણે જે ઉદ્વેગ સર્જાય છે તેને કારણે માણસની વર્તણૂકમાં તોછડાઈ અથવા ઉચ્છ્રંખલતા આવી જતાં હોય છે, જેને કારણે સામેની વ્યક્તિ તમને ન તો તમારા કામમાં સહકાર આપે છે, ન નક્કર પ્રકારની સહાનુભૂતિ આ પી શકે છે. ઊલટાનું જેની સાથે આવી વર્તણૂક કરવામાં આવે છે એ વ્યક્તિ અસહકારી બનવા ઉપરાંત વધુ જક્કી બની જાય છે, ક્યારેક ક્રોધિત પણ થઈ જાય છે. આમાં નુકસાન બીજાને નહીં , પોતાને જ થાય છે.

ક્યારેય નિરાંત ન અનુભવતા લોકોને પોતાની એક એક સેકન્ડનું મહત્વ દેશના વડાપ્રધાની એક સેકન્ડ જેટલું લાગતું હોય છે, સહેજ પણ ઓછું નહીં. ઘણાને બીજાઓની સામે પોતાની મહત્તા સિદ્ધ કરવા પોતે કામમાં ગળાડૂબ છે એવો અહેસાસ કરાવવો પડે છે. સમય તો દરેકનો કિંમતી છે. જેમની ઍપોઈન્ટમેન્ટ ડાયરીમાં દિવસની દરેક મિનિટનું પ્લાનિંગ હોય એવી, પીએમ જેવી, હસ્તીઓથી માંડીને જેમને સૂર્યોદય કે સૂર્યાસ્તની પણ પરવા નથી એવા, હિમાલયમાં યોગસાધના કરવા જતા રહેતા સાધુઓ સુધીની દરેકેદરેક વ્યક્તિનો સમય કિંમતી છે. સવાલ એ છે કે માણસની પાસે સમયની મોકળાશ ન હોય તે છતાં એને મનની મોકળાશ મેળવી લેતાં આવડે છે કે નહીં.

ઘણા માણસો સાંજે સમયની નિરાંત કાઢીને તમને મળ્યા હોય તો પણ આવ્યા પછી ખબરઅંતર પૂછવાને બદલે તરત સવાલ કરે કે ક્યાં પીવા જવું છે ? પીવાનું હજુ શરૂ પણ ન કર્યું હોય ત્યાં મેનુ મગાવીને પૂછે કે શું જમીશું. જમવાનું હજુ માંડ આવ્યું હોય ત્યાં પૂછે કે આઈસ્ક્રીમ ખાવા ક્યાં જઈશું. આઈસ્ક્રીમ હજુ તો હાથમાં હોય ને કહે ચાલો, ચાલો સિનેમાનો શો શરૂ થઈ જશે. પિક્ચરની હજુ ક્લાઈમેક્સની રિલ શરૂ થઈ હોય ત્યાં જ પાટલૂનના ગજવામાંથી ગાડીની ચાવી કાઢીને સીટ છોડવા તૈયાર થઈ જાય. આવા લોકો રાત્રે થિયેટરમાંથી ઘરે પાછા ફરતાં હોય અને તમે એમની સાથે હો તો પણ પોતે મનોમન વિચાર્યા કરતા હોય કે આવતી કાલની ઍપોઈન્ટમેન્ટ કઈ કઈ છે અને એમની ગાડીની ડૅકમાં ઘૂસીને ભૂપિન્દર ગાતા હોય : દિલ ઢૂંઢતા હૈ ફિર વો હી ફુર્સત કે રાત દિન : બૈઠે રહેં તસવ્વૂર- એ જાના કિયે હુએ… !

આ લેખ તમને ગમ્યો ? તો ’બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘મનની બાયપાસ સર્જરી’ પુસ્તકમાં પ્રગટ થયો .)

4 comments for “બહુ બિઝી છો, આજકાલ?

 1. Jitu
  July 2, 2009 at 9:30 PM

  તમને મારા વિશે આટ્લી ખબર કેવી રીતે પડી !

  અરીસામાં મારો અંશ જોતો હોઉં એવું લાગ્યું.

 2. July 3, 2009 at 5:11 AM

  સરસ ચિંતનકણિકા. આજકાલ મોટાભાગના શહેરીઓને લાગુ પડતી વાત.

  પી. એમ. થી માંડી હિમાલયના યોગી સુધી દરેકેદરેકનો સમય મૂલયવાન છે છતાં સમયની સાઠમારી વચ્ચે મનની મોકળાશ કાઢવી એ મહત્વની અને અઘરી વાત છે.

 3. July 4, 2009 at 10:55 AM

  જ્યાં ચાહ છે, ત્યાં ચોક્કસ રાહ છે… ગમતી પ્રવૃત્તિ માટે ચોક્કસ સમય કાઢી જ શકાય…

 4. August 18, 2010 at 1:53 AM

  અગત્યની વાત પંચમભાઇએ કહ્યું તેમ મનની મોકળાશ છે..ખૂબ સરસ લેખ…તમારી શૈલીમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *